૩૧ ફૂટ ઉંચું રુદ્રાક્ષ શિવલીંગ
વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના ખારવેલ ગામે, બટુક વ્યાસ નામના એક શિવભક્તએ ૩૧ ફૂટ ઉંચું રુદ્રાક્ષ શિવલીંગ બનાવ્યું છે. એમણે એમાં એકમુખી રુદ્રાક્ષથી માંડીને ૨૦ મુખી રુદ્રાક્ષ સુધીના કુલ ૨૦ લાખ રુદ્રાક્ષનો ઉપયોગ કર્યો છે. અહીં રુદ્રાક્ષ દોરામાં પરોવીને તેની, એક સ્ટીલની ફ્રેમની ફરતે ઉભી હારો બનાવી છે. આ શિવલિંગ ૧૬ ફૂટ વ્યાસનું છે. આ બનાવતાં તેમને ૩ મહિના લાગ્યા હતા, તેમણે ૫૦ મજૂરોની મદદ લીધી હતી. ૧૯ ફેબ્રુઆરી, ૨૦૧૨ના દિવસે તે દર્શન માટે ખુલ્લું મૂકાયું હતું. અહીં તેની તસ્વીર મૂકી છે.
બટુક વ્યાસ ૨૦૦૦ની સાલથી રુદ્રાક્ષ શિવલીંગ બનાવતા આવ્યા છે. તેમણે ૧૯૯૯માં બનાવેલું પહેલું રુદ્રાક્ષ શિવલીંગ માત્ર ૧૧ ઇંચ ઉંચું હતું. પછી તેઓ ક્રમશઃ ઉંચું ને ઉંચું શિવલીંગ બનાવતા ગયા. તેમણે ૨૦૦૮માં બનાવેલ ૧૫ ફૂટ ઉંચું અને ૨૦૧૦માં બનાવેલ ૨૫ ફૂટ ઉંચું રુદ્રાક્ષ શિવલીંગ – આ બંનેની લીમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધ લેવાઈ છે. તેઓ માને છે કે આ કાર્યમાં ભગવાન શિવનો મને સંપુર્ણ સાથ છે.
એક ખાસ વાત એ કે આ વર્ષે (ફેબ્રુ-માર્ચ ૨૦૧૯) તેઓ ૨૭ લાખ રુદ્રાક્ષનો ઉપયોગ કરીને ૩૫ ફૂટ ઉંચું શિવલીંગ બનાવી રહ્યા છે, તે એક નવો રેકોર્ડ હશે. આ શિવલીંગ અમદાવાદમાં થલતેજના ગણેશ ગ્રાઉન્ડમાં બની રહ્યું છે, અને તે આ શિવરાત્રી (ફેબ્રુ-માર્ચ ૨૦૧૯) દરમ્યાન ખુલ્લું મૂકાશે