ગરમીથી બચવાનો એક ઉપાય વૃક્ષારોપણ

                          ગરમીથી બચવાનો એક ઉપાય વૃક્ષારોપણ

અત્યારે મે-જૂન મહિનામાં અમદાવાદ, ગુજરાત અને આખા દેશમાં મુખ્ય પ્રશ્ન દેખાય છે ગરમીનો. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. ટેમ્પરેચર ૪૫ ડીગ્રી સેલ્સિયસથી યે ઉપર પહોંચી ગયું છે. ગઈ સાલ પણ આટલી જ ગરમી પડી હતી. આવનાર વર્ષોમાં પણ આવી જ ગરમી પડશે. આવું કેમ થયું છે? થોડાં વર્ષો પહેલાં તો આટલી ગરમી નહોતી પડતી. હું ૧૯૭૩ના અરસાની મારા અનુભવની વાત કરું તો ત્યારે ઉનાળામાં પણ પંખા વગર ચાલતું હતું. ઓટલા પર, ગેલેરીમાં કે ધાબા પર આરામથી સુઈ શકાતું હતું. એ.સી.ની તો કોઈ કલ્પના જ ન હતી.

તો પછી, ગરમી આટલી બધી વધી કેમ ગઈ? એનાં થોડાં કારણો આ રહ્યાં… વસ્તી ગીચ થઇ રહી છે, કોન્ક્રીટનાં મકાનો વધી રહ્યાં છે, ઝાડો કપાઈ રહ્યાં છે, નદી, તળાવ અને સરોવરો સુકાઈ ગયાં છે વગેરે વગેરે.

આપણે ગરમી ઘટે એ માટેના ઉપાયો વિચારવા છે. આમાં સૌથી સારો ઉપાય વૃક્ષારોપણનો લાગે છે. વૃક્ષો વાવીએ તો ઠંડક થાય, છાંયો મળે અને દેખાવ પણ સારો લાગે. તો પ્રશ્ન એ છે કે સરકાર અને લોકો મળીને આ દિશામાં સઘન પ્રયત્નો કેમ નથી કરતા? હા, એવું જાણ્યું છે કે અમદાવાદ મ્યુનીસીપાલિટીએ, તમે કહો એ વૃક્ષો તમારે ઘેર આવીને રોપી જવાની ઝુંબેશ ઉપાડી છે. ઘણી સારી વાત છે. પણ કેટલા લોકો રસ લઈને પોતાને ત્યાં વૃક્ષો રોપાવશે? કેટલા ઓછા લોકોને ત્યાં આંગણું હશે કે આંગણામાં જગા હશે?

વૃક્ષારોપણના પ્રોજેક્ટમાં આ ઉપરાંત, બીજું શું શું કરી શકાય? શહેરમાં જ્યાં શક્ય હોય ત્યાં રોડની બંને બાજુ અને વચ્ચેના ડીવાઈડરમાં વૃક્ષો વાવી શકાય. (આ વૃક્ષોને નિયમિત પાણી અને ખાતર પૂરું પાડવું જોઈએ.) બહારગામ તરફના હાઈવે પર પણ બંને બાજુ વૃક્ષો વાવવાં જોઈએ. આ સિવાય, આપણે ત્યાં તમને ઘણી જગાએ જમીન ફાજલ પડી રહેલી દેખાશે. ગામના સીમાડાઓ, તળાવોની આજુબાજુ, ખેતરોની બધી બાજુ, રેલ્વે પાટાઓની બંને બાજુ – એમ ઘણી જગાએ બિનખેતીની જમીન જોવા મળશે. આ જગાઓ પર લીમડો, વડ, જાંબુ, રાયણ, મહુડો, સાગ, નીલગીરી વગેરે વૃક્ષો વવાય, તો બધે કેટલી બધી હરિયાળી લાગે ! સરકાર આ કામ ઉપાડે અને પ્રજા તેમાં સહકાર આપે તો શું આ શક્ય નથી? સ્કુલકોલેજના વિદ્યાર્થીઓણે પણ આ કામમાં જોતરી શકાય. લોકો કેરી, જાંબુ, બોર અને રાયણ જેવાં ફળો ખાય ત્યારે તેનાં બી ભેગાં કરી રાખે, અને આવતાંજતાં ખુલ્લી જગાઓએ નાખે, તો પણ ચોમાસામાં આવાં વૃક્ષો એમનેમ જ ઉગી નીકળશે. સ્વાધ્યાયવાળાઓએ વૃક્ષો ઉગાડવાની સારી પ્રવૃત્તિ આદરી છે. આજે સૌરાષ્ટ્ર કે કચ્છમાં ફરતાં, રોડની બે ય બાજુએ બાવળીયા જ ઉગેલા જોવા મળે છે, એને બદલે મોટાં ઘટાદાર વૃક્ષો હોય તો કેવું સરસ લાગે ! અરે, ક્યાંક શાકભાજી અને ફળોના છોડ વાવશો તો પણ ઘણું ઉપયોગી કામ થશે. મેં રાજકોટ પાસેના રાજસમઢિયાળા ગામ વિષે ક્યાંક વાંચ્યું હતું. આ ગામના સરપંચે, ગામલોકોની મદદ લઈને, ગામની બધી બાજુ પુષ્કળ વૃક્ષો ઉગાડ્યાં છે. તેમને ગામમાં બીજું ઘણું કામ કર્યું છે, એની વાત ફરી કોઈ વાર. રાજસ્થાનમાં પણ આવું એક ગામ છે. આ ઉદાહરણો બતાવે છે કે આપણે ધારીએ તો આ કામ કરી શકાય એમ છે, અને હરિયાળી ક્રાંતિ સર્જવામાં ભાગીદાર બની શકાય એમ છે. ગામની અને દેશની રોનક બદલવી હોય તો વૃક્ષારોપણના કાર્યક્રમને અગ્રતાક્રમ આપવો જરૂરી છે. એમ કરવાથી ગરમીનો પ્રશ્ન જરૂર હલ થશે અને વરસાદ પણ વધુ આવશે.