જતીપુરામાં શ્રી ગિરિરાજજીનું મુખારવિંદ

                             જતીપુરામાં શ્રી ગિરિરાજજીનું મુખારવિંદ

ઉત્તર પ્રદેશમાં આવેલા ગિરિરાજજી પર્વતનું નામ કોણે નહિ સાંભળ્યું હોય? આ પર્વત મથુરાથી ૨૧ કી.મી. દૂર આવેલો છે. કૃષ્ણ ભગવાને આ પર્વત ટચલી આંગળી પર તોળ્યો હતો, અને મથુરાવાસીઓને એની નીચે સાત દિવસ સુધી રક્ષણ આપ્યું હતું. એ બહુ જ જાણીતી કથા છે. બહુ જ લોકો આ પર્વતની પાંચ, સાત કે નવ કોશની પરિક્રમા કરતા હોય છે. આ પરિક્રમા, ગિરિરાજ પર્વતની તળેટીમાં આવેલા જતીપુરા ગામ આગળ આવેલી દંડવતી શિલા આગળથી શરુ થતી હોય છે.

અહીં જતીપુરા વિષે થોડી વાત કરીએ. ગિરિરાજ પર્વત પર અનેક નાનામોટા પત્થરો (શિલા) છે, તળેટીમાં જતીપુરા ગામ આગળ આવી એક શિલાને શ્રી ગિરિરાજ ભગવાનનું સ્વરૂપ આપી તેની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૂપને મુખારવિંદ કહે છે. અહીં સાંજના સમયે સ્વરૂપને શણગાર આપી તેમની આરતી કરાય છે. મૂર્તિ બહુ જ દેદીપ્યમાન અને ભવ્ય લાગે છે. આરતી સમયે અહીં પુષ્કળ લોકો દર્શને આવે છે, ખૂબ ભીડ થાય છે, પણ દર્શન કરીને મન પ્રસન્ન થઇ જાય છે.

જતીપુરા ગામમાંથી મુખારવિંદ સુધી પહોંચવા માટે એક સાંકડી ગલીમાંથી પસાર થવું પડે છે. આ ગલીની બંને બાજુ પુષ્કળ દુકાનો લાગેલી છે. દુકાનો છેક મુખારવિંદના ચોક સુધી લાગેલી છે. આને લીધે મુખારવિંદની જગા બહુ સાંકડી લાગે છે. વળી, દુકાનો આગળ ગંદકી, ગલીનો રસ્તો પણ ખાડાખબૂચાવાળો, ગિરદી ખૂબ, વચ્ચે ગાયો અને કૂતરાં પણ હોય, ચંપલ કાઢવાની કોઈ ખાસ જગા નહિ, ચંપલ ચોરાઈ જવાની બીક – આ બધાને લીધે દર્શન કરવા જવામાં ખૂબ તકલીફ પડે છે. આ મંદિર દેશવિદેશોમાં પણ જાણીતું છે, બહારથી સુધરેલા દેશના લોકો અહીં જોવા આવે, ત્યારે તેઓ આપણા દેશની કેવી છાપ લઈને જતા હશે? આ બધું સુધારવાની ખાસ જરૂર છે.

બીજું કે ગિરિરાજજીના આ મુખારવિંદને દૂધ ચડાવવાનો મહિમા બહુ મોટો છે. લોકો અહીં નિશ્ચિત સમય દરમ્યાન દૂધ ચડાવે છે. દૂધ ચડાવવા માટે લોકો બહુ જ ધક્કામુક્કી કરે છે. ખબર નહિ, આવી ધક્કામુક્કી કરી આગળ પહોંચી દૂધ ચડાવનારને કેટલું પુણ્ય મળતું હશે? કાચાપોચા માણસનો તો નંબર ઝટ આવે જ નહિ. વળી, દૂધ ઢોળાય, એની ગંદકી થાય, લપસી જવાય અને ટોળામાં પડી જવાય તો વાગે. એને બદલે એક લાઈન કરી હોય તો દૂધ ચડાવવામાં કોઈને ય તકલીફ ના પડે. પણ આ કામ કોઈ જ કરતુ નથી. ઉપરાંત, ચડાવેલું આ દૂધ એક નીકમાં આગળ વહે છે. તે બગડે, એટલે એની ગંદી દુર્ગંધ આવ્યા કરે છે. એને બદલે તમને જો ગિરિરાજજીમાં શ્રધ્ધા જ હોય, તો દૂધ તેમના શિરે ચડાવવાને બદલે ગરીબ લોકોને પીવા આપો તો ભગવાન વધુ પ્રસન્ન થાય, તથા દૂધનો વેડફાટ અને ગંદકી ના થાય. પણ આવી વસ્તુ યે કોઈ સમજવા તૈયાર નથી.

આશા રાખીએ કે જતીપુરામાં સત્તાધીશ લોકો મુખારવિંદ આગળ આવા સુધારા કરે.