આજે વાંચવાનું કોને ગમે છે?

                                     આજે વાંચવાનું કોને ગમે છે?

અત્યારે આપણે નવી પેઢીના ટીનેજર છોકરા છોકરીઓને પૂછીએ કે ‘ગુજરાતી ભાષામાં જાણીતાં મેગેઝીન કયાં કયાં છે?’ તો તેમને ભાગ્યે જ કોઈ મેગેઝીનનું નામ યાદ આવશે. કદાચ કોઈકને ‘ચિત્રલેખા’ કે એવું કોઈ મેગેઝીન યાદ આવે. પણ મોટા ભાગનાને ‘જન  કલ્યાણ, અખંડ આનંદ, નવનીત સમર્પણ, સફારી, અભિયાન, ગૃહશોભા, કુમાર, ચંપક, ચંદન, ફીલિંગ્સ ……’ આવાં કોઈ મેગેઝીન ભાગ્યે જ યાદ આવશે. એનું કારણ શું?

કારણ કે કોઈને ય આવું બધું વાંચવાની આદત જ પડી નથી. અરે ! આજની પેઢી છાપાં પણ ભાગ્યે જ વાંચે છે. આજના છોકરાઓને મોબાઈલ મળી ગયા પછી, બીજા કશામાં રસ નથી પડતો. બસ, આખો દિવસ ચેટીંગ, ગેઈમ્સ અને અર્થ વગરનાં ગપ્પાં….. એમાંથી જ તેઓ ઉંચા નથી આવતા.

અમારા જમાનામાં અમે ઉપર લખ્યાં એવાં બધાં મેગેઝીનમાંથી જે મળે તે બધાં મેગેઝીન વાંચતા. (આશરે પચાસેક વર્ષ પહેલાંની વાત છે.) અમદાવાદમાં એમ જે લાયબ્રેરી કે બીજી લાયબ્રેરીઓમાં પણ જતા. ત્યાં આવાં બધાં મેગેઝીન અને બધાં છાપાં વાંચવા મળતાં. બધું જ રસપૂર્વક વાંચતા. આવું વાંચવાથી દુનિયા વિશેનું ઘણું જ્ઞાન મળતું. ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, રાજકારણ, રમતગમત, વાર્તાઓ, બાળસાહિત્ય, મનોરંજન એમ ઘણી બાબતો વિષે જાણવા મળતું. અમે નવલિકા અને નવલકથાઓ પણ બહુ જ વાંચતા. અમારી પેઢીને આ બધું વાંચવાનો શોખ હજુ પણ જળવાઈ રહ્યો છે. અમે અત્યારે પણ આ બધાં મેગેઝીન વાંચીએ છીએ.

અત્યારની પેઢી લાયબ્રેરીમાં જતી નથી. એને બદલે તેઓ મોબાઈલ લઈને બેસી જાય છે, કે ક્રિકેટ રમવા કે અર્થહીન ફિલ્મો જોવા ઉપડી જાય છે.

આજની પેઢીને વાંચવાનું ગમતું નથી. લખવાનું તો બિલકુલ જ નથી ગમતું. કોલેજમાં પ્રોફેસર ભણાવે અને બોર્ડમાં લખે, તે પણ તેઓ પોતાની નોટમા લખતા નથી. પરીક્ષા વખતે ય દાખલા વગેરેની લખીને પ્રેક્ટીસ કરવાને બદલે, માત્ર વાંચી જાય છે. નોટીસ બોર્ડ પર નોટીસ મૂકેલી હોય તેને ય ઉતારવાને બદલે મોબાઈલથી ફોટો પાડી લે છે. આમ લખવાની પ્રેક્ટીસ બિલકુલ કરતા નથી. મોબાઈલમાં પણ કોઈને લખવાનું નથી ગમતું, બસ, મેસેજ ફોરવર્ડ કરી દેવાના. આજે માબાપ કે શિક્ષકો પણ છોકરાઓને વાંચવાની કે લખવાની ફરજ નથી પાડતા. આજે ઈંગ્લીશ મીડીયમમાં ભણવાનો ક્રેઝ બહુ જ વધી ગયો છે. ઈંગ્લીશ મીડીયમમાં ભણો, એનો વાંધો નથી, પણ સાથે સાથે ગુજરાતી પણ શીખો તો વધુ સારું. ગુજરાતી નહિ શીખો અને નહિ વાંચો તો, ભવિષ્યમાં ગુજરાતી ભાષાના અસ્તિત્વ ઉપર બહુ મોટું જોખમ છે.

અમારા જમાનામાં અમે ઈંગ્લીશ મેગેઝીનો પણ વાંચતા. Times, Reader’s Digest, Illustrated weekly, India today, Outlook, Fimfare, Femina, National Geographic………..આ બધાં મેગેઝીન બહુ જાણીતાં હતાં. અમે આ બધું વાંચતા. ક્યારેક હિન્દી મેગેઝીનો જેવાં કે ‘સરિતા, હિન્દી ગૃહશોભા, મનોહર કહાનિયાં… વગેરે પર પણ નજર ફેરવતા.

આજે મોટીવેશન, આરોગ્ય અને વ્યવહારુ જ્ઞાનને લગતાં ઘણાં મેગેઝીન અને પુસ્તકો ઉપલબ્ધ છે. આજે આ અધૂ જ સાહિત્ય ઓનલાઈન પણ મળે છે. જરૂર છે એના પ્રત્યે રુચિ કેળવવાની. વાંચવું એ તો બહુ જ સારો શોખ છે. જયારે કોઈની કંપની ન હોય, એકલા એકલા ટાઈમ પસાર કરવાનો હોય ત્યારે પુસ્તકો અને મેગેઝીનો બહુ જ મદદરૂપ નીવડે છે. વાંચવાથી ટાઈમ સરસ રીતે પસાર થઇ જાય છે.

વાંચવાથી જ્ઞાન મળે છે. દુનિયાને વધુ ઓળખતા થવાય છે. સારાનરસાનો વિવેક કેળવાય છે. જીવન કેવું જીવવું જોઈએ, એનું જ્ઞાન થાય છે. માટે વાંચવાની ટેવ તો બહુ જ જરૂરી છે. આશા રાખીએ કે માબાપ છોકરાઓને વાંચવાની ટેવ પાડે.

આપણે ત્યાં શું ખૂટે છે?

                                આપણે ત્યાં શું ખૂટે છે?

આપણો દેશ અને આપણી સંસ્કૃતિ મહાન છે, છતાં, આપણો દેશ દુનિયામાં નંબર વન કેમ નથી? એનાં ઘણાં કારણો છે. અહીં તેની વિગતે વાત કરીએ. (અહીં રજૂ કરેલા વિચારો મારા અંગત વિચારો છે. કોઈએ બંધ બેસતી પાઘડી પહેરી લેવી નહિ.)

દુનિયામાં થયેલી બધી જ આધુનિક શોધખોળો જેવી કે રેલ્વે, પેટ્રોલ અને ડીઝલ એન્જીન, વીજળી, બલ્બ, રેડિયો, અવાજનું રેકોર્ડીંગ, વિડીયો, ટેલિફોન, સેટેલાઈટ, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, મોબાઈલ ફોન વગેરે શોધોમાંથી એક પણ શોધ ભારતમાં થઇ નથી. (ઈન્ટરનેટ કદાચ કોઈ NRI ભારતીયે શોધ્યું હતું.). આપણી સંસ્કૃતિનું કોઈ જ્ઞાન આપણને આવી શોધો કરવામાં કામે લાગ્યું નથી. આપણે બધી જ ટેકનોલોજી પરદેશથી લાવવી પડે છે, અને એના ઉંચા દામ ચૂકવવા પડે છે.

