અમદાવાદથી એક નાનીસરખી ટ્રીપ કરવી હોય તો તેની વિગતો અહીં આપું છું. ફોટા પણ મૂક્યા છે.
અડાલજ વાવ, ત્રિમંદિર અને વૈષ્ણોદેવી
આ ત્રણ જગાઓ એકબીજાની નજીક છે. અડધા દિવસમાં ત્રણે સ્થળો જોવાઈ જાય. અમદાવાદથી બપોર પછી નીકળો, તો સાંજ સુધીમાં ઘેર આવી જવાય. પહેલાં અડાલજની વાવ, પછી ત્રિમંદિર અને પાછા વળતાં વૈષ્ણોદેવી જુઓ, કે જેથી વૈષ્ણોદેવીની સાંજની આરતીનાં દર્શન કરવા મળે. પછી ત્યાં ખાવાનું પતાવીને ઘેર જવાય.
(૧) અડાલજની વાવ: આ વાવ તેના સ્થાપત્ય માટે ખાસ જાણીતી છે. રાણી રુડાબાઈએ તે ઈ.સ. ૧૪૯૯માં બંધાવી હતી. તે જમીનથી પાંચ માળ જેટલી ઉંડી છે. દીવાલો પરની કોતરણી અદ્ભુત છે. અંદર ઉતરવા માટે પગથિયાં છે. ઉતરીને છેક નીચે સુધી જઈ શકાય છે. અંદર બહુ ઠંડક લાગે છે. બહુ લોકો આ વાવ જોવા આવે છે. ભારતીય પુરાતત્વ ખાતું આ વાવની સંભાળ રાખે છે.
સરનામું: આ વાવ અમદાવાદથી ૧૮ કી.મી. દૂર એસ.જી. હાઈવે પરના અડાલજ ગામમાં આવેલી છે.
જોવાનો સમય: સવારના ૮ થી સાંજના ૬ સુધી.
(૨) ત્રિમંદિર: આ મંદિરને દાદા ભગવાનનું મંદિર પણ કહે છે. દાદા ભગવાન માનતા હતા કે દુનિયામાં શાંતિ સ્થાપવા માટે બધા ધર્મોને એક સાથે સાંકળવા જોઈએ. ત્રિમંદિરમાં મુખ્ય ત્રણ ધર્મ – જૈનોના સીમંધર સ્વામી, વૈષ્ણવોના કૃષ્ણ અને શિવપંથીઓના શિવ – નાં મંદિરો છે. બીજાં પણ છે. બધાં મંદિરો પહેલા માળ પર છે. નીચે સત્સંગ હોલ, મ્યુઝીયમ, થીયેટર, પુસ્તક ભંડાર અને ચાનાસ્તાનો સ્ટોલ છે.
સરનામું: ત્રિમંદિર અડાલજથી એકાદ કી.મી. દૂર મહેસાણા જવાના રોડ પર છે.
ફોન નં: ૦૭૯ ૩૯૮૩ ૦૧૦૦
સમય: સવારના ૫-૩૦ થી સાંજના ૯-૩૦ સુધી.
ખાવાનું: ત્રિમંદિરની ભોજનશાળામાં મળે છે.
રહેવાનું: રાત રહેવાની વ્યવસ્થા છે.
(૩) વૈષ્ણોદેવી મંદિર: જમ્મુની નજીક આવેલા અસલી વૈષ્ણોદેવીની પ્રતિકૃતિ જેવું મંદિર અહીં બનાવ્યું છે. અહીં ખડકોની એક કૃત્રિમ ટેકરી બનાવીને તેની ટોચે વૈષ્ણોદેવી મંદિરની સ્થાપના કરી છે. ઉપર ચડવા માટે વાંકોચૂકો રસ્તો બનાવ્યો છે. ઉપરથી આજુબાજુનું દ્રશ્ય બહુ જ સરસ લાગે છે. સાંજની આરતીનાં દર્શન વખતે બહુ આનંદ આવે છે.
સરનામું: અમદાવાદથી આશરે દસેક કી.મી. દૂર એસ.જી. હાઈવે પર આવેલું છે.
ખાવાનું: નીચે પ્રવેશદ્વાર આગળ મળે છે.
તસ્વીરો: ફોટા ૧ થી ૪ અડાલજની વાવના છે. ફોટા ૫ અને ૬ ત્રિમંદિરના છે. છેલ્લો ફોટો વૈષ્ણોદેવીનો છે.