વાંચનયાત્રા

વાંચનયાત્રા

ઘણા લોકોને વાંચવાનો શોખ હોય છે. સારાં પુસ્તકો વાંચવાથી જ્ઞાનમાં વધારો થાય છે, અને એકલતા ક્યારે ય સાલતી નથી. મારી વાત કરું. વાંચવાની ટેવ મને નાનપણથી જ પડેલી. હું ગામડામાં ઉછરીને મોટો થયેલ છું. એસ.એસ.સી. (ધોરણ ૧૧) સુધી હું ગામડામાં જ ગુજરાતી મીડીયમમાં ભણ્યો છું. પછી કોલેજમાં ઈંગ્લીશ મીડીયમ આવ્યું, પણ ગુજરાતી ભાષા પ્રત્યે લાગણી ખૂબ જ રહી છે.

ધોરણ પાંચમા-છઠ્ઠામાં ભણતો હતો, ત્યારની એક વાત કરું. ત્યારે ભણવા સિવાયનાં બીજાં પુસ્તકો કે મેગેઝીનો વિષે કંઈ જ ખબર ન હતી. ગામમાં ત્યારે જે લોકો આગળ ભણેલા હતા, તેઓને એક સરસ વિચાર આવ્યો હશે કે ગામમાં લાયબ્રેરી જેવું કંઇક હોય તો કેવું સારું !  તેઓએ તેમની પાસે પડેલાં પુસ્તકો અને જૂનાં મેગેઝીનો ભેગાં કરી, અમારા જેવાં નાનાં છોકરાં અને થોડા મોટાઓને એકઠા કરી, એ ચોપડીઓ બતાવી અને વાંચવા આપવાનું શરુ કર્યું. મને એક જૂના ‘રમકડું’નો અંક મળ્યો. (ત્યારે ‘રમકડું’ નામનું એક માસિક નીકળતું હતું.) મેં તે વાંચ્યો.એમાં આવતી ‘ઉંટ અને શિયાળ’ જેવી વાર્તા અને આખું ‘રમકડું’ મને ખૂબ ગમ્યું. બસ, પછી તો ત્યાંથી બાળવાર્તાઓની જેટલી ચોપડીઓ મળી, તે બધી એક પછી એક વાંચી નાખી. મારો વાંચવાનો શોખ અહીંથી શરુ થયો.

પછી હાઈસ્કુલમાં આવ્યો. (ત્યારે ધોરણ ૮ થી ૧૧ ને હાઈસ્કુલ કહેવાતી.) હાઈસ્કુલમાં લાયબ્રેરી હતી. હું તેમાંથી ચોપડીઓ લઇ, ફટાફટ વાંચીને પાછી આપતો. લાયબ્રેરી શિક્ષક મારા પર ખુશ હતા. મેં જીવરામ જોશી તથા બીજા બાળલેખકોના નાનાં પુસ્તકોના સેટ વાંચી કાઢ્યા. મિયાં ફૂસકી, તભા ભટ, બકોર પટેલની વાર્તાઓ, ટારઝન અને પરાક્રમભરી વાર્તાઓ, વૈજ્ઞાનિકોની વાતો એવું બધું વાંચવાની બહુ જ મજા પડતી. પછી તો અરેબિયન નાઈટ્સ જેવી બુક્સ પણ વાંચી. વેકેશનમાં મામા-માસીને ગામ જતા, ત્યારે ત્યાંની લાયબ્રેરીમાં પણ બુક્સ વાંચવા મળતી.

એક વાત કહું. ત્યારે ગામમાં ‘લોકસત્તા’ છાપું આવતું, અને કોઈકને ત્યાંથી વાંચવા મળી જતું. મને બધું વાંચીને લખવાનું મન પણ થઇ જતું. એક વાર લોકસત્તામાં એક બાળવાર્તા હરીફાઈ આવી. મેં વાર્તા લખીને મોકલી. અને મારા આશ્ચર્ય વચ્ચે, મારી વાર્તા પસંદ થઇ. મને પાંચ રૂપિયાનું ઇનામ મળ્યું, તે મની ઓર્ડરથી આવેલું.

