બાળકોને બાળપણ માણવા દો

આજની વાત – પ્રવીણ શાહ

લેખ ૧:

                                                     બાળકોને બાળપણ માણવા દો

અંજના કહે, ‘મારા બિરેનને વેકેશન પડ્યું છે. મેં તો એને  વેકેશનના બીજા જ દિવસે સ્વીમીંગ શીખવાના ક્લાસમાં મૂકી દીધો.’

બકુલા બોલી, ‘અંજના, તેં એ બહુ જ સારું કર્યું. મેં પણ મારા પુનિતને ડ્રોઈંગના ક્લાસ શરુ કરાવી દીધા.’

છાયા કહે, ‘અરે, સ્વીમીંગ કે ડ્રોઈંગથી કંઈ કેરીયર ના બને. મેં તો મારા રવિને ક્રિકેટ શીખવવા માટે પર્સનલ કોચ જ રાખી લીધો.’

અંજના, બકુલા અને છાયા ઉચ્ચ મધ્યમ વર્ગની ગૃહિણીઓ છે. તેમના પતિદેવો ખૂબ સારું કમાય છે. તેમનાં બાળકો, દુનિયામાં ડંકો વગાડી દે, એવું તે ઈચ્છે છે. એટલે નાનપણથી જ તેઓ, બાળકોને જાતજાતના કલાસીસ અને ગમતાં-અણગમતાં ક્ષેત્રોમાં જોતરી રહી છે.

આમાં બાળકોનો ખરેખર વિકાસ થશે ખરો? બાળપણની સાવ નાની ઉંમરમાં તેમના પર કેટકેટલો બોજ આવી રહ્યો છે, તે કોઈ વિચારતું નથી. સ્કુલનું ભણતર, થેલો ભરીને ઉંચકીને સ્કુલે જવાનું, ટ્યુશનના સમયે ટ્યુશનમાં જવાનું, સ્કુલની સાથે માબાપ બીજી પ્રવૃતિઓ કરાવડાવે અને વેકેશન પણ ફ્રી નહિ.

આમાં બાળકનું બાળપણ ક્યાં રહ્યું? સરખેસરખા જોડે ભેગા મળીને રમવાની તક મળે જ નહિ. અમે તો નાના હતા ત્યારે આખું વેકેશન માણવા મળતું. અમે મિત્રો ભેગા થઇ સાતતાળી, થપ્પો, ખોખો જેવી શેરીરમતો રમતા, એકબીજાને ત્યાં જતા, મિત્રોનાં માતાપિતા અમને પ્રેમથી રાખતાં, વેકેશનમાં મામા-માસીને ત્યાં તો અચૂક જવાનું. આ બધો નિર્ભેળ આનંદ આજનાં બાળકોને માણવા મળે છે ખરો? બાળકોને એમની રીતે બાળપણ ભોગવવા મળે છે ખરું?

આ પરિસ્થિતિમાં બદલાવ લાવવો જરૂરી છે. આજે દેખાદેખી અને કોમ્પીટીશન ખૂબ ચાલી રહી છે. ‘પેલાનું બાળક આગળ નીકળી જશે અને મારો છોકરો રહી જશે’ એવી અધીરાઈ અને ભીતિ વધી ગઈ છે. એને બદલે શાંત ચિત્તે, મગજને સમતોલ રાખીને વિચારો, અને બાળકને બાળપણ માણવા દો. તમારો છોકરો કે છોકરી જરા ય પાછળ નહિ રહી જાય. સચિન તેન્ડુલકર, ગૌતમ અદાણી, નરેન્દ્ર મોદી, બીલ ગેટ્સ – આ બધા મહાનુભાવોએ બાળપણ નહોતું માણ્યું એવું નહોતું જ. છતાં તેઓ એમનાં ક્ષેત્રોમાં અવ્વલ નંબરે છે.

બાળક મોટું થઈને, તેનામાં સમજ આવે પછી તે ખીલે છે, વિકસે છે અને ઘણી સારી પ્રગતિ કરી બતાવે છે. હા, એ પણ ખરું કે તેને જે વિષયનો શોખ હોય, જેમાં તેને રસ પડતો હોય તે ક્ષેત્રમાં જ જવા દેજો. પછી જુઓ કમાલ કે તે દુનિયામાં ડંકો વગાડે છે કે નહિ. શોખ અને રસ વિષે ફરી ક્યારેક વાત કરીશું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: