ઈશ્વર બધે પહોંચે છે !

                                   ઈશ્વર બધે પહોંચે છે ! 

ઘણા લોકો કહે છે કે મને અમુક મુશ્કેલી પડી, પણ ભગવાન આવીને મદદ કરી ગયા. એક ભાઈએ મને કહેલી વાત તેમના જ શબ્દોમાં લખું છું. “એક વાર અમે મથુરાથી ગોવર્ધન પર્વતની પાંચ ગાઉંની ચાલીને પરિક્રમા કરવા નીકળેલા. સવારના પાંચ વાગે નીકળેલા. એમાં એક જગાએ ભૂલા પડી ગયા. અંધારું હતું. રસ્તો જડે નહિ. આજુબાજુ કોઈ જ માણસ ન હતું. પૂછવું કોને? થોડી વારમાં એક નવદસ વર્ષનો છોકરો દેખાયો. એણે પૂછ્યું, ‘કાકા, ક્યાં જવું છે?’ અમે રસ્તો ખોવાઈ ગયાની વાત કરી. તે છોકરાએ રસ્તો બતાવ્યો, અમે એ રસ્તે ચાલવા લાગ્યા. પાછળ જોયું તો એ છોકરો ત્યાં હતો જ નહિ. વહેલી સવારે એ છોકરાના સ્વરૂપમાં ભગવાન જ રસ્તો બતાવવા આવ્યા હતા.”

આ વાત પરથી મને પણ મારી સાથે બનેલો એક પ્રસંગ યાદ આવ્યો. એ હું અહીં લખું છું.

એક વાર અમે, બે ફેમિલીના કુલ ચાર જણ અમદાવાદથી ગાડી લઈને ઇડર જવા નીકળ્યા. ત્યાંથી વીરેશ્વર મહાદેવ, પોળોનાં મંદિરો, હરણાવ નદી પરનો વનાજ ડેમ વગેરે સ્થળો જોવાનો પ્રોગ્રામ હતો. સવારનો ચા નાસ્તો હિંમતનગરમાં જ પતાવી દીધો, હવે અમારી ગાડી ઇડર તરફ દોડી રહી હતી.

એટલામાં ગાડીનું આગલુ એક વ્હીલ ઠક ઠક થવા લાગ્યું. અમે ગાડી ધીમી પાડી અને ઉભી રાખી. નીચે ઉતરીને જોયું તો આગલુ વ્હીલ અડધું બેસી ગયું હતું. પંક્ચર પડ્યું હતું એ નક્કી. કાં તો પંક્ચર રીપેર કરાવવું પડે અથવા તો પંક્ચરવાળુ વ્હીલ બદલીને સ્પેર વ્હીલ બેસાડવું પડે.

અહીં જંગલમાં પંક્ચર રીપેર કરવાવાળો તો ક્યાંથી લાવવો ? એટલે વ્હીલ જ બદલવું પડે. સ્પેર વ્હીલ તપાસી જોયું. ચાલે એવું હતું. હાશ ! એક તો નિરાંત થઇ ! વ્હીલ બદલવા માટે, પહેલાં તો પંક્ચરવાળું વ્હીલ ખોલવું પડે. જેક, હેન્ડલ, નટ (ચાકી) ખોલવાનું પાનુ – બધુ જ ગાડીની ડેકીમાં હતું ! અમે બે પુરુષો ફટાફટ કામે લાગી ગયા. જેક ગાડીની નીચે ગોઠવ્યો, હેન્ડલથી તેને ઉચે ચડાવ્યો, વ્હીલ જમીનથી ઉંચકાયું. બસ, હવે પાનાથી વ્હીલના નટ ખોલવાના હતા. વ્હીલ ફરી ના જાય એટલા માટે આગલી બ્રેક લગાડી દીધી. પાનુ વ્હીલના નટ પર ચડાવી હેન્ડલથી તે ખોલવાનો પ્રયત્ન શરુ કર્યો, પણ નટ જરાય હાલ્યો નહિ. હેન્ડલ પર પગ મૂકી જોરથી આખા શરીરનું વજન લગાડી દીધું. તો પણ નટ જરાય ખુલ્યો નહિ. અમે બધાએ વારાફરતી પ્રયત્નો કર્યા, પણ હાલે એ બીજા. આ નટ નહિ. હવે ? અમારી પાસે બધુ જ હતું, સ્પેર વ્હીલ હતું, ખોલવાનાં સાધનો હતાં, પણ વ્હીલનો નટ ખુલવાનું નામ લેતો ન હતો. કેટલા ય વખતથી ખોલ્યો ના હોય, એટલે તે બરાબર જામ થઇ ગયો હતો.

