હાઉડી મોદી

                                                      હાઉડી મોદી

એક અદ્ભુત ઉત્સવ ઉજવાઈ ગયો ! એ ઉત્સવનું નામ ‘હાઉડી મોદી’. અમેરીકાના હ્યુસ્ટન શહેરને આંગણે તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમેરીકાના પ્રમુખ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે, પચાસ હજારથી વધુ ભારતીયોની હાજરીમાં પોતાની અને બંને દેશોની દોસ્તીની વાત કરી. ભારતના અને દુનિયાના લાખોકરોડો લોકોએ આ પ્રોગ્રામ ટીવી પર ‘લાઈવ’ નિહાળ્યો, એનાથી રૂડું બીજું શું હોઈ શકે? મોદીની લોકપ્રિયતા અને દેશનો વિકાસ કરવાની પ્રતિબધ્ધતા જોઇને એકેએક ભારતીયનું હૈયું આનંદથી નાચી ઉઠ્યું હશે. પ્રોગ્રામમાં મોદીજી અને ટ્રમ્પ હાથમાં હાથ ભીડાવી, લોકોની વચ્ચે સ્ટેડીયમમાં ફર્યા, એ દ્રશ્ય તો ભલભલા માનવીના મનને ભીંજવી ગયું હશે.

છેલ્લા બેએક મહિનાથી ‘મોદી હ્યુસ્ટનમાં આવવાના છે’ એનો નાદ મનમાં ગુંજતો હતો. અહીં હ્યુસ્ટનના NRG સ્ટેડીયમમાં તેઓ ભારતીયોને સંબોધન કરવાના હતા. આ સ્ટેડીયમની કેપેસીટી લગભગ ૬૦,૦૦૦ માણસોને બેસાડી શકે એટલી છે. મોદીજીને સાંભળવા જવા માટે કોઈ ટીકીટ રાખેલી ન હતી. ફક્ત અગાઉથી ઓનલાઈન રજીટ્રેશન કરાવવાનું એટલું જ. અહીં હ્યુસ્ટનના લોકોએ તો રજીટ્રેશન કરાવ્યું , એટલું જ નહિ, અમેરીકાનાં ઘણાં શહેરો ડલાસ, ન્યૂયોર્ક, વોશીંગટન અને બીજાં નાનાંમોટાં અનેક સ્થળોએથી લોકોએ નોંધણી કરાવી. દૂરનાં શહેરોના લોકો તો વિમાનનાં ભાડાં ખર્ચી, અહીં હોટેલમાં રૂમ રાખી, મોદીજીને સાંભળવા માટે આવ્યા. નોંધણી કરાવનાર દરેકને સીટ નંબર આપેલ હતો.

પ્રોગ્રામનું પ્લાનિંગ એટલું પરફેક્ટ હતું કે ના પૂછો વાત. પચાસ હજાર લોકો માટે તો કાર પાર્કીંગ સ્ટેડીયમમાં ના થઇ શકે. એટલે પ્રોગ્રામના દિવસે, હ્યુસ્ટનમાં ઘણી જગાઓ જેવી કે હિંદુ મંદિરો અને અન્ય જાહેર જગાઓએથી બસોની વ્યવસ્થા રાખી હતી. લોકોએ આવી જગાએ પોતાની ગાડી મૂકી દઈ, બસોમાં સ્ટેડીયમ જવાનું. બધા જ લોકો આ રીતે સ્ટેડીયમ પહોંચીને પોતપોતાની સીટો પર ગોઠવાઈ ગયા. ક્યાંય કોઈ દોડાદોડી કે બૂમાબૂમ નહિ, કોઈ કન્ફયુઝન નહિ. કોઈ ગિરદી કે ધક્કામુક્કી નહિ. સંપર્કમાં આવતા માણસો વચ્ચે, સ્માઈલ સાથે ‘થેંક્યુ’ અને ‘સોરી’ જેવા શબ્દો સાંભળવા મળે.

વાતાવરણ એવું લગતું હતું કે હ્યુસ્ટન જાણે કે ભારતનું જ એક શહેર હોય. મોદીજીના આવતા પહેલાં, દોઢ કલાક જેટલો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. એમાં ભારતના વિવિધ પ્રદેશોના કલાકારોએ તેમની ભાષામાં નૃત્ય, સંગીત અને ગીતો રજૂ કર્યાં. મોદીજી બિલકુલ સમયસર આવી પહોંચ્યા, ત્યારે સ્ટેડીયમમાં લોકોએ ‘મોદી, મોદી’ના નારા લગાવી તેમનું જોરદાર સ્વાગત કર્યું. પછી, ટ્રમ્પ આવ્યા, એટલે બંને મિત્રો એકબીજાને ભેટ્યા, હસ્તધૂનન કર્યું, અને સાથે જ સ્ટેજ પર પધાર્યા. સ્કુલમાં ભણતા બે મિત્રો એકબીજાને મળીને કેવા ખુશ થાય, એવો એ સીન હતો. કોઈ જ ઔપચારિકતા નહિ. અમેરીકા જેવા દુનિયાના નંબર વન શક્તિશાળી દેશનો વડો, ભારતના વડાપ્રધાનને મળવા સામેથી આવે અને આટલું માન આપે, એ મોદીજીની સફળતા, પ્રેમ અને વિશ્વાસ ઉભો કરવાની તાકાત છે.

અમેરીકા અને ભારતનાં રાષ્ટ્રગીતો ઉપરાંત, ગાંધીજીને પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ સુંદર સ્વરોમાં રજૂ થયું. મોદીજીએ ટ્રમ્પનું સ્વાગત કરતાં, પોતાની મિત્રતા દોહરાવી અને ટ્રમ્પની શક્તિઓ તથા તેમના ભારત સાથેના હુંફાળા સંબંધોની વાત કરી. ત્યાર બાદ, ટ્રમ્પે પોતાના ભાષણમાં ભારત સાથે સહકાર અને આતંકવાદ સામે લડવાની વાત રજૂ કરી.

પછી મોદીજીએ સતત એક કલાક સુધી, પોતાની અસલી અદામાં વાતો કરીને લોકોને ખુશ ખુશ કરી દીધા. ‘હાઉડી મોદી’ એટલે કે How do you do, Modi?‘ ‘મોદીજી, તમે કેમ છો?’ મોદીએ એનો ભારતની બધી ભાષાઓમાં જવાબ આપ્યો, ‘અમે મજામાં છીએ.’ મોદીજી કેટલી બધી ભાષાઓમાં આ જવાબ તૈયાર કરીને આવ્યા !  કોઈ કાગળમાં જોયા વગર તે બોલ્યા. ભારતના વિકાસને લગતાં જે કામો કર્યાં છે, તેનું આંકડાઓ સાથે બયાન કર્યું. ખરેખર, મોદીજીને સરસ્વતી દેવી પ્રસન્ન છે. મોદીજીએ દેશ માટે કામ કરવાની અને દરેક નાનામાં નાના માણસને બધી સગવડો મળે તે માટે કામ કરવાની મક્કમતાપૂર્વક વાત કરી. ખાસ તો મોદીએ ટ્રમ્પને પરિવાર સહિત ભારત પધારવાનું આમંત્રણ આપ્યું, એ બહુ ગમતી વાત હતી.

છેલ્લે તો, અગાઉ કહ્યું તેમ, મોદી અને ટ્રમ્પ હાથમાં હાથ ભીડી, બીજા હાથે લોકોનું અભિવાદન કરતા લોકોની સીટો આગળથી પસાર થયા, ત્યારે બધાને તેમની દોસ્તીનો પાક્કો અહેસાસ થઇ ગયો. દુનિયાની બે સહુથી મોટી લોકશાહીના નેતાઓ આ રીતે આટલા બધા લોકો સમક્ષ, કોલેજની લોબીમાં ફરતા મિત્રોની જેમ ફરે, એ અજોડ ઘટના છે. આવું દ્રશ્ય પહેલાં ક્યાંય જોયું નથી. આ મિત્રતા ભારત અને દુનિયાને ચોક્કસ એક નવી પ્રગતિશીલ દુનિયામાં લઇ જશે, એ વિષે બેમત નથી. મિત્રો, તમને શું લાગે છે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: