સમાજમાં સારા માણસો પણ છે  

                                      સમાજમાં સારા માણસો પણ છે  

સામાન્ય રીતે આપણા બધાનો અનુભવ એવો છે કે દુનિયામાં મોટા ભાગના માણસો સ્વાર્થી છે. પોતાનો સ્વાર્થ આવે ત્યારે નિયમો અને સંબંધોને બાજુએ મૂકી, પોતાના સ્વાર્થનું કામ પહેલું કરે. બીજાને શું તકલીફ કે મજબૂરી છે, તેનું કંઈ જ ના વિચારે. આમ છતાં, દુનિયામાં ક્યારેક કોઈ કોઈ સારા માણસો જોડે મુલાકાત થઇ જતી હોય છે. આવા માણસોને લીધે તો દુનિયા સુપેરે ચાલતી રહે છે.

આવા એક સરસ બનાવની વાત કરું. થોડાં વર્ષો પહેલાંની વાત છે. મારા મિત્ર જયંતિલાલે મને આ વાત કરેલી. તેમણે સરકારી નોકરી સંતોષકારક રીતે પૂરી કરી. પછી નિવૃત્તિ (Retirement) નજીક આવી ત્યારે તેમણે પેન્શન માટેનાં  બધાં ફોર્મ સમયસર ભરીને પેન્શન ઓફિસને મોકલી દીધાં, અને પેન્શન મંજૂર થાય એની રાહ જોવા લાગ્યા. કોઈકે તેમને કહ્યું કે, ‘જયંતિભાઈ, એમ શાંતિથી પેન્શન મંજૂર થવાની રાહ જોઇને બેસી રહેશો તો પેન્શન મંજૂર નહિ થાય. તમારે પેન્શન ઓફિસમાં જઈને ત્યાં સંબંધિત ક્લાર્ક કે ઓફિસરને મળવું જોઈએ. જરૂર પડે તો ‘વહીવટ’ કરવો પડે, કે જેથી પેન્શન ટાઈમસર મંજૂર થાય.’

આ ‘વહીવટ’ એટલે કે પૈસાની લાંચ આપવી. જયંતિભાઈ એક દિવસ પેન્શન ઓફિસમાં ઉપડ્યા. પોતાનો પેન્શન કેસ જે ક્લાર્ક પાસે હતો, તે ક્લાર્કને શોધી કાઢ્યો. ત્યાં જઈએ તેમણે એ ક્લાર્કને વાત કરી, ‘સાહેબ, હું ફલાણી ઓફિસમાંથી આવું છું, અને ફલાણી તારીખે રીટાયર થાઉં છું. મારું પેન્શન હજુ મંજૂર થઈને આવ્યું નથી. તો શું કરવું?’

કલાર્કે તેમની વિગતો જોઈ. જોયું તો તેમના પેન્શનની મંજૂરીનો કાગળ તૈયાર થઇ જ ગયેલો હતો. ફક્ત ઉપલા ઓફિસરની સહી જ બાકી હતી. કલાર્કે કહ્યું, ‘સાહેબ, તમારા પેન્શન પેપરમાં સાહેબની સહી જ બાકી છે. બે દિવસમાં હું સાહેબની સહી કરાવી લઈશ, અને અમે એ કાગળ તમારી ઓફિસને મોકલી આપીશું. પણ જયંતિભાઈને ભરોસો પડ્યો નહિ. બે દિવસ પછી તેઓ ફરીથી પેન્શન ઓફિસે જઈ પેલા ક્લાર્કને મળ્યા. અને એમના પેન્શન અંગે પૂછ્યું. કલાર્કે ચેક કરીને કહ્યું, ‘તમારો પેન્શનનો કાગળ આજે અમે તમારી  ઓફિસને મોકલી દીધો છે.’

જયંતિલાલ તો ખુશ થઇ ગયા. સરકારી ક્લાર્ક આટલી સરળતાથી કામ પતાવી દેશે, એવી તેમને કલ્પના જ ન હતી. તેમને પેલી ‘વહીવટ’વાળી વાત યાદ આવી ગઈ, એટલે તેમણે ક્લાર્કને જરા ડરતાં ડરતાં પૂછ્યું, ‘ભાઈ, તમે કામ કરી દીધું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મારે તમને શું બક્ષીસ આપવાની?’

પેલો ક્લાર્ક કહે, ‘સાહેબ, હું કોઈ બક્ષીસ નથી લેતો. તમારે મને કંઈ જ આપવાનું નથી. આ કામ તો મારી ફરજમાં આવે છે, તે જ મેં કર્યું છે. અમને આ કામ કરવાનો પગાર મળે છે. ભગવાન મને મારો પગાર વાપરવા દે, એ જ બહુ છે. કોઈના ખોટા પૈસા લઈને મારે એ પાપ ક્યાં ભોગવવાનું? અને હું એવું ખોટું કરું તો, તમે મારી કેવી ખરાબ છાપ લઈને અહીંથી જાવ? સારું કામ કરી, તમારા મનોમન આશીર્વાદ મને મળે, તે મારી જિંદગીને જરૂર વધુ સારી બનાવશે.’

એની વાત સંભાળીને, જયંતિલાલ મનોમન તે ભાઈને આશીર્વાદ આપી ત્યાંથી પાછા જવા નીકળ્યા. સરકારી ઓફિસોમાં જો બધે આવા પ્રામાણિક માણસો હોય તો દેશ કેટલો બધો આગળ આવે?

આવા અનેક કિસ્સા તમને આપણા સમાજમાં મળી આવશે. દુનિયામાં સ્વાર્થી અને લાંચિયા માણસોની જોડે જોડે આવા કોઈક સજ્જનો પણ મળી આવે છે. એ જોઇને આપણે એ જ શીખવાનું છે કે આપણે પણ સારા માણસ બનીએ. સારાં કામ કરનારને તેનું સારું ફળ મળે જ છે. વળી, સારા માણસને જ્યાં કામ ઉકેલવાનાં હોય ત્યાં તેને સારા માણસો મળી આવે છે. છેલ્લે, એક નાનો પ્રસંગ યાદ કરી આજની વાત પૂરી કરીએ.

મારા એક ઓળખીતા મિત્ર નવનીતભાઈને લેન્ડલાઈન ફોનની જરૂર ન હોવાથી, તે તેમણે ટેલીફોન ઓફિસને પાછો સુપ્રત કર્યો. તેમને ટેલીફોન ઓફિસ પાસેથી ડીપોઝીટના રૂપિયા ૨૦૦૦/- પાછા લેવાના હતા. ઓફિસે આ રૂપિયા ક્યાંય સુધી પાછા આપ્યા નહિ. છેવટે, એક વાર તેઓ ટેલીફોન ઓફિસે રૂબરૂ મળવા ગયા. ત્યાં પણ કોઈએ ખાસ દાદ દીધી નહિ. છેવટે તેઓ ઉપરી ઓફિસરને મળ્યા, મનમાં તો હતું કે ઓફિસર તો વાત સાંભળશે જ નહિ. પણ ઓફિસરે તેમને શાંતિથી સાંભળ્યા. છેલ્લે, ઓફિસરે કહ્યું કે, ‘તમે ચિંતા ના કરો. તમારે હવે એક જ વાર આ ઓફિસે આવવું પડશે, અને તે પણ તમારી ડીપોઝીટના રૂપિયાનો ચેક લેવા. ચૌદ દિવસ પછી આવજો, તમને ચેક મળી જશે. નવનીતભાઈને તો ખાતરી નહોતી થતી કે આટલી સહેલાઇથી પૈસા મળી જાય. પણ બરાબર ચૌદ દિવસ પછી તેઓ ઓફિસે ગયા, અને તેમને તેમનો ચેક મળી ગયો ! ક્યાંક આવા ઓફિસર પણ જોવા મળે છે.

તમારી સાથે પણ આવી ઘટનાઓ બનતી જ હશે. કોમેન્ટમાં લખજો, બધાને વાંચવાની મજા આવશે.