ગુજરાતી બાળકો, ઈંગ્લીશ મીડીયમમાં

                                           ગુજરાતી બાળકો, ઈંગ્લીશ મીડીયમમાં

સારા ઉચ્ચ ઘરની કહેવાતી બે સ્ત્રીઓ વચ્ચેની વાતચીત:

“અરે, મોના, આજે હું મારી ટીનાને લઈને પ્રભાદેવીને ત્યાં પાર્ટીમાં ગઈ હતી. પ્રભાદેવીએ ટીનાને નજીક બોલાવીને પૂછ્યું, ‘What’s your good name, Baby?’ અને મારી દિકરીને શું સૂઝ્યું કે તેણે ગુજરાતીમાં જવાબ આપ્યો, ‘હાય, હું ટીના’ મારી દિકરીનો ગુજરાતીમાં જવાબ સાંભળીને મને તો એટલી શરમ આવી કે ના પૂછો વાત.”

મોના બોલી, “હેં, એવું થયું, રીના? પ્રભાદેવી પર આપણા સ્ટેટસ વિષે કેવી ખરાબ છાપ પડે?”

રીના કહે, “હા, મોના, મેં એને ઘેરથી બરાબર Learn કરાવ્યું હતું કે ઈંગ્લીશમાં speak કરવાનું, છતાં ય તે ભૂલી ગઈ.”

મોના બોલી, “ અરે, મારી વાત કરું. કાલે મારા son ને સહેજ Fever હતો, એણે કંઈ જ ખાધું નહિ. મેં એને at least એક bite ખાવાનું કીધું, તો પણ ‘મને hunger નથી, હું આજે એમનેમ જ done થયેલો છું.’ કહીને કંઈ જ ખાધું નહિ.”

આ ગુજરાતી ભાષા તમને કેવી લાગે છે?

આપણે ત્યાં, ગુજરાતી કુટુંબોમાં બાળકોને હવે, પહેલેથી જ ઈંગ્લીશ મીડીયમની સ્કૂલોમાં ભણવા મૂકવાનો ક્રેઝ થઇ ગયો છે. તેઓને ગુજરાતી ભાષા એક વિષય તરીકે પણ કદાચ ભણાવતા નથી. હા, માબાપને ગુજરાતી આવડે છે, એટલે ઘરમાં ગુજરાતીમાં વાત થાય ખરી, છોકરાંને પણ ગુજરાતી બોલતાં આવડે ખરું, પણ તે અધકચરું. એમાં ય વચ્ચે કેટલા ય અંગ્રેજી શબ્દો આવી જાય. માબાપ પણ એવું જ અંગ્રેજીમિશ્રિત ગુજરાતી બોલે, એટલે ઉપર લખ્યા એવા ડાયલોગ થાય. વળી કોક માબાપનું છોકરું ક્યાંક જાહેર સમારંભમાં ગુજરાતી બોલે તો એમને શરમ આવી જાય, એમનું સ્ટેટસ નીચું ઉતરી જાય !

ગુજરાતી ભાષા માટે આ સારી નિશાની નથી. હું તો એમ માનું કે ભલે, તમે તમારા બાળકને ઈંગ્લીશ મીડીયમમાં ભણાવો, પણ ગુજરાતી ભાષાની અવગણના ના કરો. ગુજરાતી આપણી માતૃભાષા છે, એનું આપણને ગૌરવ હોવું જ જોઈએ. અને ગુજરાતી કુટુંબનાં દરેક વિદ્યાર્થીએ ગુજરાતી ભાષા સારી રીતે વાંચતાં, લખતાં અને બોલતાં શીખવી જ જોઈએ. મારી પેઢીના અમે લગભગ બધા જ, સ્કુલમાં ગુજરાતી માધ્યમમાં ભણ્યા છીએ, તો પણ અમે ક્યાંય અટકી પડ્યા નથી. ગુજરાતી કુટુંબોમાંથી કેટલાય ડોકટરો, એન્જીનીયરો, ઉદ્યોગપતિઓ, લેખકો, વકીલો અને વૈજ્ઞાનિકો થયા છે, તેમાંના ઘણા ગુજરાતી માધ્યમમાં ભણ્યા હશે.

તો આપણે શું કરવું જોઈએ? એવું કરી શકાય કે બાળપણમાં કે.જી. અને શરૂઆતનાં ચાર ધોરણ બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવવાં જોઈએ, એટલે ગુજરાતી પાકું થઇ જાય, પછી આગળ ભણવામાં ઈંગ્લીશ મીડીયમનો મોહ રાખે તો વાંધો નહિ. ગુજરાતીમાં ભણવામાં નાનમ ના હોવી જોઈએ, બલ્કે ગૌરવ હોવું જોઈએ.

આજે ઈંગ્લીશ મીડીયમમાં ભણનાર બાળકનાં માતાપિતા, તેને ઘેર પણ ગુજરાતી શીખવવાની દરકાર કરતાં નથી. અને બાળક ‘હાય, હલ્લો, ડેડ, મોમ’ જેવા અંગ્રેજીના રવાડે ચડી જાય છે, એમાં આપણા સંસ્કાર, ભાષાની મીઠાશ, વડિલો પ્રત્યે આદર, કુટુંબભાવના, ત્યાગ અને ઉદારતાની ભાવના – આ બધું ભૂલાતું જાય છે, અંગ્રેજી કલ્ચરની આ આડપેદાશ છે.