ગુજરાતમાં ફરવા ક્યાં જશો? – ૧

                           ગુજરાતમાં ફરવા ક્યાં જશો? – ૧

ઘણા મિત્રો કહે છે કે ફરવા જવું તો ક્યાં જવું? આજે અહીં ગુજરાતના દરેક જીલ્લામાં ફરવા જેવાં જાણીતાં સ્થળોનું એક નાનું લીસ્ટ આપું છું. તમે એમાંથી ક્યાં ક્યાં ગયેલા છો? ના ગયા હો તો જજો.

(૧) અમદાવાદ શહેર : ગાંધી આશ્રમ, ભદ્રનો કિલ્લો, કાંકરિયા, રીવર ફ્રન્ટ, ઇસ્કોન, સાયંસ સીટી, જામા મસ્જીદ, બાદશાહ અને રાણીના હજીરા, રાણી સિપ્રીની મસ્જીદ, હઠીસીંગનાં દહેરાં, સોલા મંદિર, સરદાર પટેલ મેમોરીયલ, સીદી સૈયદની જાળી, ગાયકવાડની હવેલી, સરખેજ રોજા, કોમ્યુનીટી સાયંસ સેન્ટર, અમદાવાદની ગુફા, કેમ્પ હનુમાન, દાદા હરિની વાવ, ગુરુદ્વારા ગોવીન્દધામ, તિરુપતિ બાલાજી મંદિર, સ્વામીનારાયણ મ્યુઝીયમ, ઓટો વર્લ્ડ મ્યુઝીયમ, અડાલજની વાવ, વૈષ્ણોદેવી મંદિર, ત્રિમંદિર, ભાડજનું રાધા માધવ મંદિર

(૨) અમદાવાદ જીલ્લો : નળ સરોવર, ગણપતપુરા, લોથલ, કુંડળ, સાળંગપુર

(૩) ગાંધીનગર જીલ્લો : અક્ષરધામ, ચિલ્ડ્રન પાર્ક, ઇન્દ્રોડા ઉદ્યાન, પુનિત વન, મહુડીમાં કોટયર્ક અને જૈન મંદિર, મીની અમરનાથ, મીની પાવાગઢ, વાસનીયા મહાદેવ, રૂપાલની પલ્લી, કંથારપુરાનો વડ, ઉત્કંઠેશ્વર મહાદેવ

(૪) મહેસાણા જીલ્લો : મોઢેરામાં સૂર્યમંદિર અને મોઢેશ્વરી માતાનું મંદિર, બહુચરાજી, વડનગરનું હાટકેશ્વર મહાદેવ અને કીર્તિતોરણ, તારંગા, થોળ સરોવર, ઉંઝામાં ઉમિયામાતા

(૫) સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લો : પ્રાંતિજમાં ગળતેશ્વર મહાદેવ, બેરણા, સપ્તેશ્વર, ઈડરિયો ગઢ, વીરેશ્વર મહાદેવ, પોળોનાં મંદિરો, વીરાંજલિવન, શામળાજી, તિરુપતિ ઋષિવન, ઝાંઝરી ધોધ

(૬) પાટણ જીલ્લો : રાણકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવ, શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ

(૭) બનાસકાંઠા જીલ્લો : અંબાજી મંદિર, કુંભારિયા, હાથીધરા, બાલારામ, નડાબેટ બોર્ડર

(૮) ખેડા અને મહીસાગર જીલ્લો : ડાકોર, ગળતેશ્વર મહાદેવ, નડિયાદનું સંતરામ મંદિર, મહેમદાવાદમાં ભમ્મરિયો કૂવો અને સિદ્ધિવિનાયક મંદિર, લસુન્દ્રાના ગરમ-ઠંડા પાણીના કુંડ, બાલાસિનોરનો ડાયનોસોર પાર્ક

(૯) પંચમહાલ જીલ્લો : સામલીમાં નૈસર્ગિક વિહાર, ટુવાના કુંડ, ઘૂસરમાં ગુપ્તેશ્વર મહાદેવ, ધાબાડુંગરી, વિરાસતવન, ચાંપાનેર, પાવાગઢ, ઝંડ હનુમાન, હાથણીમાતા ધોધ, મલાવનો કૃપાળુ આશ્રમ, શહેરામાં મરડેશ્વર મહાદેવ, ચાંદણગઢ, માનગઢ હીલ

(૧૦) દાહોદ જીલ્લો : રતનમહાલ, નલધા કેમ્પ સાઈટ, ચોસાલાનું કેદારેશ્વર મહાદેવ, બાવકા

(૧૧) આણંદ જીલ્લો : અમૂલ ડેરી, વડતાલનું સ્વામીનારાયણ મંદિર, વલેટવાનું પારદેશ્વર મહાદેવ, બોરસદનું સૂર્યમંદિર, અગાસનો રાજચંદ્ર આશ્રમ, માણેજમાં મણીલક્ષ્મી તીર્થ, રાલેજમાં શિકોતર માતા, વહેરાખાડી, મહીસાગર વન

(૧૨) વડોદરા શહેર : મ્યુઝીયમ, પ્લેનેટોરીયમ, કીર્તિ મંદિર, લક્ષ્મીવિલાસ મહેલ, સુરસાગર તળાવ અને શિવનું સ્ટેચ્યુ, બસ સ્ટેન્ડ, ઈએમઈ મંદિર, ઇસ્કોન, વ્રજધામ, હજીરા મકબરો, આજવા-નિમેટા ગાર્ડન

(૧૩) વડોદરા અને છોટાઉદેપુર જીલ્લા : કાયાવરોહણ, માલસર, નારેશ્વર, વઢવાણા સરોવર, કરનાળી, પ્રકૃતિ ઉદ્યાન

(૧૪) ભરૂચ જીલ્લો : કબીરવડ, કાવીનું સ્તંભેશ્વર મહાદેવ, કડિયા ડુંગર અને પાંડવ ગુફા, ટકાઉ ધોધ

(૧૫) નર્મદા જીલ્લો : સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, ગરુડેશ્વર, શૂલપાણેશ્વર, ઝરવાણી ધોધ, જૂનારાજ કેમ્પ સાઈટ, વિસલખાડી, પોઈચાનું સ્વામીનારાયણ મંદિર, નિનાઈ ધોધ

(૧૬) સુરત શહેર : એક્વેરિયમ, સરથાણા નેચર પાર્ક, ગોપી તળાવ, ડુમસ, ઇસ્કોન, સાંઈ મંદિર, સ્નો પાર્ક, ડચ મકબરા

(૧૭) સુરત અને તાપી જીલ્લો : ઉકાઈ ડેમ, ઉનાઈ કુંડ, જાનકીવન, પદમડુંગરી કેમ્પ સાઈટ, દેવઘાટ

હવે બાકીના જીલ્લા વિષે next time.

ફરવા ક્યાં જશો?

                                              ફરવા ક્યાં જશો?

ફરવા જવાનું કોને ના ગમે? આ પૃથ્વી એટલી બધી વિશાળ છે, અને એના પર એટલી બધી જગાઓ જોવા જેવી છે કે ના પૂછો વાત ! એ બધું જોઇને મનમાં આનંદ પ્રસરી જાય, મન ખુશ ખુશ થઇ જાય.

ફરવાનું અને જોવા જેવું, આપણા દેશમાં ઘણું છે, તેમ જ વિદેશોમાં પણ ઘણું છે. આપણે ત્યાં આજે વિદેશોમાં ફરવા જવાનો ક્રેઝ બહુ વધ્યો છે. આજે ઘણા લોકો યુરોપ, આફ્રિકા, અમેરીકા તેમ જ થાઈલેન્ડ, મલેશિયા, ફુકેત, સીંગાપોર, દુબઈ, ચીન, શ્રીલંકા, વિએતનામ, મોરિશિયસ, બાલી, જાપાન વગેરે દેશોમાં ફરવા જાય છે. દિવાળી કે એવા ટાઈમે, કોઈ ટ્રાવેલર્સ જોડે ટીકીટો બુક કરાવીને આવાં સ્થળે ઉપડી જાય છે. જો કે આમાં કશું જ ખોટું નથી. પણ મારે અહીં ખાસ એ કહેવું છે કે ભારતમાં પણ ફરવા જેવું ઘણું જ છે. મને તો ક્યારેક એવું લાગે છે કે ભારતમાં જેટલું જોવા જેવું છે, એવું બીજે નથી.

આપણા દેશના દરેક રાજ્યમાં ઘણાં જોવાલાયક સ્થળો આવેલાં છે. એમાંથી થોડાંકનાં નામ ગણાવું? જેમ કે મહારાષ્ટ્રમાં મુંબઈમાં ગેટ વે ઓફ ઇંડિયા, છત્રપતિ શિવાજી મ્યુઝીયમ, એલીફન્ટા ગુફાઓ, ચોપાટી, હેંગિંગ ગાર્ડન, નહેરુ પ્લેનેટોરીયમ, સિદ્ધિવિનાયક મંદિર, એસ્સેલ વર્લ્ડ વગેરે. મહારાષ્ટ્રનાં અન્ય સ્થળો માથેરાન, અલીબાગ, લોનાવલા, ખંડાલા, ભંડારદરા, માલસેજ, મહાબળેશ્વર, નાસિક, ત્ર્યંબક, શિરડી, ઔરંગાબાદ, અજંતા, ઈલોરા, શનિદેવ…… લીસ્ટ ઘણું લાંબુ છે. આ જ રીતે બીજાં રાજ્યોમાં પણ ઘણું ઘણું છે.

જો કે ફરવાના સ્થળે વ્યવસ્થા અને સગવડો ઉભી કરી હોય તો વધુ લોકો આવે. કેવી સગવડો? ફરવાના સ્થળ સુધી પહોંચવા માટે સરસ રસ્તા બનાવવા જોઈએ, કે જેથી બસ, ગાડી, રીક્ષા કે ટેક્સી છેક સુધી જઈ શકે. ત્યાં પાર્કીંગની સગવડ હોવી જોઈએ. રીક્ષા અને ટેક્સીવાળાના ભાવ બાંધેલા હોવાં જોઈએ કે જેથી તેઓ ટુરીસ્ટની ગરજનો લાભ લઇ વધુ પૈસા ના પડાવે. ફરવાના સ્થળે હોટેલ, ગેસ્ટ હાઉસ જેવી રહેવાની સુવિધા હોવી જોઈએ. ખાવા પીવાનું પણ મળી રહેવું જોઈએ. ગાઈડ ઉપલબ્ધ હોવા જોઈએ. ફરવાના સ્થળને લગતી માહિતીનાં ચોપાનિયાં હોવાં જોઈએ. ટુરીસ્ટનો ગેરલાભ ઉઠાવે એવાં તત્વો ત્યાં ન હોવાં જોઈએ. કદાચ આપણે ત્યાં આટલી સારી સુવિધાઓ નથી. એટલે પ્રવાસીઓને ઘણી વાર એવું લાગે છે કે આપણા દેશમાં પ્રવાસનાં સ્થળોએ પૂરતી સગવડો નથી.

આમ છતાં, આપણે આપણા દેશનાં સ્થળોએ ફરવા જવાને મહત્વ આપવું જોઈએ. જો આપણા દેશનાં ફરવાનાં સ્થળોએ વધુ લોકો જતા થશે તો ત્યાં સગવડો જરૂર ઉભી થશે. આપણે ત્યાં ઘણાં સ્થળો એવાં છે કે જ્યાં ફોરીનર (વિદેશી) લોકો વધુ ફરવા આવતા હોય, અને આપણે તે સ્થળ જોયું ન હોય. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચવ્યું છે કે તમે દર વર્ષે દેશમાં સાતઆઠ સ્થળોએ ફરવા જાવ. જો આટલું જ કરશો તો આખા દેશનાં ફરવાનાં સ્થળો ખૂબ જાણીતાં થશે. એ સ્થળોનો વિકાસ થશે, અને બહારના પણ કેટલાય લોકો તે સ્થળોએ આવતા થશે. આવું થશે તો તે સ્થળોના સ્થાનિક લોકોને રોજગારી મળશે. દેશનો પૈસો દેશમાં જ રહેશે, એટલું જ નહિ બહારના પૈસા પણ દેશમાં આવશે.

ફરવાનાં સ્થળોએ આપણી પણ કેટલીક ફરજો છે. આવાં સ્થળોએ પ્લાસ્ટીકની બોટલો, કાગળના ડૂચા, વધેલું ખાવાનું કે અન્ય ચીજો નાખીને ગંદકી ના કરવી જોઈએ. ત્યાં ઉભી કરેલી સગવડોને બગાડવી ના જોઈએ. ત્યાના સ્ટાફ અને લોકોને હેરાન ના કરવા જોઈએ. બલ્કે ત્યાં એક સારી છાપ છોડીને આવવું જોઈએ.

આજે ઘણા દેશો ફક્ત ટુરીઝમ પર નભે છે. સીંગાપોર, દુબઈ વગેરે સ્થળો ફક્ત ટુરીઝમના ધંધાથી જ કેટલાં બધાં પૈસાવાળાં થયાં છે, એ બધા જાણે છે. આપણા દેશમાં તો અ ધ ધ ધ.. કહેવાય એટલાં ટુરીસ્ટ સ્થળો છે, એને મહત્વ આપીએ, વિકસાવીએ અને ત્યાં ફરવા જઈએ, તો આ દેશ કેટલો બધો આગળ આવે !

  ગૌશાળા, ફાયદા જ ફાયદા

                                        ગૌશાળા, ફાયદા જ ફાયદા

માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે તેમના ૧૫ મી ઓગસ્ટના ભાષણમાં એક મુદ્દો કહ્યો કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ શક્ય એટલો ઓછો કરો. એના પરથી હમણાં જ વાંચેલી એક વાત યાદ આવી કે રાજકોટની એક સ્કુલમાં સ્કુલવાળાઓએ ગૌશાળા સ્થાપી છે. તેમાં હાલ ૨૪ ગાયો રાખી છે. આ ગાયોની દેખભાળ છોકરાઓએ જ કરવાની. ગાયોને ઘાસ ખવડાવવાનું, દૂધ દોહવાનું, છાણ એકઠું કરી ખાતર બનાવવાનું, ગાયોની ગમાણમાં ચોખ્ખાઈ રાખવાની વગેરે.

આ પ્રવૃત્તિના ફાયદા શું છે, તે જુઓ. સ્કુલમાં જ ગાયો હોવાથી, ગાયોનું દૂધ બાળકોને પીવા મળે છે. આ દૂધ એકદમ ચોખ્ખું, તાજું, કુદરતી અને કોઈ પણ જાતની પ્રોસેસ કર્યા વગરનું હોય, એટલે એકદમ પૌષ્ટિક હોય છે. આપણે બધા બજારમાંથી ડેરીનું જે દૂધ લાવીને પીએ છીએ, તે થોડા દિવસ પહેલાંનું વાસી અને પ્રોસેસ કરેલું હોય છે, એને બદલે સ્કુલમાં બાળકોને ગાયનું તાજું દૂધ મળે, તે સારું કહેવાય કે નહિ? વળી, આ દૂધ પર બીજી કોઈ પ્રોસેસ કરવાની ન હોવાથી, તે સસ્તામાં જ મળ્યું ગણાય.

બીજું, સ્કુલમાં ગાયના છાણનું જે ખાતર તૈયાર થાય, તે ખાતર સ્કુલમાં જ બગીચામાં ફૂલછોડ ઉગાડવા તથા શાકભાજી ઉગાડવામાં વપરાય, અને વધારાનું ખાતર વેચીને સ્કુલને પૈસા પણ મળી શકે. જો ઘણી બધી સ્કૂલો આવો પ્રોજેક્ટ કરે તો, બજારમાં ગાયના છાણનું ખાતર ખૂબ મોટા પ્રમાણમાં મળી રહે. આ ખાતર એકદમ કુદરતી ખાતર હોવાથી, એનાથી જે પાક લેવાય તે ખૂબ જ પૌષ્ટિક હોય. આજે બધે જે રાસાયણિક ખાતરો વપરાય છે, તેનાથી પાક ભલે વધુ પ્રમાણમાં મળે, પણ રાસાયણિક ખાતરો વાપરીને ઉગાડેલું અનાજ ખાવાથી કેન્સર જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. ગાયના ખાતરથી ઉગાડેલું અનાજ એકદમ આરોગ્યવર્ધક છે. વળી, ગાયના છાણથી બનાવેલું ખાતર ખૂબ સસ્તું હોય, કારણ કે એને માટે ખાતરનું મોટું કારખાનું નાખવાનું હોતું નથી, એટલે સાવ સસ્તામાં તે તૈયાર થાય છે.

સ્કુલમાં ગૌશાળા ઉભી કરવામાં ખર્ચ કેટલો? એક વાર ગાયો ખરીદવાનો ખર્ચ થાય. ગાયોને ખવડાવવા માટે લીલું કે સુકું ઘાસ જોઈએ. એ ઘાસ ગામની સીમમાં ઉગાડી શકાય. ગાયોને ત્યાં ચરાવવા લઇ જવાય. સુકું ઘાસ પણ સસ્તામાં જ મળે. આમ, સમગ્રપણે ખર્ચ તો ખૂબ જ ઓછો છે.

સ્કુલમાં વિદ્યાર્થીઓ ગાયની કાળજી કરવાનું શીખે. ગાય પ્રત્યે એક લાગણી ઉભી થાય. આપણી સંસ્કૃતિમાં ગાયને માતા કહી છે, ગાયને પૂજ્ય કહી છે, આપણે ત્યાં ગોવાળો ગાયોને ચરાવવા લઇ જતા, એ પ્રથા હવે આમ તો ભુલાવા આવી છે. કૃષ્ણ ભગવાન ગાયોને ચરાવવા લઇ જતા. સ્કુલમાં ગૌશાળા હોય તો બાળકો આપણી આ સંસ્કૃતિથી વાકેફ થાય.

બીજા દેશોમાં તો ગાયોને મારવાનાં કતલખાનાં ય છે, અને લોકો ગાયનું માંસ ખાતા હોય છે. એ બધું બરાબર નથી લગતું.

આપણા ગુજરાતમાં માણસા પાસે બાપુપુરા નામનું એક ગામ છે, ત્યાં લોકોએ ગાયો પાળવાનો ધંધો શરુ કર્યો છે. ગાયના દૂધ અને છાણમાંથી તેઓ સારી એવી કમાણી કરે છે. ગામડાના લોકો કામધંધા માટે ગામડાં છોડીને શહેર તરફ દોડે છે, એને બદલે ગામમાં જ રહીને ગાયો પાળવાનો ધંધો કરે તો તેઓ જરૂર કમાય અને સારી જીંદગી જીવી શકે. બાપુપુરા ગામ આનું સારું ઉદાહરણ છે. મને તો લાગે છે કે શહેરના લોકો પણ ગાયો પાળવાનો ધંધો કરી શકે.

રાજકોટની સ્કુલની જેમ બીજી સ્કૂલો ગૌશાળા સ્થાપે, એટલું જ નહિ, કોલેજો પણ જો આ દિશામાં કામ કરે તો દૂધ અને છાણની ક્યાંય કમી ના રહે, દૂધની ડેરીઓની જરૂર ના રહે, ખાતરનાં કારખાનાંની જરૂર ના રહે, દૂધ અને છાણ સાવ સસ્તામાં મળે, દૂધ અને પૌષ્ટિક ખોરાક ખાવા મળે, રોગો ના થાય, લોકોને કામધંધો મળે, ગાય પ્રત્યે સારી ભાવના પેદા થાય, કેટલા બધા ફાયદા થાય ! આપણે ત્યાં ઘણાં મંદિરોમાં અને બીજે ગૌશાળાઓ છે, તે એક સારી બાબત છે. બીજે પણ આ પ્રોજેક્ટ કરવાની જરૂર છે.

એકલી ગાયોથી દૂધ અને ખાતર પૂરતાં ન મળે, તો બીજાં પ્રાણીઓ પણ પાળી શકાય. ટૂંકમાં, આપણા જૂના પશુપાલનના ધંધા તરફ પાછા વાળવાની જરૂર છે. આપણે શહેરમાં બીજા ધંધાઓને મહત્વ આવી પશુપાલનને ભૂલતા ગયા છીએ. પણ એ તરફ ફરી વળવા જેવું છે. ડેન્માર્કમાં પશુપાલન આધુનિક રીતે થાય છે. એ દેશ ખૂબ આગળ વધેલો છે.

તમે વિચારી જોજો. આ દિશામાં કામ કરવા જેવું લાગે છે કે નહિ?

સમાજમાં સારા માણસો પણ છે  

                                      સમાજમાં સારા માણસો પણ છે  

સામાન્ય રીતે આપણા બધાનો અનુભવ એવો છે કે દુનિયામાં મોટા ભાગના માણસો સ્વાર્થી છે. પોતાનો સ્વાર્થ આવે ત્યારે નિયમો અને સંબંધોને બાજુએ મૂકી, પોતાના સ્વાર્થનું કામ પહેલું કરે. બીજાને શું તકલીફ કે મજબૂરી છે, તેનું કંઈ જ ના વિચારે. આમ છતાં, દુનિયામાં ક્યારેક કોઈ કોઈ સારા માણસો જોડે મુલાકાત થઇ જતી હોય છે. આવા માણસોને લીધે તો દુનિયા સુપેરે ચાલતી રહે છે.

આવા એક સરસ બનાવની વાત કરું. થોડાં વર્ષો પહેલાંની વાત છે. મારા મિત્ર જયંતિલાલે મને આ વાત કરેલી. તેમણે સરકારી નોકરી સંતોષકારક રીતે પૂરી કરી. પછી નિવૃત્તિ (Retirement) નજીક આવી ત્યારે તેમણે પેન્શન માટેનાં  બધાં ફોર્મ સમયસર ભરીને પેન્શન ઓફિસને મોકલી દીધાં, અને પેન્શન મંજૂર થાય એની રાહ જોવા લાગ્યા. કોઈકે તેમને કહ્યું કે, ‘જયંતિભાઈ, એમ શાંતિથી પેન્શન મંજૂર થવાની રાહ જોઇને બેસી રહેશો તો પેન્શન મંજૂર નહિ થાય. તમારે પેન્શન ઓફિસમાં જઈને ત્યાં સંબંધિત ક્લાર્ક કે ઓફિસરને મળવું જોઈએ. જરૂર પડે તો ‘વહીવટ’ કરવો પડે, કે જેથી પેન્શન ટાઈમસર મંજૂર થાય.’

આ ‘વહીવટ’ એટલે કે પૈસાની લાંચ આપવી. જયંતિભાઈ એક દિવસ પેન્શન ઓફિસમાં ઉપડ્યા. પોતાનો પેન્શન કેસ જે ક્લાર્ક પાસે હતો, તે ક્લાર્કને શોધી કાઢ્યો. ત્યાં જઈએ તેમણે એ ક્લાર્કને વાત કરી, ‘સાહેબ, હું ફલાણી ઓફિસમાંથી આવું છું, અને ફલાણી તારીખે રીટાયર થાઉં છું. મારું પેન્શન હજુ મંજૂર થઈને આવ્યું નથી. તો શું કરવું?’

કલાર્કે તેમની વિગતો જોઈ. જોયું તો તેમના પેન્શનની મંજૂરીનો કાગળ તૈયાર થઇ જ ગયેલો હતો. ફક્ત ઉપલા ઓફિસરની સહી જ બાકી હતી. કલાર્કે કહ્યું, ‘સાહેબ, તમારા પેન્શન પેપરમાં સાહેબની સહી જ બાકી છે. બે દિવસમાં હું સાહેબની સહી કરાવી લઈશ, અને અમે એ કાગળ તમારી ઓફિસને મોકલી આપીશું. પણ જયંતિભાઈને ભરોસો પડ્યો નહિ. બે દિવસ પછી તેઓ ફરીથી પેન્શન ઓફિસે જઈ પેલા ક્લાર્કને મળ્યા. અને એમના પેન્શન અંગે પૂછ્યું. કલાર્કે ચેક કરીને કહ્યું, ‘તમારો પેન્શનનો કાગળ આજે અમે તમારી  ઓફિસને મોકલી દીધો છે.’

જયંતિલાલ તો ખુશ થઇ ગયા. સરકારી ક્લાર્ક આટલી સરળતાથી કામ પતાવી દેશે, એવી તેમને કલ્પના જ ન હતી. તેમને પેલી ‘વહીવટ’વાળી વાત યાદ આવી ગઈ, એટલે તેમણે ક્લાર્કને જરા ડરતાં ડરતાં પૂછ્યું, ‘ભાઈ, તમે કામ કરી દીધું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારે તમને શું બક્ષીસ આપવાની?’

પેલો ક્લાર્ક કહે, ‘સાહેબ, હું કોઈ બક્ષીસ નથી લેતો. તમારે મને કંઈ જ આપવાનું નથી. આ કામ તો મારી ફરજમાં આવે છે, તે જ મેં કર્યું છે. અમને આ કામ કરવાનો પગાર મળે છે. ભગવાન મને મારો પગાર વાપરવા દે, એ જ બહુ છે. કોઈના ખોટા પૈસા લઈને મારે એ પાપ ક્યાં ભોગવવાનું? અને હું એવું ખોટું કરું તો, તમે મારી કેવી ખરાબ છાપ લઈને અહીંથી જાવ? સારું કામ કરી, તમારા મનોમન આશીર્વાદ મને મળે, તે મારી જિંદગીને જરૂર વધુ સારી બનાવશે.’

એની વાત સંભાળીને, જયંતિલાલ મનોમન તે ભાઈને આશીર્વાદ આપી ત્યાંથી પાછા જવા નીકળ્યા. સરકારી ઓફિસોમાં જો બધે આવા પ્રામાણિક માણસો હોય તો દેશ કેટલો બધો આગળ આવે?

