ચોપટા
ઉત્તરાખંડમાં ચોપટા એ અદ્ભુત કુદરતી સૌન્દર્ય ધરાવતું સ્થળ છે. તે પર્વતાળ વિસ્તારમાં ૨૯૨૬ મીટર ઉંચાઈએ આવેલું હોવાથી, અહીંનું વાતાવરણ અત્યંત ખુશનુમા રહે છે. ચોપટાની આજુબાજુ ગાઢ જંગલો છે. ચોપટા ભારતનું મીની સ્વીત્ઝર્લેન્ડ કહેવાય છે. પ્રકૃતિ પ્રેમીઓ અને ટ્રેકીંગના શોખીનો માટે ચોપટા ઉત્તમ જગા છે. તમારે સ્નો અનુભવવો હોય તો અહીં શિયાળામાં પણ જઈ શકાય. અહીંથી આજુબાજુ ફરવા જવા માટે ઘણી આકર્ષક જગાઓ આવેલી છે. તમે ગુજરાતી ફિલ્મ ‘ચાલ, જીવી લઈએ’ જોયું હશે, એમાં ચોપટાનું બેજોડ સૌન્દર્ય દર્શાવ્યું છે.
અનુકૂળ સમય: એપ્રિલથી જૂન, જૂનમાં વાદળાં હોય, એટલે આજુબાજુના બરફછાયા પર્વતો સ્પષ્ટ ના દેખાય.
સ્થાન: હરિદ્વારથી છેક ચોપટા સુધી પાકો રસ્તો છે. છેક સુધી બસ, જીપ અને ટેક્સી જઈ શકે છે. હરિદ્વારથી દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, કુંડ, અને ઉખીમઠ થઈને ચોપટા જવાય છે. હરિદ્વારથી ચોપટાની સીધી બસ હોતી નથી. પણ હરિદ્વારથી બદરીનાથ અને કેદારનાથની બસો મળે છે. કેદારનાથની બસમાં બેસો તો કુંડ ઉતરી જવાનું. બદરીનાથની બસમાં બેસો તો રુદ્રપ્રયાગ ઉતરી જવાનું, અને ત્યાંથી જીપમાં કુંડ જતા રહેવાનું. કુંડથી જીપમાં ઉખીમઠ અને ત્યાંથી ચોપટા પહોંચી જવાનું. હરિદ્વારથી સામાન્ય રીતે સવારની બસમાં નીકળવાનું કે જેથી બપોર પછી ૩,૪ વાગતા સુધીમાં ચોપટા પહોંચી જવાય.
અંતરો: હરિદ્વાર – ૧૬૧ –રુદ્રપ્રયાગ -૬૪ – ચોપટા. આમ હરિદ્વારથી ચોપટા ૨૨૫ કી.મી. દૂર છે. દિલ્હીથી હરિદ્વાર ૨૨૫ કી.મી. દૂર છે.
રહેવા માટે: ચોપટામાં તથા આજુબાજુનાં ગામોમાં રહેવા માટે હોટેલો ગેસ્ટ હાઉસની સુવિધા છે.
જોવા જેવાં સ્થળો:
તુંગનાથ મહાદેવ: તુંગનાથનું મંદિર પંચકેદારમાંનું એક છે. દુનિયામાં સૌથીં વધુ ઉંચાઈએ આવેલું શિવજીનું મંદિર તુંગનાથમાં છે. તુંગનાથની ઉંચાઈ ૩૬૮૦ મીટર (૧૨૦૭૩ ફૂટ) છે. ચોપટાથી તુંગનાથ ફક્ત ૪ કી.મી. જ દૂર છે. ચોપટા, તુંગનાથ જવા માટેનો બેઝ કેમ્પ છે. ચોપટાથી તુંગનાથ જવા માટે ટીકીટ લેવાની હોય છે (વ્યક્તિદીઠ આશરે ૧૫૦ રૂપિયા). આ રસ્તે વાહન જાય એવું નથી. એટલે ચાલીને ટ્રેકીંગ કરીને જવું પડે. જો કે ઘોડા મળે છે. ચાલીને જવા માટે પત્થરો જડીને રસ્તો બનાવેલો છે, તથા થોડા થોડા અંતરે બાંકડા મૂકેલા છે. રસ્તો ક્યારેક અડાબીડ જંગલોમાં તો ક્યારેક ખુલ્લાં મેદાનોમાં તો વળી ક્યારેક પર્વતની ધારે ધારે થઈને જાય છે. એપ્રિલ-મેમાં ફૂલોની ઋતુ બરાબર ખીલી હોય ત્યારે આ રસ્તે રોડોડેડ્રોન તથા અન્ય ફૂલોનો નજારો જોવા મળે છે. ક્યાંક હિમાલયનું મોનાલ પક્ષી જોવા મળી જાય છે. રસ્તા પરથી દૂર દૂર હિમાલયનાં બરફછાયાં શિખરો નજરે પડે છે. તુંગનાથની ઉંચાઈ ૩૬૮૦ મીટર છે, એટલે રસ્તો ચડાણવાળો છે. ૪ કી.મી. જતાં સહેજે ૩ કલાક લાગી જાય છે. પીવાનું પાણી સાથે રાખવું. સામાન બહુ સાથે ના રાખવો. રેઇનકોટ સાથે રાખવો, વરસાદ ગમે ત્યારે પડી શકે. તુંગનાથ જવા માટે ચોપટાથી સવારે નીકળવું અને સાંજે ચોપટા પાછા આવી જવું.
તુંગનાથ આવતા પહેલાં, રાવણશીલા નામની જગા આવે છે. રાવણે શિવજીને રીઝવવા અહીં તપ કર્યું હતું. તુંગનાથ પહોંચીને ભગવાન શિવનાં દર્શન કરી મન પ્રસન્ન થઇ જાય છે, પ્રવાસનો થાક ઉતારી જાય છે. અહીંથી દૂર દેખાતાં હિમાલયનાં બરફછાયાં શિખરો નંદાદેવી, ચૌખંબા, કેદારનાથ, નીલકંઠ, બંદરપૂછ, પંચચૂલી વગેરે જોવાની મજા આવી જાય છે. આ શિખરોને નજરે જોવાની તક બીજે ક્યાં મળવાની હતી ! તુંગનાથ મંદિરની આજુબાજુ ભૈરવનાથ અને અન્ય મંદિરો છે. તુંગનાથમાં પણ રહેવાની સગવડ છે, જો કે તે બહુ સારી નથી.
તુંગનાથથી હજુ દોઢેક કી.મી. જેટલું આગળ ચડીને ચંદ્રશીલા નામના શિખર પર પહોંચાય છે. આમ જુઓ તો તુંગનાથ, ચંદ્રશીલા શિખરની તળેટીમાં હોય એવું લાગે. ચંદ્રશીલાની ઉંચાઈ ૪૦૦૦ મીટર છે. ચંદ્રશીલા પર પહોંચો એટલે કોઈ પર્વતની ટોચે આવી ગયા હોઈએ એવું લાગે. આ શિખર પર પણ ગંગા ધામ નામનું એક નાનું મંદિર છે. ચંદ્રશીલા પરથી આજુબાજુનો નજારો કેવો ભવ્ય છે, તે તો ત્યાં જાઓ ત્યારે જ અનુભવવા મળે. અહીંથી પેલાં બધાં જ બરફછાયાં શિખરો અને તુંગનાથ તરફની ખીણો જોવા મળે છે. રામ ભગવાને રાવણને માર્યા પછી ચંદ્રશીલા પર ધ્યાન ધર્યું હતું.
અહીં શિયાળામાં બધે બરફ છવાઈ જાય છે. એટલે શિયાળામાં નવેમ્બરના મધ્યથી એપ્રિલના અંત સુધી તુંગનાથ મંદિર બંધ રહે છે. બરફનો અનુભવ કરવો હોય તો શિયાળામાં જવું.
દેઓરીયા સરોવર: ઉખીમઠ-ચોપટા રોડ પર,મસ્તુરા અને સારી ગામોથી ૩ કી.મી. દૂર આ સરોવર છે. આ સરોવર ૨૪૩૮ મીટરની ઉંચાઈ પર છે. આજુબાજુ ગાઢ જંગલો છે. સરોવર આગળથી ચૌખંબા, બંદરપૂછ, નીલકંઠ, વગેરે શિખરો દેખાય છે. વળી આ શિખરોનું સરોવરના પાણીમાં પ્રતિબિંબ પડે છે, તે દ્રશ્ય બહુ જ સરસ દેખાય છે. કહે છે કે દેવો આ સરોવરમાં નહાવા આવતા હતા..
દેઓરીયા જવા માટે, ઉખીમઠથી સારી સુધી જીપ મળે, પછીનાં ૩ કી.મી. ચાલીને જવાનું. દેઓરીયા સરોવરથી પણ તુંગનાથ ટ્રેકીંગ કરીને જવાય છે.
કાલીમઠ: કાલીમઠ, એ એક શક્તિપીઠ છે. આ મઠ ઉખીમઠની નજીક સરસ્વતી નદીને કિનારે આવેલો છે. અહીં કાલી માતાનું મંદિર છે. અહીં મંદિરમાં મૂર્તિ નથી, પણ શ્રી યંત્ર છે. ઘણા ભક્તો અહીં દર્શને આવે છે. અહીં રહેવા માટે ધર્મશાળા છે. કહે છે કે કવિ કાલિદાસ અહીંથી નજીકના ગામે જન્મ્યા હતા.
સ્થાન: ઉખીમઠથી તે ૨૧ કી.મી. દૂર છે.
બનિયાકુંડ: આ ગામ, ઉખીમઠથી ચોપટા જતાં વચ્ચે, ચોપટાની નજીક આવે છે. અહીં રહેવા માટે સગવડ છે. જો કે ત્યાં જોવાલાયક કંઈ નથી.
તસ્વીરો: (૧) તુંગનાથ મહાદેવ (૨) ચોપટાથી તુંગનાથ જવાનો રસ્તો (૩) મીની સ્વીત્ઝર્લેન્ડ ચોપટા (૪) દેઓરીયા તળાવ આગળનું મંદિર (૫) દેઓરીયા તળાવ (૬) કાલી મઠ





