મોબાઈલની ઘેલછા

                                             મોબાઈલની ઘેલછા

દુનિયામાં જે કંઈ શોધખોળો થાય છે, તે માણસના ભલા માટે, માણસની સુખસગવડો વધારવા માટે થતી હોય છે. પણ જો તેનો વિવેકપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો તે શોધખોળોનો દુરુપયોગ પણ થવા માંડે છે. મોબાઈલ ફોનનું પણ એવું જ છે.

મોબાઈલ શોધાયાના ફાયદા જુઓ. માણસ ગમે ત્યાંથી પણ ફોન કરી શકે, અને જરૂરી સંદેશા લાગતાવળગતાઓને પહોંચાડી શકે. જયારે મોબાઈલ ન હતા અને ફક્ત લેન્ડલાઈન ફોન જ હતા, ત્યારે વાત કરવાની આટલી સગવડ નહોતી.

મોબાઈલના ફાયદા અનેક છે. એક ઉદાહરણ આપું. અમારા એક પરિચિત ભાઈ એક વાર રાતના ચાલતા જતા હતા. રસ્તામાં એક ઉંડો ખાડો આવ્યો, તે તરફ તેમનું ધ્યાન ગયું નહિ. એટલે ભાઈ પડ્યા ખાડાની અંદર. ખાસ કંઈ વાગ્યું નહિ, પણ ઝટ બહાર નીકળાય એવું લાગ્યું નહિ. મોબાઈલ તેમની જોડે જ હતો. તેમણે ઘેર ફોન જોડ્યો, અને થોડી વારમાં તો બેચાર જણ આવી ગયા અને તે ભાઈને ખાડામાંથી બહાર કાઢ્યા. ઝડપથી મેસેજ પહોંચાડવામાં અને કેટલાં યે કામો પતાવવામાં મોબાઈલ ખૂબ જ ઉપયોગી છે.

પણ હવે અગત્યની વાત છે મોબાઈલના દુરુપયોગની. મોબાઈલથી વાત કરવાનું કે મેસેજ મોકલવાનું ખૂબ સસ્તું છે. (સારી વાત છે.) વોટ્સ અપ આવ્યા પછી તો આ બધું મફત થઇ ગયું છે. (ઇન્ટરનેટ હોવું જોઈએ.) વોટ્સ અપમાં દેશવિદેશનાં બંધનો પણ રહ્યાં નથી. (એ પણ સારી વાત છે.) પણ આ સગવડોનો ખરાબ ઉપયોગ કરીએ તો?

જેમ કે સ્કુલ-કોલેજના કેટલાય છોકરા-છોકરીઓ મોબાઈલ ફોન હાથમાં આવ્યા પછી, જરૂર ના હોય તો પણ તેનાથી વાતો કર્યા કરે છે, બિનજરૂરી મેસેજ અને ચેટીંગ કર્યા કરે છે. ચાલુ કલાસે પણ બેંચ નીચે હાથમાં મોબાઈલ રાખી, ચેટીંગ કરતા હોય છે. ઘણી વાર લાયબ્રેરી કે ગાર્ડન જ્યાં ફ્રી વાઈફાઈ મળતું હોય ત્યાં બેસીને કલાકો સુધી મોબાઈલ વાપર્યે રાખે છે. આ એક વ્યસન થઇ ગયું છે. એમાં સમય કેટલો બધો બરબાદ થાય અને નિરર્થક ટોળટપ્પાંની કુટેવ પડી જાય તે જુદું. વળી તેઓ પોતે શું કરે છે, એ બધું માબાપથી છાનું પણ રાખે.

આજે તો ઘણાં માબાપ સાવ નાનાં છોકરાંને પણ મોબાઈલ આપી દે છે. છોકરુ મોબાઈલમાં વ્યસ્ત અને માબાપને પણ શાંતિ. બાળક માટે ટાઈમ ના આપવો પડે. બાળકો નાનપણથી જ મોબાઈલ ગેઈમ રમતાં થઇ જાય છે. પછી એમને એમાં એટલો બધો રસ પડે છે કે મોબાઈલ હાથમાંથી છોડતાં નથી. પછી તેમને આપણી જૂની રમતો સાતતાળી, હુતુતુ કે થપ્પો રમવામાં મજા નથી આવતી.

ઘરમાં ય તમે જોશો કે બધા નવરા પડે એટલે પોતપોતાનો મોબાઈલ લઈને બેસી જાય છે. એમાં કોઈ ઉપયોગી વસ્તુઓ વાંચતા હોય કે ઉપયોગી માહિતીની આપલે કરતા હોય તો બરાબર છે. પણ એને બદલે મોટા ભાગના લોકો મેસેજ, ફોટા અને વિડીયો ફોરવર્ડ કરવામાં જ મચી પડ્યા હોય છે. પોતે વાંચ્યા ના હોય, વાંચીને માહિતીની ખાતરી ના કરી હોય, બસ મિત્રોને કે ગ્રુપમાં ફોરવર્ડ કરી દેવાના. આવા ફોટા અને મેસેજ ભાગ્યે જ ઉપયોગી હોય છે, અને બધાનો સમય બરબાદ થાય છે. મોબાઈલને લીધે વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચતા લગભગ બંધ થઇ ગયા છે. અરે, રોજનું છાપું ય સરખું વાંચતા નથી.

મોબાઈલમાં કેમેરાની સગવડ થયા પછી ફોટા પાડવાનું સહેલું થઇ ગયું છે. આ એક ચોક્કસ સારી સગવડ છે. પણ ઘણી વાર બિનજરૂરી ફોટા પાડ્યા કરવા અને સેલ્ફીઓ લીધા કરવી એ ખોટું છે. સેલ્ફીઓ લેવામાં ક્યારેક જાન ગુમાવવાના કિસ્સા અવારનવાર બન્યા કરે છે. આતંકવાદીઓ કે ગુનેગારો તેમના નઠારા કામ માટે મોબાઈલનો ચોક્કસ દુરુપયોગ જ કરે છે.

મોબાઈલનાં આ બધાં દૂષણોમાંથી છૂટવું જોઈએ, નહિ તો પોતાને વધુ સ્માર્ટ ગણાવતી આજની યુવા પેઢી ક્યાં જઈને અટકશે?

હસતા રહો: (વોટ્સ અપ પર વાંચેલો એક જોક)

એક ભાઈ કહે, ‘મારી પત્ની રાત્રે ઓઢીને સુવા પડે, પછી તેનામાં માતાજી પ્રગટ થાય છે. એના ચહેરા પર પ્રકાશમય તેજ દેખાય છે.’

બીજા ભાઈ કહે, ‘એવું ના હોય. બરાબર તપાસ કરજે. તારી પત્ની ઓઢ્યા પછી, મોબાઈલ ચેટીંગ કરતી હશે, મોબાઈલનું  અજવાળું એના ચહેરા પર પડતું હશે.’