સીએટલ અને પોર્ટલેન્ડના પ્રવાસે – ભાગ ૨

                                       સીએટલ અને પોર્ટલેન્ડના પ્રવાસે – ભાગ ૨

સીએટલમાંના અમારા છેલ્લા દિવસે, બપોરે એક રેસ્ટોરન્ટમાં જમી, અમે ગાડી પોર્ટલેન્ડ તરફ લીધી. સીએટલથી પોર્ટલેન્ડ દક્ષિણમાં ૧૭૪ માઈલ દૂર છે. સાંજના છએક વાગે તો પોર્ટલેન્ડ પહોંચી ગયા. હજુ ટાઈમ હતો, એટલે હોટેલ પર જવાને બદલે, ૧૭ માઈલ દૂર આવેલા વિલામેટ ધોધ આગળ ગયા. અહીં વર્ષો પહેલાં, નદીમાં નાનો ચેકડેમ બાંધી, એના પાણીનો  ઉપયોગ લાકડાની મીલ ચલાવવા માટે કરતા હતા. પાણી ડેમ પરથી પડે, ત્યાં ધોધ જેવું લાગે, પણ ખાસ કંઈ આકર્ષક હતું નહિ.

અહીંથી અમે હોટેલ પર પહોંચ્યા. અગાઉથી બુકીંગ કરાવેલ હતું. હોટેલનું નામ Best Western Plus (ઉત્તમ પશ્ચિમી સરવાળો !!) હતું. તે પોર્ટલેન્ડથી ઉત્તરમાં ૧૫ માઈલ દૂર, વેનકુંવર નામના ટાઉનમાં આવેલી હતી. હોટેલની રૂમ સરસ હતી. અહીં હવે ‘અઠે દ્વારકા’ કરીને ૩ દિવસ રહેવાના હતા. થોડો આરામ ફરમાવી અમે જમવા ઉપડ્યા. પોર્ટલેન્ડમાં ઘણાં ઇન્ડીયન રેસ્ટોરન્ટ હતાં, એમાં ‘ બોમ્બે થીયેટર’ રેસ્ટોરન્ટ વિષે સાંભળ્યું હતું. ત્યાં ગયા, અને પરાઠા શાક ખાધું. પરાઠા બહુ જ મસ્ત હતા.

બીજા દિવસે મંગળવાર અને તારીખ ૨૨મી મે. આજે મલ્ટનોમહ નામનો એક જાણીતો ધોધ અને માઉન્ટ હુડ જોવા જવાના હતા. પોર્ટલેન્ડથી તે પૂર્વ દિશામાં ૩૦ માઈલ દૂર છે. વચ્ચે આવતી બીજી જગાઓ જોતા જોતા જવાના હતા. અમે કોલંબિયા નદીને કિનારે કિનારે ચાલ્યા. પહેલાં વિસ્તા હાઉસ આવ્યું. તે, એક ઉંચી ટેકરી પર, બે માળની ગોળાકાર કોઠી જેવું મકાન છે. ઉપરથી નદીનો વ્યૂ બહુ સરસ દેખાય છે.

આગળ જતાં લટુરેલ ધોધ આવ્યો. પાંચેક મિનીટ જેટલું ઢાળમાં નીચે ઉતરી, ધોધની બિલકુલ સામે પહોંચ્યા. ધોધ ૨૪૯ ફૂટ ઉંચાઈએથી પડે છે. દેખાવ બહુ જ સરસ છે. પાણીનો જથ્થો બહુ નથી, પણ ઉંચાઈને લીધે તે ભવ્ય લાગે છે. આજુબાજુ ગાઢ જંગલો છે. ધોધનું પાણી બહુ જ ઠંડુ, નાહી શકાય નહિ. આગળ જતાં Shepperd’s Dell નામની જગાએ, રોડ સાઈડે એક ધોધ આવ્યો. તેમાં ઉતરાય એવું હતું નહિ. રોડ પર ઉભા રહીને ધોધ જોઈ લીધો.

પછી આગળ જતાં, બ્રીડલ વેલ ધોધ આવ્યો. આ ધોધ જોવા માટે અડધા કી.મી. જેટલું ઢાળમાં નીચે ઉતર્યા. પછી ૩૭ પગથિયાં ઉતર્યા, પછી ૫૦ પગથિયાં ચડ્યા, ત્યારે ધોધની સામે પહોંચ્યા. પણ ધોધ ખરેખર જોવા જેવો હતો. ધોધ ૨ સ્ટેપમાં ૧૨૦ ફૂટની ઉંચાઈએથી પડે છે. સામે લાકડાનું વ્યૂ પોઈન્ટ બનાવ્યું છે. ઘણા લોકો અહીં આવ્યા હતા. ધોધ જોઇને, એટલું જ ચાલીને પાછા આવ્યા, અને ગાડી લીધી મલ્ટનોમહ ધોધ તરફ.

આ વિસ્તારમાં સાતેક મહિના પહેલાં આગ લાગી હતી. એને લઈને અમુક રસ્તાઓ હજુ યે બંધ હતા. અમે લાંબુ ફરીને મલ્ટનોમહ ધોધ પહોંચ્યા. આ ધોધ ૧૮૯ મીટર (૬૨૦ ફૂટ) જેટલી અ ધ ધ ધ ઉંચાઈએથી પડે છે. એટલે તે, રોડ પરથી પણ દેખાય છે. અહીં તો બહુ જ લોકો આવેલા હતા. ગાડી પાર્ક કરી, અમે ધોધની નજીક, નીચેના વ્યૂ પોઈન્ટ પર પહોંચ્યા. ધોધ એટલી બધી ઉંચાઈએથી પડે છે કે જાણે આકાશમાંથી પડતો હોય એમ લાગે. તેની ટોચ જોવા માથું સખત ઉંચું કરવું પડે. ધોધ ૨ સ્ટેપમાં પડે છે. ઉપરનું સ્ટેપ ૧૬૫ મીટર અને નીચેનું સ્ટેપ ૨૧ મીટરનું છે. હાલ પાણી ઓછું હતું, તો પણ જોવાની ખૂબ મજા આવી. નીચેના સ્ટેપથી ૩૨ મીટર ઉંચે, ધોધની બે બાજુની ભેખડોને જોડતો ફૂટબ્રીજ બનાવેલો છે. ત્યાં જાવ તો ધોધ સાવ નજીકથી દેખાય. ત્યાંથી ધોધની ટોચે જવાની ટ્રેલ પણ પહાડમાં બનાવેલી છે. પણ અત્યારે એ ફૂટબ્રીજ કે ટોચે જતી ટ્રેલ બંધ હતાં. જો કે નીચેના વ્યૂ પોઈન્ટ પરથી પણ ધોધ એટલો સરસ દેખાય છે કે ઉપર જવાની જરૂર જ નથી લગતી. હા, પેલો બ્રીજ ખુલ્લો હોય તો ત્યાં સુધી જવાનું મન થઇ જાય ખરું.

નીચેના વ્યૂ પોઈન્ટ આગળ, મલ્ટનોમહ લોજ નામની પુરાણી લોજ છે. ૧૯૨૫માં બનેલું આ મકાન હજુ એમનું એમ સાચવી રાખેલું છે. અત્યારે એમાં રેસ્ટોરન્ટ અને ગીફ્ટ શોપ છે. આ વિસ્તારમાં બીજા ઘણા ધોધ છે. પણ એ બધામાં ટ્રેલમાં ચાલવું પડે, વળી અત્યારે ઘણા બંધ હતા.

હવે અમે માઉન્ટ હુડ તરફ ચાલ્યા. રસ્તામાં એક મેક્સીકન રેસ્ટોરન્ટમાં કસાડીયાનું જમણ કર્યું. મલ્ટનોમહથી હુડ ૬૮ માઈલ દૂર છે. રસ્તામાં ઘણી વાઈનરી (દારૂ બનાવતી ફેકટરીઓ) આવી. અમે ‘હુડ હુડ દબંગ દબંગ’ ગાતા ગાતા હુડ તરફ  ચાલ્યા. હુડ પર્વત પણ, રેનીયરની જેમ, બરફથી છવાયેલો છે. છેલ્લો થોડો રસ્તો ચડાણવાળો છે. ગાડી છેક ઉપર સુધી જાય છે. ઉપર પહોંચી, આજુબાજુ બરફ પર ફર્યા. અહીં રોપ વેમાં બેસી, પર્વતની લગભગ ટોચ સુધી જવાય છે. પછી બરફ પર હોડકાથી કે સ્કીથી સરકીને પાછું અવાય છે. પણ અત્યારે આ બધું બંધ હતું. છોકરાઓ બરફ પર થોડે સુધી ચડીને, પાછા ઉતર્યા.

આ જગાએ Timbar line નામની લોજ છે. એમાં રહેવા જમવાની સગવડ છે. અહીં ગીફ્ટ શોપ, બરફમાં થતી પ્રવૃતિઓ વગેરેની સગવડ છે. બીજા એક હીસ્ટોરીકલ મકાનમાં પુરાણી ચીજો હજુ અકબંધ સાચવી રાખી છે. કોઈ પ્રેસીડંટ અહીં આવેલા, તેમની ચીજો પણ મૂકી રાખેલી છે. આ બધું જોવાનું ગમ્યું. ખાસ વાત એ કે હુડ પર્વત પરથી, બર્ફીલો માઉન્ટ રેનીયર પણ દેખાતો હતો !

અહીંથી પાછા પોર્ટલેન્ડ જવા નીકળ્યા. પોર્ટલેન્ડ આવતાં, બજારમાંથી પાપાજોન્સના પીઝા પેક કરાવ્યા અને હોટેલ પર જઈને ઝાપટ્યા.

તારીખ ૨૩ મે, બુધવાર. આજે કેનન બીચ જોવા જવાનું હતું. પોર્ટલેન્ડથી તે ઉત્તર-પશ્ચિમમાં ૮૦ કી.મી. દૂર પેસિફિક મહાસાગરને કિનારે આવેલો છે. કેનન બીચ જતાં વચ્ચે આવતો સનસેટ બીચ જોયો. સરસ છે. કેનન બીચ આગળ મોટું ગામ વસેલું છે. વીઝીટર સેન્ટરની મુલાકાત લઇ, થોડું ચાલીને બીચ પર પહોંચ્યા. અહીં બીચ જેવો બીચ જ છે, પણ ખાસ વાત એ છે કે અહીં બીચ પર એક બહુ જ મોટો અને ઉંચો ખડક છે. એના પર પફીન્સ જેવાં પક્ષીઓ પણ આવીને બેસે છે. સામાન્ય રીતે આવો ખડક અને આવું દ્રશ્ય દરિયાની વચ્ચે જોવા મળે, અહીં એ દ્રશ્ય કિનારે જોવા મળે છે. ભરતી આવે ત્યારે દરિયાનું પાણી ખડકની બધી બાજુ ફરી વળે છે, અને ઓટ વખતે ખડકના કિનારા તરફના ભાગ આગળથી પાણી ઓસરી જાય છે. ખડકને અડકવાની કે તેના પર ચડવાની મનાઈ છે. તેની આજુબાજુના બીજા નાના ખડકો પર ફરી શકાય છે. આ મોટા ખડક જેવા બીજા ત્રણેક ખડકો દરિયામાં નજીકમાં છે.

કેનન બીચથી પાછા વળી, પોર્ટલેન્ડ બાજુ ચાલ્યા. વચ્ચે તીલામુક ચીઝ ફેક્ટરી જવાનો રસ્તો પડે છે. પણ એમાં ખાસ જોવા જેવું હતું નહિ. પોર્ટલેન્ડ પહોંચી, ત્યાં ઇન્ટરનેશનલ રોઝ ગાર્ડન જોવા ગયા. અહીં જાતજાતના ગુલાબ ઉગાડ્યા છે. ગુલાબના છોડ ફૂલોથી લચી પડે છે. જોવાની મજા આવી ગઈ. સાંજ પાડવા આવી હતી. સ્વાગત નામનું ભારતીય રેસ્ટોરન્ટ શોધી કાઢ્યું. (ઓફ કોર્સ GPSની મદદથી. અમે બધાં જ સ્થળો GPSની સહાયથી જ ફર્યા છીએ.) સરસ મજાના ઢોંસા ખાધા, અને પહોંચ્યા હોટેલ પર.

બસ, હવે પોર્ટલેન્ડ જોવાનું પૂરું થયું હતું. બીજા દિવસે પોર્ટલેન્ડથી પાછા સીએટલ જવા નીકળ્યા. અમારું વિમાન સીએટલથી હતું. બારેક વાગે ત્યાં પહોંચ્યા, જમીને એરપોર્ટ ગયા. રેન્ટલ ગાડી પાછી આપી અને વિમાનમાં ગોઠવાયા. વચ્ચે લાસ વેગાસનું સ્ટોપ હતું. ત્યાં વિમાનમાંથી બહાર આવી, ફરી એ જ વિમાનમાં ચડ્યા, અને રાત્રે બાર વાગે હ્યુસ્ટન ઉતર્યા. કહે છે કે ધરતીનો છેડો ઘર. અમે એ જ છેડે પાછા આવ્યા.

તસ્વીરો: (૧) Latourell ધોધ (૨) બ્રીડલ વેલ ધોધ (૩) મલ્ટનોમહ ધોધ (૪) અને (૫) માઉન્ટ હુડ (૬) રોઝ ગાર્ડન (૭) કેનન બીચ પરનો ખડક

10

11

12

 

13

14

16

15

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. doshibina91060
  જૂન 14, 2018 @ 05:09:22

  Saras mahiti Mali thanks

  જવાબ આપો

 2. pravinshah47
  જૂન 14, 2018 @ 13:57:38

  Aabhar, Binaben

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: