ગુજરાતી બાળકો, ઈંગ્લીશ મીડીયમમાં

                                           ગુજરાતી બાળકો, ઈંગ્લીશ મીડીયમમાં

સારા ઉચ્ચ ઘરની કહેવાતી બે સ્ત્રીઓ વચ્ચેની વાતચીત:

“અરે, મોના, આજે હું મારી ટીનાને લઈને પ્રભાદેવીને ત્યાં પાર્ટીમાં ગઈ હતી. પ્રભાદેવીએ ટીનાને નજીક બોલાવીને પૂછ્યું, ‘What’s your good name, Baby?’ અને મારી દિકરીને શું સૂઝ્યું કે તેણે ગુજરાતીમાં જવાબ આપ્યો, ‘હાય, હું ટીના’ મારી દિકરીનો ગુજરાતીમાં જવાબ સાંભળીને મને તો એટલી શરમ આવી કે ના પૂછો વાત.”

મોના બોલી, “હેં, એવું થયું, રીના? પ્રભાદેવી પર આપણા સ્ટેટસ વિષે કેવી ખરાબ છાપ પડે?”

રીના કહે, “હા, મોના, મેં એને ઘેરથી બરાબર Learn કરાવ્યું હતું કે ઈંગ્લીશમાં speak કરવાનું, છતાં ય તે ભૂલી ગઈ.”

મોના બોલી, “ અરે, મારી વાત કરું. કાલે મારા son ને સહેજ Fever હતો, એણે કંઈ જ ખાધું નહિ. મેં એને at least એક bite ખાવાનું કીધું, તો પણ ‘મને hunger નથી, હું આજે એમનેમ જ done થયેલો છું.’ કહીને કંઈ જ ખાધું નહિ.”

આ ગુજરાતી ભાષા તમને કેવી લાગે છે?

આપણે ત્યાં, ગુજરાતી કુટુંબોમાં બાળકોને હવે, પહેલેથી જ ઈંગ્લીશ મીડીયમની સ્કૂલોમાં ભણવા મૂકવાનો ક્રેઝ થઇ ગયો છે. તેઓને ગુજરાતી ભાષા એક વિષય તરીકે પણ કદાચ ભણાવતા નથી. હા, માબાપને ગુજરાતી આવડે છે, એટલે ઘરમાં ગુજરાતીમાં વાત થાય ખરી, છોકરાંને પણ ગુજરાતી બોલતાં આવડે ખરું, પણ તે અધકચરું. એમાં ય વચ્ચે કેટલા ય અંગ્રેજી શબ્દો આવી જાય. માબાપ પણ એવું જ અંગ્રેજીમિશ્રિત ગુજરાતી બોલે, એટલે ઉપર લખ્યા એવા ડાયલોગ થાય. વળી કોક માબાપનું છોકરું ક્યાંક જાહેર સમારંભમાં ગુજરાતી બોલે તો એમને શરમ આવી જાય, એમનું સ્ટેટસ નીચું ઉતરી જાય !

ગુજરાતી ભાષા માટે આ સારી નિશાની નથી. હું તો એમ માનું કે ભલે, તમે તમારા બાળકને ઈંગ્લીશ મીડીયમમાં ભણાવો, પણ ગુજરાતી ભાષાની અવગણના ના કરો. ગુજરાતી આપણી માતૃભાષા છે, એનું આપણને ગૌરવ હોવું જ જોઈએ. અને ગુજરાતી કુટુંબનાં દરેક વિદ્યાર્થીએ ગુજરાતી ભાષા સારી રીતે વાંચતાં, લખતાં અને બોલતાં શીખવી જ જોઈએ. મારી પેઢીના અમે લગભગ બધા જ, સ્કુલમાં ગુજરાતી માધ્યમમાં ભણ્યા છીએ, તો પણ અમે ક્યાંય અટકી પડ્યા નથી. ગુજરાતી કુટુંબોમાંથી કેટલાય ડોકટરો, એન્જીનીયરો, ઉદ્યોગપતિઓ, લેખકો, વકીલો અને વૈજ્ઞાનિકો થયા છે, તેમાંના ઘણા ગુજરાતી માધ્યમમાં ભણ્યા હશે.

તો આપણે શું કરવું જોઈએ? એવું કરી શકાય કે બાળપણમાં કે.જી. અને શરૂઆતનાં ચાર ધોરણ બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવવાં જોઈએ, એટલે ગુજરાતી પાકું થઇ જાય, પછી આગળ ભણવામાં ઈંગ્લીશ મીડીયમનો મોહ રાખે તો વાંધો નહિ. ગુજરાતીમાં ભણવામાં નાનમ ના હોવી જોઈએ, બલ્કે ગૌરવ હોવું જોઈએ.

આજે ઈંગ્લીશ મીડીયમમાં ભણનાર બાળકનાં માતાપિતા, તેને ઘેર પણ ગુજરાતી શીખવવાની દરકાર કરતાં નથી. અને બાળક ‘હાય, હલ્લો, ડેડ, મોમ’ જેવા અંગ્રેજીના રવાડે ચડી જાય છે, એમાં આપણા સંસ્કાર, ભાષાની મીઠાશ, વડિલો પ્રત્યે આદર, કુટુંબભાવના, ત્યાગ અને ઉદારતાની ભાવના – આ બધું ભૂલાતું જાય છે, અંગ્રેજી કલ્ચરની આ આડપેદાશ છે.

પ્લાસ્ટીક વાપરવા પર પ્રતિબંધ જરૂરી ખરો?

 

પ્લાસ્ટીક વાપરવા પર પ્રતિબંધ જરૂરી ખરો?

થોડા દિવસ પહેલાં જ સમાચાર હતા કે મહારાષ્ટ્ર સરકારે પ્લાસ્ટીકની વસ્તુઓ વાપરવા પર પ્રતિબંધ મૂક્યો છે. વાપરનારાને ૫૦૦૦/- રુપિયા દંડ થશે. આ બાબત વિચારણા માગી લે એવી છે.

પહેલાં તો આપણે પ્લાસ્ટીકની વસ્તુઓ ક્યાં ક્યાં વાપરીએ છીએ તે જોઈએ. એનું લીસ્ટ બહુ લાંબુ થાય. બજારમાં વેપારીઓ, મમરા, પૌઆ, શીંગ, શાકભાજી, કપડાં વગેરે વગેરે ચીજો આપણને પ્લાસ્ટીકની થેલીઓમાં આપે છે. ખાવાની ઘણી વસ્તુઓ પ્લાસ્ટીકના પેકમાં મળે છે. આ ઉપરાંત, ડોલ, ટમ્બલર, વસ્તુઓ ભરવાના નાનામોટા ડબ્બા, મોટા ભાગનાં રમકડાં, ખુરશી એમ સંખ્યાબંધ ચીજો પ્લાસ્ટીકની બને છે. પ્રતિબંધને લીધે આ બધી જગાએ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવો પડે.

સરકાર, પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકવાનું કારણ શું આપે છે? કારણ એ આપે છે કે પ્લાસ્ટીક Degradable નથી. એટલે કે તે નાશ પામતું નથી. આથી જ્યાં ત્યાં ફેંકેલો પ્લાસ્ટીકનો કચરો જમીન પર કે પાણીમાં એમ નો એમ જળવાઈ રહે છે. આથી જમીનનો કસ ઓછો થાય છે, પર્યાવરણને નુકશાન થાય છે, ગાય જેવાં પ્રાણીઓ પ્લાસ્ટીકની કોથળીઓ ખાઈને શરીર બગાડે છે, વગેરે વગેરે. પણ આવા કારણસર કંઈ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ ના કરી દેવાય. પ્લાસ્ટીકને ગમે ત્યાં ફેંકવાનું બંધ કરવું પડે.

આથી મારો અભિપ્રાય એવો છે કે આપણે પ્લાસ્ટીકનો ભંગાર ગમે ત્યાં ના ફેંકીએ તો પ્લાસ્ટીકનો પ્રોબ્લેમ ઉકલી જાય, અને તેના પર પ્રતિબંધ મૂકવાની કોઈ જરૂર ના રહે.

