દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ
“Happy Diwali”, “નવું વર્ષ આપને તથા આપના કુટુંબને શુભદાયી નીવડો”, “આપણા પર લક્ષ્મીદેવી અને સરસ્વતીદેવીની કૃપા વરસતી રહો”……..આવા અનેક મેસેજ સગાસંબંધી અને મિત્રો તરફથી વોટ્સ અપ પર ઉતરી રહ્યા છે, કેટલાયે ફોરવર્ડ કરેલા મેસેજ આવી રહ્યા છે. હા, આપણી અત્યારની દિવાળી આ પ્રકારની છે.
પહેલાંની એટલે કે આજથી પચાસ-સાઈઠ વર્ષ પહેલાંની વાત કરું તો….ત્યારે અમે ગામમાં રહેતા હતા. ગામડાની દિવાળીનો માહોલ જ કોઈ ઓર હતો. સવારે વહેલા ઊઠવાનું, નાહીધોઈ સારાં સારાં કપડાં પહેરવાનાં, મીઠાઈ, ફરસાણ ખાવાનાં અને ખાસ તો કુટુંબના બધા સભ્યોની સાથે રહેવાનું. ગામમાં પણ બધાને હળવામળવાનું ખૂબ થાય. નવાં વર્ષની સાંજે તો ગામમાં બધા જ એકબીજાને ત્યાં જાય, ખભેખભા મિલાવીને હેતથી બધા મળે. સર્વત્ર આનંદ આનદ જ છવાઈ જાય. એ જે કુટુંબભાવના અને સમાજભાવના હતી, તે અદ્ભુત હતી.
આજે તો અમે પણ શહેરમાં રહેવા આવી ગયા છીએ. અને જોઈ રહ્યા છીએ કે દિવાળી તો આવે છે, પણ લોકો એકબીજાને મળવાનું ટાળે છે, સગાસંબંધીને ત્યાં જવાનું બંધ થઇ ગયું છે. ફક્ત ઔપચારિકતા રહી છે. ઘણા લોકો તો ખાસ દિવાળી વખતે જ ફરવા કે કોઈ રિસોર્ટમાં રહેવા ઉપડી જાય છે. પહેલાં દિવાળી કાર્ડ લખવાની પ્રથા હતી. આજે તે બિલકુલ વિસરાઈ ગઈ છે. એને બદલે વોટ્સ અપ મેસેજ કરી દેવાના, ફોરવર્ડ કરી દેવાના. આવા છાપેલા મેસેજ ફોરવર્ડ કરનારો ય ધ્યાનથી નહિ વાંચતો હોય અને રીસીવ કરનારો ય કેટલું વાંચતો હશે, કોણ જાણે?
તમે કહેશો કે આમાં ખોટું શું છે? ટપાલમાં દિવાળી કાર્ડ મોકલવાની કેટલી બધી જફા? કાર્ડ ખરીદો, લખો, ટીકીટ લગાડો, ટપાલના ડબ્બામાં નાખવા જાવ, એના કરતાં તો અત્યારે તો મેસેજ મૂકો અને તરત જ સામેવાળાના મોબાઈલમાં પહોંચી જાય. કેટલી બધી સગવડ !! પણ મારે કહેવું એ છે કે પહેલાં રૂબરૂ મળવામાં અને દિવાળી કાર્ડ લખવામાં જે આત્મીયતા હતી, જે આનંદ અને સંતોષ થતો હતો, તે આજની પ્રથામાં થાય છે ખરો? ત્યારે લોકો પાસે સમય જ સમય હતો, આજે આટઆટલી સગવડો હોવા છતાં લોકો પાસે સમય નથી.
મારું કહેવાનું એમ નથી કે પહેલાં જે હતું તે જ સારું હતું. પણ મારે એટલું કહેવું છે કે એ જૂની પ્રથાની દિવાળીમાં અમને જે કુટુંબ પ્રત્યે, કુટુંબના અને સમાજના સભ્યો વચ્ચે જે લગાવ હતો, તે આજે નથી રહ્યો. કુટુંબ પ્રત્યેની ભાવનાને લીધે, ગમે તેવા સંજોગોમાં પણ ટકી રહેવાનું બળ મળતું હતું. બધા બહુ જ હળીમળીને રહેતા હતા. આજની પેઢીએ તો આવી કુટુંબપ્રથા જોઈ જ ન હોય.
આજે હજુ યે કોઈ કોઈ કુટુંબોમાં જૂની પ્રથા જળવાઈ રહી છે. બધા જ કુટુંબીજનો ભેગા રહીને દિવાળી ઉજવે. વતનના ગામે જાય અને દિવાળી ઉજવે. તેઓને જે આનંદ મળતો હશે, તે તો અનુભવો તો જ જાણો.
તો આ દિવાળીએ આપણે એટલું વિચારીએ કે દિવાળી કુટુંબ સાથે ભેગા મળીને ઉજવવી છે. કુટુંબમાં એ વિચાર રજૂ કરજો અને શક્ય હોય તો આવતી દિવાળીએ એ અમલમાં મૂકજો, પછી જોજો દિવાળીની મજા !
આ સાથે તમને બધાને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. તમારું નવું વર્ષ આરોગ્યમય અને આનંદમાં પસાર થાય એવી શુભેચ્છાઓ. જીંદગીમાં બે જ બાબતો અગત્યની છે, એક આરોગ્ય સારું રહે તે અને બીજું જીંદગી આનંદમાં પસાર થાય તે. કોઈ પણ પરિસ્થિતિમાં આ બે બાબતો સાથમાં રહે તે જોજો.