મંદિરોને મળતા દાનનો સદુપયોગ

                       મંદિરોને મળતા દાનનો સદુપયોગ

થોડાં વર્ષો પહેલાં, દક્ષિણ ભારતના કોઈ મંદિરમાં તપાસ કરતાં, તેમાંથી અઢળક ધન, સોનું અને ઝવેરાત મળી આવ્યાં હતાં. ભારતનાં પ્રખ્યાત મોટાં મંદિરોને કરોડો રૂપિયાનું દાન મળે છે, એ તો જાણીતી વાત છે. આવાં મોટાં મંદિરોમાં તિરુપતિ બાલાજી, અમૃતસરનું સુવર્ણ મંદિર, શિરડીનું સાંઈબાબા મંદિર, કેરાલાનું પદ્મનાભસ્વામી મંદિર, સ્વામીનારાયણ અને જૈન મંદિરો વગેરે ગણાવી શકાય. શ્રદ્ધાળુ અને પૈસાપાત્ર લોકો મંદિરોને દાન આપ્યા જ કરે છે.

મંદિરો, આવા દાનમાં મળેલા ધનનું કરે છે શું? અલબત્ત, મંદિરનો વહીવટ કરવામાં અમુક ટકા રકમ વપરાઈ જાય, પણ પછી મોટા ભાગના ધનનો તો સંગ્રહ જ થાય છે. ભારત જેવા દેશમાં આવું અઢળક ધન સંગ્રહાયેલું પડી રહે, એનો કોઈ જ સદુપયોગ ના થાય, એ યોગ્ય લાગે છે ખરું?

મંદિરના વહીવટકર્તાઓ જો આ દિશામાં વિચારે તો તેઓ આ પૈસાનો સદુપયોગ કરી શકે. આ પૈસા ક્યાં વાપરી શકાય, તે જણાવું?

(૧) આ પૈસામાંથી દેશમાં ઘણી સ્કૂલો અને કોલેજો ખોલી શકાય, જ્યાં ગરીબ અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને મફત અથવા મામુલી ફી લઈને ભણાવી શકાય.

(૨) ગરીબ લોકોને હોસ્પિટલનો ખર્ચ પોષાતો નથી હોતો. મંદિરના ધનનો આ માટે ઉપયોગ કરી શકાય.

(૩) મંદિરમાં દરરોજ જમવાની વ્યવસ્થા રાખી શકાય. ગરીબ લોકો ત્યાં આવીને જમી શકે. જો કે ઘણાં મંદિરોમાં આવી વ્યવસ્થા છે જ. જેવાં કે વીરપુરનું જલારામ મંદિર, લીમડી પાસે જાખણનું મંદિર વગેરે.

(૪) ગરીબો માટે સાવ સસ્તા ભાવે, રહેવા માટેનાં મકાન બાંધી શકાય.

(૫) ઘણા નાના ઉદ્યોગો શરુ કરી શકાય, જેમાં જરૂરીયાતમંદોને રોજગારી મળી શકે.

(૬) એવી દુકાનો શરુ કરી શકાય કે જેમાં સાવ સસ્તા ભાવે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી શકે.

(૭) મંદિરના પૈસા સરકારી યોજનાઓમાં પણ રોકી શકાય.

મંદિરના પૈસા આ બધામાં રોકાય તો ભારતમાં ગરીબી રહે ખરી? સમાજના નીચલા વર્ગના લોકોનું જીવન ખૂબ સુખી થઇ જાય. પણ આને માટે જરૂરી છે કે મંદિરો આ દિશામાં વિચારતાં થાય. આવી વિચારણા થાય એ માટેનો માહોલ પણ ઉભો કરવો પડે. જાગૃતિ લાવવી પડે. આવી યોજનાઓમાં ભ્રષ્ટાચાર ના થાય એનું પણ ધ્યાન રાખવું પડે. આપણા હાલના વડાપ્રધાન દેશના વિકાસ માટે ઘણાં પગલાં લઇ રહ્યા છે. મંદિરોના ધનના ઉપયોગ અંગેની બાબત પણ તેમના ધ્યાનમાં હોવાની જ. આપણે આશા રાખીએ કે ક્યારેક આ દિશામાં નક્કર કામ થાય.

 બાળકોને બાળપણ માણવા દો

આજની વાત – પ્રવીણ શાહ

લેખ ૧:

                                                     બાળકોને બાળપણ માણવા દો

અંજના કહે, ‘મારા બિરેનને વેકેશન પડ્યું છે. મેં તો એને  વેકેશનના બીજા જ દિવસે સ્વીમીંગ શીખવાના ક્લાસમાં મૂકી દીધો.’

બકુલા બોલી, ‘અંજના, તેં એ બહુ જ સારું કર્યું. મેં પણ મારા પુનિતને ડ્રોઈંગના ક્લાસ શરુ કરાવી દીધા.’

છાયા કહે, ‘અરે, સ્વીમીંગ કે ડ્રોઈંગથી કંઈ કેરીયર ના બને. મેં તો મારા રવિને ક્રિકેટ શીખવવા માટે પર્સનલ કોચ જ રાખી લીધો.’

