ભારતનું બુદ્ધિધન

                                            ભારતનું બુદ્ધિધન

હમણાં જ પંદરમી ઓગસ્ટ ગઈ. આપણો સ્વાતંત્ર્ય દિન, આપણે ખૂબ ભવ્ય રીતે ઉજવ્યો. આ નિમિત્તે ભારત વિષે કંઇક લખવાનું મન થાય છે.

આપણે જાણીએ છીએ કે આપણો પ્રાચીન ભૂતકાળ બહુ જ ભવ્ય હતો. આપણે ત્યાં ઋષિમુનિઓ અગાધ જ્ઞાન ધરાવતા હતા. વેદો, પુરાણો, ઉપનિષદો તથા રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોની રચના આપણા ભારત દેશમાં થઇ છે. એમાં અભૂતપૂર્વ જ્ઞાન સંગ્રહાયેલું છે. ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો બોધ ‘ગીતા’માં છે. એમાં બધા જ્ઞાનનો સાર આવી જાય છે. આપણા દેશમાં ઘણા અવતારી પૂરુષો થયા છે, અને તેમણે દુનિયાને સારા માર્ગે વાળવા બહુ જ કામ કર્યું છે. આપણા દેશને કુદરતે પણ ઘણી ચીજો ભેટ આપી છે. હિમાલય પર્વત, ગંગા-જમના જેવી નદીઓ, વિશાળ સમુદ્ર કિનારો, જાતજાતનાં અનાજ અને ફળોની પેદાશ, ખનીજો – એમ ઘણી સમૃદ્ધિ અહીં છે. આપણો દેશ શિયાળામાં કેનેડાની જેમ થીજી જતો નથી, અને ઉનાળામાં આરબ દેશો (લગભગ ૫૫ અંશ સેલ્સિયસ)ની જેમ બળી જતો નથી. આપણા દેશની પુરાણી સંસ્કૃતિનો અમર વારસો આપણી પાસે છે.

આ બધાને લીધે, આપણે આપણી સંસ્કૃતિને વારંવાર યાદ કરીને ગૌરવ અનુભવીએ છીએ, અને આપણા ભૂતકાળની ભવ્યતાને વાગોળીએ છીએ. અમેરીકા પાસે તો ૫૦૦ વર્ષથી જૂનો કોઈ ઈતિહાસ જ નથી.

ભારતમાં આ બધું હોવા છતાં, ભારત આજે દુનિયામાં સૌથી આગળ પડતો દેશ કેમ નથી? આપણે સુપર પાવર કેમ નથી? દુનિયામાં છેલ્લાં બસો વર્ષોમાં જે વૈજ્ઞાનિક ક્રાંતિ થઇ, જે શોધખોળો થઇ, જેવી કે સ્ટીમ એન્જીન, વીજળી, ટેલીગ્રામ, ટેલીફોન, વીજળીનો બલ્બ, પેટ્રોલ અને ડીઝલ એન્જીનો, જનરેટર, સિનેમા, કેમેરા, રેડિયો, વિદ્યુત મોટર, વિમાન, ટેલીવિઝન, રોકેટ, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, મોબાઈલ ફોન વગેરે, એમાંથી એક પણ શોધ ભારતમાં થઇ નથી. ભારતની પુરાણી સંસ્કૃતિમાં જ્ઞાનનો ભંડાર હોવા છતાં, આવી એક પણ શોધ ભારતના નામે નથી. આ બાબત વિચારવા જેવી નથી લાગતી? આ બધી શોધખોળો અને સગવડો આપણે પરદેશથી આયાત કરી છે. પછી, ભલે આમાંની ઘણી વસ્તુઓ અત્યારે ભારતમાં બનતી હોય.

આપણે ત્યાં બુદ્ધિશાળી લોકોની કમી છે, એવું નથી. આપણે ત્યાં તીવ્ર બુદ્ધિપ્રતિભા ધરાવનારા અસંખ્ય યુવાનો છે. પણ તેમાંના ઘણા અમેરીકા અને અન્ય દેશોમાં જઈને વસી જાય છે, અને પોતાના જ્ઞાનનો ઉપયોગ પરદેશની કંપનીઓને કમાવી આપવામાં કરે છે. આવા લોકો પરદેશ જતા રહે છે, એનું કારણ શું? કેમ કે ત્યાં તેમને ઉંચો પગાર અને ખૂબ સગવડો મળે છે. આ પ્રકારના બહુ જ ઓછા લોકો ભારતમાં રહી દેશના વિકાસમાં ફાળો આપે છે. (ઈમેઈલ મોકલવા માટે હોટમેઈલની સગવડ એક ભારતીય નવજવાને કરી હતી. પણ એમણે એ શોધ અમેરીકામાં રહીને જ કરી હતી. એમનુ નામ જાણો છો?)

આપણું બુદ્ધિધન ભારતમાં કેમ નથી રોકાતું? એક તો, એમને કામ અને સંશોધન કરવા માટે પૂરતી સગવડો અને નાણાં મળતાં નથી. જીવન જરૂરિઆતની બીજી સગવડો પર પૂરતી મળતી નથી. બીજું, કોઈ કંપની કે સરકાર તરફથી પણ સહાય માંડ મળે છે. તેની પ્રતિભાની કોઈ કદર કરતુ નથી. વળી, ઘણી વાર અમલદારશાહી અને politics તેને નડતરરૂપ બને છે. આવું બધું થતાં, આવા લોકો પરદેશની વાટ પકડી લે છે. એચ. એલ. ત્રિવેદી અને સામ પિત્રોડા જેવા કોઈક જ વિરલાઓ, કઠિન પરિસ્થિતિનો સામનો કરીને પણ ભારતમાં રહી ભારત માટે કામ કરે છે. ‘સ્વદેશ’ ફિલ્મ જોજો, એમાં અમેરીકાની ‘નાસા’ સંસ્થામાં કામ કરતો એક ભારતીય વૈજ્ઞાનિક ભારત પાછો આવીને, અહીં સ્થાયી થાય છે.

એટલે જરૂરી એ છે કે ભારતના પ્રતિભાશાળી લોકો દેશમાં જ્ર રહે એવું કરવું જોઈએ. એમને પૂરતો પગાર અને સગવડો આપવાં જોઈએ, અને એમની કદર કરવી જોઈએ. બીજું કે લોકોમાં એક દેશદાઝ ઉભી કરવી જોઈએ. લોકોને દિલમાં એવું થવું જોઈએ કે મારે મારા દેશ માટે કંઇક કરવું જોઈએ. આવી ભાવના ભારતમાં જો સર્વત્ર ઉભી થાય તો દેશ જરૂર આગળ આવે અને ક્યારેક સુપરપાવર પણ બની શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કામ કરી રહ્યા છે.