બાદલપરા ગામની વાત
આપણે એમ કહીએ છીએ કે ભારતમાં ચોખ્ખાઈ નથી, પ્રદુષણ ખૂબ છે, વગેરે વગેરે. આમ છતાં, અમુક ગામો કે શહેરોના લોકોએ સમજદારી કેળવી, સુધારા કરી, પોતાના ગામ કે શહેરને બહુ જ સુંદર બનાવ્યું છે, અને એ લોકો સારી રીતે જીવી રહ્યા છે.
આવી જ એક વાત છે ગુજરાતના બાદલપરા ગામની. આ ગામ સોમનાથ મંદિરથી પૂર્વમાં ૬ કી.મી. દૂર કપિલા નદીને કિનારે આવેલું છે. ગામના સરપંચે, ગામ લોકોના સહકારથી ગામને આદર્શ ગામ બનાવ્યું છે.
ગામની વસ્તી માત્ર ૧૬૦૦ માણસોની છે. ગામમાં બધે જ લીલોતરી જોવા મળે છે. ગામ એકદમ સ્વચ્છ છે. ક્યાંય ગંદકી થતી નથી. રસ્તા એકદમ સુઘડ છે. રસ્તાની બંને બાજુ હારબંધ ઝાડ વાવ્યાં છે. કોઈએ ગમે ત્યાં કચરો ફેંકવાનો નહિ, ગમે ત્યાં થૂંકવાનું નહિ. એંઠવાડ નાખવાનો નહિ, દરેક ઘરે ડસ્ટ બિન છે, રવિવારે યુવાનો ગામ સફાઈ કરે છે. દર મહિને શાળાના શિક્ષકો દરેક ઘેર જઈને સ્વચ્છતાની તપાસ કરે છે, દરેક વર્ષે સ્વચ્છ ઘરને ઇનામ આપવામાં આવે છે. દરેક ઘરમાં શૌચાલયની સુવિધા છે.
ગામની દરેક શેરી આગળ શેરીના નામનું બોર્ડ મારેલું છે, બોર્ડમાં એ શેરીમાં રહેતા સભ્યોનાં નામ લખેલાં છે. શેરીનાં નામ, કૃષ્ણ ભગવાનને લગતાં હોય એવાં રાખેલાં છે. ગામમાં પાન, માવા અને ગુટકા મળતા નથી. આખું ગામ લગભગ વ્યસનમુક્ત છે.
ગામમાં સુંદર બગીચો છે. ગામની ફરતે આશરે ૧૫૦૦૦ વૃક્ષો વાવ્યાં છે. ગામમાં પ્રદુષણ ના થાય એ માટે, દિવાળી પર કોઈ ફટાકડા ફોડતું નથી. માત્ર દીવડા અને રંગોળીથી જ દિવાળી ઉજવે છે.
ગામમાં રમતગમતનાં સાધનો, દવાખાનું અને લાયબ્રેરી છે. ગામમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા ગોઠવેલા છે. આખા ગામમાં ઈન્ટરનેટ અને વાઈ ફાઈ છે. આખા ગામને સામૂહિક માહિતી આપવા માટે, દરેક શેરીમાં સાઉન્ડ સીસ્ટીમ ગોઠવેલી છે.
ચુંટણી વગર સરપંચ અને સભ્યોની નિમણુક થતી હોય એવા ગામને સમરસ ગામ કહેવાય છે. છેલ્લા પંદર વર્ષથી બાદલપરા એક સમરસ ગામ છે. સરપંચ એક મહિલા છે. આખું ગામ સહકાર અને ભાઈચારાથી જીવે છે. આ ગામને આદર્શ ગામનું બિરુદ મળ્યું છે. બાદલપરા જાતે જઈને ગામ જોવા જેવું ખરું.
બાદલપરા ગામ આવી સરસ રીતે જીવી શકતું હોય તો બીજાં ગામ પણ આ રીતે જીવી શકે છે. આમાં કશું જ અઘરું નથી. દરેક ગામમાં માત્ર એક સારા લીડરની જરૂર છે. લીડર, લોકોનો સહકાર લઈને ગામને એકદમ સુધારી શકે છે. જો આવું થાય તો આખા ગુજરાત અને ભારતનાં બધાં જ ગામ સુંદર બની શકે છે. બાદલપરા ઉપરાંત, બીજાં કોઈક કોઈક ગામ આદર્શ બન્યાં છે ખરાં, એમની વાત પછી ક્યારેક કરીશું.
આ સાથે બાદલપરાના ફોટા મૂક્યા છે. (માહિતી ગુગલ તથા ચિત્રલેખાના એક લેખ પરથી)