અંજના, બકુલા અને છાયા ઉચ્ચ મધ્યમ વર્ગની ગૃહિણીઓ છે. તેમના પતિદેવો ખૂબ સારું કમાય છે. તેમનાં બાળકો, દુનિયામાં ડંકો વગાડી દે, એવું તે ઈચ્છે છે. એટલે નાનપણથી જ તેઓ, બાળકોને જાતજાતના કલાસીસ અને ગમતાં-અણગમતાં ક્ષેત્રોમાં જોતરી રહી છે.

આમાં બાળકોનો ખરેખર વિકાસ થશે ખરો? બાળપણની સાવ નાની ઉંમરમાં તેમના પર કેટકેટલો બોજ આવી રહ્યો છે, તે કોઈ વિચારતું નથી. સ્કુલનું ભણતર, થેલો ભરીને ઉંચકીને સ્કુલે જવાનું, ટ્યુશનના સમયે ટ્યુશનમાં જવાનું, સ્કુલની સાથે માબાપ બીજી પ્રવૃતિઓ કરાવડાવે અને વેકેશન પણ ફ્રી નહિ.

આમાં બાળકનું બાળપણ ક્યાં રહ્યું? સરખેસરખા જોડે ભેગા મળીને રમવાની તક મળે જ નહિ. અમે તો નાના હતા ત્યારે આખું વેકેશન માણવા મળતું. અમે મિત્રો ભેગા થઇ સાતતાળી, થપ્પો, ખોખો જેવી શેરીરમતો રમતા, એકબીજાને ત્યાં જતા, મિત્રોનાં માતાપિતા અમને પ્રેમથી રાખતાં, વેકેશનમાં મામા-માસીને ત્યાં તો અચૂક જવાનું. આ બધો નિર્ભેળ આનંદ આજનાં બાળકોને માણવા મળે છે ખરો? બાળકોને એમની રીતે બાળપણ ભોગવવા મળે છે ખરું?

આ પરિસ્થિતિમાં બદલાવ લાવવો જરૂરી છે. આજે દેખાદેખી અને કોમ્પીટીશન ખૂબ ચાલી રહી છે. ‘પેલાનું બાળક આગળ નીકળી જશે અને મારો છોકરો રહી જશે’ એવી અધીરાઈ અને ભીતિ વધી ગઈ છે. એને બદલે શાંત ચિત્તે, મગજને સમતોલ રાખીને વિચારો, અને બાળકને બાળપણ માણવા દો. તમારો છોકરો કે છોકરી જરા ય પાછળ નહિ રહી જાય. સચિન તેન્ડુલકર, ગૌતમ અદાણી, નરેન્દ્ર મોદી, બીલ ગેટ્સ – આ બધા મહાનુભાવોએ બાળપણ નહોતું માણ્યું એવું નહોતું જ. છતાં તેઓ એમનાં ક્ષેત્રોમાં અવ્વલ નંબરે છે.

બાળક મોટું થઈને, તેનામાં સમજ આવે પછી તે ખીલે છે, વિકસે છે અને ઘણી સારી પ્રગતિ કરી બતાવે છે. હા, એ પણ ખરું કે તેને જે વિષયનો શોખ હોય, જેમાં તેને રસ પડતો હોય તે ક્ષેત્રમાં જ જવા દેજો. પછી જુઓ કમાલ કે તે દુનિયામાં ડંકો વગાડે છે કે નહિ. શોખ અને રસ વિષે ફરી ક્યારેક વાત કરીશું.

સીએટલ અને પોર્ટલેન્ડના પ્રવાસે – ભાગ ૨

                                       સીએટલ અને પોર્ટલેન્ડના પ્રવાસે – ભાગ ૨

સીએટલમાંના અમારા છેલ્લા દિવસે, બપોરે એક રેસ્ટોરન્ટમાં જમી, અમે ગાડી પોર્ટલેન્ડ તરફ લીધી. સીએટલથી પોર્ટલેન્ડ દક્ષિણમાં ૧૭૪ માઈલ દૂર છે. સાંજના છએક વાગે તો પોર્ટલેન્ડ પહોંચી ગયા. હજુ ટાઈમ હતો, એટલે હોટેલ પર જવાને બદલે, ૧૭ માઈલ દૂર આવેલા વિલામેટ ધોધ આગળ ગયા. અહીં વર્ષો પહેલાં, નદીમાં નાનો ચેકડેમ બાંધી, એના પાણીનો  ઉપયોગ લાકડાની મીલ ચલાવવા માટે કરતા હતા. પાણી ડેમ પરથી પડે, ત્યાં ધોધ જેવું લાગે, પણ ખાસ કંઈ આકર્ષક હતું નહિ.

અહીંથી અમે હોટેલ પર પહોંચ્યા. અગાઉથી બુકીંગ કરાવેલ હતું. હોટેલનું નામ Best Western Plus (ઉત્તમ પશ્ચિમી સરવાળો !!) હતું. તે પોર્ટલેન્ડથી ઉત્તરમાં ૧૫ માઈલ દૂર, વેનકુંવર નામના ટાઉનમાં આવેલી હતી. હોટેલની રૂમ સરસ હતી. અહીં હવે ‘અઠે દ્વારકા’ કરીને ૩ દિવસ રહેવાના હતા. થોડો આરામ ફરમાવી અમે જમવા ઉપડ્યા. પોર્ટલેન્ડમાં ઘણાં ઇન્ડીયન રેસ્ટોરન્ટ હતાં, એમાં ‘ બોમ્બે થીયેટર’ રેસ્ટોરન્ટ વિષે સાંભળ્યું હતું. ત્યાં ગયા, અને પરાઠા શાક ખાધું. પરાઠા બહુ જ મસ્ત હતા.

