અમદાવાદનું એક આકર્ષણ ‘અમદાવાદની ગુફા’
‘અમદાવાદની ગુફા’ તો તમે જોઈ જ હશે. ગુજરાત યુનીવર્સીટી વિસ્તારમાં, વિક્રમ સારાભાઇ કોમ્યુનીટી સાયંસ સેન્ટરની બિલકુલ બાજુમાં આ ગુફા આવેલી છે. આ કોઈ કુદરતી ગુફા નથી, પણ ભોંયરામાં કૃત્રિમ રીતે બનાવેલી ગુફા છે, અને તે કલાનો એક ઉત્તમ નમૂનો છે. ચિત્રકાર એમ. એફ. હુસૈનની કલ્પનાને સાકાર કરતી, સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ સર્જેલી આ ગુફા છે. તેઓએ આ ગુફા ઈ.સ. ૧૯૯૩માં બનાવી છે, અને મુલાકાતીઓ માટે એક અનેરું આકર્ષણ ઉભું કર્યું છે. આ ગુફા પહેલાં ‘હુસૈન દોશી ગુફા’ તરીકે ઓળખાતી હતી, હવે તે ‘અમદાવાદની ગુફા’ તરીકે જાણીતી છે.
થોડાં પગથિયાં ઉતરી તમે ગુફામાં પ્રવેશો એટલે એમાં દિવાલો પર ચિત્રકાર હુસૈનનાં દોરેલાં ચિત્રો અને આકારો જોવા મળે છે. આ ગુફાની છત ઘણા નાનામોટા ગુંબજોની બનેલી છે. આ ગુંબજો અંદરથી નાનામોટા અનિયમિત થાંભલાઓ પર ટેકવાયેલા છે. ગુંબજો પર બહાર મોટા નાગનું ચિત્ર દોરેલું નજરે પડે છે.
આ ગુફામાં ચિત્રોનાં પ્રદર્શનો યોજવાની અને ફિલ્મો રજૂ કરવાની સગવડ છે. અવારનવાર આવાં પ્રદર્શનો અહીં યોજાય છે. ગુફા અંદરથી જોવાની ગમે એવી છે. કલા, સ્થાપત્યો અને ફરવાનો શોખ ધરાવતા ઘણા લોકો આ ગુફા જોવા આવે છે.
ગુફાની બહાર ગાર્ડન અને રેસ્ટોરન્ટ છે. ગુફાની જોડે સુંદર મજાની આર્ટ ગેલેરી છે. ગુફાની બહાર ઝાડ પર ‘અમદાવાદની ગુફા’નું બોર્ડ લગાવેલું છે, તે તરત જ ધ્યાન ખેંચે છે. ગુફા જોવાની કોઈ ફી નથી, ફોટા પાડવાની છૂટ છે. ગુફા જોવાનો સમય સાંજના ૪ થી ૮ સુધીનો છે, સોમવારે બંધ રહે છે. ફોન કરીને જવું હોય તો તેનો ફોન નંબર 079 2630 8698 છે. આ સાથે ગુફાના થોડા ફોટા મૂક્યા છે.
અમદાવાદની ગુફાની નજીક જ ‘એલ. ડી. ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજી’ આવેલી છે. તે પણ સાથે સાથે જોવા જઈ શકાય.