જીવનમાં ધ્યેય (Goal, લક્ષ્ય) નક્કી કરવું જોઈએ.
જિંદગી એકદમ સુખમાં અને આનંદમાં પસાર થતી હોય એ કોને ના ગમે? બધા જ માણસો સુખ મેળવવા દોડી રહ્યા છે. આમ છતાં, કેટલા માણસો સુખી છે? દુનિયામાં તમને જાતજાતનાં દુખો જોવા મળશે. કોઈ ગરીબ છે, સખત મહેનત કરવા છતાં પેટપૂરતું ખાવા નથી મળતું, કોઈને માંદગી પીછો નથી છોડતી, કોઈને વારસામાં દિકરો કે દિકરી નથી, કોઈ પૈસાપાત્ર હોવા છતાં દિકરો કહ્યામાં નથી, કોઈ વહુને સાસુની સતામણીનું દુઃખ છે, કોઈને સારું ભણવા છતાં સંતોષકારક નોકરી કે ધંધો નથી મળતો. આમ, જાતજાતનાં દુઃખોથી માણસ ઘેરાયેલો દેખાશે.
તો સુખેથી કોણ જીવે છે? શું, જિંદગીમાં સુખ હોય જ નહિ? ના, ના, એવું જરાય નથી. તમારે સુખેથી અને આનંદમાં જીવવું હોય તો કોણ રોકે છે? મોટા ભાગનાં દુખો તો માણસ જાતે જ ઉભાં કરે છે અને દુઃખી થાય છે. તમારે સુખમય જિંદગી જીવવી છે? તો તમારો જીવવાનો રાહ બદલો. જીવવાનો નવો રસ્તો અપનાવો. પછી જુઓ કે જિંદગીમાં સુખ જ સુખ છે કે નહિ.
સુખી જીવન જીવવા માટે પહેલાં તો જીવનનું ધ્યેય નક્કી કરો. તમારે જીવનમાં શું મેળવવું છે, તમારે નોકરી કે ધંધો કે શું કરવું છે, તમારે શું બનવું છે, એ સ્પષ્ટપણે નક્કી કરો. તમારે સારું ભણીને પ્રોફેસર બનવું છે? તમારે સારા નામાંકિત ડોક્ટર બનવું છે? તમે નેતા બનીને દેશસેવા કરવા માગો છો? તમારે કોઈ ઉદ્યોગ સ્થાપીને ઉદ્યોગપતિ બનવું છે? તમારે જે કંઇ બનવું હોય તે, વિદ્યાર્થી ઉમરમાં જ નક્કી કરી લો.
સામાન્ય રીતે વિદ્યાર્થી સ્કુલમાં ધોરણ દસ પાસ કરે, પછી તેણે કઈ લાઈનમાં ભણવું છે, તે નક્કી કરવાનું હોય છે. વિદ્યાર્થીએ પોતાને શું ગમે છે, ભવિષ્યમાં પોતે શું બનવા ઈચ્છે છે, તે અહીંથી જ નક્કી કરવું જોઈએ. પોતાને જેનો શોખ હોય, જે બાબત ગમતી હોય, તે ક્ષેત્ર પસંદ કરે તો એનું ભવિષ્ય ખૂબ જ દીપી ઉઠે.
પોતે જે ક્ષેત્ર પસંદ કર્યું હોય, એમાં આગળ આવવા માટે સખત મહેનત, આવડત અને પ્રબળ ઝંખના હોવી જરૂરી છે. ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પૂરતાં પૂરતાં, પેટ્રોલ પેદા કરવાની પોતાની રીફાઈનરી હોય એવું વિચારતા રહ્યા, એ ધ્યેય પાછળ મંડ્યા રહ્યા અને એ ધ્યેયને સિદ્ધ કરીને જ જંપ્યા. આવાં તો ઘણાં ઉદાહરણો જોવા મળશે.
ધ્યેય ઘણી બાબતોને લગતાં હોઈ શકે. જેમ કે (૧) કોઈએ શરીર તંદુરસ્ત રહે એવું ધ્યેય રાખ્યું હોય (૨) કોઈને પૈસા એકઠા કરવાનું ધ્યેય રાખ્યું હોય (૩) કોઈએ કુટુંબમાં સરસ સંપ રહે એવું ધ્યેય રાખ્યું હોય વગેરે. જે કોઈ ધ્યેય રાખો એની સાથે સમય મર્યાદા અને ધ્યેયનું માપ પણ નક્કી રાખવું જોઈએ. દા. ત. કોઈ એવું ધ્યેય રાખી શકે કે મારે આ એક વર્ષ દરમ્યાન વીસ લાખ રૂપિયા કમાવા છે.
મધ્યમ વર્ગના મોટા ભાગના લોકો સામાન્ય નોકરી કરતા હોય છે, જેવી કે, ક્લાર્ક, મદદનીશ, ગુમાસ્તા, હિસાબનીશ વગેરે. આવા લોકો ખાવાપીવા અને રહેવાની સગવડ જેટલું કમાઈ લેતા હોય છે, પણ એથી વધુ આગળ વિચારતા નથી હોતા. તેઓ સામાન્ય રીતે નોકરી કરીને આવે પછી, છાપું વાંચે, ટીવી જુએ, મોબાઈલ મચડે, ઘરવાળા જોડે થોડીઘણી રૂટીન વાતો કરે અને દિવસ પૂરો કરે. તેમની આ ઘરેડ આખી જીંદગી ચાલ્યા કરે. તેઓ એનાથી આગળ વધવાનું વિચારતા જ નથી હોતા. તેમને બીજું કોઈ ધ્યેય જ નથી હોતું. કદાચ કોઈને વધુ કમાવાનો વિચાર આવે તો કોઈ શેરબજારમાં થોડા પૈસા રોકે, કોઈ વળી નાના ફ્લેટની કોઈ સ્કીમમાં પૈસા રોકે, કોઈ ટ્યુશન કરે વગેરે. પણ ભાગ્યે જ કોઈને જીવનમાં કંઇક ખાસ કરી બતાવવાનો વિચાર આવે.
કંઇક ખાસ એટલે દા. ત. કોઈ પોતાનો ઉદ્યોગ સ્થાપીને ખૂબ કમાઈને બીજાઓ માટે નોકરીઓ ઉભી કરે, કોઈ વસ્તુનું ઉત્પાદન કરી દેશના વિકાસમાં ફાળો આપે, કોઈ વ્યક્તિ અમુક ક્ષેત્રમાં નિષ્ણાત બનીને સેલિબ્રિટી બની જાય, જેવા કે પ્રખ્યાત લેખક, ગાયક, ક્રિકેટર, હીરો-હિરોઈન, સંગીતકાર, વૈજ્ઞાનિક, આઈટી નિષ્ણાત વગેરે. આવા નિષ્ણાતોને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. નરેન્દ્ર મોદી, સચિન તેન્ડુલકર, લતા મંગેશકર, અમિતાભ બચ્ચન અને બીજા કેટલાય આગળપડતા લોકો – આ બધાને કોણ નથી ઓળખતું? તેઓ પણ આપણા જેવા માણસો જ છે ને? પણ તેઓએ જીંદગીમાં કોઈ ધ્યેય નક્કી કર્યું, એ ધ્યેય પ્રાપ્ત કરવાની આવડત મેળવી, સખત મહેનત કરી, અને એમનું સ્થાન પ્રાપ્ત કરી શક્યા. આપણે એકઝેટલી એમના જેવા જ બનવું છે, એવું નથી, પણ આપણને જે પસંદ હોય તે ક્ષેત્રમાં જવાનું.
આમ જીવનમાં ધ્યેય નક્કી કરવું ખૂબ જરૂરી છે, પછી એ દિશામાં કામ કરતા રહીએ તો જરૂર એક દિવસ એ ધ્યેય પ્રાપ્ત કરી શકાશે. સામાન્ય મજૂર પણ જો આવું વિચારે તો તે પણ આગળ આવી શકે. દુનિયામાં ધ્યેય નક્કી કરી, જોઈતી વસ્તુઓ પ્રાપ્ત કરો તો પછી સુખ હાજર જ છે.
નક્કી કરેલું ધ્યેય પ્રાપ્ત કરવાની તાકાત આપણી પોતાની પાસે જ છે, એ કઈ રીતે, તે હવે પછીના લેખમાં.