બીજા દિવસે મંગળવાર અને તારીખ ૨૨મી મે. આજે મલ્ટનોમહ નામનો એક જાણીતો ધોધ અને માઉન્ટ હુડ જોવા જવાના હતા. પોર્ટલેન્ડથી તે પૂર્વ દિશામાં ૩૦ માઈલ દૂર છે. વચ્ચે આવતી બીજી જગાઓ જોતા જોતા જવાના હતા. અમે કોલંબિયા નદીને કિનારે કિનારે ચાલ્યા. પહેલાં વિસ્તા હાઉસ આવ્યું. તે, એક ઉંચી ટેકરી પર, બે માળની ગોળાકાર કોઠી જેવું મકાન છે. ઉપરથી નદીનો વ્યૂ બહુ સરસ દેખાય છે.

આગળ જતાં લટુરેલ ધોધ આવ્યો. પાંચેક મિનીટ જેટલું ઢાળમાં નીચે ઉતરી, ધોધની બિલકુલ સામે પહોંચ્યા. ધોધ ૨૪૯ ફૂટ ઉંચાઈએથી પડે છે. દેખાવ બહુ જ સરસ છે. પાણીનો જથ્થો બહુ નથી, પણ ઉંચાઈને લીધે તે ભવ્ય લાગે છે. આજુબાજુ ગાઢ જંગલો છે. ધોધનું પાણી બહુ જ ઠંડુ, નાહી શકાય નહિ. આગળ જતાં Shepperd’s Dell નામની જગાએ, રોડ સાઈડે એક ધોધ આવ્યો. તેમાં ઉતરાય એવું હતું નહિ. રોડ પર ઉભા રહીને ધોધ જોઈ લીધો.

પછી આગળ જતાં, બ્રીડલ વેલ ધોધ આવ્યો. આ ધોધ જોવા માટે અડધા કી.મી. જેટલું ઢાળમાં નીચે ઉતર્યા. પછી ૩૭ પગથિયાં ઉતર્યા, પછી ૫૦ પગથિયાં ચડ્યા, ત્યારે ધોધની સામે પહોંચ્યા. પણ ધોધ ખરેખર જોવા જેવો હતો. ધોધ ૨ સ્ટેપમાં ૧૨૦ ફૂટની ઉંચાઈએથી પડે છે. સામે લાકડાનું વ્યૂ પોઈન્ટ બનાવ્યું છે. ઘણા લોકો અહીં આવ્યા હતા. ધોધ જોઇને, એટલું જ ચાલીને પાછા આવ્યા, અને ગાડી લીધી મલ્ટનોમહ ધોધ તરફ.

આ વિસ્તારમાં સાતેક મહિના પહેલાં આગ લાગી હતી. એને લઈને અમુક રસ્તાઓ હજુ યે બંધ હતા. અમે લાંબુ ફરીને મલ્ટનોમહ ધોધ પહોંચ્યા. આ ધોધ ૧૮૯ મીટર (૬૨૦ ફૂટ) જેટલી અ ધ ધ ધ ઉંચાઈએથી પડે છે. એટલે તે, રોડ પરથી પણ દેખાય છે. અહીં તો બહુ જ લોકો આવેલા હતા. ગાડી પાર્ક કરી, અમે ધોધની નજીક, નીચેના વ્યૂ પોઈન્ટ પર પહોંચ્યા. ધોધ એટલી બધી ઉંચાઈએથી પડે છે કે જાણે આકાશમાંથી પડતો હોય એમ લાગે. તેની ટોચ જોવા માથું સખત ઉંચું કરવું પડે. ધોધ ૨ સ્ટેપમાં પડે છે. ઉપરનું સ્ટેપ ૧૬૫ મીટર અને નીચેનું સ્ટેપ ૨૧ મીટરનું છે. હાલ પાણી ઓછું હતું, તો પણ જોવાની ખૂબ મજા આવી. નીચેના સ્ટેપથી ૩૨ મીટર ઉંચે, ધોધની બે બાજુની ભેખડોને જોડતો ફૂટબ્રીજ બનાવેલો છે. ત્યાં જાવ તો ધોધ સાવ નજીકથી દેખાય. ત્યાંથી ધોધની ટોચે જવાની ટ્રેલ પણ પહાડમાં બનાવેલી છે. પણ અત્યારે એ ફૂટબ્રીજ કે ટોચે જતી ટ્રેલ બંધ હતાં. જો કે નીચેના વ્યૂ પોઈન્ટ પરથી પણ ધોધ એટલો સરસ દેખાય છે કે ઉપર જવાની જરૂર જ નથી લગતી. હા, પેલો બ્રીજ ખુલ્લો હોય તો ત્યાં સુધી જવાનું મન થઇ જાય ખરું.

નીચેના વ્યૂ પોઈન્ટ આગળ, મલ્ટનોમહ લોજ નામની પુરાણી લોજ છે. ૧૯૨૫માં બનેલું આ મકાન હજુ એમનું એમ સાચવી રાખેલું છે. અત્યારે એમાં રેસ્ટોરન્ટ અને ગીફ્ટ શોપ છે. આ વિસ્તારમાં બીજા ઘણા ધોધ છે. પણ એ બધામાં ટ્રેલમાં ચાલવું પડે, વળી અત્યારે ઘણા બંધ હતા.

