તમે ‘સુપર ૩૦’ ફિલ્મ જોઈ?

                                           તમે ‘સુપર ૩૦’ ફિલ્મ જોઈ?

આજકાલ, ઋત્વિક રોશનના અભિનયવાળી હિન્દી ફિલ્મ ‘સુપર ૩૦’ બહુ ચર્ચામાં છે. આ ફિલ્મ, પટણા (બિહાર)ના એક જાણીતા ગણિતશાસ્ત્રી અને શિક્ષણકાર શ્રી આનંદકુમારના જીવન પર આધારિત છે. ઋત્વિક રોશન, આનંદકુમારનું પાત્ર ભજવે છે. આ ફિલ્મનું નિર્માણ ફેન્ટમ ફિલ્મ્સ અને સાજીદ નડિયાદવાલાનું છે, દિગ્દર્શન વિકાસ બહલનું છે. આનંદકુમારે ગરીબ પણ હોંશિયાર વિદ્યાર્થીઓને ભણાવીને એવા તૈયાર કર્યા છે કે તેઓએ IiT જેવી ઉચ્ચ એન્જીનીયરીંગ કોલેજોમાં પ્રવેશ મેળવ્યો છે, અને તેઓ ઉજ્જવળ કારકિર્દી બનાવી શક્યા છે.

ફિલ્મની વાર્તા કંઇક આવી છે. આનંદકુમારના પિતા, ટપાલ ખાતામાં એક સામાન્ય નોકરી કરે છે. આનંદકુમારે તેમની વિદ્યાર્થી અવસ્થામાં ગણિતના અઘરા કોયડાઓ ઉકેલ્યા છે, અને તેમનું આ સંશીધન ગણિતનાં જાણીતાં મેગેઝીનમાં છપાયું છે. એના આધારે તેમને આગળ ભણવા માટે ઇંગ્લેન્ડની કેમ્બ્રીજ યુનિવર્સીટીમાં એડમીશન મળે છે. પણ પૈસાના અભાવે અને પિતાનું મૃત્યુ થતાં, તેઓ કેમ્બ્રીજમાં ભણવા નથી જઈ શકતા. તેમને કોઈની મદદ પણ મળતી નથી. આ સંજોગોમાં તેઓ સામાન્ય કામકાજ કરી, પોતાનું અને માતાનું ભરણપોષણ કરે છે. ત્યારે તેમને વિચાર આવે છે કે દેશમાં ઘણાં ગરીબ પણ હોંશિયાર બાળકો છે, કે જેઓ પૈસાના અભાવે સારી કોલેજોમાં ભણી શકતાં નથી. તેમને માટે કંઇક કરવું જોઈએ.  આથી તેઓ પોતે જ આવા વિદ્યાર્થીઓને ભણાવવા માટે (કોચિંગ માટે) ક્લાસ શરુ કરે છે. તેઓને મફત ભણાવે છે. દર વર્ષે તેઓ પોતાના ક્લાસમાં ૩૦ વિદ્યાર્થીઓને લે છે, અને તેમને એવા સરસ તૈયાર કરે છે કે તેઓને IITમાં એડમીશન એડમીશન મળી શકે. તેમના લગભગ બધા વિદ્યાર્થીઓને એડમીશન મળી જાય છે. આ ૩૦ વિદ્યાર્થીઓનું ગ્રુપ એટલે જ “સુપર ૩૦”.

આ વાર્તાને ફિલ્મમાં બહુ જ સુપેરે રજૂ કરી છે. આનંદકુમાર તરીકે ઋત્વિક રોશનનો અભિનય દાદ માગી લે એવો સુપર્બ છે. તેની પ્રેમિકા તરીકે રીતુ રશ્મિ (મૃણાલ ઠાકુર)એ પણ પોતાનો રોલ સારી રીતે નિભાવ્યો છે. પ્રેક્ષકોને અન્ય પાત્રો પણ ગમશે જ. વાર્તાની રજૂઆત અને વિડીયોગ્રાફી સરસ છે. અવાજ નું રેકોર્ડીંગ પણ સ્પષ્ટ છે. ફિલ્મમાં ગીતો બહુ નથી, જો કે ગીતોની ખાસ જરૂર પણ નથી. ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલના કંઠે ગવાયેલું એક ગીત સરસ છે. વાર્તાનો પ્રવાહ એવો સરસ રીતે વહે છે કે પ્રેક્ષકોને જરાય કંટાળો ન આવે, બલકે આગળ શું થશે એની આતુરતા રહે. કોઈ સારું કામ કરતુ હોય તો તેમાં કનડગત કરવાની કોઈકને ટેવ હોય છે. વાર્તામાં આવતી આવી બધી ઘટનાઓ તમે જાતે જ ફિલ્મમાં જોઈ લેજો.

