સંબંધોની સુગંધ

                                             સંબંધોની સુગંધ

અમારા એક સ્નેહી પરેશભાઈ છે, તેઓ દિવાળી કેવી રીતે ઉજવે છે, તેની વાત કરું. તેઓ ચાર ભાઈ છે. દિવાળીના ચારપાંચ દિવસો દરમ્યાન તેઓ ગમે તે એક ભાઈને ત્યાં પત્ની-બાળકો સહિત બધા ભેગા રહે છે. રોજ નવી નવી વાનગીઓ બને, બધાં સાથે બેસીને જમે, એક દિવસ બધા ક્યાંક ફરવા જાય, એક દિવસ હોટેલમાં જમવાનું રાખે, સાંજે બધા ભેગા મળી કુટુંબની, બાળકોની અને સમાજની વાતોચીતો કરે, પત્તાં અને અંતાક્ષરી જેવી રમતો રમે, છોકરાં દારૂખાનું ફોડે, આમ આનંદ અને કિલ્લોલથી ચારપાંચ દિવસો ક્યાં પસાર થઇ જાય એની ખબર પણ ના પડે. બીજા વર્ષે બીજા ભાઈને ત્યાં દિવાળી ઉજવાય. પરેશભાઈને ત્યાં વર્ષોથી આ પ્રથા ચાલે છે.

આવું ક્યારે શક્ય બને? બધા ભાઈઓ લાગણી અને હુંફના સારા સંબંધોથી જોડાયેલા છે, અને તેથી જ આ પ્રકારે તેઓ સાથે રહી શકે છે. કોઈકને કદાચ વધારે ખર્ચ થઇ જાય કે કંઇક જતું કરવું પડે તો પણ તેઓ તે હોંશે હોંશે કરે છે. આવો સંબંધ રાખવાથી મન પ્રસન્ન રહે છે, અને વખત આવે એકબીજાની મદદ મળી રહે છે.

મનુષ્ય સામાજિક પ્રાણી છે. તે એકલો રહી શકતો નથી. દરેકને કુટુંબ અને સમાજની જરૂર છે. પોતાની જરૂરિયાત એકબીજાની સહાયથી જ પૂરી પડે છે. તો પછી બધા સાથે સારા સંબંધો કેમ ના રાખવા?

ઘણા પૈસાપાત્ર માણસોને અહંકાર આવી જતો હોય છે. “મારી પાસે પૈસા છે, મારે બીજાની શું જરૂર છે? પૈસાથી બધું જ મળી રહેશે” આવી વિચારસરણીવાળા લોકો પણ હોય છે. આવા લોકો બીજાઓ સાથે ખાસ સંબંધ નથી રાખતા. પણ તેઓએ વિચારવું જોઈએ કે વખત આવે, ધૂળનો પણ ખપ પડે છે. ક્યારે કોની જરૂર પડી જાય એ કહેવાય નહિ. માટે દરેક સાથે સારા સંબંધ રાખવા ખૂબ જરૂરી છે. દરેકની સાથે સારી રીતે પ્રેમથી વર્તીને, હસીખુશીથી વાતો કરીને, ક્યારેક મદદ કરીને સારા સંબંધો સાચવી શકાય છે. કોઈને મદદ ત્રણ રીતે થઇ શકે છે, પૈસાથી, સમય ફાળવીને અને કોઈનું કામ કરી આપીને.

ઘણા લોકો ખૂબ સંકુચિત વિચારના હોય છે. તેઓ બીજાનો લાભ લઇ લેવામાં માને છે, પણ બીજા માટે પોતે કશું જતું કરવા તૈયાર નથી હોતા. ઘણાં કુટુંબોમાં તમે જોશો તો ભાઈભાઈ વચ્ચે સંબંધો સારા નથી હોતા, તેનું કારણ આ જ છે. આવા લોકો આનંદ અને સુખથી નથી જીવી શકતા. તેઓને બીજાની ભૂલો દેખાયા જ કરે છે. તેઓના મન પર સતત ભાર રહ્યા કરતો હોય છે.

તમે પત્ની અને બાળકો સાથે સારી રીતે વર્તો, કુટુંબના બીજા સભ્યો સાથે સારો સંબંધ રાખો, સગાંવહાલાં અને સંપર્કમાં આવતા બધા લોકો સાથે સારું વર્તન રાખો, તો તમારું મિત્રવર્તુળ બહોળું થાય છે, અને આપત્તિ વખતે આવા બધા લોકો તમારી પડખે આવીને ઉભા રહે છે. તમે આવું બધું અનુભવ્યું જ હશે.

સગા અને મિત્રોને અવારનવાર ફોનથી મળતા રહો, ક્યારેક એકબીજાને નાસ્તા અને જમણ પર બોલાવો, ક્યારેક બધા સાથે ફરવા જાઓ, પ્રસંગોએ બધા ભેગા મળો – આવું બધું સારા સંબંધો માટે બહુ ઉપયોગી છે. આજે ઘણા લોકો આવું બધું સમજ્યા છે. હવે તો ઈન્ટરનેટ, મોબાઈલ, ફેસબુક, વોટ્સ અપ અને ટવીટરનો જમાનો છે. સંપર્કો રાખવા અને સંબંધો સાચવવા આ સગવડો બહુ જ કામ આવે છે. (હા, તેનો બિનજરૂરી ઉપયોગ કરીને ટાઈમ બગાડવો યોગ્ય નથી.)

સંબંધો બે પ્રકારના છે, કૌટુંબિક અને વ્યાપારિક. કૌટુંબિક સંબંધોમાં સ્નેહ અને હુંફનું પ્રમાણ વધુ હોય છે. ઘણા લોકો પોતાનું ઘણું જતું કરીને પણ સંબંધો ટકાવી રાખે છે. આવા લોકો કુટુંબમાં આદરણીય બની જાય છે. વ્યાપારિક સંબંધોમાં પૈસા વચ્ચે આવે છે. એમાં કોઈક લોકો છેતરપીંડી પણ કરે છે. તેઓ કોઈના વિશ્વાસપાત્ર નથી રહેતા. સરવાળે તો જે પ્રામાણિક છે, તેઓ જ સારા દેખાય છે, અને તેઓ જ આનંદ અને આદર પ્રાપ્ત કરે છે.

ઘરથી માંડી સમાજ અને મિત્રો સુધી સારો સંબંધ જાળવનાર ઘણું મેળવે છે. ગુમાવવાનું કંઈ જ નથી હોતું. મનની તંદુરસ્તી સારી રહે છે. શારીરિક તંદુરસ્તી પણ સારી રહે છે. હસતો અને પ્રેમાળ માણસ સહુને ગમે છે. એક સ્મિત રેલાવીને સામા માણસના દિલમાં સ્થાન પ્રાપ્ત કરી શકાતું હોય, તો શા માટે હસતા ના રહેવું? આવી વ્યક્તિને સહુનો સાથ મળતો રહે છે, અને જીવન સરળતાથી અને સુખમય રીતે ચાલ્યા કરે છે.

ચાલો, આપણે પણ જીવનમાં સંબંધોની સુગંધ ફેલાવતા રહીએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: