પ્લાસ્ટીકને બદલે પતરાળાં અને માટીનાં વાસણોનો ઉપયોગ

                     પ્લાસ્ટીકને બદલે પતરાળાં અને માટીનાં વાસણોનો ઉપયોગ

અમે ડાયનીંગ ટેબલ પર જમવા કે ચાનાસ્તો કરવા બેઠા હોઈએ ત્યારે જાતજાતની ચર્ચા નીકળે. એમાં ઘરગથ્થું વાતો ઉપરાંત ઘણા કરન્ટ ટોપિક પર ચર્ચા થાય. ચંદ્રયાન-૨, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલાં કામ, કાશ્મીર…. જેવા વિષયોની વાતો પણ નીકળે. આજનો વિષય હતો પ્લાસ્ટીકના ઉપયોગ વિષે. એની વાત અહીં લખું છું.

અત્યારે પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા વિષે બહુ જ વાતો ચાલે છે. આપણી રોજિંદી જીંદગીમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. પીવાના પાણીની બોટલો, જમવાની ડીશો, ચમચીઓ, બાઉલ, ચાના કપ, પાણી પીવાના ગ્લાસ, ડોલ, ટમ્બલર, સાબુનું બોક્ષ, પાટલી, બજારમાં ખરીદેલી વસ્તુઓ ભરવા માટે વપરાતી કોથળીઓ…..લીસ્ટ બહુ જ લાંબુ છે. આવી ચીજોનો વપરાશ વધવાનાં ઘણાં કારણો છે. પ્લાસ્ટીકની ચીજો કારખાનાંમાં સહેલાઇથી અને સસ્તામાં બને છે. પ્લાસ્ટીકનાં વાસણો દેખાવમાં સરસ હોય છે, ખાધા પછી ધોવાનું સહેલું છે. મોટા ભાગની ચીજો, ચમચી, ગ્લાસ વગેરે તો વાપરીને ફેંકી જ દેવાનાં હોય છે, તેમને ધોવાનાં પણ નથી હોતાં.

આમ છતાં, પ્લાસ્ટીકની ચીજો વાપરવાનાં નુકશાન પણ ઘણાં છે. આપણે પ્લાસ્ટીકની ચીજો જેવી કે પાણીની બોટલો, કોથળીઓ, ચમચીઓ, ગ્લાસ વગેરે વાપર્યા પછી કચરા તરીકે જે ફેંકી દઈએ છીએ, તે બધું સેંકડો વર્ષો સુધી નાશ નથી પામતું. તે પૃથ્વી પર જમીનમાં સચવાઈ રહે છે, તેનાથી જમીનનો કસ ઓછો થઇ જાય છે. તેને બાળી કે દાટી દઈએ તો પણ તેના અવશેષો નાશ નથી પામતા. આમ, તે પર્યાવરણને ખૂબ જ નુકશાન કરે છે. વળી, આપણે ત્યાં તો રખડતી ગાયો પ્લાસ્ટીકની કોથળીઓ ખાઈને શરીરને નુકશાન કરે છે. આપણે પણ પ્લાસ્ટીકનાં વાસણોમાં રાંધીએ, પ્લાસ્ટીકની ડીશોમાં ખાઈએ કે પ્લાસ્ટીકની બોટલ અને ગ્લાસમાં પાણી પીએ તે નુકશાનકારક છે. શાક, દાળભાત જેવું ગરમ ખાવાનું તો પ્લાસ્ટીકની ડીશોમાં ના જ ખાવું જોઈએ. એનાથી કેન્સર જેવા રોગો થવાની શક્યતા રહે છે.

આ બધામાંથી બચવાનો ઉપાય એ છે કે ખાવાનાં સાધનોમાં પ્લાસ્ટીકની ચીજો વાપરવાનું બંધ કરવું. અને બાકીની જગાએ જ્યાં પ્લાસ્ટીક વપરાય છે, ત્યાંથી નીકળતો પ્લાસ્ટીકનો કચરો રીસાઈકલ કરવો અથવા તેને કોઈ અવાવરું જગાએ ઊંડે દાટી દેવાની વ્યવસ્થા કરવી. તો માનવજાત, ગાયો અને પર્યાવરણ બધું બચી શકશે.