આપણે ત્યાં અંગત સ્વાર્થ બહુ છે, એને લીધે સમગ્ર દેશ વિષે બહુ ઓછા લોકો વિચારે છે. પોતાને લાભ મળી જતો હોય તો ‘બીજાનું જે થવું હોય તે થાય’ એવી વિચારસરણી બહુ જ વ્યાપક છે. એટલે જ તો જૂના જમાનામાં દેશી રજવાડાં એક થઇ ના શક્યાં, અને અંગ્રેજી રાજને હંફાવી ના શક્યાં. આજે પણ દરેક જાતની નોકરીઓમાં, પોતાનો લાભ મેળવવા માટે, બીજાને પાડી દેવામાં કોઈ અચકાતું નથી. દેશનું વ્યાપક હિત કોઈ વિચારતું નથી. ટેક્સની ચોરી કરવામાં કોઈને શરમ નથી આવતી.

દેશમાં ઘણા બુદ્ધિશાળી લીકો છે, પણ તેમના જ્ઞાનની યોગ્ય કદર થતી નથી. એટલે આવું યુવા બુદ્ધિધન પરદેશ ઘસડાઈ જાય છે. આથી નવી શોધખોળો આપણે ત્યાં થતી નથી.

પૈસાની જરૂર દરેકને હોય છે, પૈસા જરૂર કમાવા જોઈએ, પણ તે મહેનત કરીને નીતિથી કમાવા જોઈએ. આપણે ત્યાં પૈસા મેળવવામાં બહુ નીતિ જળવાતી નથી. ઘણી વાર ગરજનો લાભ લઇ કાળાબજાર વગેરે થતું હોય છે.

લાંચરુશવત અને ભ્રષ્ટાચારની બદી ખૂબ ફાલીફુલી છે. કામ કરાવવા માટે પૈસા ખવડાવવાની જાણે કે પ્રથા પડી ગઈ છે. સાચું કામ કરાવવામાં પણ પૈસા આપવા પડે છે. ઘણા લોકો પૈસા આપીને ખોટાં કામ પણ કરાવી જાય છે. સત્તા પર બેઠેલાને આવા અનીતિના પૈસા લેવામાં કોઈ શરમ નડતી નથી કે તેના દિલમાં ખોટું કર્યાનો કોઈ વસવસો થતો નથી. બસ, બધાને કોઈ પણ ભોગે પૈસા જ ભેગા કરવા છે. આવી પરિસ્થિતિમાં દેશનો વિકાસ કઈ રીતે થાય?

આપણે ત્યાં શિસ્તનો બહુ જ અભાવ છે. બસમાં ચડવામાં, ટીકીટના કાઉન્ટર આગળ, મંદિરોમાં કે અન્ય સ્થળે લોકો લાઈનમાં જવાનું શીખતા નથી. દરેકને એમ જ થાય છે કે બસ, હું જ પહેલો પહોંચી જાઉં. રોડ પરના ટ્રાફીકમાં તો બહુ જ અશિસ્ત છે. વિદેશોનું જોઇને આ બધું શીખવું જોઈએ.

આપણે ત્યાં ઘણી જગાએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ચોખ્ખાઈ રાખીએ તો વાતાવરણ સારું રહે, દેખાય પણ સારું અને રોગ ઓછા થાય. પણ લોકો આ બાબત સમજતા નથી. આપણે ત્યાં રોડ પર કાગળના ડુચા, પ્લાસ્ટીકની બોટલો અને કોથળીઓ, ગાભા, રોડાં – આવું બધું જોવા મળશે. શું, આ બધો કચરો ડસ્ટબિનમાં ના નાખી શકાય? લોકોએ પોતે જ ચોખ્ખાઈ રાખતાં શીખવું પડશે.

આપણા દેશને આગળ લાવવા માટે સરકારમાં કામ કરતા દરેક માણસે પ્રમાણિકતાથી જીવવું પડશે. દેશની સમૃદ્ધિ વધે અને પરદેશમાં આપણું વજન પડે, એ રીતનો વ્યવહાર રાખવો પડશે. પ્રજાએ પણ આ બાબતોમાં સાથસહકાર આપવો જોઈએ. બીજા આગળ પડતા દેશોએ જે પ્રાપ્ત કર્યું છે, તે બધું જ આપણે વિકસાવવું પડશે, તો જ આપણો દેશ નંબર વન તરફ આગળ જઈ શકે.