અમે વિચારતા ઉભા હતા કે હવે શું કરવું ? જો બીજું કોઈ વાહન અહીંથી પસાર થાય તો તેને ઉભુ રાખી, એક જણ તેમાં બેસી, નજીકના ગામે જાય, ત્યાંથી કોઈ મીકેનીક મળે તો તેને રીક્ષામાં અહીં લઇ આવે અને એ મીકેનીક નટો ખોલી આપે. પણ આ બધામાં તો કેટલો બધો ટાઇમ લાગી જાય ? મને તો લાગ્યું કે આ બધુ કરવામાં કલાકો જતા રહેશે અને આજનો ફરવાનો પ્લાન ચોપટ થઇ જશે. ભગવાનને તો યાદ કર્યા જ. મનોમન પ્રાર્થના કરી.

એટલામાં એક સ્કુટરવાળો આ રસ્તેથી નીકળ્યો. તેને જોઈને મનમાં આનંદ થયો. કંઇક આશા બંધાઈ. અમે હાથ કરીને તેને ઉભો રાખ્યો. તે પચીસેક વર્ષનો જુવાનિયો હતો. તે ઉભો રહ્યો. અમે અમારી તકલીફ તેને ટૂંકમાં કહી, અને કહ્યું કે “ભાઈ, આ વ્હીલ ખોલવામાં મદદ કરો તો સારું.”

તે મદદ કરવા તરત તૈયાર થઇ ગયો, બોલ્યો, “તમે બધાં એક બાજુ ખસી જાવ, હું વ્હીલ ખોલી આપું છું.”

તેણે તેની રીતે જોર લગાવ્યું અને અડધી મિનિટમાં તો નટ ખુલી ગયો. વાહ ! શું ચમત્કાર થયો ! અમે તો રાજીના રેડ થઇ ગયા. મનમાં પોળોનાં મંદિર દેખાવા લાગ્યાં. તેણે જોતજોતામાં તો ચારેચાર નટ ખોલી નાખ્યા. વ્હીલ છૂટું પડ્યું. મેં કહ્યું, “ભાઈ, બસ હવે તો નવું વ્હીલ અમે ચડાવી દઈશું”

તેણે કહ્યું, “અરે, ના, ના, સાહેબ, લાવો સ્પેરવ્હીલ, હું ચડાવી દઉં.”

તેણે ખૂબ જ ઉત્સાહથી સહેજ વારમાં સ્પેરવ્હીલ ચડાવી દીધું. પંક્ચરવાળુ વ્હીલ ગાડીમાં મૂકી દીધું. અમારી ગાડી દોડવા માટે તૈયાર થઇ ગઈ.

એ ભાઇની આટલી બધી મદદ માટે અમે તેનો આભાર તો માન્યો જ. પણ અમે તેને પૈસા આપવા માંડ્યા, તો તેણે લીધા નહિ. અમારા ખૂબ જ આગ્રહ છતાં ય તેણે પૈસા ના લીધા તે ના જ લીધા.

મેં પૂછ્યું, “ભાઈ, તમારું નામ શું ? તમે શું ધંધો કરો છો ?”

તેણે કહ્યું, “મારું નામ જગદીશ, મારે બાજુના ગામમાં ગાડી રીપેર કરવાનું ગેરેજ છે.” એમ કહી, તેણે તેનું સ્કુટર ભગાવી મૂક્યું.

મને પેલા પરિક્રમાવાળા ભાઈ યાદ આવી ગયા. મને પણ લાગ્યું કે ઈશ્વર આપણી પ્રાર્થના જરૂર સાંભળે છે, અને કોઈ ‘જગદીશ’ના સ્વરૂપમાં આપણને મદદ કરવા આવીને ઉભો રહે છે. નહિ તો એવું બને ખરું કે જે સમયે મીકેનીકની જરૂર હતી તે સમયે મીકેનીક જ સામે આવીને ઉભો રહે ?

તમને આવા કોઈ અનુભવ થયા હોય તો લખજો.

