એક કિસ્સો – જેસ્પરમાં પંક્ચર
યુ.એસ.એ.ના આર્કાન્સા રાજ્યના બેન્ટનવીલે નામના ગામમાં અમે થોડો સમય રહ્યા હતા. ત્યારે અહીંની સુંદરતા નીરખવા માટે અમે એક વાર જેસ્પર નામના ગામની મુલાકાતે ગયા હતા. બેન્ટનવીલેથી જેસ્પર આશરે ૮૫ માઈલ દૂર છે. અમે બે ગાડીમાં કુલ ૧૩ જણ હતા. જેસ્પરમાં અમે, અગાઉથી બુક કરાવેલી કેબિનમાં પહોંચ્યા. કેબીન એટલે બધી સગવડોથી સુસજ્જ એવો બંગલો.
જેસ્પર ગામથી ૭ માઈલ દૂર ટ્રીપલ ફોલ નામનો ધોધ છે. તે ત્રણ મોટી ધારારૂપે પડે છે, એટલે એને ટ્રીપલ ધોધ કહે છે. અમે સાંજના છએક વાગે આ ધોધ જોવા નીકળી પડ્યા. મુખ્ય રોડ પર પાંચેક માઈલ ગયા પછી, સાઈડના કાચા રોડ પર છેલ્લા ૨ માઈલ જવાનું છે. માટી અને કાંકરાવાળા આ રસ્તે ગાડી બહુ સાચવીને ચલાવવી પડે. વળી, આ રસ્તો ઉતરાણવાળો છે. એટલે કે મુખ્ય હાઈવેથી ધોધ ખૂબ જ નીચાણમાં છે. વળાંકો અને ખાડાટેકરા પણ આવે. અમે આ રસ્તે થઈને નીચે પહોંચ્યા ત્યાં સુધીમાં તો અંધારું થઇ ગયું. અહીં ‘ટ્વીન ફોલ’નું બોર્ડ મારેલું છે. ટ્રીપલ ફોલને જ ટ્વીન ફોલ કહે છે. બોર્ડ પર બતાવેલી દિશામાં ચાલીને ગયા, અને ધોધ જોઈને પાછા આવ્યા. જો કે ધોધમાં પાણી ખાસ હતું નહિ.
પેલા ચડાણવાળા અને કાચા રસ્તે જ પાછા ફરવાનું હતું. ખરી તકલીફ અહીં શરુ થઇ. શરૂઆતમાં તો એક જગાએ ગાડી આગળ વધે જ નહિ, રેતી અને કાંકરામાં વીલ ગોળ ગોળ ફર્યા જ કરે. પછી બધાને ઉતારી દઈ, વજન ઓછું કરીને ગાડી માંડ ચડાવી. એટલામાં આગળવાળી ગાડીનું એક ટાયર ફાટી ગયું. ફાટેલા ટાયરે પણ ગાડી ચાલુ રાખી. બીજો કોઈ રસ્તો હતો જ નહિ. અહીં કોઈ રીપેર કરનાર મળે નહિ, રસ્તો કાચો અને ચડાણવાળો અને રાતનું અંધારું, છેવટે તૂટલા ટાયરે મુખ્ય રોડ પર આવ્યા. અને બીજી ગાડી આવે એની રાહ જોતા ઉભા રહ્યા. કેટલી બધી વારે બીજી ગાડી આવી. તેઓને પણ ગાડી ચડતી ન હતી, માંડ ચડાવી હતી. અમે તેમની ગાડી ઉભી રાખવી, અમારી આપવીતી કહી, પછી બધાએ ભેગા મળી, અમારું તૂટેલું ટાયર કાઢી, સ્પેર વિલ ચડાવ્યું અને મોડેથી કેબીન પર પહોંચ્યા. ધોધ તરફનો જે કાચો રસ્તો છે, એને પાકો કરવો જોઈએ, એવું લાગ્યું.