આવા અનેક કિસ્સા તમને આપણા સમાજમાં મળી આવશે. દુનિયામાં સ્વાર્થી અને લાંચિયા માણસોની જોડે જોડે આવા કોઈક સજ્જનો પણ મળી આવે છે. એ જોઇને આપણે એ જ શીખવાનું છે કે આપણે પણ સારા માણસ બનીએ. સારાં કામ કરનારને તેનું સારું ફળ મળે જ છે. વળી, સારા માણસને જ્યાં કામ ઉકેલવાનાં હોય ત્યાં તેને સારા માણસો મળી આવે છે. છેલ્લે, એક નાનો પ્રસંગ યાદ કરી આજની વાત પૂરી કરીએ.

મારા એક ઓળખીતા મિત્ર નવનીતભાઈને લેન્ડલાઈન ફોનની જરૂર ન હોવાથી, તે તેમણે ટેલીફોન ઓફિસને પાછો સુપ્રત કર્યો. તેમને ટેલીફોન ઓફિસ પાસેથી ડીપોઝીટના રૂપિયા ૨૦૦૦/- પાછા લેવાના હતા. ઓફિસે આ રૂપિયા ક્યાંય સુધી પાછા આપ્યા નહિ. છેવટે, એક વાર તેઓ ટેલીફોન ઓફિસે રૂબરૂ મળવા ગયા. ત્યાં પણ કોઈએ ખાસ દાદ દીધી નહિ. છેવટે તેઓ ઉપરી ઓફિસરને મળ્યા, મનમાં તો હતું કે ઓફિસર તો વાત સાંભળશે જ નહિ. પણ ઓફિસરે તેમને શાંતિથી સાંભળ્યા. છેલ્લે, ઓફિસરે કહ્યું કે, ‘તમે ચિંતા ના કરો. તમારે હવે એક જ વાર આ ઓફિસે આવવું પડશે, અને તે પણ તમારી ડીપોઝીટના રૂપિયાનો ચેક લેવા. ચૌદ દિવસ પછી આવજો, તમને ચેક મળી જશે. નવનીતભાઈને તો ખાતરી નહોતી થતી કે આટલી સહેલાઇથી પૈસા મળી જાય. પણ બરાબર ચૌદ દિવસ પછી તેઓ ઓફિસે ગયા, અને તેમને તેમનો ચેક મળી ગયો ! ક્યાંક આવા ઓફિસર પણ જોવા મળે છે.

તમારી સાથે પણ આવી ઘટનાઓ બનતી જ હશે. કોમેન્ટમાં લખજો, બધાને વાંચવાની મજા આવશે.

લોકોના આગ્રહ-દુરાગ્રહ કેવા હોય છે?

                                  લોકોના આગ્રહ-દુરાગ્રહ કેવા હોય છે?

આપણે કોઈને ત્યાં મહેમાન બનીને અથવા તો ખાલી મળવા ગયા હોઈએ ત્યારે “ચાલશે, ફાવશે, ગમશે” જેવા જવાબોથી આપણે તેમની સાથે સહેલાઇથી અનુકૂળ થઇ જઈએ છીએ, અને આપણે કોઈને ભારે પડતા નથી. આપણા એવા સારા વ્યવહારથી તેમને પણ આપણી સાથે સારું ફાવે છે.

પણ અહીં વાત કરવી છે આનાથી વિરુદ્ધ પ્રકારના માણસોની કે જેઓ યજમાનને અનુકૂળ થઈને રહેતા નથી, બલ્કે પોતાના આગ્રહો અને દુરાગ્રહોને વળગી રહે છે, અને યજમાનને પરેશાન કરી મૂકે છે. અન્ય પ્રસંગોમાં પણ સહકારથી ના રહે એવા લોકો હોય છે. અહીં થોડાં ઉદાહરણો લખું છું, કોઈએ બંધબેસતી પાઘડી પહેરી લેવી નહિ.

કિરીટભાઈને ત્યાં એક વાર રાત્રે દસ વાગે સુવાના ટાઈમે તેમના મિત્ર મગનભાઈ પત્ની સહિત મળવા આવ્યા. બેઠા, વાતો કરી, ચાપાણી પતાવ્યા, કિરીટભાઈને ઉંઘ આવતી હતી અને મનમાં થતું હતું કે હવે આ મગનભાઈ જાય તો સારું. પણ મગનભાઈ ઊઠવાનું નામ લેતા નહોતા. કિરીટભાઈને બગાસું પણ આવી ગયું, ત્યારે મગનભાઈ બોલ્યા, “તમને ઉંઘ આવતી લાગે છે.” કિરીટભાઈને મનમાં થયું કે ‘અરે, મને ઉંઘ આવે છે, એવી તમને ય ખબર પડી છે, તો હવે તમે ઉઠો ને?’ પણ મહેમાનને આવું કહેવાય નહિ, ખોટું લાગે. પણ મહેમાને સમજી જવું જોઈએ કે આમને ઉંઘ આવે છે તો હવે આપણે ઉઠવું જોઈએ.

એક વાર દસ કુટુંબો ભેગા મળી કોઈ ટ્રાવેલર્સ કંપની સાથે કાશ્મીર ફરવા ગયા. ક્યાં ક્યાં સ્થળોએ ફરવું તેનો પ્લાન નક્કી હતો. પણ ત્રણેક દિવસ ફર્યા પછી, તેમાંનાં ચાર કુટુંબોએ કહ્યું કે અમારે તો આ ટ્રીપમાં હરિદ્વાર, દેવપ્રયાગ અને નૈનીતાલ પણ જોવું છે. હવે ટ્રીપમાં આ સ્થળો તો સામેલ હતાં નહિ. પણ પેલા લોકો માન્યા નહિ. છેવટે આ ચાર કુટુંબો બાકીનાથી અલગ પડીને, એમની રીતે આગળ ગયાં. સંચાલકે કોઈક રીતે તોડ કાઢવો પડ્યો. બધાં સાથે મળીને સહકારથી ફર્યા હોત તો વધુ મજા આવી હોત.

અમારે ત્યાં ત્રણ દિવસ માટે એક મહેમાન આવ્યા. જમતી વખતે કહે, “મારે તો જમવાની સાથે કોઈ ડ્રીંક જોઈએ જ” અમારે ત્યાં જમવાની સાથે ડ્રીંકની પ્રથા હતી નહિ. પણ મારે એ મહેમાન માટે ડ્રીંક મંગાવી આપવું પડ્યું. તેઓની બીજી ટેવો, ‘જમીને પાન ખાવા જોઈએ જ, નહાવા માટે ફુવારો તો જોઈએ જ, ‘ગુજરાત સમાચાર’ વાંચ્યા વગર મને ચેન ના પડે…..’ આવી બધી ટેવો તેમને ભલે હોય, પણ કોઈને ત્યાં મહેમાન બનીને જાવ, ત્યાં આવું બધું ના હોય તો તેના વગર કેમ ના ચલાવી લેવાય? આવા લોકો યજમાનનો આદર પામતા નથી, તેઓ યજમાનને પોતાના તાલે નચાવે છે, યજમાન મનમાં ઇચ્છતા હોય કે આવા મહેમાન ના આવે તો સારું.

અમે ચાર કુટુંબો એક વાર માયસોર ગયેલા. ત્યાં માયસોરના મહેલ પર દર રવિવારે રાતે લગભગ એક લાખ બલ્બની રોશની થતી હોય છે. આ રોશની જોવાની તક ફક્ત રવિવારે સાંજે અંધારું પડ્યા પછી જ મળે. સાંજના સાડા પાંચ થયા હતા, અને અમારામાંના એક ભાઈ કહે કે ‘માયસોરમાં અમુક થીયેટર બહુ સારું છે, ચાલો, આપણે ત્યાં છ વાગ્યાના શોમાં ફિલ્મ જોવા જઈએ.’ મેં કહ્યું, ’ફિલ્મ તો પછી કે કાલે પણ જોવાશે, પણ આ બલ્બની રોશની ફરી જોવા નહિ મળે.’ પણ એ ભાઈ માન્યા નહિ. છેવટે અમે રોશની જોવા ગયા, અને એ ભાઈ ફિલ્મ જોવા ગયા. બધા સાથે હોત તો કેવી મજા આવતી !

આ તો અહીં થોડી વાતો કહી છે, પણ આવું તો દરેકની સાથે ક્યાંક ને ક્યાંક બનતું હોય છે. તમારી સાથે પણ બનતું હશે. આ વાંચીને તમને પણ તમારી સાથે બનેલા પ્રસંગો યાદ આવી ગયા હશે. તો કોમેન્ટમાં લખજો, બધાને વાંચવાની મજા આવશે.

શીખવાનું એ જ કે બધાને અનુકૂળ થઈને રહીએ, અને બધા સાથે મળીને આનંદ માણીએ. પોતાના આગ્રહો તો પોતે એકલા હોઈએ ત્યારે ભોગવી શકાતા હોય છે. બીજાને તકલીફમાં ન મૂકીએ, તો બીજાનો પ્રેમ અને આદર પ્રાપ્ત કરી શકીએ.