 નાથદ્વારા વિષે સામાન્ય માહિતી

                                   નાથદ્વારા વિષે સામાન્ય માહિતી

નાથદ્વારા એક પવિત્ર ધાર્મિક યાત્રાધામ છે. આજે વૈષ્ણવ તથા અન્ય બહુ જ લોકો નાથદ્વારા દર્શને જતા હોય છે. એ હેતુથી નાથદ્વારા વિષે થોડી સામાન્ય જાણકારી અહીં લખું છું.

નાથદ્વારામાં મુખ્ય મંદિર શ્રી નાથજીનું મંદિર છે. એમાં દર્શનના ટાઈમ મંગળા સવારના ૫-૪૫ થી ૬-૩૦, શૃંગાર ૭-૧૫ થી ૭-૪૫, ગ્વાલ ૯-૧૫ થી ૯-૩૦, રાજભોગ ૧૧-૧૫ થી ૧૨-૦૫, ઉત્થાપન ૩-૪૫ થી ૪-૦૫ અને આરતી ૫-૩૦ થી ૬-૩૦ એ પ્રમાણે છે. આમાં ક્યારેક થોડો ફેરફાર થતો રહે છે. છેલ્લાં બે દર્શન ભોગ અને શયન મોટે ભાગે ભીતર થાય છે.

મંદિરમાં ભગવાનની સેવા માટે દૂધ, શાક, ફૂલ, પાન, ફળ, શ્રીફળ વગેરે પધરાવી શકાય છે. આ બધું મંદિરના પ્રાંગણમાં જ મળે છે. મંદિર બધું ફરીને વિગતે જોવું હોય તો એ માટેના સ્થાનિક ભોમિયા મળે છે. તેઓ સોના ચાંદીની ઘંટીઓ, ઘીતેલના કૂવા, ધજાજી, નગારખાનું, ઓફિસ, દરજીઘર વગેરે બતાવે છે. ભગવાનણે ધરાવાયેલો પ્રસાદ, તમારે ખાવો હોય તો તે, રાજભોગ પછી પાતર તરીકે મળે છે. મંદિરમાં ભેટ નોંધાવી શકાય છે, એનો પ્રસાદ પણ મળે છે. આ ઉપરાંત, બજારમાંથી મઠડી, ઠોર, બદામપાક, મોહનથાળ, કોપરાપાક, બુંદીના લાડુ વગેરેનો પ્રસાદ મળે છે.

શ્રીનાથજી મંદિરનો ફોન નં. 02953 233484 છે.

શ્રીનાથજીના મુખ્ય મંદિરની આજુબાજુ બીજાં મંદિરો (૨) નવનીત પ્રિયાજીનું મંદિર (૩) વિઠ્ઠલનાથજીનું મંદિર (૪) મદનમોહનજીનું મંદિર (૫) યમુનાજીનું મંદિર આવેલાં છે. મુખ્ય મંદિરમાં નાનાં બાળકોને મુંડન વિધિ પણ કરાવાય છે.

નાથદ્વારા જવા માટે:

રોડ રસ્તે : નાથદ્વારા રાજસ્થાનમાં અને અમદાવાદથી રોડ રસ્તે ૩૧૩ કી.મી. દૂર આવેલું છે. અમદાવાદથી હિંમતનગર, શામળાજી, રતનપુર, ઋષભદેવ અને ઉદયપુર થઈને નાથદ્વારા જવાય છે. અમદાવાદ, વડોદરા, ગોધરા, સુરત વગેરે સ્થળોએથી એસટીની બસો મળે છે. પ્રાઈવેટ બસો દ્વારા કે પોતાની ગાડી લઈને પણ જઈ શકાય છે. રસ્તા બહુ જ સરસ છે.

ટ્રેઈન રસ્તે: નાથદ્વારાની નજીકનું રેલ્વે સ્ટેશન માવલી છે. માવલીથી નાથદ્વારા ૨૮ કી.મી. દૂર છે. વડોદરાથી ગોધરા, દાહોદ, રતલામ, મંદસોર, નીમચ અને ચિત્તોડગઢ થઈને માવલી પહોંચાય છે. હવે માવલીથી મંદિયાના સુધી ટ્રેન લંબાવી છે. મંદિયાનાથી નાથદ્વારા માત્ર ૧૨ કી.મી. જ દૂર છે. ઓખાથી નાથદ્વારાની અઠવાડિયામાં એક વાર ટ્રેન શરુ થઇ છે, તે ઓખાથી દ્વારકા, જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, નીમચ, ચિત્તોડગઢ અને માવલી થઈને મંદિયાના પહોંચે છે. (Train no. 19575, ઓખાથી શનિવારે સવારે ૭-૩૦ વાગે ઉપડે છે, અને રવિવારે સવારે ૫-૫૦ વાગે નાથદ્વારા પહોંચે છે. Train n0. 19576, રવિવારે રાત્રે ૯-૪૦ વાગે નાથદ્વારાથી ઉપડે છે, અને સોમવારે રાત્રે ૮-૫૦ વાગે ઓખા પહોંચે છે.)

વિમાન માર્ગે: નાથ્દાવારાથી નજીકનું વિમાન મથક ઉદયપુરનું ડબોક એરપોર્ટ (મહારાણા પ્રતાપ વિમાની મથક) છે. અહીંથી નાથદ્વારા ૫૯ કી.મી. દૂર છે.

નાથદ્વારામાં બસ, ટ્રેન, વિમાન અને ટેક્ષીનું બુકીંગ કરનારાની પુષ્કળ દુકાનો છે.

ઘણા લોકો નાથદ્વારામાં દર્શન ઉપરાંત, આરામથી પડ્યા રહેવા માટે અને ખાણીપીણીના જલસા કરવા આવે છે. નાથદ્વારામાં ડોક્ટર ખાસ નથી દેખાતા, એટલું બધું ખાવા છતાં ય કદાચ લોકો માંદા નથી પડતા, આ ભગવાન પરની શ્રધ્ધાનો વિષય છે.

રહેવા માટે: અહીં રહેવા માટે ધર્મશાળાઓ, કોટેજો અને હોટેલો પુષ્કળ છે. થોડાંક નામ – ધીરજ ધામ, ન્યૂ કોટેજ, ખડાયતા ભુવન, વલ્લભ દર્શન, રેવા પ્રભુ સદન વગેરે.

ખાણીપીણી: ખાણીપીણીની દુકાનો અને લારીઓ ખૂબ જ છે. અહીંનું બજાર અમદાવાદના માણેકચોક કે લો ગાર્ડન જેવું લાગે. ખાવામાં ખમણ, બટાટાપૌઆ, ફાફડા, ખસ્તા કચોરી, સમોસા, તળેલું રતાળુ, મરચાનાં ભજીયાં, ભાજી પાઉં, દાબેલી, વડા પાઉં, સાબુદાણાની પેટીસ, ભેળ, ખીર, રબડી, જલેબી, અમરતી, બરફી, પેંડા વગેરે મળે. જમવા માટે ઘણી જ જગાઓ છે.

ભગવાનના શણગાર અને સેવા માટે માળા, મુગટ, પાઘ, કુંડળ, નુપૂર, ચિબુક, તિલક, ગુંજા માળા, છડી, બંસી, વાગા, સિંહાસન, તકિયા, પીછવાઈ, શૈયા, ગદલ, રજાઈ, અત્તર, ગુલાબજળ, ગાયો, પોપટ, મોર, ફોટા વગેરે મળે છે. આ ઉપરાંત કપડાં અને અન્ય ચીજોની પુષ્કળ દુકાનો છે.

નાથદ્વારામાં જોવા જેવી જગાઓ: વલ્લભાશ્રમ, ગૌશાળા, ગણેશ ટેકરી, બનાસ નદીને સામે કાંઠે ફૂલનો બગીચો. લાલબાગમાં  વલ્લભ સંગ્રહાલય વગેરે જોવા જેવું છે. નાથદ્વારામાં દુનિયાનું સૌથી ઉંચું શિવજીનું સ્ટેચ્યુ બની રહ્યું છે. તેની ઉંચાઈ ૩૫૧ ફૂટ હશે.

નાથદ્વારાની આજુબાજુ જોવા જેવી જગાઓ: કાંકરોલી, રાયસાગર, ખીમનોર, હલ્દીઘાટી, ઘસીયાર, સાંવલિયા શેઠ(મંડપિયા), ચિત્તોડગઢ, કુંભલ ગઢ, રાણકપુર, ઉદયપુર વગેરે.