આ ફિલ્મનું ઉજ્જવળ પાસું એ છે કે આ એક પોઝીટીવ (હકારાત્મક) ફિલ્મ છે. સમાજસેવાનું આ ઉત્તમ ઉદાહરણ છે. ગરીબ પણ હોંશિયાર વિદ્યાર્થીને અભ્યાસમાં આગળ આવવા માટે આ ફિલ્મ પ્રોત્સાહન પૂરું પાડે છે. આવા ઘણા વિદ્યાર્થીઓને આમાંથી માર્ગદર્શન મળી રહેશે. આપણા સમાજમાં પણ આ ફિલ્મ દ્વારા જાગૃતિ આવશે, ગરીબ વિદ્યાર્થીઓને સારું એજ્યુકેશન મળી રહે, એ માટે સમાજમાં કંઇક કરવાની ઘણાને ઈચ્છા જાગૃત થશે. ઘણા લોકો આ દિશામાં કામ કરવા તૈયાર થશે. આપણા દેશની ઉન્નતિ માટે આ પગલાં બહુ જ ઉપયોગી થશે.

આ ફિલ્મ જોઇને આપણને પણ કોઈકને માટે કંઇક કરવાનું મન થઇ જાય છે. તમને શું લાગે છે?

 નકામી ચીજોનો સદુપયોગ

                                         નકામી ચીજોનો સદુપયોગ

બે દિવસ પહેલાં જ અમેરીકામાં વસતા એક પરિવારને મળવાનું થયું. (તેમનાં નામ દિવ્યેશ અને દિપાલી) વાતોચીતો દરમ્યાન, એક એવી વાત નીકળી કે આપણા ઘરમાં ઘણી ચીજો એવી હોય છે કે એનો આપણે ક્યારે ય ઉપયોગ નથી કરતા. દાખલા તરીકે જૂનો રેડિયો, જૂનાં કપડાં, જૂતાં, કોરી ડાયરીઓ, વાસણો, ડબ્બા, વગેરે. આવી ચીજો સારી હોય, વાપરી શકાય એવી હોય, છતાં પણ આપણી પાસે નવું ખરીદવાની સગવડ હોય, જૂની વસ્તુથી કંટાળ્યા હોઈએ કે અન્ય કારણસર, વસ્તુ સારી હોવા છતાં, આપણે તે ના વાપરતા હોઈએ. એવી ચીજો ઘરમાં પડી પડી જગા રોકે છે. ક્યારેક આવી ચીજો આપણે ફેંકી દઈએ છીએ કે પછી ભંગારવાળાને આપી દઈએ છીએ. એવું પણ બને કે આ ચીજો આપણને કામની ના હોય, પણ કોઈ ગરીબને કે બીજાને કામ લાગે એવી હોય. પણ આપણે આવી ચીજો જરૂરિયાતવાળાને મળે એનું કોઈ વ્યવાષિત પ્લાનિંગ નથી કરતા હોતા. હા, ક્યારેક પટાવાળા, ચોકીદાર કે કામવાળીને આપીએ છીએ ખરા પણ ક્યારેક ફેંકી પણ દઈએ છીએ.

આવી ચીજો બિલકુલ નકામી ના જાય અને ગરીબને પહોંચે એવી પાકી વ્યવથા કરવી જોઈએ. મારી કોલેજમાં વિદ્યાર્થીઓની મદદથી એક વાર અમે આવું અભિયાન ઉપાડ્યું હતું. એવું જાહેર કર્યું કે દરેક વિદ્યાર્થીએ પોતાના ઘેર આવી ના વપરાતી પણ સારી હોય  એવી ચીજો કપડાં, ચપ્પલ, બૂટ વગેરે કોલેજમાં લાવવું. પંદરેક દિવસમાં તો સારી એવી ચીજો ભેગી થઇ ગઈ. ત્યાર પછી, વિદ્યાર્થીઓ આવી ચીજો ઝુંપડપટ્ટી તેમ જ રોડ પર પડી રહેતાં માનવીઓને વહેંચી આવ્યા. આ પ્રવૃત્તિ બધાને બહુ જ ગમી.

આ પ્રવૃત્તિ આપણા સમાજના બધા લોકો, બધી સોસાયટીઓ સુધી પહોંચે એવી કાયમી ગોઠવણ કરવી જોઈએ. એ માટે શું કરવું? એ માટે શહેરના દરેક વિસ્તારમાં એક નાની ઓફિસ જેવી એક રૂમ રાખવી જોઈએ. ત્યાં એક પગારદાર માણસને રાખવો. જેની પાસે વધારાની, ના વપરાતી હોય ચીજો પડી હોય, તે બધી આ ઓફિસમાં જઈને આપી આવવાની. ગરીબોને પણ આવી ઓફિસની ખબર હોય, એટલે તેઓ આવી ચીજો લેવા માટે ત્યાં આવે, દરેક ચીજની મામુલી કિંમત રાખવાની, અને એ કિંમતની કાપલી એ ચીજ પર ચોટાડવાની, એટલે ગરીબોને સાવ સસ્તામાં એ ચીજ મળે, કોઈ બહુ જ ગરીબ હોય તો તેને એ ચીજ મફત આપી દેવાની. આમાં જે કંઈ થોડી આવક થાય તેમાંથી, પેલા પગારદાર માણસનો ખર્ચ અને ઓફિસનું ભાડું નીકળી શકે. અને આ રીતે, પૈસાવાળાની નકામી ચીજો, ગરીબોને મફત અથવા મામુલી કિંમતે વાપરવા મળે.

આમ, વસ્તુઓ વપરાય, મદદ કરવાની ભાવના ઉભી થાય, અને આ બધું જોઇને બાળકો અને વિદ્યાર્થીઓમાં મદદ કરવાનો ગુણ વિકસે. (આમાં પેલો પગારદાર માણસ, પ્રામાણિકપણે અને નિષ્ઠાપૂર્વક કામ કરવો જોઈએ.)

દિવ્યેશ અને દિપાલી, ઘણાં વર્ષોથી અમેરીકામાં જ રહે છે. તેઓએ કહ્યું કે “અમેરીકામાં આવી વ્યવસ્થા છે જ. અહીં પેલો પગારદાર માણસ આવી ચીજો ગરીબોને જાતે નથી આપતો. પણ તે આવી એકઠી થયેલી ચીજો કોઈ સ્ટોરને પહોંચાડે છે, અને સ્ટોરવાળા તે ચીજો મામુલી કિંમતે કે મફતમાં ગરીબોને આપે છે. વ્યવસ્થા સરસ ગોઠવાયેલી છે કે આ કામકાજ ચાલ્યા જ કરે છે.”

તમને બીજી એક વાત કરું કે અમેરીકામાં “ગરાજ સેલ”ની એક પ્રથા છે. એ અહીં બહુ જાણીતી છે. કોઈ કુટુંબ પાસે આવી વપરાય એવી ચીજો બહુ વધી ગઈ હોય અને એ ચીજો તેમણે પોતે ના વાપરવી હોય તો, તેઓ આ ચીજો પોતાના ઘરના ગેરેજમાં મામુલી કિંમતે વેચવા માટે મૂકે, અને પબ્લીક અહીં આવી, પોતાને ગમતી ચીજ સસ્તામાં ખરીદી જાય. આવું ગરાજ સેલ સામાન્ય રીતે શુક્ર કે શનિવારે યોજાતું હોય છે. ગરાજ સેલ રાખનાર વ્યક્તિ, તેની જાહેરાત પણ કરતો હોય છે કે જેથી, બીજાઓને ખબર પણ પડે. આપણે ત્યાં ભારતમાં ગરાજ સેલની પ્રથા નથી.

બસ તો આજે એક નવો વિચાર મેં રજૂ કર્યો છે, તમારા અભિપ્રાયો અને નવા સુઝાવ જણાવજો.