હવે અમે માઉન્ટ હુડ તરફ ચાલ્યા. રસ્તામાં એક મેક્સીકન રેસ્ટોરન્ટમાં કસાડીયાનું જમણ કર્યું. મલ્ટનોમહથી હુડ ૬૮ માઈલ દૂર છે. રસ્તામાં ઘણી વાઈનરી (દારૂ બનાવતી ફેકટરીઓ) આવી. અમે ‘હુડ હુડ દબંગ દબંગ’ ગાતા ગાતા હુડ તરફ  ચાલ્યા. હુડ પર્વત પણ, રેનીયરની જેમ, બરફથી છવાયેલો છે. છેલ્લો થોડો રસ્તો ચડાણવાળો છે. ગાડી છેક ઉપર સુધી જાય છે. ઉપર પહોંચી, આજુબાજુ બરફ પર ફર્યા. અહીં રોપ વેમાં બેસી, પર્વતની લગભગ ટોચ સુધી જવાય છે. પછી બરફ પર હોડકાથી કે સ્કીથી સરકીને પાછું અવાય છે. પણ અત્યારે આ બધું બંધ હતું. છોકરાઓ બરફ પર થોડે સુધી ચડીને, પાછા ઉતર્યા.

આ જગાએ Timbar line નામની લોજ છે. એમાં રહેવા જમવાની સગવડ છે. અહીં ગીફ્ટ શોપ, બરફમાં થતી પ્રવૃતિઓ વગેરેની સગવડ છે. બીજા એક હીસ્ટોરીકલ મકાનમાં પુરાણી ચીજો હજુ અકબંધ સાચવી રાખી છે. કોઈ પ્રેસીડંટ અહીં આવેલા, તેમની ચીજો પણ મૂકી રાખેલી છે. આ બધું જોવાનું ગમ્યું. ખાસ વાત એ કે હુડ પર્વત પરથી, બર્ફીલો માઉન્ટ રેનીયર પણ દેખાતો હતો !

અહીંથી પાછા પોર્ટલેન્ડ જવા નીકળ્યા. પોર્ટલેન્ડ આવતાં, બજારમાંથી પાપાજોન્સના પીઝા પેક કરાવ્યા અને હોટેલ પર જઈને ઝાપટ્યા.

તારીખ ૨૩ મે, બુધવાર. આજે કેનન બીચ જોવા જવાનું હતું. પોર્ટલેન્ડથી તે ઉત્તર-પશ્ચિમમાં ૮૦ કી.મી. દૂર પેસિફિક મહાસાગરને કિનારે આવેલો છે. કેનન બીચ જતાં વચ્ચે આવતો સનસેટ બીચ જોયો. સરસ છે. કેનન બીચ આગળ મોટું ગામ વસેલું છે. વીઝીટર સેન્ટરની મુલાકાત લઇ, થોડું ચાલીને બીચ પર પહોંચ્યા. અહીં બીચ જેવો બીચ જ છે, પણ ખાસ વાત એ છે કે અહીં બીચ પર એક બહુ જ મોટો અને ઉંચો ખડક છે. એના પર પફીન્સ જેવાં પક્ષીઓ પણ આવીને બેસે છે. સામાન્ય રીતે આવો ખડક અને આવું દ્રશ્ય દરિયાની વચ્ચે જોવા મળે, અહીં એ દ્રશ્ય કિનારે જોવા મળે છે. ભરતી આવે ત્યારે દરિયાનું પાણી ખડકની બધી બાજુ ફરી વળે છે, અને ઓટ વખતે ખડકના કિનારા તરફના ભાગ આગળથી પાણી ઓસરી જાય છે. ખડકને અડકવાની કે તેના પર ચડવાની મનાઈ છે. તેની આજુબાજુના બીજા નાના ખડકો પર ફરી શકાય છે. આ મોટા ખડક જેવા બીજા ત્રણેક ખડકો દરિયામાં નજીકમાં છે.

કેનન બીચથી પાછા વળી, પોર્ટલેન્ડ બાજુ ચાલ્યા. વચ્ચે તીલામુક ચીઝ ફેક્ટરી જવાનો રસ્તો પડે છે. પણ એમાં ખાસ જોવા જેવું હતું નહિ. પોર્ટલેન્ડ પહોંચી, ત્યાં ઇન્ટરનેશનલ રોઝ ગાર્ડન જોવા ગયા. અહીં જાતજાતના ગુલાબ ઉગાડ્યા છે. ગુલાબના છોડ ફૂલોથી લચી પડે છે. જોવાની મજા આવી ગઈ. સાંજ પાડવા આવી હતી. સ્વાગત નામનું ભારતીય રેસ્ટોરન્ટ શોધી કાઢ્યું. (ઓફ કોર્સ GPSની મદદથી. અમે બધાં જ સ્થળો GPSની સહાયથી જ ફર્યા છીએ.) સરસ મજાના ઢોંસા ખાધા, અને પહોંચ્યા હોટેલ પર.

