હેરીટેજ વોક (Heritage walk)
આજે અમદાવાદ કે બીજાં શહેરો આધુનિક બની રહ્યાં છે, પણ એક જમાનો હતો કે જયારે આપણાં શહેરો પોળોમાં સમાયેલાં હતાં. આજે લોકો પોળોની બહાર જઈને વસી રહ્યા છે, પણ પોળો એવી ને એવી જ એક વારસારૂપે (હેરીટેજ, Heritage) સચવાયેલી રહી છે. આજની યુવાન પ્રજાને પોળોની સંસ્કૃતિ વિષે બહુ ખબર નથી. એ જાણવાજોવા માટે ‘હેરીટેજ વોક’ (Heritage walk) યોજાતી હોય છે.
અમદાવાદમાં આવી હેરીટેજ વોક, રીલીફ રોડની નજીક આવેલા કાલુપુર સ્વામીનારાયણ મંદિરથી યોજાય છે. અહીંથી દરરોજ સવારે આઠ વાગે હેરીટેજ વોક શરુ થાય છે. તમે આવી ‘હેરીટેજ વોક’ કરી છે ખરી? એક વાર કરવા જેવી છે. આ માટે તમારે સવારે આઠ વાગે કાલુપુર સ્વામીનારાયણ મંદિર પહોંચી જવું. ત્યાં હેરીટેજ વોકની ઓફિસ છે. બોર્ડ મારેલું છે. હેરીટેજ વોક માટે વ્યક્તિદીઠ ૫૦ રૂપિયાની ટીકીટ છે.
ત્યાં સૌ પ્રથમ બધાને એક હોલમાં બેસાડી, એક વિડીયો દ્વારા અમદાવાદની પોળો વિષે માહિતી આપે છે. પછી હેરીટેજ વોક માટે નીકળવાનું હોય છે. ગાઈડ સાથે હોય છે. એક પછી એક પોળમાં ચાલતા જ જવાનું હોય છે. ગાઈડ દરેક પોળ વિષે માહિતી આપતા જાય છે. આશરે બે કલાકમાં ૨ કી.મી. જેટલું ફરવાનું થાય છે.
અમે એક વાર આ હેરીટેજ વોકમાં જોડાયા હતા. કાલુપુર સ્વામીનારાયણ મંદિરથી શરુ કરી, અમે લંબેશ્વરની પોળમાં કવિ દલપતરામનું સ્ટેચ્યુ, કેલિકો ડોમ, હાજા પટેલની પોળમાં કાલા રામજી મંદિર અને શાંતિનાથજી મંદિર, ડોશીવાળાની પોળ, ઝવેરી વાડ, ચૌમુખજીની પોળ, સંભવનાથની ખડકી, ચાંદલા ઓળ, મુહુર્ત પોળ, જામા મસ્જીદ, માણેકચોકમાં રાણી અને બાદશાહના હજીરા વગેરે જગાઓ જોઈ હતી. અમારી સાથે વિદેશથી આવેલા ત્રણેક પ્રવાસીઓ પણ હતા. બધાને આ રીતે ફરવાનો બહુ જ આનંદ આવ્યો હતો. ઘણી નવી જાણકારી મળી હતી. આપણો વારસો વૈભવ જાણવા સમજવા માટે આવી ટ્રીપ કરવા જેવી છે.
આ સાથે આ ટ્રીપના થોડા ફોટા અહીં મૂકું છું.