સુખનું સરનામુ
તમે અલગ અલગ માણસોને પૂછો કે ‘ભાઈ, તમે રોજ જે કામ કરો છો, જે મહેનત કરો છો, તે શેના માટે કરો છો?’ તો એના જે જવાબો મળશે તે કંઇક આવા હશે.
‘પૈસા કમાવા માટે’
‘બાળકોના સારા ભવિષ્ય માટે’
‘કુટુંબના સભ્યો માટે’ વગેરે વગેરે.
વળી એમને આગળ પૂછો કે ‘આ બધું શા માટે કરો છો?’ તો છેવટે અંતિમ જવાબ તો એવો જ આવે કે ‘જિંદગીમાં સુખ, સંતોષ અને આનંદ મેળવવા માટે.’
દરેક વ્યક્તિને સુખ, સંતોષ અને આનંદ સભર જિંદગી જીવવાની ઈચ્છા હોય છે. સુખ મેળવવા માટે તે રોજેરોજ મહેનત કરતો રહે છે. વળી, દરેકની સુખની વ્યાખ્યા પણ જુદી જુદી હોઈ શકે છે. સુખ, આપણા વિચારો, રસ, રુચિ અને આપણે કેવા માહોલમાં રહીએ છીએ, તેની સાથે સંકળાયેલું હોય છે. જુદા જુદા માણસોને જુદી જુદી બાબતોમાં સુખ મળે છે. તમે માણસો સાથે ચર્ચા કરી, સર્વે કરશો તો કોને શેમાંથી સુખ મળે છે, તે જાણવા મળશે. આવી થોડી બાબતો અહીં લખું?
(૧) મોટા ભાગના માણસોને કમાઈને પૈસા ભેગા કરવામાં આનંદ આવતો હોય છે.
(૨) ઘણાને સત્તા પ્રાપ્ત કરવામાં આનંદ મળે છે.
(૩) ઘણા લોકોને તંદુરસ્તી સાચવવાનું ગમે છે. તેઓ બીજી બધી બાબતો કરતાં, તંદુરસ્તીને સૌથી વધુ પ્રાધાન્ય આપે છે.
(૪) ઘણા લોકોને કુટુંબ, સગા અને મિત્રો સાથે સંબંધ સાચવવામાં મજા આવે છે. તેઓ આવા સંબંધો સાચવવામાં હંમેશાં ખુશ રહે છે. પોતાનું જતું કરીને પણ સંબંધો નિભાવે છે.
(૫) અમુક લોકોને બીજાને મદદ કરવામાં સંતોષ મળતો હોય છે. તેઓ ગરીબગુરબાંને સહાય કરતા જ રહે છે.
(૬) ઘણા લોકો આખો દિવસ પ્રભુ ભજનમાં મસ્ત રહે છે. તેઓ દેવદર્શને જાય, સત્સંગ કરે, ભજનો ગાય, મનમાં ભગવાનનું નામ લીધા કરે અને આનંદ માણે.
(૭) એવા ઘણા લોકો છે જેમને જમીનો, મકાનો, સોનું અને મિલકતો ભેગી કરવામાં આનંદ આવતો હોય.
(૮) ઘણા યુવાનોને રમતગમતોમાં મજા આવતી હોય છે. એમાંના કોઈક તો કોઈક રમતમાં નિષ્ણાત બની જાય અને તેને જ કેરીયર બનાવી દે.
(૯) કોઈકને ફરવાનો અને રખડવાનો શોખ હોય છે. એમને એમાં જ આનંદ આવતો હોય છે. તેઓ પર્વતો, જંગલો, કેડીઓ, દરિયાકિનારો, નદીનાળાં, ઝરણાં, તળાવો, ધોધ – એમ વિવિધ જગાઓએ ફર્યા કરે અને આનંદ માણે.
(૧૦) ઘણાને નૃત્ય, સંગીત અને ગાયનમાં મજા આવતી હોય છે. તેઓ આવી કોઈક પ્રવૃત્તિમાં લાગી જતા હોય છે.
(૧૧) કોઈકને કંઇક નવું સંશોધન કરવામાં રસ પડતો હોય છે. તેઓ હમેશાં તેમાં પ્રવૃત્ત રહે છે.
(૧૨) કોઈક કવિ, લેખક, ગઝલકાર કે પત્રકાર બની જતા હોય છે.
(૧૩) ઘણાને એશોઆરામથી પડી રહેવાનું ગમતું હોય છે.
હજુએ ઘણી બાબતો આ લીસ્ટમાં ઉમેરી શકાય. ઘણા એક કરતાં વધુ પ્રવૃત્તિઓ એકસાથે કરતા હોય એવું બને. જેમ કે કોઈ શિક્ષક રોજીરોટી માટે ભણાવવાનું કામ કરે, પણ જો તેને ગાવાનો શોખ હોય તો જોડે જોડે તે આ પ્રવૃત્તિ પણ કરે જ. ટૂંકમાં, દરેક જણ સુખ અને આનંદ મેળવવા માટે, પોતાને ગમતી પ્રવૃત્તિઓ કરતા હોય છે.
ઘણી વાર એવું બને કે માણસ મહેનત કરે, ઢસરડા કરે, તો પણ તેને જોઈતી વસ્તુઓ પ્રાપ્ત થતી નથી, અને તે દુખી થઇ જાય છે. એવે વખતે શું કરવું તેનો રસ્તો તેને સૂઝતો નથી. પણ જો આપણે સુખી જ રહેવું છે, તો દુઃખને હળવાશથી લેવું જોઈએ. કોઈકે કહ્યું છે કે દુનિયામાં કોઈ વસ્તુ કાયમી નથી, દુઃખ પણ નહિ. એટલે દુઃખ પણ જતું રહેવાનું જ છે. આપણે મનને એવી રીતે તૈયાર કરવું જોઈએ કે દુઃખ લાગે જ નહિ. દુઃખમાં પણ સુખ શોધી કાઢતાં શીખી લેવું જોઈએ. જીંદગી જીવવાની રીત આવડવી જોઈએ, પછી સુખ તો આપણા હાથમાં જ છે.