બસ, હવે પોર્ટલેન્ડ જોવાનું પૂરું થયું હતું. બીજા દિવસે પોર્ટલેન્ડથી પાછા સીએટલ જવા નીકળ્યા. અમારું વિમાન સીએટલથી હતું. બારેક વાગે ત્યાં પહોંચ્યા, જમીને એરપોર્ટ ગયા. રેન્ટલ ગાડી પાછી આપી અને વિમાનમાં ગોઠવાયા. વચ્ચે લાસ વેગાસનું સ્ટોપ હતું. ત્યાં વિમાનમાંથી બહાર આવી, ફરી એ જ વિમાનમાં ચડ્યા, અને રાત્રે બાર વાગે હ્યુસ્ટન ઉતર્યા. કહે છે કે ધરતીનો છેડો ઘર. અમે એ જ છેડે પાછા આવ્યા.

તસ્વીરો: (૧) Latourell ધોધ (૨) બ્રીડલ વેલ ધોધ (૩) મલ્ટનોમહ ધોધ (૪) અને (૫) માઉન્ટ હુડ (૬) રોઝ ગાર્ડન (૭) કેનન બીચ પરનો ખડક

10

11

12

 

13

14

16

15

સીએટલ અને પોર્ટલેન્ડના પ્રવાસે-1

                               સીએટલ અને પોર્ટલેન્ડના પ્રવાસે-1

અમેરીકાનું સીએટલ શહેર અમુક ખાસ બાબતો માટે જાણીતું છે. જેમ કે બીલ ગેટ્સની માઈક્રોસોફ્ટ કંપનીનું હેડક્વાર્ટર સીએટલમાં છે. બોઇંગ વિમાનો બનાવવાનું કારખાનું સીએટલમાં છે. ઓનલાઈન ચીજવસ્તુઓ અને પુસ્તકો વેચતી એમેઝોન કંપની સીએટલમાં છે. પ્રખ્યાત સ્ટારબક્સ કોફીની પહેલી દુકાન સીએટલમાં ખુલી હતી. આજે આ હેરીટેજ દુકાન પર કોફી પીવા માટે લોકોની લાઈનો લાગે છે.

સીએટલની નજીક પોર્ટલેન્ડ નામનું બીજું એક જાણીતું શહેર છે. ત્યાં પણ ઘણી જોવાલાયક ચીજો છે. આ બધું જાણ્યા પછી, અમને સીએટલ અને પોર્ટલેન્ડ જોવા જવાની ઈચ્છા થઇ ગઈ. અને અનુકૂળ સમય મળતાં, ત્યાં જવાનો પ્લાન બનાવી દીધો. હ્યુસ્ટનથી સીએટલની વિમાનની ટીકીટો, હોટેલો અને સીએટલમાં ફરવા માટે ભાડાની ગાડીનું બુકીંગ કરાવી દીધું, અને નિર્ધારિત સમયે અમે નીકળી પડ્યા. અમે કુલ ૫ જણ હતા, અમે બે અને મારા પુત્ર મિલનનું ફેમિલી.

હ્યુસ્ટનથી સ્પીરીટ એરલાઈનનું અમારું વિમાન ગુરુવારે રાત્રે નવ વાગે ઉપાડ્યું. ગાડી અમે એરપોર્ટનાં પાર્કીંગ એરીયામાં મૂકી દીધી હતી. રાત્રે દોઢ વાગે સીએટલ ઉતર્યા ત્યારે ત્યાં સાડા અગિયાર વાગ્યા હતા. કારણ કે સીએટલનો ટાઈમ હ્યુસ્ટન કરતાં ૨ કલાક પાછળ છે. સીએટલ, હ્યુસ્ટનથી ઉત્તર પશ્ચિમ દિશામાં ૨૩૪૪ માઈલ (૩૭૭૨ કી.મી.) દૂર છે. સીએટલ સારું એવું ઉત્તરમાં (Latitude 47.6 N)હોવાથી ત્યાં મે મહિનામાં પણ ઠંડી હતી. અમે સ્વેટર પહેરી લીધાં. એરપોર્ટ પરથી, શટલ બસમાં બેસી, અમે રેન્ટલ કારની ઓફિસે પહોંચ્યા. બુક કરાવેલી ગાડી લઇ, હોટેલ પર ગયા. હોટેલનું નામ હતું Red Lion (લાલ સિંહ !!). તરત જ ઊંઘ આવી ગઈ.

સવારે પરવારી હોટેલમાં નાસ્તો કરી, અમે નીકળી પડ્યા. બોઇંગ ફેક્ટરી જોવા જવાનું હતું. દસ વાગે ત્યાં પહોંચી ગયા. ટીકીટો (૨૫ ડોલર) બુક કરાવેલી હતી. પ્રવેશદ્વાર આગળ ઘણા બધા દેશોના રાષ્ટ્રધ્વજ મૂકેલા છે, તેમાં ભારતનો ધ્વજ પણ છે. અહીં બોઇંગ કંપનીના સ્થાપક બીલ બોઇંગનો મોટી સાઈઝનો ફોટો પણ મૂકેલો છે. પહેલાં અમે, Future of flight aviation વિભાગ જોવા ગયા. અહીં અસલી બોઇંગ વિમાનના ભાગો પ્રદર્શનમાં મૂકેલા છે. વિમાનનો મોરો, કોકપીટ, એન્જીન, ખુલેલાં પૈડાં, વિમાનમાં સામાન મૂકવાની જગા – આ બધું તમે અડકીને અને અંદર પ્રવેશીને જોઈ શકો છો. કોકપીટમાં પાયલોટની સીટ પર બેસી, બધાં લીવરને અડકી શકો છો. ફોટા પણ પાડી શકો છો. બહુ મજા આવી ગઈ.

બોઇંગ વિમાનો જ્યાં બને છે, તે જગા અહીંથી આશરે એક કી.મી. દૂર છે, ત્યાં અમને બસમાં બેસાડીને લઇ ગયા. ગાઈડ પણ સાથે હતો. આ દોઢ કલાકની ટુર છે. ગાઈડે અમને બધું ફેરવીને બતાવ્યું અને સમજાવ્યું. વિમાનને પાંખ લગાડવાનું, બારીઓ ફીટ કરવાનું, કલર કરવાનું – આ બધું જોયું. અહીં સાવ નજીક જવા દેતા નથી, નિર્ધારિત માર્ગ પર જ ફરવાનું. ફોટા પણ પાડવા દેતા નથી. વિમાન પોતે ખૂબ જગા રોકે, તેને લગાડવાના ભાગો, સાધનો, યંત્રો – આ બધું આજુબાજુ પડ્યું હોય, એટલે વિશાલ જગા જોઈએ. આથી અંદરનો હોલ ૯૮ એકર જેટલી વિશાલ જગા ધરાવે છે, ખાસ બાબત એ છે કે આવડા મોટા હોલમાં એક પણ થાંભલો નથી. થાંભલા વગરનો આટલો મોટો હોલ દુનિયામાં બીજે ક્યાંય નથી, આથી આ જગા ગીનીસ બુકમાં નોંધાઈ છે. આ બધું જોઇને, બસમાં મૂળ મકાનમાં પાછા આવ્યા, અને બોઇંગની વિદાય લીધી.

પછી રસ્તામાં એક રેસ્ટોરન્ટમાં જમીને અમે, સીએટલ શહેરનો મુખ્ય વિસ્તાર કહેવાતા ‘સિયેટલ સેન્ટર’માં પહોંચ્યા. આ જગાએ ઘણી વસ્તુઓ જોવા જેવી છે. જેવી કે સ્પેસ નીડલ ટાવર, ચીહુલી ગાર્ડન એન્ડ ગ્લાસ, પોપ કલ્ચરનું મ્યુઝીયમ (MoPoP), ખુલ્લો પેવેલિયન, પેસિફિક સાયંસ સેન્ટર, આઈમેક્સ થીયેટર, ચિલ્ડ્રન મ્યુઝીયમ, ઇન્ટરનેશનલ ફુવારો વગેરે.

સ્પેસ નીડલ ટાવર ૧૮૪ મીટર ઉંચો છે. તેમાં લીફ્ટ મારફતે છેક ઉપર સુધી જવાય છે. ૩ લીફ્ટ રાખેલી છે. ઉપરથી આજુબાજુનો નજારો બહુ જ સુંદર દેખાય છે. ઉપર સ્કાયસીટી નામનું રીવોલ્વીંગ રેસ્ટોરન્ટ પણ છે. આ ટાવરની બાજુમાં જ ચીહુલી ગાર્ડન છે.

મિલનના એક મિત્ર ચિરાગ પંડ્યા સીએટલમાં રહે છે. તેને અમે અહીં બોલાવ્યા હતા. તે ચાનાસ્તો લઈને આવ્યા. ચાનાસ્તો કરી, તાજામાજા થઇ, અમે બધા સાથે ચીહુલી જોવા અંદર દાખલ થયા. અહીં ડેલ ચીહુલી નામના નિષ્ણાત કારીગરે કાચમાંથી બનાવેલી અદ્ભુત કલાકૃતિઓ પ્રદર્શનમાં મૂકેલી છે. એક જુઓ ને એક ભૂલો એવી રંગીન કૃતિઓ જોઇને અમે મંત્રમુગ્ધ બની ગયા. ખૂબ મજા આવી. ફોટા પાડ્યા. ચિરાગે તેને ત્યાં રોકાવા માટે આમંત્રણ આપેલું જ હતું. એટલે અમે બધા અહીંથી ચિરાગને ઘેર ગયા. એક મોટા તળાવની વચ્ચેના ટાપુ પર તેનું ઘર છે. ઘણું જ સુંદર છે. જમ્યા અને અલકમલકની વાતો કરતા સુઈ ગયા.

બીજે દિવસે શનિવાર હતો. આજે અમે બધાએ માઉન્ટ રેનીયર જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. સવારે બે ગાડીઓમાં નીકળ્યા. સીએટલથી રેનીયર ૬૫ માઈલ દૂર છે. રેનીયર એ બરફથી છવાયેલાં શિખરોવાળો પર્વત છે. ત્યાં જવાનો રસ્તો જંગલોમાંથી પસાર થાય છે, અને તે બહુ જ સિનિક છે. આશરે ચાલીસેક માઈલ ગયા પછી Mt Rainier National Parkનું બોર્ડ આવે છે. પછી ટીકીટબારી આવે છે. આગળ જતાં એક પછી એક એમ ૩ ધોધ આવે છે, Carter, Christine and Narada.