ધોરણ ૧૦માં આવ્યો ત્યાં સુધીમાં નવલકથાઓમાં સમજણ પડવા માંડી હતી. ત્યારે પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ર.વ. દેસાઈ, ધૂમકેતુ, ક.મા. મુનશી, શિવકુમાર જોશી, નવનીત સેવક જેવા લેખકોની નવલકથાઓ મળતી હતી. ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’માં ત્યારે બહુ સમજણ પડેલી નહિ. ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાઓ મને ખૂબ ગમતી. શિવકુમાર જોશીની વાર્તાઓનો પ્લોટ બહુ જ સરસ રહેતો.

પછી તો કોલેજમાં અમદાવાદમાં ભણવા આવ્યો. અહીં તો પુસ્તકોનો ખજાનો હતો. અહીં નવનીત સમર્પણ, અખંડ આનંદ, ચાંદની, નવચેતન, ચિત્રલેખા, શ્રીરંગ જેવાં મેગેઝીનો અને ઘણાં બધાં છાપાં વાંચવા મળતાં. નવલકથાઓ તો ખરી જ. ઈંગ્લીશ મેગેઝીનો જેવાં કે Science today, Popular science, National Geographic, Reader’s Digest પણ વાંચ્યાં. ભણી રહ્યા પછી અમદાવાદમાં જ સ્થાયી થયો. નોકરીની સાથે વાંચવાનું ચાલુ જ રહ્યું. હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટની નવલકથાઓ વાંચી. ‘સરસ્વતીચંદ્ર’ પણ વાંચી જ.

પછી, જવાબદારીઓ વધતાં, વાંચવામાં થોડો ‘ગેપ’ પડી ગયો. એમાં મેં લખવાનું શરુ કર્યું. ‘લખવા’ની પ્રવૃત્તિની વાત ફરી ક્યારેક કરીશું. હાલ લખવાનું તો ચાલુ જ છે.

૨૦૦૫ની સાલમાં મેં જીતેન્દ્ર અઢિયાનો ‘અર્ધજાગ્રત મન’ અંગેનો એક સેમીનાર એટેન્ડ કર્યો. બહુ જ મજા આવી ગઈ. જીંદગીમાં Motivation નું મહત્વ સમજાયું. પછી તો એ દિશામાં ઘણું વાંચન અને સેમિનારોમાં હાજરી આપી. અઢિયા સાહેબનું પુસ્તક ‘પ્રેરણાનું ઝરણું’ મને ખૂબ ગમી ગયું. મેં તે ખરીદીને વારંવાર વાંચ્યું, અને અમલમાં મૂક્યું. જીવનમાં ધારેલી  ચીજો પ્રાપ્ત કરવા તથા સુખ અને આનંદથી જીવવા અંગે તેમાંથી ઘણી પ્રેરણા મળે છે. સુધા મૂર્તિ, ગીરીશ ગણાત્રા, આઈ. કે. વીજળીવાળાનાં પુસ્તકો પણ ખૂબ જ પ્રેરણાદાયી છે.

ત્યાર બાદ, ડો. શરદ ઠાકરની ‘ડોક્ટરની ડાયરી’ અને રણમાં ખીલ્યું ગુલાબ’ કોલમો વાંચવાનું શરુ કર્યું. તેમની વાર્તાઓ અને રજૂ કરવાની કળા ખૂબ જ સ્પર્શી ગઈ. તેમણે વાર્તાઓમાં સત્ય ઘટનાઓથી વાસ્તવિકતાનો પરિચય કરાવ્યો. તેમની સામાજિક મદદની પ્રવૃતિઓ ખૂબ ગમી ગઈ.

હવે તો ડીજીટલ વાંચનનો જમાનો આવી ગયો છે. સ્વ. શ્રી મૃગેશભાઈની ‘રીડગુજરાતી’ તથા શ્રી જીગ્નેશ અધ્યારુની ‘અક્ષરનાદ’ વેબસાઈટો સારું વાંચન પીરસે છે. સૌરભ શાહ અને જય વસાવડા પણ સારા લેખકો છે.

મિત્રો, મારી વાંચન યાત્રા મેં લખી. વાંચવાનું હજી ચાલુ જ છે, એટલું કે મેં ઈંગ્લીશ સાહિત્ય કંઈ વાંચ્યું નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: