હસે તેનું ઘર વસે
ફોટો પડાવતી વખતે, ફોટો પાડનાર આપણને કહે છે, ‘Smile please’, એક-બે સેકંડ માટે આપણે ચહેરા પર હાસ્ય રેલાવીએ છીએ, અને ફોટો સરસ આવે છે. એ ફોટો જીંદગીનું એક સંભારણું બની જાય છે. અવારનવાર એ ફોટો જોઇને આપણે ખુશ થઈએ છીએ. ફક્ત એક-બે સેકંડનું હાસ્ય, જીંદગીમાં વારંવાર ખુશી લાવતું હોય તો, જો આપણે કાયમ માટે હસતા રહીએ, ખુશ રહીએ તો જીંદગી કેટલી સુહાની બની જાય !
વિચાર કરજો આ બાબત પર. કોઈ પણ પ્રસંગે કે વાતચીતમાં જયારે આપણે હસતા રહીએ છીએ (Smiling) ત્યારે તે ક્ષણો પૂરતો તો મનમાં આનંદ છવાઈ જાય છે, શરીર હળવુંફૂલ બની જાય છે, મન પરનો ભાર (Stress) હળવો થઇ જાય છે. ઘરના સભ્યોની કે મિત્રોની મંડળી જામી હોય અને એમાં હાસ્ય સાથે વાતો થતી હોય એમાં કેટલી બધી મજા આવતી હોય છે, એ તો બધાએ અનુભવ્યું જ છે. કોઈ કલાકાર જોક્સ કહેતા હોય (દા. ત. શાહબુદ્દીન રાઠોડ), કોઈ કોમેડી નાટક જોતા હોઈએ (દા. ત. સિધ્ધાર્થ રાંદેરિયા) કે કોઈ કોમેડી ફિલ્મ ચાલતી હોય (દા. ત. ધમાલ, હંગામા) એમાં બધાને બહુ જ મજા આવે છે.
હાસ્યનો આરોગ્ય સાથે પણ ખૂબ સંબંધ છે. હાસ્યસભર જીવનમાં મન બહુ પ્રફુલ્લિત રહે છે. શરીરનું બીપી ક્યારે ય વધતું નથી. ખોરાક આસાનીથી પચી જાય છે, આથી બીજા રોગો થતા નથી. ઘણા લોકો હસવા માટે લાફીંગ ક્લબનો સહારો લે છે.
હસીખુશીથી વાત કરનાર વ્યક્તિ સહુને ગમે છે. આવી વ્યક્તિ બધાને પ્રિય થઇ પડે છે. તેની વાતો સાંભળવાનું બધાને મન થાય છે. તમારા બોસને તમે ‘ગુડ મોર્નીંગ’ કહો, અને તે સ્માઈલ સાથે તમને વળતું ‘ગુડ મોર્નીંગ’ કહે, તો તમને કેટલું બધું ગમે ! એને બદલે એ મોઢું બગાડીને જવાબ આપે તો તમારો દિવસ કેટલો ખરાબ જાય !
કોઈક ઓફિસમાં કંઇક કામે ગયા હોઈએ, અને આપણે પ્રેમથી થોડા સ્માઈલ સાથે રજૂઆત કરીએ, તો આપણું કામ જલ્દી પતશે. આપણે ડોક્ટર પાસે ગયા હોઈએ અને ડોક્ટર હસીખુશીથી વાતો કરે તો આપણું અડધું દર્દ તો એમનેમ જ ગાયબ થઇ જાય છે.
કોઈ હસીખુશીથી વાત કરે તો તેમાં આપણને તેની સાથે પોતાપણાનો અનુભવ થાય છે. એ માણસ આપણો હોય એવું લાગે છે. એનાથી આપણા મનમાં હકારાત્મક (પોઝીટીવ) સ્પંદનો ઉત્પન્ન થાય છે, સારા વિચારો આવે છે, અને એ વ્યક્તિ જલ્દી આપણો મિત્ર બની જાય છે. હાસ્ય એ એક જડીબુટ્ટી છે.
દરેક છાપાં અને મેગેઝીનોમાં હાસ્ય કોલમો આવત્તી હોય છે. ઘણા લોકો તો પહેલાં આ કોલમો જ વાંચી લેતા હોય છે. આપણી ભાષામાં પણ આપણે ‘હાસ્યનું મોજું ફરી વળ્યું’, ‘હાસ્યની છોળો ઉછળી’, ‘પેટ પકડીને હસી પડ્યા’, ‘ખડખડાટ હસી પડ્યા’, ‘મુક્ત હાસ્ય’ જેવા રુઢિપ્રયોગો વાપરીએ છીએ. હસીએ ત્યારે દાંત દેખાતા હોય છે, ઘણા લોકોના દાંત એટલા સરસ હોય છે કે એ વ્યક્તિ હસે એ આપણને બહુ ગમે છે. એક દાંતના ડોકટરે પોતાના કલીનીકનું નામ ‘સ્મિત ડેન્ટલ કલીનીક’ રાખ્યું છે, એ કેટલું બધું યોગ્ય છે ! ચાર્લી ચેપ્લીને કહેલું, ‘દિવસમાં એક પણ વાર જે વ્યક્તિ હસ્યો નથી, તેનો તે દિવસ નકામો ગયો સમજવો’.
આ બધું જોતાં લાગે છે કે જીવનમાં હાસ્ય ખૂબ જ અગત્યનું છે. ભગવાને હસવાની ખૂબી ફક્ત માણસને જ આપી છે. બીજા કોઈ પણ પ્રાણીને હસતાં આવડતું નથી. તમે પણ આજથી જ હાસ્યમય જીવવાનું શરુ કરી દો, અને પછી જુઓ ચમત્કાર ! એટલે જ કહ્યું છે કે ‘હસતો નર સદા સુખી’ અને ‘હસે તેનું ઘર વસે’.
બે પ્રશ્નો અહીં લખું છું, એના જવાબ તમારા માટે શોધજો, અને યોગ્ય લાગે તો કોમેન્ટમાં તેના જવાબ લખજો. બધાને તે વાંચવાની મજા આવશે.
(૧) તમારા માટે એવી કઈ ત્રણ બાબતો કે ઘટનાઓ છે કે જે તમારા ચહેરા પર તરત જ હાસ્ય લાવી દેતી હોય.
(૨) તમારે આજે એવી કઈ બાબત કે ઘટના બની કે જેથી તમે હસી પડ્યા હો.