લોકોના આગ્રહ-દુરાગ્રહ કેવા હોય છે?

                                  લોકોના આગ્રહ-દુરાગ્રહ કેવા હોય છે?

આપણે કોઈને ત્યાં મહેમાન બનીને અથવા તો ખાલી મળવા ગયા હોઈએ ત્યારે “ચાલશે, ફાવશે, ગમશે” જેવા જવાબોથી આપણે તેમની સાથે સહેલાઇથી અનુકૂળ થઇ જઈએ છીએ, અને આપણે કોઈને ભારે પડતા નથી. આપણા એવા સારા વ્યવહારથી તેમને પણ આપણી સાથે સારું ફાવે છે.

પણ અહીં વાત કરવી છે આનાથી વિરુદ્ધ પ્રકારના માણસોની કે જેઓ યજમાનને અનુકૂળ થઈને રહેતા નથી, બલ્કે પોતાના આગ્રહો અને દુરાગ્રહોને વળગી રહે છે, અને યજમાનને પરેશાન કરી મૂકે છે. અન્ય પ્રસંગોમાં પણ સહકારથી ના રહે એવા લોકો હોય છે. અહીં થોડાં ઉદાહરણો લખું છું, કોઈએ બંધબેસતી પાઘડી પહેરી લેવી નહિ.

કિરીટભાઈને ત્યાં એક વાર રાત્રે દસ વાગે સુવાના ટાઈમે તેમના મિત્ર મગનભાઈ પત્ની સહિત મળવા આવ્યા. બેઠા, વાતો કરી, ચાપાણી પતાવ્યા, કિરીટભાઈને ઉંઘ આવતી હતી અને મનમાં થતું હતું કે હવે આ મગનભાઈ જાય તો સારું. પણ મગનભાઈ ઊઠવાનું નામ લેતા નહોતા. કિરીટભાઈને બગાસું પણ આવી ગયું, ત્યારે મગનભાઈ બોલ્યા, “તમને ઉંઘ આવતી લાગે છે.” કિરીટભાઈને મનમાં થયું કે ‘અરે, મને ઉંઘ આવે છે, એવી તમને ય ખબર પડી છે, તો હવે તમે ઉઠો ને?’ પણ મહેમાનને આવું કહેવાય નહિ, ખોટું લાગે. પણ મહેમાને સમજી જવું જોઈએ કે આમને ઉંઘ આવે છે તો હવે આપણે ઉઠવું જોઈએ.

એક વાર દસ કુટુંબો ભેગા મળી કોઈ ટ્રાવેલર્સ કંપની સાથે કાશ્મીર ફરવા ગયા. ક્યાં ક્યાં સ્થળોએ ફરવું તેનો પ્લાન નક્કી હતો. પણ ત્રણેક દિવસ ફર્યા પછી, તેમાંનાં ચાર કુટુંબોએ કહ્યું કે અમારે તો આ ટ્રીપમાં હરિદ્વાર, દેવપ્રયાગ અને નૈનીતાલ પણ જોવું છે. હવે ટ્રીપમાં આ સ્થળો તો સામેલ હતાં નહિ. પણ પેલા લોકો માન્યા નહિ. છેવટે આ ચાર કુટુંબો બાકીનાથી અલગ પડીને, એમની રીતે આગળ ગયાં. સંચાલકે કોઈક રીતે તોડ કાઢવો પડ્યો. બધાં સાથે મળીને સહકારથી ફર્યા હોત તો વધુ મજા આવી હોત.

અમારે ત્યાં ત્રણ દિવસ માટે એક મહેમાન આવ્યા. જમતી વખતે કહે, “મારે તો જમવાની સાથે કોઈ ડ્રીંક જોઈએ જ” અમારે ત્યાં જમવાની સાથે ડ્રીંકની પ્રથા હતી નહિ. પણ મારે એ મહેમાન માટે ડ્રીંક મંગાવી આપવું પડ્યું. તેઓની બીજી ટેવો, ‘જમીને પાન ખાવા જોઈએ જ, નહાવા માટે ફુવારો તો જોઈએ જ, ‘ગુજરાત સમાચાર’ વાંચ્યા વગર મને ચેન ના પડે…..’ આવી બધી ટેવો તેમને ભલે હોય, પણ કોઈને ત્યાં મહેમાન બનીને જાવ, ત્યાં આવું બધું ના હોય તો તેના વગર કેમ ના ચલાવી લેવાય? આવા લોકો યજમાનનો આદર પામતા નથી, તેઓ યજમાનને પોતાના તાલે નચાવે છે, યજમાન મનમાં ઇચ્છતા હોય કે આવા મહેમાન ના આવે તો સારું.

અમે ચાર કુટુંબો એક વાર માયસોર ગયેલા. ત્યાં માયસોરના મહેલ પર દર રવિવારે રાતે લગભગ એક લાખ બલ્બની રોશની થતી હોય છે. આ રોશની જોવાની તક ફક્ત રવિવારે સાંજે અંધારું પડ્યા પછી જ મળે. સાંજના સાડા પાંચ થયા હતા, અને અમારામાંના એક ભાઈ કહે કે ‘માયસોરમાં અમુક થીયેટર બહુ સારું છે, ચાલો, આપણે ત્યાં છ વાગ્યાના શોમાં ફિલ્મ જોવા જઈએ.’ મેં કહ્યું, ’ફિલ્મ તો પછી કે કાલે પણ જોવાશે, પણ આ બલ્બની રોશની ફરી જોવા નહિ મળે.’ પણ એ ભાઈ માન્યા નહિ. છેવટે અમે રોશની જોવા ગયા, અને એ ભાઈ ફિલ્મ જોવા ગયા. બધા સાથે હોત તો કેવી મજા આવતી !

આ તો અહીં થોડી વાતો કહી છે, પણ આવું તો દરેકની સાથે ક્યાંક ને ક્યાંક બનતું હોય છે. તમારી સાથે પણ બનતું હશે. આ વાંચીને તમને પણ તમારી સાથે બનેલા પ્રસંગો યાદ આવી ગયા હશે. તો કોમેન્ટમાં લખજો, બધાને વાંચવાની મજા આવશે.

શીખવાનું એ જ કે બધાને અનુકૂળ થઈને રહીએ, અને બધા સાથે મળીને આનંદ માણીએ. પોતાના આગ્રહો તો પોતે એકલા હોઈએ ત્યારે ભોગવી શકાતા હોય છે. બીજાને તકલીફમાં ન મૂકીએ, તો બીજાનો પ્રેમ અને આદર પ્રાપ્ત કરી શકીએ.