 ભારતની સારી બાબતો

                                         ભારતની સારી બાબતો

આપણા ભારત દેશ વિષે આપણે ઘણું બધું સાંભળતા આવ્યા છીએ. જેમ કે ‘ભારત બહુ મહાન દેશ છે. ભારતની જૂની સંસ્કૃતિ બહુ મહાન હતી. ભારતના પુરાણા ગ્રંથો, વેદો, ઉપનિષદો, ગીતા વગેરેમાં દુનિયાનું બધું જ્ઞાન સમાયેલું છે, ભારતમાં વિદ્વાન ઋષિમુનિઓ અને મહાન રાજાઓ થઇ ગયા.’ વગેરે વગેરે.

આજે પણ ભારતમાં અમુક બાબતો બહુ સારી છે. ભારતમાં કુટુંબ વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા બહુ જ સરસ છે. કુટુંબમાં દાદાદાદી, પુત્ર-પુત્રવધુ, બાળકો, ભાઈઓ – બધા એક સાથે એક જ ઘરમાં રહી શકે છે, અને એક જ રસોડે જમે છે. તેઓ વચ્ચે લાગણીનો સેતુ બંધાયેલો હોય છે. ઘરના બધા લોકો ઘરડાઓની અને બાળકોની કાળજી કરે છે. નાનુંમોટું બધું કામ બધા હળીમળીને કરે છે. બધાનાં દિલ વિશાળ છે, સંકુચિતતા નથી. આવી કુટુંબપ્રથા સુધરેલા કહેવાતા બીજા દેશોમાં નથી.

ભારતની સામાજિક પ્રથા પણ બહુ જ સારી છે. ગામડાની વાત કરું તો દરેકને રોજ ઘણા લોકો જોડે હળવામળવાનું થતું હોય છે. એકબીજાના ખબરઅંતર પૂછવાનું થતું હોય છે. ગામમાં કોઈ બીમાર હોય તો આજુબાજુથી બધા લોકો ખબર કાઢવા આવતા હોય છે, જરૂર પડે મદદ કરતા હોય છે. ગામમાં કોઈને ઘેર લગ્ન કે એવો કોઈ પ્રસંગ હોય તો સગાઓ તથા બીજા લોકો મદદ કરતા હોય છે, અને સહકાર આપતા હોય છે. સાંજે લોકો કામધંધેથી નવરા પડે ત્યારે ભેગા મળી વાતોચીતો કરે અને આનંદ માણતા હોય છે. કોઈને ય દોડાદોડી, ઉતાવળ અને રઘવાટ હોતાં નથી. મગજ પર સ્ટ્રેસ હોતો નથી. આથી બીપી જેવો રોગ જવલ્લે જ આવે. વળી, મહેનતનું ઘણું બધું કામ જાતે કરતા હોઈ, શરીર સારું રહે અને ડાયાબીટીસ કે એવા રોગ ભાગ્યે જ થાય. ગામમાં કોઈને ત્યાં કોઈ ઘટના બને ત્યારે બધા લોકો દોડીને ભેગા થઇ જાય અને શક્ય તેટલી મદદ કરે. આવી સમાજ વ્યવસ્થા બીજા દેશોમાં જોવા નથી મળતી.

આજે આપણા ઘણા યુવાનો અમેરીકામાં સ્થાયી થયા છે, તેમનાં માબાપો તેમને ત્યાં ભારતથી આવે છે ખરાં, પણ તેમને અમેરીકામાં ગમતું નથી હોતું, એનું કારણ એ છે કે તેમને ભારત જેવું સામાજિક વાતાવરણ અમેરીકામાં મળતું નથી હોતું. ભારતના સામાજિક માળખાની આ ખૂબી છે.

ભારતમાં બીજી ઘણી સારી સગવડો છે. દરેક જગાએ ઘરની બહાર નીકળો કે જીવનજરૂરિયાતની ચીજોની દુકાનો સાવ નજીકમાં હોય છે. દૂધ, શાક, કરિયાણું વગેરે ચીજો ચાલતા જઈને ખરીદી શકાય. અમેરીકામાં આવું નથી હોતું. ખરીદી માટે મોટા સ્ટોર કે મોલમાં જ જવું પડે, અને એ પણ ગાડી લઈને. કારણ કે કશું નજીકમાં નથી હોતું.

આપણે ત્યાં સામાન્ય રોગ માટેના ડોકટરો બહુ જલ્દી અને નજીકમાં જ મળી રહે. મોટે ભાગે તો તેમનાથી રોગ મટી જ જાય. મોટા રોગો માટે પણ ડોકટરો સહેલાઈથી મળી રહે. અમેરીકામાં એપોઇન્ટમેન્ટ વગર ડોક્ટર મળે નહિ, વળી ઘણી વાર તો એપોઇન્ટમેન્ટ બહુ જ મોડી મળે. અમેરીકામાં ડોક્ટર રોગનું જલ્દી નિદાન કરવામાં અને દવા આપવામાં વિલંબ કરે, કેમ કે કદાચ ખોટું થઇ જાય તો,  તેમના પર લો શૂટ થવાનો તેમને ડર રહે છે. વળી, અમેરીકામાં રોગની ટ્રીટમેન્ટ એટલી બધી મોંઘી છે કે ના પૂછો વાત. અમેરીકામાં રહેતા ઘણા લોકો ક્યારેક ભારત જઈને ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. ભારતમાં આ બાબતે બહુ શાંતિ છે.

ભારતનાં શહેરોમાં લોકલ ટ્રાન્સપોર્ટ માટે સીટી બસની સગવડ બધે છે. રીક્ષાઓ બધે જ મળી રહે. અન્ય દેશોમાં એવું નથી. એટલે તમારે ફરજીયાત ગાડી વસાવવી જ પડે.

ભારતમાં શિક્ષણ અમેરીકાની સરખામણીમાં સાવ સસ્તું છે.

બીજી થોડીક બાબતો. ઘરકામ માટે કામવાળી સાવ સહેલાઈથી મળે. રસોઈ કરનાર પણ મળી રહે. દૂધવાળો દૂધ ઘેર આપી જાય, છાપાંવાળો છાપું નાખી જાય, ઈસ્ત્રીવાળો ઘેર આવીને કપડાં લઇ જાય અને આપી જાય, પસ્તીવાળો પસ્તી લેવા ઘેર આવે, ગાડી સાફ કરનાર પણ મળી રહે, અને આ બધી જ સેવા ખૂબ સસ્તી. આમાં દરેકનું કામ થાય અને આ કામો કરનારાને રોજગારી મળે.

રીપેરીંગ વિષે થોડી વાત. ભારતમાં બધી જાતનું રીપેરીંગ કરનારા સહેલાઈથી અને સસ્તામાં મળી રહે, કપડાં રીપેર, બુટચંપલ રીપેર, પ્લમ્બર, એસી સર્વિસ અને રીપેર, ટીવી, મોબાઈલ, વોટર પ્યુરીફાયર, વોશીંગ મશીન, મોબાઈલ – એમ બધાના રીપેર કરનારા મળી રહે. અમેરીકામાં આ બધું સહેલું નથી, અને બહુ જ મોંઘુ છે.

ભારતમાં દરજીની દુકાન હોય, મોચીની દુકાન હોય, લોટ દળવાની ઘંટી હોય, અન્ય દેશોમાં આવું બધું નથી. કપડાં, બુટચંપલ અને લોટ તૈયાર જ લાવવાનાં.

હજુ બીજી ઘણી સગવડો ભારતમાં છે, તમને યાદ આવે તો જણાવજો.

છેલ્લે, એક ખાસ બાબત નોંધવી છે કે ભારતમાં આટલી બધી સગવડો હોવા છતાં, ભારત દેશ દુનિયાનો નંબર ૧ દેશ કેમ નથી? શું ખૂટે છે ભારતમાં? શું ખામી છે આપણા દેશમાં? છે, ખામીઓ ઘણી છે. એ માટે તો આખો જુદો લેખ થાય. એ લેખ હવે પછી લખીશ.