અર્ધજાગ્રત મન વિષે ખાસ બાબતો
અર્ધજાગ્રત મનને કામ સોંપવાનું તો હવે તમને આવડી ગયું છે.અર્ધજાગ્રત મનને બધું જ જ્ઞાન છે. તેની પાસે બધા જ પ્રશ્નોના ઉકેલ છે. તેને સોંપેલું કામ કઈ રીતે કરવું, એની એને પૂરી ખબર છે. એટલે એને કામ સોંપાયા પછી, એ તમને સ્ફુરણાઓ દ્વારા એ કામ કરવાની રીતની જાણ કરે છે, તમે એ સ્ફુરણાઓને અનુસરો એટલે તમારું કામ થાય જ. આ રીતે તમે જીવનમાં નક્કી કરેલાં બધાં ધ્યેય પ્રાપ્ત કરી શકો. તમે ધારો એ બધું જ મેળવી શકો. આમ, જીવનમાં સુખની કોઈ કમી ના રહે.
બીજી એક બાબત ખાસ યાદ રાખવાની કે અર્ધજાગ્રત મનને પોતાની કોઈ વિચારશક્તિ નથી. એ ફક્ત નોકરની જેમ કામ જ કરે છે. એટલે જો એને ખોટું કામ સોંપાઈ જાય, તો એ ખોટું કામ પણ કરવા જ માંડે. એટલે એને કામ સોંપતી વખતે ખૂબ કાળજી રાખવી.
બીજી થોડીક બાબતો:
(૧) આપણે જે મેળવવું છે, જે ધ્યેય પ્રાપ્ત કરવું છે, તે મેળવવાની આપણને તીવ્ર ઈચ્છા, પ્રબળ ઝંખના (Burning Desire) હોવી જોઈએ.
(૨) જીવનમાં હકારાત્મક બનવું જરૂરી છે. જો તમે હકારાત્મક જીંદગી જીવતા હશો, તો તમારું અર્ધજાગ્રત મન વધુ અસરકારક રીતે કામ કરશે. તમારા ધ્યેય વિષે વિચારતા હો ત્યારે તમારું મન ધ્યેયના વિચારથી લાગણીવિભોર બની જવું જોઈએ.
(૩) ગુસ્સો ના કરવો.
(૪) આપણે બીજા લોકોની ભૂલો કે તેમના સ્વાર્થીવેડાને બહુ યાદ રાખતા હોઈએ છીએ. એવા લોકો માટે આપણા મનમાં રોષ પ્રગટે છે. એ રોષને દૂર કરી, તેમની ભૂલો માટે તેમને માફ કરવાની વૃત્તિ કેળવવી જોઈએ.
(૫) અર્ધજાગ્રત મનની શક્તિઓ પર પૂરો વિશ્વાસ હોવો જોઈએ, ભરોસો હોવો જોઈએ.અર્ધજાગ્રત મન પર શ્રધ્ધા હોવી જોઈએ. “અર્ધજાગ્રત મન કામ કરશે કે નહિ” એવી શંકા ન હોવી જોઈએ.
(૬) અર્ધજાગ્રત મન એ કદાચ શરીરમાં રહેલો ‘જીવાત્મા’ કે ભગવાનનો અંશ જ છે. અર્ધજાગ્રત મન કામ કરતુ અટકી જાય, એટલે શરીરની બધી પ્રવૃત્તિઓ (હૃદય ધબકવું વગેરે) અટકી જાય, અને માણસનું મૃત્યુ થાય.
(૭) અર્ધજાગ્રત મન એ ભગવાને મૂકેલો જીવાત્મા હોવાથી, એ બીજા લોકોના અર્ધજાગ્રત મન સાથે પણ સંપર્ક કરી શકે છે. વિશ્વમાં જે શક્તિઓ છે, એ બધા સાથે પણ એ સંપર્ક કરી શકે છે. આથી, એને બધું જ કામ કરતાં આવડે છે.
તમે તમારા અર્ધજાગ્રત મનને ઓળખો. તેની સાથે થોડો સમય વિતાવો. તમારી અંદરની દુનિયામાં ડોકિયું કરવાની ટેવ પાડો, તે તમારાં બધાં કામ કરી આપશે. તમારું જીવન ધન્ય થઇ જશે. અલ્લાઉદ્દીનના જાદુઈ ચિરાગના જીનની જેમ અર્ધજાગ્રત મન બધાં જ કામ કરી આપશે.
આમ છતાં, ઘણા લોકો દુખી કેમ છે? કેમ કે તેમને અર્ધજાગ્રત મન વિષે બહુ ખબર નથી, અથવા તો અર્ધજાગ્રત મનનો ઉપયોગ કરતાં આવડતો નથી. તેમને ઉપર લખી એ બધી બાબતોનો ખ્યાલ નથી. એટલે તમે આ બધું વિચારો, જીવનનો રાહ બદલો. પછી જુઓ કે અર્ધજાગ્રત મન તમને સુખની ચરમસીમાએ પહોંચાડે છે કે નહિ.
ઘણા લોકોએ અર્ધજાગ્રત મનની શક્તિઓનો ઉપયોગ કરીને ઘણું મેળવ્યું છે. (એક સાદું ઉદાહરણ લખું. તમે રાત્રે નક્કી કરીને સુઈ જાવ કે સવારે પાંચ વાગે ઉઠવું છે, તો એલાર્મ મૂક્યા વગર જ તમે પાંચ વાગે ચોક્કસ જાગી જશો. આ અર્ધજાગ્રત મનની શક્તિ છે.) ભગવાન બુદ્ધ, મહાપ્રભુજી વલ્લભાચાર્ય, નરસિંહ મહેતા – આવા મહાપુરુષોએ જે સિધ્ધિઓ મેળવી છે, કે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે, તે તેમણે તેમના અર્ધજાગ્રત મન દ્વારા જ મેળવ્યું છે.