અમે પહેલાં Christine ધોધ આગળ ઉભા રહ્યા. રોડની એક સાઈડેથી ધોધ પડીને, રોડની નીચેથી વહીને, પાણી બીજી બાજુએ નીકળે છે. અમે રોડ પરથી ધોધ જોયો, પછી રોડની સાઈડમાંથી નીચે ઉતરીને પણ ધોધનાં મન ભરીને દર્શન કર્યાં. બધાને આ જગા બહુ જ ગમી. પછી આગળ જઈને Narada ધોધ આગળ ઉભા રહ્યા. અહીં રોડની સાઈડેથી નીચે ધોધ પડે છે. ધોધની સામે જવા માટે, રોડની સાઈડમાં પગદંડી છે. પણ તે બરફથી છવાયેલી હતી, તેના પર પગ મૂકતાં જ પગ લપસી જતો હતો. એટલે એ ધોધની સામે જવાયું નહિ. ઉપરથી જ ફોટા પાડીને સંતોષ માન્યો. અહીં સરસ પાર્કીંગ અને જમવા માટેનાં ટેબલો ગોઠવેલાં છે. અમે ઘેરથી જમવાનું લઈને જ આવેલા, તે અહીં જમી લીધું. થોડો ઝરમર ઝરમર વરસાદ પણ પડ્યો. ઠંડી યે હતી.

આગળ ચાલ્યા. રોડની બાજુમાં એક નદી સાથે સાથે હતી. તે પર્વત પરનો બરફ પીગળીને બનેલા પાણીની જ હતી. હવે રસ્તો ચડાણ અને વળાંકોવાળો હતો. રસ્તાની બંને બાજુ અને આજુબાજુનાં ઝાડોની વચ્ચે બરફ જામેલો દેખાતો હતો. દ્રશ્ય બહુ જ મનોહર હતું. છેવટે ઉપર પહોંચ્યા. વીઝીટર સેન્ટરની બાજુમાં ગાડી પાર્ક કરી. વરસાદ હતો, એટલે સ્વેટરો પર રેઇનકોટ ચડાવ્યા. બધું લઈને જ આવ્યા હતા. અમારી સામે નજીક જ બરફનો આખો પહાડ હતો. પહેલાં તો અમે ક્યાંય સુધી, પર્વતને નીરખવાનો આનંદ માણ્યો. બરફના ટેકરા પર ચડાય એવું હતું. જો કે પગ લપસી જાય, સાચવીને ચડી શકાય. અમારા બે સિવાય, બધા ચડાય એટલું ચડ્યા. બીજી બાજુ દૂર, બીજો બર્ફીલો પર્વત દેખાતો હતો, તે કદાચ માઉન્ટ હુડ હતો. આ બધા સૌન્દર્યના ફોટા પાડ્યા, અમે ખુશખુશાલ હતા. આવું અદ્ભુત દ્રશ્ય બીજે ક્યાં જોવા મળે? પછી, વીઝીટર સેન્ટરમાં જઈ ગરમાગરમ કોફી પીધી, બાળકોએ પીઝા ખાધા. બેએક કલાક પછી અહીંથી પાછા વળ્યા.

પાછા વળતાં, પેલા બાકી રહી ગયેલા Carter ધોધ આગળ ઉભા રહ્યા. અહીં ધોધ પેલી બર્ફીલી નદીમાં હતો. અમે નદીમાં ઉતરીને, પાણીના કિનારે કિનારે એકાદ કી.મી. જેટલું ચાલ્યા. ખળ ખળ વહેતી નદીને જોવાની મજા આવી ગઈ. નદી પર આડા મૂકેલા લાકડાના થડ પર થઈને સામી બાજુએ ગયા. વરસાદ તો હતો જ. આ બધું જોઈ આગળ ચાલ્યા, એક જગાએ જૂના જમાનાની લોખંડની ચીજો જેવી કે સાઈકલ, સ્કુટર, રેલ્વે એન્જીન, ઘોડો વગેરે પડેલું હતું, એ જોઈને સીએટલ તરફ પાછા ચાલ્યા. સાંજનું અંધારું થવા આવ્યું હતું. એક પંજાબી ભારતીય રેસ્ટોરન્ટ આવ્યું, ત્યાં પંજાબી જમ્યા. સરસ હતું. ચિરાગને ત્યાં પહોંચ્યા, ઘસઘસાટ ઉંઘ આવી ગઈ.

બીજા દિવસે રવિવાર હતો. આજે અમે બધા Snoqualmie (સ્નો કોલ મી) ધોધ જોવા ગયા. સીએટલથી તે પૂર્વમાં આશરે ૨૫ માઈલ દૂર છે. ધોધ, પાર્કીંગની બાજુમાં જ છે. તે ૮૨ મીટર (૨૦૬ ફૂટ) ઉંચાઈએથી પડે છે. ધોધમાં પાણીનો જથ્થો ખૂબ જ છે, એટલે તે બહુ જ ભવ્ય અને જાજરમાન લાગે છે. ધોધની બાજુમાં ખડકોની અંદર પાવર હાઉસ ઉભું કરેલું છે, પણ તે જોવા નથી જવા દેતા. ધોધ આગળની ટ્રેલમાં એકાદ માઈલ જેટલું ચાલીને નીચેના વ્યૂ પોઈન્ટ સુધી જઈ શકાય છે. પાર્કીંગ આગળ ગીફ્ટ શોપ છે.

ધોધની નજીક Snoqualmie રેલ્વે સ્ટેશન છે. ત્યાં આગળ જૂના જમાનાનાં રેલ્વે એન્જીન, ડબ્બા વગેરેનું મ્યુઝીયમ છે. અહીં ટુરીસ્ટોને એક ટ્રેનમાં બેસીને આજુબાજુ ફરવાની વ્યવસ્થા છે. અહીંથી અમે એક થાઈ રેસ્ટોરન્ટમાં જઈ, થાઈ બુફે ખાણું ખાધું.

પછી સીએટલમાં બલાર્ડ લોક જોવા ગયા. અહીં એક સરોવર અને એક નદીને જોડતી લોક સીસ્ટીમ છે. સરોવરની સપાટી ઉંચી છે, અને નદીનું લેવલ આશરે દસેક મીટર જેટલું નીચું છે. અહીં એકમાંથી બીજામાં હોડી કે વહાણને કેવી રીતે લઇ જવાય છે, એ નજરે જોયું. એની રચના જોવાની મજા આવી ગઈ. વળી, નદી પરનો રેલ્વે પૂલ ઉંચકાઈને વહાણ નીચેથી પસાર થઇ જાય, અને વહાણ પસાર થયા પછી પૂલ પાછો નીચો આવી જાય, એ પણ જોયું.

અહીંથી અમે સીએટલના જાણીતા બજાર Pike place પર ગયા. આ બજાર આપણા માણેકચોક જેવું લાગે. એવી જ ગિરદી, એટલા બધા માણસો અને એવી જ ખાણીપીણીની દુકાનો. અમને અમદાવાદ યાદ આવી ગયું. સ્ટારબક્સની કોફીની પહેલી દુકાન આ ભરચક વિસ્તારમાં જ ખુલી હતી. આજે આ એન્ટીક દુકાન હજુ અહીં છે, અને એમાં કોફી પીવા માટે લોકોની લાંબી લાઈન લાગે છે.

દરિયાનો એક ફાંટો (ખાડી) સીએટલના આ વિસ્તારમાં પેસે છે. એને કિનારે બગીચો અને બાંકડા મૂકેલા છે. અમે અહીં બેસીને દરિયો, ટ્રાફીક અને પબ્લીકને જોવાનો આનંદ માણ્યો અને પછી ઘેર પહોંચ્યા.

પછીના દિવસે સોમવાર. સવારે ચિરાગની વિદાય લઈને નીકળી પડ્યા. ચિરાગે અમારી સારી મહેમાનગતિ કરી, ત્રણે દિવસ ફેમિલી સહીત અમારી સાથે ફર્યો. તેની કંપનીમાં બહુ જ આનંદ આવ્યો. આજે અમારો સામાન લઈને નીકળ્યા. સૌ પહેલાં તો સીએટલમાં આવેલી, બીલ ગેટ્સની માઈક્રોસોફ્ટ કંપની જોવા ગયા. વિન્ડો ઓપરેટીંગ સીસ્ટીમના શોધક બીલ ગેટ્સને આખી દુનિયા ઓળખે છે. હું આ લેખ કોમ્પ્યુટર પર આ સીસ્ટીમમાં જ લખી રહ્યો છું. દુનિયાના સૌથી વધુ ધનિક આદમી પણ એ જ છે. કંપની ખૂબ જ વિશાલ વિસ્તારમાં પથરાયેલી છે. અમે તેના વીઝીટર સેન્ટરમ પર પહોંચ્યા. અહીં પબ્લીકને જોવા માટે થોડાં આધુનિક કોમ્પ્યુટર મૂકેલાં છે. એમાં તમે કઈ સેલિબ્રિટી જેવા દેખાવ છો, તમારા ચહેરા પરથી તમારી ઉંમર કેટલી લાગે છે, તમારા ચહેરા પર કેવી લાગણીઓ (હાસ્ય, ગંભીર વગેરે) છે, આ બધું તમને જોવા મળે છે. આવી રમત કરવાની પ્રેક્ષકોને મજા આવે છે. કંપનીનો સ્ટોર જોયો. બીજી એક જગાએ, બીલ ગેટ્સ પોતે જ્યાં બેસે છે, તે બિલ્ડીંગ જોયું. આ બધું જોવામાં એક રોમાંચ અનુભવ્યો.

અહીંથી અમે સીએટલ સેન્ટર ગયા. ત્યાં પોપ કલ્ચરનું મ્યુઝીયમ (MoPoP) જોયું. આ બિલ્ડીંગની બહારની દિવાલો કોઈ ખાસ આકાર વગરના વાસણ જેવી અને કલરફૂલ બનાવી છે, એ તરફ કોઈનું પણ અચૂક ધ્યાન જાય જ. મોનોરેલનું સ્ટેશન અહીં બાજુમાં જ છે. એના પાટા MoPoPની અંદર થઈને પસાર થાય છે, એ ગજબનું લાગે છે. અમે મોનોરેલમાં બેસી, સીએટલના ડાઉનટાઉન સુધી ફરી આવ્યા. હવે અમારું સીએટલ જોવાનું પૂરું થયું હતું.

તસ્વીરો: (૧) બોઇંગની મુલાકાતે (૨) ચીહુલી ગાર્ડનમાં કાચની એક કલાકૃતિ (૩) Christine ધોધ (૪ ) અને (૫) માઉન્ટ રેનીયર (૬) Carter ધોધ (૭) સ્નોકોલમી ધોધ (૮) Pike place (૯) Microsoft ની ઓફિસ

1_Boeing

2_Chihuli

3_Christine fall

4_Mt Rainier

5_Rainier

6_Carter fall

7_Snoqualmie fall

8_Pike place

9_Microsoft