સીએટલ અને પોર્ટલેન્ડના પ્રવાસે-1

                               સીએટલ અને પોર્ટલેન્ડના પ્રવાસે-1

અમેરીકાનું સીએટલ શહેર અમુક ખાસ બાબતો માટે જાણીતું છે. જેમ કે બીલ ગેટ્સની માઈક્રોસોફ્ટ કંપનીનું હેડક્વાર્ટર સીએટલમાં છે. બોઇંગ વિમાનો બનાવવાનું કારખાનું સીએટલમાં છે. ઓનલાઈન ચીજવસ્તુઓ અને પુસ્તકો વેચતી એમેઝોન કંપની સીએટલમાં છે. પ્રખ્યાત સ્ટારબક્સ કોફીની પહેલી દુકાન સીએટલમાં ખુલી હતી. આજે આ હેરીટેજ દુકાન પર કોફી પીવા માટે લોકોની લાઈનો લાગે છે.

સીએટલની નજીક પોર્ટલેન્ડ નામનું બીજું એક જાણીતું શહેર છે. ત્યાં પણ ઘણી જોવાલાયક ચીજો છે. આ બધું જાણ્યા પછી, અમને સીએટલ અને પોર્ટલેન્ડ જોવા જવાની ઈચ્છા થઇ ગઈ. અને અનુકૂળ સમય મળતાં, ત્યાં જવાનો પ્લાન બનાવી દીધો. હ્યુસ્ટનથી સીએટલની વિમાનની ટીકીટો, હોટેલો અને સીએટલમાં ફરવા માટે ભાડાની ગાડીનું બુકીંગ કરાવી દીધું, અને નિર્ધારિત સમયે અમે નીકળી પડ્યા. અમે કુલ ૫ જણ હતા, અમે બે અને મારા પુત્ર મિલનનું ફેમિલી.

હ્યુસ્ટનથી સ્પીરીટ એરલાઈનનું અમારું વિમાન ગુરુવારે રાત્રે નવ વાગે ઉપાડ્યું. ગાડી અમે એરપોર્ટનાં પાર્કીંગ એરીયામાં મૂકી દીધી હતી. રાત્રે દોઢ વાગે સીએટલ ઉતર્યા ત્યારે ત્યાં સાડા અગિયાર વાગ્યા હતા. કારણ કે સીએટલનો ટાઈમ હ્યુસ્ટન કરતાં ૨ કલાક પાછળ છે. સીએટલ, હ્યુસ્ટનથી ઉત્તર પશ્ચિમ દિશામાં ૨૩૪૪ માઈલ (૩૭૭૨ કી.મી.) દૂર છે. સીએટલ સારું એવું ઉત્તરમાં (Latitude 47.6 N)હોવાથી ત્યાં મે મહિનામાં પણ ઠંડી હતી. અમે સ્વેટર પહેરી લીધાં. એરપોર્ટ પરથી, શટલ બસમાં બેસી, અમે રેન્ટલ કારની ઓફિસે પહોંચ્યા. બુક કરાવેલી ગાડી લઇ, હોટેલ પર ગયા. હોટેલનું નામ હતું Red Lion (લાલ સિંહ !!). તરત જ ઊંઘ આવી ગઈ.

સવારે પરવારી હોટેલમાં નાસ્તો કરી, અમે નીકળી પડ્યા. બોઇંગ ફેક્ટરી જોવા જવાનું હતું. દસ વાગે ત્યાં પહોંચી ગયા. ટીકીટો (૨૫ ડોલર) બુક કરાવેલી હતી. પ્રવેશદ્વાર આગળ ઘણા બધા દેશોના રાષ્ટ્રધ્વજ મૂકેલા છે, તેમાં ભારતનો ધ્વજ પણ છે. અહીં બોઇંગ કંપનીના સ્થાપક બીલ બોઇંગનો મોટી સાઈઝનો ફોટો પણ મૂકેલો છે. પહેલાં અમે, Future of flight aviation વિભાગ જોવા ગયા. અહીં અસલી બોઇંગ વિમાનના ભાગો પ્રદર્શનમાં મૂકેલા છે. વિમાનનો મોરો, કોકપીટ, એન્જીન, ખુલેલાં પૈડાં, વિમાનમાં સામાન મૂકવાની જગા – આ બધું તમે અડકીને અને અંદર પ્રવેશીને જોઈ શકો છો. કોકપીટમાં પાયલોટની સીટ પર બેસી, બધાં લીવરને અડકી શકો છો. ફોટા પણ પાડી શકો છો. બહુ મજા આવી ગઈ.