અત્યારે આપણે જોઈએ છીએ કે લોકો પ્લાસ્ટીકની કોથળીઓ, પાણીની ખાલી બોટલો અને પ્લાસ્ટીકની તૂટેલી વસ્તુઓ ગમે ત્યાં ફેંકે છે. આપણને રોડ પર, દુકાનો આગળ, ખૂણેખાંચરે, નદીતળાવના પાણીમાં એમ બધે જ પ્લાસ્ટીકનો ભંગાર પડેલો જોવા મળે છે.

એટલે અત્યારે જરૂર છે આપણી આ આદત સુધારવાની. અમેરીકા અને બીજા ઘણા દેશોમાં દરેક ઘર કે દુકાનમાં પ્લાસ્ટીક ફેંકવા માટે જુદું ડસ્ટબીન હોય છે. શહેરના સફાઈ કામદારો દર અઠવાડિયે આ કચરો લઇ જાય છે. એને રીસાઈકલ કરીને તે ફરીથી વાપરવામાં આવે છે. અહીં ક્યારેય પાણીની ખાલી બોટલ કે પ્લાસ્ટીકની કોથળીઓ ક્યાંય પડેલી દેખાતી નથી. આપણા દેશમાં પણ આવું કરી શકાય. આ ઉપરાંત, પ્લાસ્ટીકનો કચરો દૂરની અવાવરુ જગાએ જમીનમાં ધરબી દઈ શકાય. આવી કાળજી કરીએ તો, જે કારણસર પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકાયો છે, તે પ્રતિબંધ મૂકવાની જરૂર ના રહે.

વળી, જો પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકીએ તો તેની બીજી શું શું અસરો થાય? પ્લાસ્ટીકની ચીજોનું ઉત્પાદન કરતા ઘણા ઉદ્યોગો બંધ થઇ જાય, ઘણા લોકોની રોજીરોટી છીનવાઈ જાય. પ્લાસ્ટીકની વસ્તુઓની જગાએ કાગળ કે કપડું કે અન્ય પદાર્થોની બનેલી વસ્તુઓ વાપરવી પડે. રમકડાં, ખુરશીઓ, ડબ્બા વગેરે વસ્તુઓ બનાવવા માટે બીજા પદાર્થો વાપરવા પડે. કાગળના ઉત્પાદન માટે ઘણાં જંગલો કપાઈ જાય, આથી વરસાદ ઓછો આવે, પર્યાવરણ અને માણસને ઘણું નુકશાન થાય. વળી, પ્લાસ્ટીકનું ઉત્પાદન બંધ કરીએ તો પ્લાસ્ટીક જેમાંથી બને છે, તે દ્રવ્ય, ખનીજ તેલનો વધેલો રગડો ક્યાં નાખવો, એ પ્રશ્ન ઉભો થાય. એ રગડો પણ પર્યાવરણને નુકશાન કરે જ.

આ બધું જોતાં લાગે છે કે પ્લાસ્ટીકની ચીજો વાપરવાનું બંધ કરવાને બદલે, પ્લાસ્ટીકના ભંગારને ગમે ત્યાં ફેંકવાનું બંધ કરવું એ જ યોગ્ય છે. આપણે ફક્ત આ ટેવ પાડવાની જરૂર છે. પ્લાસ્ટીકની ચીજો બંધ કરવાને બદલે, આ ટેવ પડવાનું ખૂબ સરળ છે. જરૂર લાગે તો, આવો કચરો ફેંકનારને દંડ કરવાનો કાયદો પણ બનાવી શકાય.

તો ચાલો, આજથી જ આપણે સ્વેચ્છાએ પ્લાસ્ટીકનો કચરો ગમે ત્યાં ફેંકવાનું બંધ કરીએ, પછી જુઓ કે આપણું શહેર પણ કેવું સ્વચ્છ દેખાય છે !

હસતા રહો: (વોટ્સ અપ પર વાંચેલું)

પત્ની કહે, ‘મેં આજે એક દુકાનમાં ૧૦૦૦/- રૂપિયાની કિંમતની સાડી જોઈ છે, બહુ જ સરસ છે, મને તે લાવી આપો.’

પતિ કહે, ‘આટલી મોંઘી સાડી આપણાથી લેવાતી હશે?’

પત્ની કહે, ‘જો નહિ લાવી આપો તો, હું પ્લાસ્ટીકની થેલીઓ લઈને શાકભાજી લેવા જઈશ. પોલીસ મને પકડે તો પછી તમે ૫૦૦૦/- રૂપિયા દંડ ભરજો.’

મોબાઈલની ઘેલછા

                                             મોબાઈલની ઘેલછા

દુનિયામાં જે કંઈ શોધખોળો થાય છે, તે માણસના ભલા માટે, માણસની સુખસગવડો વધારવા માટે થતી હોય છે. પણ જો તેનો વિવેકપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો તે શોધખોળોનો દુરુપયોગ પણ થવા માંડે છે. મોબાઈલ ફોનનું પણ એવું જ છે.

મોબાઈલ શોધાયાના ફાયદા જુઓ. માણસ ગમે ત્યાંથી પણ ફોન કરી શકે, અને જરૂરી સંદેશા લાગતાવળગતાઓને પહોંચાડી શકે. જયારે મોબાઈલ ન હતા અને ફક્ત લેન્ડલાઈન ફોન જ હતા, ત્યારે વાત કરવાની આટલી સગવડ નહોતી.

મોબાઈલના ફાયદા અનેક છે. એક ઉદાહરણ આપું. અમારા એક પરિચિત ભાઈ એક વાર રાતના ચાલતા જતા હતા. રસ્તામાં એક ઉંડો ખાડો આવ્યો, તે તરફ તેમનું ધ્યાન ગયું નહિ. એટલે ભાઈ પડ્યા ખાડાની અંદર. ખાસ કંઈ વાગ્યું નહિ, પણ ઝટ બહાર નીકળાય એવું લાગ્યું નહિ. મોબાઈલ તેમની જોડે જ હતો. તેમણે ઘેર ફોન જોડ્યો, અને થોડી વારમાં તો બેચાર જણ આવી ગયા અને તે ભાઈને ખાડામાંથી બહાર કાઢ્યા. ઝડપથી મેસેજ પહોંચાડવામાં અને કેટલાં યે કામો પતાવવામાં મોબાઈલ ખૂબ જ ઉપયોગી છે.

પણ હવે અગત્યની વાત છે મોબાઈલના દુરુપયોગની. મોબાઈલથી વાત કરવાનું કે મેસેજ મોકલવાનું ખૂબ સસ્તું છે. (સારી વાત છે.) વોટ્સ અપ આવ્યા પછી તો આ બધું મફત થઇ ગયું છે. (ઇન્ટરનેટ હોવું જોઈએ.) વોટ્સ અપમાં દેશવિદેશનાં બંધનો પણ રહ્યાં નથી. (એ પણ સારી વાત છે.) પણ આ સગવડોનો ખરાબ ઉપયોગ કરીએ તો?

જેમ કે સ્કુલ-કોલેજના કેટલાય છોકરા-છોકરીઓ મોબાઈલ ફોન હાથમાં આવ્યા પછી, જરૂર ના હોય તો પણ તેનાથી વાતો કર્યા કરે છે, બિનજરૂરી મેસેજ અને ચેટીંગ કર્યા કરે છે. ચાલુ કલાસે પણ બેંચ નીચે હાથમાં મોબાઈલ રાખી, ચેટીંગ કરતા હોય છે. ઘણી વાર લાયબ્રેરી કે ગાર્ડન જ્યાં ફ્રી વાઈફાઈ મળતું હોય ત્યાં બેસીને કલાકો સુધી મોબાઈલ વાપર્યે રાખે છે. આ એક વ્યસન થઇ ગયું છે. એમાં સમય કેટલો બધો બરબાદ થાય અને નિરર્થક ટોળટપ્પાંની કુટેવ પડી જાય તે જુદું. વળી તેઓ પોતે શું કરે છે, એ બધું માબાપથી છાનું પણ રાખે.

આજે તો ઘણાં માબાપ સાવ નાનાં છોકરાંને પણ મોબાઈલ આપી દે છે. છોકરુ મોબાઈલમાં વ્યસ્ત અને માબાપને પણ શાંતિ. બાળક માટે ટાઈમ ના આપવો પડે. બાળકો નાનપણથી જ મોબાઈલ ગેઈમ રમતાં થઇ જાય છે. પછી એમને એમાં એટલો બધો રસ પડે છે કે મોબાઈલ હાથમાંથી છોડતાં નથી. પછી તેમને આપણી જૂની રમતો સાતતાળી, હુતુતુ કે થપ્પો રમવામાં મજા નથી આવતી.

ઘરમાં ય તમે જોશો કે બધા નવરા પડે એટલે પોતપોતાનો મોબાઈલ લઈને બેસી જાય છે. એમાં કોઈ ઉપયોગી વસ્તુઓ વાંચતા હોય કે ઉપયોગી માહિતીની આપલે કરતા હોય તો બરાબર છે. પણ એને બદલે મોટા ભાગના લોકો મેસેજ, ફોટા અને વિડીયો ફોરવર્ડ કરવામાં જ મચી પડ્યા હોય છે. પોતે વાંચ્યા ના હોય, વાંચીને માહિતીની ખાતરી ના કરી હોય, બસ મિત્રોને કે ગ્રુપમાં ફોરવર્ડ કરી દેવાના. આવા ફોટા અને મેસેજ ભાગ્યે જ ઉપયોગી હોય છે, અને બધાનો સમય બરબાદ થાય છે. મોબાઈલને લીધે વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચતા લગભગ બંધ થઇ ગયા છે. અરે, રોજનું છાપું ય સરખું વાંચતા નથી.

મોબાઈલમાં કેમેરાની સગવડ થયા પછી ફોટા પાડવાનું સહેલું થઇ ગયું છે. આ એક ચોક્કસ સારી સગવડ છે. પણ ઘણી વાર બિનજરૂરી ફોટા પાડ્યા કરવા અને સેલ્ફીઓ લીધા કરવી એ ખોટું છે. સેલ્ફીઓ લેવામાં ક્યારેક જાન ગુમાવવાના કિસ્સા અવારનવાર બન્યા કરે છે. આતંકવાદીઓ કે ગુનેગારો તેમના નઠારા કામ માટે મોબાઈલનો ચોક્કસ દુરુપયોગ જ કરે છે.

મોબાઈલનાં આ બધાં દૂષણોમાંથી છૂટવું જોઈએ, નહિ તો પોતાને વધુ સ્માર્ટ ગણાવતી આજની યુવા પેઢી ક્યાં જઈને અટકશે?

હસતા રહો: (વોટ્સ અપ પર વાંચેલો એક જોક)

એક ભાઈ કહે, ‘મારી પત્ની રાત્રે ઓઢીને સુવા પડે, પછી તેનામાં માતાજી પ્રગટ થાય છે. એના ચહેરા પર પ્રકાશમય તેજ દેખાય છે.’

બીજા ભાઈ કહે, ‘એવું ના હોય. બરાબર તપાસ કરજે. તારી પત્ની ઓઢ્યા પછી, મોબાઈલ ચેટીંગ કરતી હશે, મોબાઈલનું  અજવાળું એના ચહેરા પર પડતું હશે.’

લગ્ન અને અન્ય જમણવારોમાં છાંડવાની ટેવ

                          લગ્ન અને અન્ય જમણવારોમાં છાંડવાની ટેવ

જેમ જમાનો બદલાય તેમ આપણી પ્રથાઓ પણ બદલાતી જાય છે. થોડા વખત પહેલાં લગ્ન કે બીજા કોઈ પ્રસંગના જમણવારમાં નીચે પલાંઠી વાળીને, પતરાળાંમાં જમવાની પ્રથા હતી. એમાં પીરસનારાએ નીચા વળીને પીરસવું પડતું હતું. કમર ખૂબ દુખી જતી. આ પ્રથા ખૂબ લાંબુ ચાલી. પછી ખુરશી ટેબલ પર બેસીને જમવાની પ્રથા આવી. આમાં પીરસવાનું સહેલું થઇ ગયું. પીરસણીયાઓએ નીચા નમવાનું ના રહ્યું. આ બંને પ્રથામાં જો વધારે પીરસાઈ જાય તો લોકો છાંડે.

એના પછી ‘બુફે’ની સીસ્ટીમ શરુ થઇ, જે આજે પણ ચાલુ છે. આમાં પીરસવાની પ્રથા જ નીકળી ગઈ. દરેક મહેમાને થાળી લઇ કાઉન્ટર પરથી જોઈતી વાનગીઓ જાતે જ લઇ લેવાની. બુફે પ્રથાનો હેતુ એ હતો કે લોકો જાતે વાનગીઓ લે, એટલે પોતાને ખાવું હોય એટલું જ લે, આથી છાંડવાનો પ્રશ્ન ઉભો થાય જ નહિ, અને અન્નનો બગાડ અટકે.

શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું. પણ પછી લોકોને લાગવા માંડ્યું કે વાનગીઓ લેવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે, વળી ફરીથી કોઈ વસ્તુ લેવી હોય તો ફરી લાઈનમાં ઉભા રહેવું પડે છે. એને બદલે જો પહેલેથી જ વધારે લઇ લીધું હોય તો ફરી લાઈનમાં ઉભા રહેવું ના પડે. આવું વિચારી લોકો વાનગીઓ વધુ પ્રમાણમાં લેવા લાગ્યા. પરિણામ? પરિણામ એ કે લીધેલી વાનગીઓ ના ખવાય તો ડીશમાં રહેવા દેવાની, છાંડવાનું. આમ, બુફેમાં છાંડવાનું પ્રમાણ વધી ગયું. આજે પણ લોકો જમણવારમાં ખૂબ જ છાંડે છે. હા, જે લોકો સમજદાર છે, અને ‘છાંડવું ના જોઈએ’ એવું માને છે, તેઓ બુફેમાં પણ જરૂર જેટલું જ લે છે, અને છાંડતા નથી. પણ આવા લોકોનું પ્રમાણ ઓછું છે. છાંડનારાનું પ્રમાણ વધારે છે. આપણને એવો વિચાર આવવો જોઈએ કે આ દેશમાં કેટલા ય લોકોને પેટપૂરતું ખાવાનું નથી મળતું, અને અહીં આપણે અન્નને છાંડીને બગાડીએ છીએ, એ કેટલું ખોટું કહેવાય ! માટે દરેક જણે છાંડવાનું ટાળવું જોઈએ.

આનો અર્થ એ નથી કે બુફે પ્રથા ખોટી છે, અને જૂની પીરસવાની પ્રથા સારી છે. આજે લગ્નોમાં દેખાદેખી કે ગમે તેમ પણ જમણવારમાં વાનગીઓની સંખ્યા ખૂબ વધી રહી છે. ચાટ, પાણીપુરી, નુડલ્સ, ઢોંસા વગેરે વગેરે ખાધા પછી મેઈન કોર્સ, એમાંય અઢળક વાનગીઓ, પછી મુખવાસ, પાન, આઈસક્રીમ – આટલી બધી ચીજો, પીરસવાની પ્રથામાં પીરસવાનું શક્ય નથી. એટલે પ્રથા તો બુફે જ બરાબર છે. પણ છાંડવાનું બંધ કરવું. ભલે વધુ વાર લાઈનમાં ઉભા રહેવું પડે.

આજની પેઢીએ પીરસવાની પ્રથા તો જોઈ જ નથી. ઘણી વાર લોકો હોટેલમાં જમવા જાય ત્યાં પણ છાંડતા હોય છે. તેઓ પૈસા ય વેડફે અને ખાવાનું ય બગાડે.

હમણાં જ્ઞાતિના એક જમણવારમાં એક સરસ પ્રયોગ જોયો. એમાં પહેલેથી જ જાહેર કરવામાં આવ્યું કે કોઈએ છાંડવું નહિ. છાંડશે તો તેને ૫૦ રુપિયા દંડ થશે. જમ્યા પછી એંઠી થાળીઓ મૂકવાની જગાએ એક ભાઈને ઉભા રાખ્યા. જમ્યા પછી થાળી મૂકવા આવનાર દરેકને, જો તેણે છાંડયુ હોય તો ૫૦ રુપિયા દંડ આપવાની અથવા છાંડેલુ ત્યાં ને ત્યાં ખાઈ જવાની ફરજ પાડવામાં આવી. ખૂબ સારો પ્રયોગ રહ્યો. આવા ઉપાયથી છાંડવાનું બંધ થવાની શક્યતા છે. શીખોનાં લંગર (ભોજનગૃહ)માં છાંડવા પર સખત પ્રતિબંધ છે, અમને એનો અનુભવ અમૃતસરમાં સુવર્ણ મંદિરના લંગરમાં થયો હતો.

કોઈ જગાએ જમણવારમાં વધેલી વાનગીઓ ગરીબોને વહેંચવાની કે ગરીબો રહેતા હોય ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા હોય છે, પણ છાંડેલુ કોણ લઇ જાય? માટે જરૂરી એ છે કે છાંડવાનું છોડો.

હસતા રહો:

એક જાડાં બહેન ડોક્ટર પાસે ગયાં અને કહે, ‘ડોક્ટર સાહેબ, મારે વજન ઘટાડવું હોય તો શું કરવાનું?’

ડોક્ટર કહે, ‘તમે હલકો ખોરાક ખાવ. મગ, ખાખરા, કોરી રોટલી, મમરા, ફળો, શાકભાજી વગેરે.’

પેલાં બહેન કહે, ‘ડોક્ટર, મારે આ બધું જમ્યા પહેલાં ખાવાનું કે જમ્યા પછી?’

  ગરમીથી બચવાનો એક ઉપાય વૃક્ષારોપણ

                          ગરમીથી બચવાનો એક ઉપાય વૃક્ષારોપણ

અત્યારે મે-જૂન મહિનામાં અમદાવાદ, ગુજરાત અને આખા દેશમાં મુખ્ય પ્રશ્ન દેખાય છે ગરમીનો. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ટેમ્પરેચર ૪૫ ડીગ્રી સેલ્સિયસથી યે ઉપર પહોંચી ગયું છે. ગઈ સાલ પણ આટલી જ ગરમી પડી હતી. આવનાર વર્ષોમાં પણ આવી જ ગરમી પડશે. આવું કેમ થયું છે? થોડાં વર્ષો પહેલાં તો આટલી ગરમી નહોતી પડતી. હું ૧૯૭૩ના અરસાની મારા અનુભવની વાત કરું તો ત્યારે ઉનાળામાં પણ પંખા વગર ચાલતું હતું. ઓટલા પર, ગેલેરીમાં કે ધાબા પર આરામથી સુઈ શકાતું હતું. એ.સી.ની તો કોઈ કલ્પના જ ન હતી.

તો પછી, ગરમી આટલી બધી વધી કેમ ગઈ? એનાં થોડાં કારણો આ રહ્યાં… વસ્તી ગીચ થઇ રહી છે, કોન્ક્રીટનાં મકાનો વધી રહ્યાં છે, ઝાડો કપાઈ રહ્યાં છે, નદી, તળાવ અને સરોવરો સુકાઈ ગયાં છે વગેરે વગેરે.

આપણે ગરમી ઘટે એ માટેના ઉપાયો વિચારવા છે. આમાં સૌથી સારો ઉપાય વૃક્ષારોપણનો લાગે છે. વૃક્ષો વાવીએ તો ઠંડક થાય, છાંયો મળે અને દેખાવ પણ સારો લાગે. તો પ્રશ્ન એ છે કે સરકાર અને લોકો મળીને આ દિશામાં સઘન પ્રયત્નો કેમ નથી કરતા? હા, એવું જાણ્યું છે કે અમદાવાદ મ્યુનીસીપાલિટીએ, તમે કહો એ વૃક્ષો તમારે ઘેર આવીને રોપી જવાની ઝુંબેશ ઉપાડી છે. ઘણી સારી વાત છે. પણ કેટલા લોકો રસ લઈને પોતાને ત્યાં વૃક્ષો રોપાવશે? કેટલા ઓછા લોકોને ત્યાં આંગણું હશે કે આંગણામાં જગા હશે?

વૃક્ષારોપણના પ્રોજેક્ટમાં આ ઉપરાંત, બીજું શું શું કરી શકાય? શહેરમાં જ્યાં શક્ય હોય ત્યાં રોડની બંને બાજુ અને વચ્ચેના ડીવાઈડરમાં વૃક્ષો વાવી શકાય. (આ વૃક્ષોને નિયમિત પાણી અને ખાતર પૂરું પાડવું જોઈએ.) બહારગામ તરફના હાઈવે પર પણ બંને બાજુ વૃક્ષો વાવવાં જોઈએ. આ સિવાય, આપણે ત્યાં તમને ઘણી જગાએ જમીન ફાજલ પડી રહેલી દેખાશે. ગામના સીમાડાઓ, તળાવોની આજુબાજુ, ખેતરોની બધી બાજુ, રેલ્વે પાટાઓની બંને બાજુ – એમ ઘણી જગાએ બિનખેતીની જમીન જોવા મળશે. આ જગાઓ પર લીમડો, વડ, જાંબુ, રાયણ, મહુડો, સાગ, નીલગીરી વગેરે વૃક્ષો વવાય, તો બધે કેટલી બધી હરિયાળી લાગે ! સરકાર આ કામ ઉપાડે અને પ્રજા તેમાં સહકાર આપે તો શું આ શક્ય નથી? સ્કુલકોલેજના વિદ્યાર્થીઓણે પણ આ કામમાં જોતરી શકાય. લોકો કેરી, જાંબુ, બોર અને રાયણ જેવાં ફળો ખાય ત્યારે તેનાં બી ભેગાં કરી રાખે, અને આવતાંજતાં ખુલ્લી જગાઓએ નાખે, તો પણ ચોમાસામાં આવાં વૃક્ષો એમનેમ જ ઉગી નીકળશે. સ્વાધ્યાયવાળાઓએ વૃક્ષો ઉગાડવાની સારી પ્રવૃત્તિ આદરી છે. આજે સૌરાષ્ટ્ર કે કચ્છમાં ફરતાં, રોડની બે ય બાજુએ બાવળીયા જ ઉગેલા જોવા મળે છે, એને બદલે મોટાં ઘટાદાર વૃક્ષો હોય તો કેવું સરસ લાગે ! અરે, ક્યાંક શાકભાજી અને ફળોના છોડ વાવશો તો પણ ઘણું ઉપયોગી કામ થશે. મેં રાજકોટ પાસેના રાજસમઢિયાળા ગામ વિષે ક્યાંક વાંચ્યું હતું. આ ગામના સરપંચે, ગામલોકોની મદદ લઈને, ગામની બધી બાજુ પુષ્કળ વૃક્ષો ઉગાડ્યાં છે. તેમને ગામમાં બીજું ઘણું કામ કર્યું છે, એની વાત ફરી કોઈ વાર. રાજસ્થાનમાં પણ આવું એક ગામ છે. આ ઉદાહરણો બતાવે છે કે આપણે ધારીએ તો આ કામ કરી શકાય એમ છે, અને હરિયાળી ક્રાંતિ સર્જવામાં ભાગીદાર બની શકાય એમ છે. ગામની અને દેશની રોનક બદલવી હોય તો વૃક્ષારોપણના કાર્યક્રમને અગ્રતાક્રમ આપવો જરૂરી છે. એમ કરવાથી ગરમીનો પ્રશ્ન જરૂર હલ થશે અને વરસાદ પણ વધુ આવશે.