સંસ્કાર કેન્દ્ર, પાલડી
અમદાવાદના અતીતની ઝાંખી કરવી હોય તો અમદાવાદમાં પાલડીમાં આવેલુ સંસ્કાર કેન્દ્રનું મ્યુઝીયમ જોવું જોઈએ. આ કેન્દ્ર લા કાર્બુઝીયરે ૧૯૫૪માં સ્થાપ્યું હતું.
અહીં પેસતામાં જ સામે સરદાર પટેલનું સ્ટેચ્યુ નજરે પડે છે. બાજુમાં જ સને ૧૯૦૭ની સાલનો ફાયર બ્રિગેડનો ટ્રક દેખાય છે. ગ્રાઉન્ડ ફ્લોર પર કલાત્મક કોતરણીવાળાં જૂનાં શિલ્પો, બે ચબૂતરા, રાણી વિક્ટોરિયાનું સ્ટેચ્યુ વગેરે છે. બાજુના એક રૂમમાં જૂની ફિલ્મોનાં પોસ્ટરો, જૂના જમાનાનું રેકોર્ડ પ્લેયર, કેસેટ પ્લેયર, વાલ્વવાળો જૂનો રેડિયો વગેરે મૂકેલાં છે. બાજુની રૂમમાં પતંગ મ્યુઝીયમ છે. એમાં જાતજાતના પતંગોનો સંગ્રહ કરેલો છે.
ઢાળ ચડીને પહેલા માળે જતાં, અહીં જૂના જમાનાનો વિશાળ સંગ્રહ નજરે પડે છે. અહીં, હિંદુ વૈષ્ણવ, શિવ, જૈન, સ્વામીનારાયણ, શીખ, પારસી તેમ જ મુસ્લિમ ધર્મનાં મંદિરો, ભગવાન, ચિત્રો, લખાણો અને તેમની સાથે સંકળાયેલ વસ્તુઓનો સંગ્રહ છે. ગુજરાતના કવિઓ અને લેખકોનાં ચિત્રો તથા બાજુમાં તેમણે લખેલાં પુસ્તકોનો માહિતી દર્શાવી છે. જૂનાં પૂરાણાં વાસણો, રસોઈનાં સાધનો, ઘંટી, મજૂસ, લાકડાનાં કલાત્મક બારણાં, કપડાં પરની ડીઝાઈનો, હાથશાળ, બાટીક કલા, સ્વાતંત્ર્ય સંગ્રામને લગતાં ચિત્રો, ચિત્રકારોનાં ચિત્રો, જૂના કેમેરા, જૂનાં વાજિંત્રો – એમ ઘણી જ વસ્તુઓ અહીં જોવા મળે છે.
આ બધું જોઇને જૂનું અમદાવાદ કેવું હશે, એની કલ્પનામાં તમે ખોવાઈ જાઓ છો, અને અનાયાસે જ તમે તેની આજના જમાના જોડે સરખામણી કરવા લાગો છો. એક વાર આ બધું જરૂર જોવા જેવું છે.
પાર્કીંગ: છે.
ટીકીટ: ફ્રી
સમય: મ્યુઝીયમ જોવાનો સમય સવારના ૧૦-૩૦ થી સાંજના ૬ સુધીનો છે. સોમવારે બંધ.
ફોન નંબર: ૦૭૯ ૨૬૫૭ ૮૩૬૯ છે.
ફોટા: અંદર ફોટા પડવાની મનાઈ છે. બહારથી ફોટા પાડવાની છૂટ છે.