બોઇંગ વિમાનો જ્યાં બને છે, તે જગા અહીંથી આશરે એક કી.મી. દૂર છે, ત્યાં અમને બસમાં બેસાડીને લઇ ગયા. ગાઈડ પણ સાથે હતો. આ દોઢ કલાકની ટુર છે. ગાઈડે અમને બધું ફેરવીને બતાવ્યું અને સમજાવ્યું. વિમાનને પાંખ લગાડવાનું, બારીઓ ફીટ કરવાનું, કલર કરવાનું – આ બધું જોયું. અહીં સાવ નજીક જવા દેતા નથી, નિર્ધારિત માર્ગ પર જ ફરવાનું. ફોટા પણ પાડવા દેતા નથી. વિમાન પોતે ખૂબ જગા રોકે, તેને લગાડવાના ભાગો, સાધનો, યંત્રો – આ બધું આજુબાજુ પડ્યું હોય, એટલે વિશાલ જગા જોઈએ. આથી અંદરનો હોલ ૯૮ એકર જેટલી વિશાલ જગા ધરાવે છે, ખાસ બાબત એ છે કે આવડા મોટા હોલમાં એક પણ થાંભલો નથી. થાંભલા વગરનો આટલો મોટો હોલ દુનિયામાં બીજે ક્યાંય નથી, આથી આ જગા ગીનીસ બુકમાં નોંધાઈ છે. આ બધું જોઇને, બસમાં મૂળ મકાનમાં પાછા આવ્યા, અને બોઇંગની વિદાય લીધી.

પછી રસ્તામાં એક રેસ્ટોરન્ટમાં જમીને અમે, સીએટલ શહેરનો મુખ્ય વિસ્તાર કહેવાતા ‘સિયેટલ સેન્ટર’માં પહોંચ્યા. આ જગાએ ઘણી વસ્તુઓ જોવા જેવી છે. જેવી કે સ્પેસ નીડલ ટાવર, ચીહુલી ગાર્ડન એન્ડ ગ્લાસ, પોપ કલ્ચરનું મ્યુઝીયમ (MoPoP), ખુલ્લો પેવેલિયન, પેસિફિક સાયંસ સેન્ટર, આઈમેક્સ થીયેટર, ચિલ્ડ્રન મ્યુઝીયમ, ઇન્ટરનેશનલ ફુવારો વગેરે.

સ્પેસ નીડલ ટાવર ૧૮૪ મીટર ઉંચો છે. તેમાં લીફ્ટ મારફતે છેક ઉપર સુધી જવાય છે. ૩ લીફ્ટ રાખેલી છે. ઉપરથી આજુબાજુનો નજારો બહુ જ સુંદર દેખાય છે. ઉપર સ્કાયસીટી નામનું રીવોલ્વીંગ રેસ્ટોરન્ટ પણ છે. આ ટાવરની બાજુમાં જ ચીહુલી ગાર્ડન છે.

મિલનના એક મિત્ર ચિરાગ પંડ્યા સીએટલમાં રહે છે. તેને અમે અહીં બોલાવ્યા હતા. તે ચાનાસ્તો લઈને આવ્યા. ચાનાસ્તો કરી, તાજામાજા થઇ, અમે બધા સાથે ચીહુલી જોવા અંદર દાખલ થયા. અહીં ડેલ ચીહુલી નામના નિષ્ણાત કારીગરે કાચમાંથી બનાવેલી અદ્ભુત કલાકૃતિઓ પ્રદર્શનમાં મૂકેલી છે. એક જુઓ ને એક ભૂલો એવી રંગીન કૃતિઓ જોઇને અમે મંત્રમુગ્ધ બની ગયા. ખૂબ મજા આવી. ફોટા પાડ્યા. ચિરાગે તેને ત્યાં રોકાવા માટે આમંત્રણ આપેલું જ હતું. એટલે અમે બધા અહીંથી ચિરાગને ઘેર ગયા. એક મોટા તળાવની વચ્ચેના ટાપુ પર તેનું ઘર છે. ઘણું જ સુંદર છે. જમ્યા અને અલકમલકની વાતો કરતા સુઈ ગયા.

બીજે દિવસે શનિવાર હતો. આજે અમે બધાએ માઉન્ટ રેનીયર જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. સવારે બે ગાડીઓમાં નીકળ્યા. સીએટલથી રેનીયર ૬૫ માઈલ દૂર છે. રેનીયર એ બરફથી છવાયેલાં શિખરોવાળો પર્વત છે. ત્યાં જવાનો રસ્તો જંગલોમાંથી પસાર થાય છે, અને તે બહુ જ સિનિક છે. આશરે ચાલીસેક માઈલ ગયા પછી Mt Rainier National Parkનું બોર્ડ આવે છે. પછી ટીકીટબારી આવે છે. આગળ જતાં એક પછી એક એમ ૩ ધોધ આવે છે, Carter, Christine and Narada.

અમે પહેલાં Christine ધોધ આગળ ઉભા રહ્યા. રોડની એક સાઈડેથી ધોધ પડીને, રોડની નીચેથી વહીને, પાણી બીજી બાજુએ નીકળે છે. અમે રોડ પરથી ધોધ જોયો, પછી રોડની સાઈડમાંથી નીચે ઉતરીને પણ ધોધનાં મન ભરીને દર્શન કર્યાં. બધાને આ જગા બહુ જ ગમી. પછી આગળ જઈને Narada ધોધ આગળ ઉભા રહ્યા. અહીં રોડની સાઈડેથી નીચે ધોધ પડે છે. ધોધની સામે જવા માટે, રોડની સાઈડમાં પગદંડી છે. પણ તે બરફથી છવાયેલી હતી, તેના પર પગ મૂકતાં જ પગ લપસી જતો હતો. એટલે એ ધોધની સામે જવાયું નહિ. ઉપરથી જ ફોટા પાડીને સંતોષ માન્યો. અહીં સરસ પાર્કીંગ અને જમવા માટેનાં ટેબલો ગોઠવેલાં છે. અમે ઘેરથી જમવાનું લઈને જ આવેલા, તે અહીં જમી લીધું. થોડો ઝરમર ઝરમર વરસાદ પણ પડ્યો. ઠંડી યે હતી.

આગળ ચાલ્યા. રોડની બાજુમાં એક નદી સાથે સાથે હતી. તે પર્વત પરનો બરફ પીગળીને બનેલા પાણીની જ હતી. હવે રસ્તો ચડાણ અને વળાંકોવાળો હતો. રસ્તાની બંને બાજુ અને આજુબાજુનાં ઝાડોની વચ્ચે બરફ જામેલો દેખાતો હતો. દ્રશ્ય બહુ જ મનોહર હતું. છેવટે ઉપર પહોંચ્યા. વીઝીટર સેન્ટરની બાજુમાં ગાડી પાર્ક કરી. વરસાદ હતો, એટલે સ્વેટરો પર રેઇનકોટ ચડાવ્યા. બધું લઈને જ આવ્યા હતા. અમારી સામે નજીક જ બરફનો આખો પહાડ હતો. પહેલાં તો અમે ક્યાંય સુધી, પર્વતને નીરખવાનો આનંદ માણ્યો. બરફના ટેકરા પર ચડાય એવું હતું. જો કે પગ લપસી જાય, સાચવીને ચડી શકાય. અમારા બે સિવાય, બધા ચડાય એટલું ચડ્યા. બીજી બાજુ દૂર, બીજો બર્ફીલો પર્વત દેખાતો હતો, તે કદાચ માઉન્ટ હુડ હતો. આ બધા સૌન્દર્યના ફોટા પાડ્યા, અમે ખુશખુશાલ હતા. આવું અદ્ભુત દ્રશ્ય બીજે ક્યાં જોવા મળે? પછી, વીઝીટર સેન્ટરમાં જઈ ગરમાગરમ કોફી પીધી, બાળકોએ પીઝા ખાધા. બેએક કલાક પછી અહીંથી પાછા વળ્યા.

પાછા વળતાં, પેલા બાકી રહી ગયેલા Carter ધોધ આગળ ઉભા રહ્યા. અહીં ધોધ પેલી બર્ફીલી નદીમાં હતો. અમે નદીમાં ઉતરીને, પાણીના કિનારે કિનારે એકાદ કી.મી. જેટલું ચાલ્યા. ખળ ખળ વહેતી નદીને જોવાની મજા આવી ગઈ. નદી પર આડા મૂકેલા લાકડાના થડ પર થઈને સામી બાજુએ ગયા. વરસાદ તો હતો જ. આ બધું જોઈ આગળ ચાલ્યા, એક જગાએ જૂના જમાનાની લોખંડની ચીજો જેવી કે સાઈકલ, સ્કુટર, રેલ્વે એન્જીન, ઘોડો વગેરે પડેલું હતું, એ જોઈને સીએટલ તરફ પાછા ચાલ્યા. સાંજનું અંધારું થવા આવ્યું હતું. એક પંજાબી ભારતીય રેસ્ટોરન્ટ આવ્યું, ત્યાં પંજાબી જમ્યા. સરસ હતું. ચિરાગને ત્યાં પહોંચ્યા, ઘસઘસાટ ઉંઘ આવી ગઈ.

બીજા દિવસે રવિવાર હતો. આજે અમે બધા Snoqualmie (સ્નો કોલ મી) ધોધ જોવા ગયા. સીએટલથી તે પૂર્વમાં આશરે ૨૫ માઈલ દૂર છે. ધોધ, પાર્કીંગની બાજુમાં જ છે. તે ૮૨ મીટર (૨૦૬ ફૂટ) ઉંચાઈએથી પડે છે. ધોધમાં પાણીનો જથ્થો ખૂબ જ છે, એટલે તે બહુ જ ભવ્ય અને જાજરમાન લાગે છે. ધોધની બાજુમાં ખડકોની અંદર પાવર હાઉસ ઉભું કરેલું છે, પણ તે જોવા નથી જવા દેતા. ધોધ આગળની ટ્રેલમાં એકાદ માઈલ જેટલું ચાલીને નીચેના વ્યૂ પોઈન્ટ સુધી જઈ શકાય છે. પાર્કીંગ આગળ ગીફ્ટ શોપ છે.

ધોધની નજીક Snoqualmie રેલ્વે સ્ટેશન છે. ત્યાં આગળ જૂના જમાનાનાં રેલ્વે એન્જીન, ડબ્બા વગેરેનું મ્યુઝીયમ છે. અહીં ટુરીસ્ટોને એક ટ્રેનમાં બેસીને આજુબાજુ ફરવાની વ્યવસ્થા છે. અહીંથી અમે એક થાઈ રેસ્ટોરન્ટમાં જઈ, થાઈ બુફે ખાણું ખાધું.

પછી સીએટલમાં બલાર્ડ લોક જોવા ગયા. અહીં એક સરોવર અને એક નદીને જોડતી લોક સીસ્ટીમ છે. સરોવરની સપાટી ઉંચી છે, અને નદીનું લેવલ આશરે દસેક મીટર જેટલું નીચું છે. અહીં એકમાંથી બીજામાં હોડી કે વહાણને કેવી રીતે લઇ જવાય છે, એ નજરે જોયું. એની રચના જોવાની મજા આવી ગઈ. વળી, નદી પરનો રેલ્વે પૂલ ઉંચકાઈને વહાણ નીચેથી પસાર થઇ જાય, અને વહાણ પસાર થયા પછી પૂલ પાછો નીચો આવી જાય, એ પણ જોયું.

અહીંથી અમે સીએટલના જાણીતા બજાર Pike place પર ગયા. આ બજાર આપણા માણેકચોક જેવું લાગે. એવી જ ગિરદી, એટલા બધા માણસો અને એવી જ ખાણીપીણીની દુકાનો. અમને અમદાવાદ યાદ આવી ગયું. સ્ટારબક્સની કોફીની પહેલી દુકાન આ ભરચક વિસ્તારમાં જ ખુલી હતી. આજે આ એન્ટીક દુકાન હજુ અહીં છે, અને એમાં કોફી પીવા માટે લોકોની લાંબી લાઈન લાગે છે.

દરિયાનો એક ફાંટો (ખાડી) સીએટલના આ વિસ્તારમાં પેસે છે. એને કિનારે બગીચો અને બાંકડા મૂકેલા છે. અમે અહીં બેસીને દરિયો, ટ્રાફીક અને પબ્લીકને જોવાનો આનંદ માણ્યો અને પછી ઘેર પહોંચ્યા.

પછીના દિવસે સોમવાર. સવારે ચિરાગની વિદાય લઈને નીકળી પડ્યા. ચિરાગે અમારી સારી મહેમાનગતિ કરી, ત્રણે દિવસ ફેમિલી સહીત અમારી સાથે ફર્યો. તેની કંપનીમાં બહુ જ આનંદ આવ્યો. આજે અમારો સામાન લઈને નીકળ્યા. સૌ પહેલાં તો સીએટલમાં આવેલી, બીલ ગેટ્સની માઈક્રોસોફ્ટ કંપની જોવા ગયા. વિન્ડો ઓપરેટીંગ સીસ્ટીમના શોધક બીલ ગેટ્સને આખી દુનિયા ઓળખે છે. હું આ લેખ કોમ્પ્યુટર પર આ સીસ્ટીમમાં જ લખી રહ્યો છું. દુનિયાના સૌથી વધુ ધનિક આદમી પણ એ જ છે. કંપની ખૂબ જ વિશાલ વિસ્તારમાં પથરાયેલી છે. અમે તેના વીઝીટર સેન્ટરમ પર પહોંચ્યા. અહીં પબ્લીકને જોવા માટે થોડાં આધુનિક કોમ્પ્યુટર મૂકેલાં છે. એમાં તમે કઈ સેલિબ્રિટી જેવા દેખાવ છો, તમારા ચહેરા પરથી તમારી ઉંમર કેટલી લાગે છે, તમારા ચહેરા પર કેવી લાગણીઓ (હાસ્ય, ગંભીર વગેરે) છે, આ બધું તમને જોવા મળે છે. આવી રમત કરવાની પ્રેક્ષકોને મજા આવે છે. કંપનીનો સ્ટોર જોયો. બીજી એક જગાએ, બીલ ગેટ્સ પોતે જ્યાં બેસે છે, તે બિલ્ડીંગ જોયું. આ બધું જોવામાં એક રોમાંચ અનુભવ્યો.

અહીંથી અમે સીએટલ સેન્ટર ગયા. ત્યાં પોપ કલ્ચરનું મ્યુઝીયમ (MoPoP) જોયું. આ બિલ્ડીંગની બહારની દિવાલો કોઈ ખાસ આકાર વગરના વાસણ જેવી અને કલરફૂલ બનાવી છે, એ તરફ કોઈનું પણ અચૂક ધ્યાન જાય જ. મોનોરેલનું સ્ટેશન અહીં બાજુમાં જ છે. એના પાટા MoPoPની અંદર થઈને પસાર થાય છે, એ ગજબનું લાગે છે. અમે મોનોરેલમાં બેસી, સીએટલના ડાઉનટાઉન સુધી ફરી આવ્યા. હવે અમારું સીએટલ જોવાનું પૂરું થયું હતું.

તસ્વીરો: (૧) બોઇંગની મુલાકાતે (૨) ચીહુલી ગાર્ડનમાં કાચની એક કલાકૃતિ (૩) Christine ધોધ (૪ ) અને (૫) માઉન્ટ રેનીયર (૬) Carter ધોધ (૭) સ્નોકોલમી ધોધ (૮) Pike place (૯) Microsoft ની ઓફિસ

1_Boeing

2_Chihuli

3_Christine fall

4_Mt Rainier

5_Rainier

6_Carter fall

7_Snoqualmie fall

8_Pike place

9_Microsoft

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: