લગ્ન અને અન્ય જમણવારોમાં છાંડવાની ટેવ

                          લગ્ન અને અન્ય જમણવારોમાં છાંડવાની ટેવ

જેમ જમાનો બદલાય તેમ આપણી પ્રથાઓ પણ બદલાતી જાય છે. થોડા વખત પહેલાં લગ્ન કે બીજા કોઈ પ્રસંગના જમણવારમાં નીચે પલાંઠી વાળીને, પતરાળાંમાં જમવાની પ્રથા હતી. એમાં પીરસનારાએ નીચા વળીને પીરસવું પડતું હતું. કમર ખૂબ દુખી જતી. આ પ્રથા ખૂબ લાંબુ ચાલી. પછી ખુરશી ટેબલ પર બેસીને જમવાની પ્રથા આવી. આમાં પીરસવાનું સહેલું થઇ ગયું. પીરસણીયાઓએ નીચા નમવાનું ના રહ્યું. આ બંને પ્રથામાં જો વધારે પીરસાઈ જાય તો લોકો છાંડે.

એના પછી ‘બુફે’ની સીસ્ટીમ શરુ થઇ, જે આજે પણ ચાલુ છે. આમાં પીરસવાની પ્રથા જ નીકળી ગઈ. દરેક મહેમાને થાળી લઇ કાઉન્ટર પરથી જોઈતી વાનગીઓ જાતે જ લઇ લેવાની. બુફે પ્રથાનો હેતુ એ હતો કે લોકો જાતે વાનગીઓ લે, એટલે પોતાને ખાવું હોય એટલું જ લે, આથી છાંડવાનો પ્રશ્ન ઉભો થાય જ નહિ, અને અન્નનો બગાડ અટકે.

શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું. પણ પછી લોકોને લાગવા માંડ્યું કે વાનગીઓ લેવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે, વળી ફરીથી કોઈ વસ્તુ લેવી હોય તો ફરી લાઈનમાં ઉભા રહેવું પડે છે. એને બદલે જો પહેલેથી જ વધારે લઇ લીધું હોય તો ફરી લાઈનમાં ઉભા રહેવું ના પડે. આવું વિચારી લોકો વાનગીઓ વધુ પ્રમાણમાં લેવા લાગ્યા. પરિણામ? પરિણામ એ કે લીધેલી વાનગીઓ ના ખવાય તો ડીશમાં રહેવા દેવાની, છાંડવાનું. આમ, બુફેમાં છાંડવાનું પ્રમાણ વધી ગયું. આજે પણ લોકો જમણવારમાં ખૂબ જ છાંડે છે. હા, જે લોકો સમજદાર છે, અને ‘છાંડવું ના જોઈએ’ એવું માને છે, તેઓ બુફેમાં પણ જરૂર જેટલું જ લે છે, અને છાંડતા નથી. પણ આવા લોકોનું પ્રમાણ ઓછું છે. છાંડનારાનું પ્રમાણ વધારે છે. આપણને એવો વિચાર આવવો જોઈએ કે આ દેશમાં કેટલા ય લોકોને પેટપૂરતું ખાવાનું નથી મળતું, અને અહીં આપણે અન્નને છાંડીને બગાડીએ છીએ, એ કેટલું ખોટું કહેવાય ! માટે દરેક જણે છાંડવાનું ટાળવું જોઈએ.

આનો અર્થ એ નથી કે બુફે પ્રથા ખોટી છે, અને જૂની પીરસવાની પ્રથા સારી છે. આજે લગ્નોમાં દેખાદેખી કે ગમે તેમ પણ જમણવારમાં વાનગીઓની સંખ્યા ખૂબ વધી રહી છે. ચાટ, પાણીપુરી, નુડલ્સ, ઢોંસા વગેરે વગેરે ખાધા પછી મેઈન કોર્સ, એમાંય અઢળક વાનગીઓ, પછી મુખવાસ, પાન, આઈસક્રીમ – આટલી બધી ચીજો, પીરસવાની પ્રથામાં પીરસવાનું શક્ય નથી. એટલે પ્રથા તો બુફે જ બરાબર છે. પણ છાંડવાનું બંધ કરવું. ભલે વધુ વાર લાઈનમાં ઉભા રહેવું પડે.

આજની પેઢીએ પીરસવાની પ્રથા તો જોઈ જ નથી. ઘણી વાર લોકો હોટેલમાં જમવા જાય ત્યાં પણ છાંડતા હોય છે. તેઓ પૈસા ય વેડફે અને ખાવાનું ય બગાડે.

હમણાં જ્ઞાતિના એક જમણવારમાં એક સરસ પ્રયોગ જોયો. એમાં પહેલેથી જ જાહેર કરવામાં આવ્યું કે કોઈએ છાંડવું નહિ. છાંડશે તો તેને ૫૦ રુપિયા દંડ થશે. જમ્યા પછી એંઠી થાળીઓ મૂકવાની જગાએ એક ભાઈને ઉભા રાખ્યા. જમ્યા પછી થાળી મૂકવા આવનાર દરેકને, જો તેણે છાંડયુ હોય તો ૫૦ રુપિયા દંડ આપવાની અથવા છાંડેલુ ત્યાં ને ત્યાં ખાઈ જવાની ફરજ પાડવામાં આવી. ખૂબ સારો પ્રયોગ રહ્યો. આવા ઉપાયથી છાંડવાનું બંધ થવાની શક્યતા છે. શીખોનાં લંગર (ભોજનગૃહ)માં છાંડવા પર સખત પ્રતિબંધ છે, અમને એનો અનુભવ અમૃતસરમાં સુવર્ણ મંદિરના લંગરમાં થયો હતો.

કોઈ જગાએ જમણવારમાં વધેલી વાનગીઓ ગરીબોને વહેંચવાની કે ગરીબો રહેતા હોય ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા હોય છે, પણ છાંડેલુ કોણ લઇ જાય? માટે જરૂરી એ છે કે છાંડવાનું છોડો.

હસતા રહો:

એક જાડાં બહેન ડોક્ટર પાસે ગયાં અને કહે, ‘ડોક્ટર સાહેબ, મારે વજન ઘટાડવું હોય તો શું કરવાનું?’

ડોક્ટર કહે, ‘તમે હલકો ખોરાક ખાવ. મગ, ખાખરા, કોરી રોટલી, મમરા, ફળો, શાકભાજી વગેરે.’

પેલાં બહેન કહે, ‘ડોક્ટર, મારે આ બધું જમ્યા પહેલાં ખાવાનું કે જમ્યા પછી?’