હવે ખાવાની બાબતમાં, રસોડામાં પ્લાસ્ટીક ન વાપરવું હોય તો શું કરવું? તેની વિગતે વાત કરીએ. થોડાં વર્ષો પહેલાં, આશરે ચાલીસ વર્ષો અને તેનાથી યે જૂના વખતમાં આપણાં ગામડાંઓમાં ક્યાંય પ્લાસ્ટીક વપરાતું ન હતું. રસોઈ કરવા માટે પિત્તળ અને સ્ટીલનાં વાસણો વપરાતાં હતાં, જમવા માટે થાળી, વાટકા, ચમચી, ગ્લાસ બધું પિત્તળ કે સ્ટીલનું વપરાતું હતું. ચા પીવા માટે કાચનાં કપરકાબી હતાં. મોટા જમણવારમાં આજે પણ પિત્તળ કે સ્ટીલની બુફે ડીશો વાપરી શકાય. જમ્યા પછી આ ડીશોને ધોવાની વ્યવસ્થા કરવી પડે.

પહેલાં લગ્ન કે બીજા પ્રસંગે જમણવારોમાં પતરાળાં-પડિયા વપરાતા હતા. આજની પેઢીને તો આ પતરાળાં-પડિયા વિષે કશો જ ખ્યાલ નહિ હોય, કદાચ જોયાં પણ નહિ હોય. પણ જો આપણે આ પતરાળાં-પડિયા તરફ પાછા વળીએ, તો પ્લાસ્ટીકનાં વાસણોનો જમવામાં ઉપયોગ બંધ કરી શકાય. પતરાળાંમાં જમ્યા પછી, તેને ફેંકી દેવાનાં હોય છે, એટલે ધોવાની તકલીફ પણ નથી. આરોગ્યને કોઈ જ નુકશાન નથી. પર્યાવરણ પણ બગડતું નથી.

પહેલાંનાં જમાનામાં પતરાળાં-પડિયા એક ગૃહ ઉદ્યોગ હતો. પતરાળાં-પડિયા ખાખરાનાં પાનમાંથી બનાવાય છે. બનાવવાનું ખૂબ જ સહેલું છે. ઘરની દરેક વ્યક્તિ તે આસાનીથી બનાવી શકે છે. આશરે ચાલીસ વર્ષ પહેલાંની ગામડામાં રહેતી દરેક વ્યક્તિને આ કામ આવડતું હશે. અત્યારે જો આ ગૃહ ઉદ્યોગ ફરી શરુ કરાય તો પૂરતા પ્રમાણમાં પતરાળાં-પડિયાનો જથ્થો મળી રહે. અને કેટલા બધા લોકોને રોજીરોટી મળી રહે ! એક વસ્તુ કે પતરાળાં-પડિયાથી બુફે જમવાનું ના થઇ શકે, કેમ કે પતરાળું હાથમાં લઇ તમે ઉભા ઉભા ખાઈ ન શકો. એનો પણ વાંધો નહિ. લાઈનમાં ટેબલખુરસી ગોઠવી દઈ, તેના પર બેસી, પીરસવાની પદ્ધતિથી જમવાનું થઇ શકે. એક જમાનામાં આવી પ્રથા પણ હતી જ ને !

તમિલનાડુમાં ઘણા લોકો હજુ યે કેળનાં પાનમાં જમે છે. સોપારીના ઝાડનાં પાન મોટાં હોય છે, તેમાં પણ જમી શકાય. સોપારીનાં પાનમાંથી થાળી, વાટકા બનાવવાનો ઉદ્યોગ પણ વિકસ્યો છે.

વળી, ઘણી જગાએ માટીનાં વાસણ પણ વાપરી શકાય. પહેલાં રોટલા બનાવવા માટે માટીના કલેડાનો ઉપયોગ થતો હતો. પીવાનું પાણી ભરવા માટે માટલાં હજુયે વપરાય છે. નાથદ્વારા અને ઘણી જગાએ ચા પીવા માટે માટીની કુલડીનો ઉપયોગ થાય છે.

આપણા રોજીંદા જીવનમાં આવા ફેરફાર લાવીશું  તો પ્લાસ્ટીકની તકલીફોમાંથી બચી જઈશું. તમે શું માનો છો?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: