નર્મદા મૈયાની પરિક્રમા
તમે ‘રેવા’ નામની ગુજરાતી ફિલ્મ જોઈ હશે. ‘રેવા’ એટલે નર્મદા નદી. ફિલ્મની વાર્તા કંઇક આવી છે, એક યુવાન પરદેશથી ભારત આવે છે. તેને તેના દાદાની, નર્મદા કિનારે આવેલી અઢળક સંપત્તિ લઈને પાછા પરદેશ જતા રહેવું છે. પણ અહીં મિત્રોની સમજાવટથી તે નર્મદા પરિક્રમા કરવા તૈયાર થાય છે. પરિક્રમા કરીને પાછો આવે છે, ત્યાં સુધીમાં તો તેના વિચારો બદલાઈ જાય છે. તેને નર્મદા માતાનાં દર્શન થાય છે. અને છેવટે તે અહીં જ રોકાઈ જાય છે. અહીંના લોકો સાથે હળીમળીને રહે છે. નર્મદા મૈયાની આ જ તો મહત્તા છે.
નર્મદા નદી મધ્ય પ્રદેશમાં અમરકંટક નામના સ્થળેથી નીકળે છે, અને આશરે ૧૩૦૦ કી.મી. જેટલું વહીને ભરૂચ આગળ અરબી સમુદ્રને મળે છે. તમે તેના બંને કિનારે ફરો એટલે કુલ ૨૬૦૦ કી.મી.નું અંતર થાય. આટલું ફરો, તો તમે નર્મદા પરિક્રમા કરી ગણાય. પરિક્રમા ચાલીને કે બસમાં બેસીને કરી શકાય. ઘણા લોકો નર્મદા પરિક્રમા કરે છે. કહે છે કે નર્મદા માતા ઘણા પરિક્રમાવાસીઓને સ્ત્રી સ્વરૂપે દર્શન પણ આપે છે. જેવી જેની શ્રધ્ધા.
અમારા એક વૃદ્ધ વડીલ છે, તેમનું નામ રાધાબેન પંડ્યા છે. તેમણે નર્મદા પરિક્રમા ચાલીને કરેલી છે. તેમને નર્મદા મૈયામાં જોરદાર શ્રધ્ધા છે. તેમને પરિક્રમા દરમ્યાન નર્મદા મૈયાનાં દર્શન થયેલાં છે. અમારે તેમને મળવાનું થયું ત્યારે તેમણે આ વાત કરી. મેં કહ્યું, ‘તમને નર્મદા મૈયાનાં દર્શન થયાં, તેની વિગતે વાત કરો.’ એમણે જે વાત કરી, તે એમના જ શબ્દોમાં અહીં લખું છું.
‘પરિક્રમા દરમ્યાન અમે જયારે બીજા પરિક્રમા કરનારાને મળીએ ત્યારે ‘નર્મદે હર’ કહેતા હોઈએ છીએ. નર્મદા માતા ક્યારેક કોઈક શ્રધ્ધાળુને દર્શન આપતાં હોય છે. મને મનમાં ઘણી વાર થતું કે નર્મદા મૈયા મને દર્શન આપે તો કેવું સારું. હું મનમાં વિચારતી કે મને મૈયાનાં દર્શન ક્યારે થશે. માતા દર્શન આપે તો હું તેમને ઓળખી શકીશ ખરી? કેટલાય દિવસો સુધી મને મનમાં માતાના દર્શનનું રટણ ચાલ્યું.
એક વાર અમે મધ્ય પ્રદેશના માંડુ નગરમાં હતા. અહીં અમે રાણી રૂપમતીનો મહેલ જોવા ગયા. માંડુ નગર નર્મદા નદીથી ખાસ્સુ દૂર છે. રાણી રૂપમતીની પ્રતિજ્ઞા હતી કે રોજ એક વાર તો નર્મદા નદીનાં દર્શન કરવાં જ. રાજા બાજબહાદુરે રાણી માટે ટેકરી પર ત્રણ માળ ઉંચો મહેલ બંધાવ્યો. કદાચ મહેલના ધાબા પરથી દૂર દૂર વહેતી નર્મદાનાં દર્શન થાય. પણ તો ય નર્મદા ના દેખાઈ. આ મહેલ અત્યારે હયાત છે. અમે પણ મહેલના ધાબે જઈ આવ્યાં. પછી, હું નીચે આવી, મહેલ આગળના ખુલ્લા મેદાનમાં બેઠી હતી. ત્યાં બે છોકરીઓ આવી. તેઓએ મને ‘નર્મદે હર’ કહ્યું. મેં પણ સામે તેમને ‘નર્મદે હર’ કહ્યું. મેં છોકરીઓને ફળ આપ્યાં. અને એ છોકરીઓ જતી રહી. થોડી વારમાં અમારા ગ્રુપના એક ભાઈ આવ્યા. મને કહે, ‘રાધાબેન, તમને નર્મદા મૈયાનાં દર્શન થયાં ને?’
મેં કહ્યું, ના, ભાઈ, મને તો હજુ નથી થયાં.’
તે ભાઈ બોલ્યા, ‘બહેન, પેલી જે બે છોકરીઓ હતી, તેમાંની એક, નર્મદા મૈયા હતી.’ મને થયું. હાય રે, માતાએ મને દર્શન આપ્યાં, પણ હું તેમને ઓળખી ના શકી. મને પારાવાર દુઃખ થયું.
અમારી પરિક્રમા આગળ ચાલી. અમે માહેશ્વર પહોંચ્યાં. અહીં અહલ્યાબાઈએ નર્મદાને કિનારે જ મહેલ બંધાવ્યો છે. મહેલમાંથી કેટલાં બધાં પગથિયાં ઉતરીએ, પછી નર્મદા કિનારે પહોંચાય છે. અમે પગથિયાં ઉતરી, નદી કિનારે પહોંચ્યાં. ત્યાં એક વૃધ્ધ સ્ત્રી બેઠી હતી. મારી અને એની નજર મળી. એટલે એ સ્ત્રીએ હસતા ચહેરે મને ‘નર્મદે હર’ કહ્યું. મેં પણ ખુશ થઇ તેને ‘નર્મદે હર’ કહ્યું. મેં તેને ફળ અને સીધુ આપ્યું, અને હું તે સ્ત્રીના કાંતિમાન દિવ્ય મુખને જોઈ રહી. પછી હું આગળ ચાલી. મને મનમાં ઝબકારો થયો કે આ સ્ત્રી નર્મદા મૈયા જ છે. મેં હજુ ત્રણ જ ડગલાં ભર્યાં હતાં, અને મારાથી પાછળ જોવાઈ ગયું. પેલી સ્ત્રી ત્યાં ન હતી ! આજુબાજુ પણ ક્યાંય ન હતી !! મારી બાજુમાં ઉભેલા ભાઈ મને કહે, ‘બહેન, નર્મદા મૈયાએ તમને દર્શન આપ્યાં. પેલી વૃધ્ધા એ નર્મદા માતા જ હતાં. તમને દર્શન આપીને તે અલોપ થઇ ગયાં.’ આનંદની મારી, મારી આંખમાં આંસુ આવી ગયાં. મને થયું, ‘હાશ, મારી શ્રધ્ધા ફળી. માતાએ મને દર્શન આપ્યાં. પછી, માતાને મળવાનો મારો વિરહ ઓછો થવા માંડ્યો. અને અમે નર્મદા યાત્રા પૂરી કરી.’
રાધાબહેનને નર્મદામાતાએ દર્શન આપ્યાં, તે વાત સાંભળીને અમને ઘણો આનંદ થયો. અમારા બીજા એક પરિચિત વડીલે પણ નર્મદા પરિક્રમા ચાલીને કરેલી, તેમની વાત ક્યારેક ફરી કરીશ.
આ વર્ષે વરસાદ સારો થયો છે, નર્મદા મૈયામાં સારું પાણી આવ્યું છે. બોલો ‘નર્મદે હર’