અર્ધજાગ્રત મન દ્વારા ધ્યેયની પ્રાપ્તિ

                               અર્ધજાગ્રત મન દ્વારા ધ્યેયની પ્રાપ્તિ

આપણે આગળ જોયું કે આપણે જે ધ્યેય પ્રાપ્ત કરવું છે, તે સિદ્ધ કરવાનું કામ અર્ધજાગ્રત મનને સોંપવું જોઈએ. અર્ધજાગ્રત મનને કામ કઈ રીતે સોંપવું ,એની અહીં વાત કરીએ.

આ માટેની એક રીત અહીં લખું છું. તમે રાત્રે સૂવા પડો ત્યારે, ઉંઘ આવી જતા પહેલાંની પાંચેક મિનીટ એવી હોય છે કે જેમાં તમે પૂરા જાગતા ન હો કે પૂરા ઉંઘી પણ ન ગયા હો. આ સમયે આપણે અર્ધજાગ્રત મનને જે સૂચન કરીએ, તે અર્ધજાગ્રત મનમાં બરાબર પહોંચી જાય છે. એટલે કે જે વસ્તુ પ્રાપ્ત કરવી છે, તેનું આ સમયે મનમાં રટણ કરતાં કરતાં ઉંઘી જવાનું. દા.ત. તમારે માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ મેળવવી છે, તો “મારે  માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ મેળવવી છે, મારે માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ મેળવવી છે” એવી ઈચ્છા કરતાં કરતાં ઉંઘી જવું. પછી અર્ધજાગ્રત મન, તમે સોંપેલું કામ કરવા માંડશે. આવું રટણ રોજેરોજ રાત્રે સૂતી વખતે કરવું. ઓછામાં ઓછા ૨૧ દિવસ સુધી તો આ પ્રમાણે કરવું જ. સવારે પથારીમાં જાગો ત્યારે પણ તરતની થોડીક ક્ષણો એવી હોય છે કે જેમાં જાગતાઉંઘતા હોઈએ, આ ક્ષણે પણ આપણા ધ્યેયનું રટણ કરવું. આમ કરવાથી આપણી ઈચ્છાની માહિતી અર્ધજાગ્રત મન પાસે પહોંચી જાય છે. પછી અર્ધજાગ્રત મન આ કામ કરવાનું શરુ કરી દે છે.

અર્ધજાગ્રત મન ચિત્રોની ભાષા વધુ સારી રીતે સમજે છે. એટલે તમે તમારા ધ્યેયને લગતાં ચિત્રો તૈયાર કરો, અથવા ધ્યેયને લગતાં ચિત્રોની કલ્પના કરો. જેમ કે તમારું જો માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ મેળવવાનું ધ્યેય છે, તો તમે, તમને માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ મળી ગઈ હોય અને તમે તેની ઓફિસમાં તમારા ક્યુબમાં બેસીને લેપટોપ પર કામ કરતા હો, એવા ચિત્રની કલ્પના કરો. અરે, ક્યાંક આવી અન્ય જગાએ બેસીને તમે એવો ફોટો પડાવો, આ ફોટાને અવારનવાર જુઓ, તમારા હાલના ઘરના ટેબલ આગળ સામે એક વિઝન બોર્ડ બનાવી એના પર આ ફોટો લગાડો, અને એને અવારનવાર જોતા રહો, એટલે આ ફોટો તમારા માનસપટ પર અંકિત થઇ જશે. રાત્રે ઉંઘી જતા પહેલાં અને સવારે પૂરા જાગી જતા પહેલાં, ધ્યેયનું રટણ કરતા હોઈએ ત્યારે આંખો બંધ રાખીને કલ્પના કરશો તો આ ફોટો તમને તમારી આંખોની સામે કોઈ કાલ્પનિક પડદા પર દેખાશે. આ ક્રિયાને ‘વિઝ્યુલાઇએશન’ (Visualization) કહે છે. વિઝ્યુલાઈઝેશનથી તમારા ધ્યેયનાં ચિત્રો તમારા અર્ધજાગ્રત મનમાં પહોંચી જશે.

તમારા ધ્યેયને, આ રીતે, તમારા અર્ધજાગ્રત મન સુધી પહોંચાડ્યા પછી, તમારું અર્ધજાગ્રત મન તમારા ધ્યેયને સાચું બનાવવા માટે કામે લાગી જશે. અર્ધજાગ્રત મનને બધું જ જ્ઞાન છે, તેને સોંપેલું કામ કઈ રીતે કરાય, એની એને ખબર છે. એટલે તે આપણને, તે ધ્યેય પ્રાપ્ત કરવા અંગેના સંદેશા મોકલવાનું શરુ કરે છે, કઈ રીતે? આપણે રાબેતા મૂજબ જીવતા હોઈએ અને કોઈ દિવસ અચાનક જ આપણને સ્ફૂરણા થાય કે, “માઈક્રોસોફ્ટમાં ઇન્ટરવ્યૂમાં પાસ થવા માટે અમુક બૂક વાંચવી જોઈએ.” અને આપણે એ બુક વાંચવા માંડીએ. વળી, કોઈક વાર ઓચિંતું જ સુઝે કે “અમુક જાણીતા નિષ્ણાતને મળીને, અમુક ટેકનીકલ બાબતો જાણી લેવી જોઈએ કે જે ઇન્ટરવ્યૂમાં કામ લાગે.” અને આપણે એવા નિષ્ણાતને મળીને એ બધું જાણી પણ લઈએ. આવી સ્ફૂરણાઓ આપણા અર્ધજાગ્રત મને આપણને મોકલી હોય છે.

અર્ધજાગ્રત મનની શક્તિ એટલી વિશાળ છે કે એ બીજા માણસોનાં અર્ધજાગ્રત મન સાથે પણ જોડાય છે, તેની સાથે ઇન્ટરએક્શન કરે છે, આપણું અર્ધજાગ્રત મન, માઈક્રોસોફ્ટ કંપનીના ઇન્ટરવ્યૂ લેનારના અર્ધજાગ્રત મન સુધી પહોંચીને પણ, “તમે ઇન્ટરવ્યૂમાં પસંદ થાઓ” એવું વાતાવરણ ઉભું કરે છે. ઘણી વાર, તો આપણું અર્ધજાગ્રત મન વિશ્વચેતનાનો ઉપયોગ કરી, “તમે સિલેક્ટ થાવ” એવો આખો માહોલ ઉભો કરે છે. અને, છેલ્લે, તમે સિલેક્ટ થઇ જાઓ છો !! બોલો, જોઈ ને, અર્ધજાગ્રત મનની તાકાત? “મન હોય તો માળવે જવાય” એ ગુજરાતી કહેવત આ વાતને સાર્થક કરે છે.

આ કંઈ ગપગોળા નથી. પણ દુનિયાના ઘણા ભણેલાગણેલા વિદ્વાન માણસોએ વૈજ્ઞાનિક પદ્ધતિથી શોધી કાઢેલી રીત છે. અને ઘણા લોકોએ આ રીતે અર્ધજાગ્રત મનનો ઉપયોગ કરીને પરિણામો મેળવેલાં છે. મેં પણ એવું ઘણી વાર અનુભવ્યું છે કે રાતે એન્જીનીયરીંગના વિષયનો કોઈ દાખલો ગણવા બેઠો હોઉં, અને એ દાખલો ના આવડ્યો હોય, પછી સૂવા પડું અને એ દાખલો યાદ કરતાં કરતાં ઉંઘી જાઉં, સવારે જાગું ત્યારે એ દાખલો ગણવાની રીત જડી ગઈ હોય. આ કામ અર્ધજાગ્રત મને રાત્રિ દરમ્યાન કરી નાખ્યું હોય, અને સવારે મને પ્રેરણા આપી હોય.

અર્ધજાગ્રત મનની શક્તિઓ વિષે ઘણાં પુસ્તકો લખાયાં છે. એમાંનું એક જાણીતું પુસ્તક “The power of your subconscious mind” છે. તેના લેખક Joseph Murphy છે. આ વિષયને લગતું એક ગુજરાતી પુસ્તક પણ ખૂબ જાણીતું છે. એ પુસ્તકનું નામ “પ્રેરણાનું ઝરણું” છે, અને એના લેખક છે, ડો. જીતેન્દ્ર અઢિયા.

છેલ્લે, એક ખાસ વાત કહું કે અર્ધજાગ્રત મનની શક્તિઓનો અસરકારક ઉપયોગ કરવા માટે તમારે, અમુક બાબતો અમલમાં મૂકવી જરૂરી છે. આ બાબતોની વિગતે વાત હવે પછીના લેખમાં કરી, આ વિષય પૂરો કરીશું.

ધ્યેય કઈ રીતે પ્રાપ્ત કરવું?

                                    ધ્યેય કઈ રીતે પ્રાપ્ત કરવું? (How to achieve the goal?)

ગયા લેખમાં આપણે વાત કરી કે સુખી જીવન જીવવા માટે પહેલાં તો જીવનનું ધ્યેય નક્કી કરવું જોઈએ. તમારે શું મેળવવું છે, તે નક્કી કરવું જોઈએ. દરેક વ્યક્તિની ઉંમર અને પરિસ્થિતિ પ્રમાણે દરેકનાં ધ્યેય જુદાંજુદાં હોઈ શકે છે. દા. ત. ધોરણ ૧૨માં ભણતા વિદ્યાર્થીનું ધ્યેય વાર્ષિક પરીક્ષામાં ૯૦ ટકા લાવવાનું હોઈ શકે. કોઈ નોકરી કે ધંધો કરતા માણસનું ધ્યેય આવતા એક વર્ષમાં વીસ લાખ રૂપિયા કમાવાનું હોઈ શકે. ૮૦ કિલોગ્રામ વજન ધરાવતી જાડી વ્યક્તિનું ધ્યેય એક મહિનામાં ૫ કિલો વજન ઘટાડવાનું હોઈ શકે. અમેરીકામાં સામાન્ય આઈટી કંપનીમાં નોકરી કરતા કોઈ આઈટી એન્જીનીયરનું ધ્યેય માઈક્રોસોફ્ટ કંપનીમાં જોબ મેળવવાનું હોઈ શકે. વળી વ્યક્તિને એક ધ્યેય પ્રાપ્ત થઇ જાય, પછી આગળ ઉપર તે બીજું કંઈ મેળવવા માટે બીજું ધ્યેય રાખી શકે.

ધ્યેય નક્કી કર્યા પછી, તે ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે મહેનત કરતા હોઈએ છીએ, પણ દરેક વખતે ધ્યેય પ્રાપ્ત થાય એવું ના પણ બને. આપણે કેટલાય કિસ્સા જોઈએ છીએ, કે માણસ મહેનત કરે છતાં ય જોઈતી વસ્તુ તેને પ્રાપ્ત થતી નથી. હું અહીં એક એવી રીત બતાવું છું કે જેનાથી તમે નક્કી કરેલું ધ્યેય તમને ચોક્કસ પ્રાપ્ત થાય. ધ્યાનથી અને ધીરજથી આ વાત આગળ વાંચો.

તમને રાજા અલ્લાઉદીનના જાદુઈ ચિરાગની વાર્તા ખબર છે? ચિરાગ એટલે દીવો. અલ્લાઉદીન પાસે એક જાદુઈ ચિરાગ હતો, એના પર તે આંગળી ઘસે, એટલે એમાંથી જીન પ્રગટ થાય, અને પૂછે, “બોલ, માગ, માગે તે આપું.” પછી રાજાને જે જોઈતું હોય તે માંગે, અને જીન તરત જ એ વસ્તુ હાજર કરી દે. આવો જાદુઈ ચિરાગ આપણને મળી જાય તો, કેવી મજા આવી જાય ! આપણને જે જોઈતું હોય એ બધું જ તે ચિરાગ પાસે માગી લેવાય. આપણું ધ્યેય પણ માગી લેવાય, આમ આપણું ધ્યેય પ્રાપ્ત થઇ જાય.

આવો જાદુઈ ચિરાગ ક્યાંથી લાવવો? હું તમને જણાવું કે આવો જાદુઈ ચિરાગ આપણી દરેકની પાસે છે જ. આપણું અર્ધજાગ્રત મન એ આપણો જાદુઈ ચિરાગ છે. આપણું આ અર્ધજાગ્રત મન આપણને જોઈતી બધી વસ્તુઓ ચોક્કસપણે મેળવી આપે એમ છે. એ કઈ રીતે બધું મેળવી આપે, તેની અહીં વિગતે વાત કરીએ.

આપણને દરેકને બે મન હોય છે, એક જાગ્રત મન (Conscious mind) અને બીજું અર્ધજાગ્રત મન (Subconscious mind). બંને મન કેવા પ્રકારનાં કાર્યો કરે છે, તે કહું. આપણે જાગતા હોઈએ ત્યારે આપણે સમજી વિચારીને જે કાર્યો કરીએ છીએ, જે નિર્ણયો લઈએ છીએ, સારુંનરસું સમજી શકીએ છીએ, એ બધું જાગ્રત મન દ્વારા કરીએ છીએ. એટલે કે જાગ્રત મન વિચાર કરી શકે છે, નિર્ણયો લઇ શકે છે, સારુંખોટું સમજી શકે છે, તકને ઓળખી શકે છે. જાગ્રત મન આપણે જાગતા હોઈએ ત્યારે જ કામ કરે છે. શરીરમાં જાગ્રત મનની શક્તિ ફક્ત ૧૦ ટકા જ છે.

આપણું અર્ધજાગ્રત મન ચોવીસે કલાક કામ કરે છે. આપણે જાગતા કે ઉંઘતા હોઈએ, બેભાન થઇ ગયા હોઈએ ત્યારે પણ શરીરમાં અર્ધજાગ્રત મનની કામગીરી ચાલુ હોય છે. તેની તાકાત ૯૦ ટકા છે. અર્ધજાગ્રત મન કેવાં કામ કરે છે, એનાં થોડાં ઉદાહરણો આપું. શરીરમાં ખોરાક પચવાની, હૃદયને ધબકતું રાખવાની, ઉંઘમાં પડખું ફેરવવાની, ઘા પડ્યો હોય તો રૂઝાવાની, ઉંમર સાથે શરીરની વૃદ્ધિ, યાદશક્તિ, ત્રિકાળજ્ઞાન, ટેલીપથી – આ બધી ક્રિયાઓ અર્ધજાગ્રત મન દ્વારા થાય છે. આ બધું કામ અર્ધજાગ્રત મનને કુદરતી રીતે જ (by default) સોંપાયેલું છે, અને અર્ધજાગ્રત મન આપણા શરીરમાં આ કામો ચોવીસે કલાક સતત કર્યે રાખે છે. અર્ધજાગ્રત મનને કંઈ વિચારવાનું નથી હોતું, તેણે કોઈ નિર્ણય લેવાનો નથી હોતો. આમ, અર્ધજાગ્રત મન પાસે વિચારવાની કે નિર્ણય લેવાની શક્તિ નથી. તેણે તો બસ સોંપેલું કામ જ એક વફાદાર સેવકની જેમ કર્યે રાખવાનું હોય છે. આમ, અર્ધજાગ્રત મન એ સેવક છે, અને તેને જે કામ સોંપાયેલાં છે, તે કામો તે કર્યે રાખે છે. આનો અર્થ એ થયો કે જો તમે અર્ધજાગ્રત મનને બીજાં નવાં કામ સોંપો, તો તે એ બધાં કામ પણ કરી આપે. એટલે કે આપણાં જે ધ્યેય છે, તે અર્ધજાગ્રત મનને સોંપી દો, તો તે આપણાં ધ્યેય સિદ્ધ કરી આપે. હા, તમે તેને સોંપેલું કામ સારું છે કે ખરાબ, તેનો નિર્ણય કરવાની તેનામાં શક્તિ નથી. એટલે તમે તેને જે કામ સોંપો, સારું કે ખરાબ, એ બધું જ કામ તે કરી આપશે. એટલે ભૂલથી તેને ખરાબ કામો ના સોંપાઈ જાય તેનું ધ્યાન રાખવું.

હવે પ્રશ્ન એ છે કે આપણા અર્ધજાગ્રત મનને આપણે કામ કઈ રીતે સોંપવાં? અને અર્ધજાગ્રત મન તે કામો કઈ રીતે કરી આપે? આ બાબતની વાત આવતા લેખમાં વિગતે કરીએ.