કામો કઈ રીતે પતાવવાં?

                                   કામો કઈ રીતે પતાવવાં?

આપણી રોજિન્દી જિંદગીમાં આપણે ઘણાં કામ કરવાનાં હોય છે. ઘરમાં, ઓફિસમાં, અન્ય નોકરીઓમાં અને ધંધામાં ઘણી જાતનાં કામ રોજેરોજ નિપટાવવાનાં હોય છે. આ બધાં કામ આપણે કઈ રીતે કરીએ છીએ?

જરા વિગતે વાત કરીએ. નોકરી કરતા લોકોમાં, ઘણા લોકો ખૂબ મહેનતુ, સજ્જન અને પ્રામાણિક હોય છે. તેઓ નોકરીમાં, પોતાની ફરજમાં આવતાં કામ તરત જ કરી દેતા હોય છે. ફરજ ઉપરાંતનાં વધારાનાં કામ પણ તેઓ કરી આપે છે. જો કે આવા લોકોની સંખ્યા બહુ જ ઓછી હોય છે. આવા લોકોને આગળ આવવાની તકો બહુ જ રહેલી છે. તેઓને પ્રમોશનો અને પગારવધારો જલ્દી મળી શકે છે. કામ કર્યાનો સંતોષ અને ટેન્શન વગરની લાઈફ તો ખરી જ.

બીજા પ્રકારના લોકો ધીરે ધીરે કામ કરે છે. તેઓ કામ કરવામાં જરૂર કરતાં ય વધુ ટાઈમ લગાડે છે. તેઓ માને છે કે ‘થાય છે, થશે, ઉતાવળ શું છે? ઝડપથી કામ કરીશું તો બોસ બે કામ વધારે સોંપશે’ આવી ધારણાઓથી તેઓ ઝડપથી કામો નથી પતાવતા. આવા લોકો માટે પ્રમોશનો કે ઝડપથી આગળ આવવાની તકો ઓછી રહેલી છે.

ત્રીજા પ્રકારના માણસો એવા છે કે તેઓ કામ કરતા જ નથી, અથવા બહુ જ ઓછું કામ કરે છે. તેઓ વાતો, ચાપાણી અને બોસને આડુંઅવળું સમજાવી દેવાની પ્રવૃતિઓ વધુ કરે છે. આવા લોકો, બીજા સારા મહેનતુ માણસને પણ નડતરરૂપ થતા હોય છે. આવા લોકો પ્રમોશનો તો ઠીક, ક્યારેક નોકરી યે ગુમાવી દે છે. પછી તેઓ જાતજાતની નોકરીઓ બદલી, જીવનનું ગાડું જેમતેમ રગડદગડ ચલાવ્યે રાખે છે.

કામ પતાવવા અંગેની બીજી એક બાબત વિચારીએ. ધારો કે આપણી પાસે ૫ જુદાંજુદાં કામ પેન્ડીંગ પડ્યાં છે. (જેવાં કે વીજળીનું બીલ ભરવા જવાનું, ખરીદી કરવા જવાનું, બાળકોને શીખવાડવાનું, પત્નીને ફરવા લઇ જવાનું, કોઈ સગાની ખબર કાઢવા જવાનું, ઓફિસનું એક પેન્ડીંગ કામ પતાવવાનું વગેરે). તો આ કામોમાંથી પહેલું કામ કયું કરશો? અને પછી કયા ક્રમે આ કામો પૂરાં કરશો? ઘણા લોકો શું કરે કે જે ગમતું અને સહેલું કામ હોય તે પહેલાં કરે,અને ન ગમતું કામ છેલ્લે પતાવે. ક્યારેક તો ન ગમતા કામને કોઈક ને કોઈક બહાના હેઠળ, ઠેલ્યે રાખે, છેલ્લે કદાચ એ અણગમતું કામ કરે જ નહિ. બીજા કેટલાક લોકો એવા હોય છે કે જે અણગમતાં કામ પહેલાં કરી નાખે, અને પછી નિરાંતનો શ્વાસ લે કે ‘હાશ ! હવે ફક્ત ગમતું કામ જ બાકી રહ્યું.’ ઘણા લોકો એવું કરે કે કામ ગમતું હોય કે અણગમતું, પણ જેની તાતી જરૂરિયાત હોય, emergency હોય, એ કામ પહેલું કરે, અને એ જ રીતે જરૂરિયાતના ક્રમમાં બીજાં કામ કરે. આવા લોકો વધુ સફળતા પ્રાપ્ત કરે છે.

ઘણી વાર લોકોને ‘કામ પતાવવાનાં છે’ એ બાબતનું મગજમાં ટેન્શન રહ્યા કરે, એની ચિંતામાં શરીરનું બીપી વધે, તેઓ હળવાશ અનુભવે જ નહિ. કામની સંખ્યા વધે તેમ તેઓ વધુ ગૂંચવાતા જાય. આવા કિસ્સામાં શું કરવું જોઈએ? મારું મંતવ્ય એવું છે કે કામ કેટલાં બાકી છે, એ ગણગણ કરવાને બદલે, કામોનું એક લીસ્ટ બનાવીએ, તેમાં એક પછી એક કામ કરતા જઈએ, અગત્યનું હોય એ પહેલું કરીએ, અને એ રીતે ચાલ્યા કરે તો કામનો ભરાવો થાય નહિ, બધાં જ કામ પતતાં જાય અને પછી આપણને આ રીતે કામ કરવાની ટેવ પણ પડી જાય. આપણો આત્મવિશ્વાસ વધે, અને ટેન્શન પણ ના થાય.

તમે શું કહો છો?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: