તમે એડમંડ હિલેરીને ઓળખો છો ને?
એડમંડ હિલેરી અને તેનસિંગ નોરકેનાં નામ તો તમે જરૂર સાંભળ્યાં હશે. આ બંને જણે હિમાલયના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટની ટોચ પર, ૨૯મી મે, ૧૯૫૩ના રોજ સૌ પ્રથમ પગ મૂક્યો હતો. ત્યાર પછી તો ઘણા સાહસિકો એવરેસ્ટ પર ચડી આવ્યા છે. પણ સૌ પ્રથમ ચડનાર તરીકેનું બિરુદ તો આ બેલડીને જ મળ્યું છે. એડમંડ હિલેરી ન્યુઝીલેન્ડના અને તેનસિંગ નોરકે ભારતના વતની હતા. તેનસિંગ નોરકે ૧૯૮૬માં એડમંડ હિલેરી ૨૦૦૮ની સાલમાં મૃત્યુ પામ્યા.
૧૯૮૮ની સાલની વાત છે. ત્યારે એડમંડ હિલેરી ચેન્નઈ (મદ્રાસ) આવ્યા હતા. ચેન્નઈની IIT એન્જીનીયરીંગ કોલેજે તેમને આમંત્રિત કર્યા હતા. હું તે વખતે ત્યાં Ph.D.નો અભ્યાસ કરતો હતો, એટલે મને હિલેરી સરને જોવાનો અને તેમને સાંભળવાનો મોકો મળ્યો હતો.
તેમના આગમન સમયે અમે બધા એક હોલમાં ગોઠવાઈ ગયા હતા. હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો. હિલેરી સમયસર આવી પહોંચ્યા, બધાએ ઉભા થઇ તેમનું સ્વાગત કર્યું. થોડી ઔપચારિક વાતો પછી, સર હિલેરીએ પોતાનું વક્તવ્ય શરુ કર્યું. તેઓએ, એવરેસ્ટ પર ચડવા કેવી તૈયારીઓ કરી, પહેરવાનાં કપડાં તથા સાથે રાખવાનાં સાધનો, ખોરાક, પડાવ માટેની વસ્તુઓ – એ બધાની વિગતે વાત કરી. વાર્તાની જેમ આખી ઘટના વર્ણવી. સાથે સાથે, તેમણે એવરેસ્ટ પર ચડતી વખતે પાડેલા ફોટોગ્રાફ્સ પડદા પર બતાવ્યા. આવી બધી દુર્લભ અસલી બાબતો જાણવા બીજે ક્યાં મળે?
પ્રવચન પૂરું થયા પછી, અમે બધા સ્ટેજની નજીક ગયા. આવા પહાડી પુરુષને નજીકથી જોયા. મેં તેમની સાથે હાથ મિલાવ્યા, ત્યારે મારા મનમાં અદભૂત રોમાંચ પેદા થયો. જે હાથ એવરેસ્ટ પર જઇ આવ્યો છે, તે હાથની સાથે મારો હાથ મિલાવવાથી, મારો હાથ (અને સાથે સાથે હું પણ) એવરેસ્ટ ચડી આવ્યો હોય, એવી લાગણી મેં અનુભવી.
મેં એમને એક પ્રશ્ન પૂછ્યો, ‘સર, તમે અને તેનસિંગ નોરકે, બંને સાથે એવરેસ્ટ પર ચડ્યા હતા, તો તમારા બંનેમાંથી એવરેસ્ટની ટોચ પર, પહેલો પગ કોણે મૂક્યો હતો?’
તેમનો જવાબ બહુ જ જોરદાર હતો, ‘અમે બંનેએ એકસાથે પ્રથમ પગ મૂક્યો હતો !’ તેઓએ બંને દેશોને સરખું ગૌરવ અપાવ્યું.
એ જમાનામાં આજની જેમ મોબાઈલ કેમેરા ન હતા, નહીં તો મેં સર હિલેરી સાથે ફોટા પડાવીને એ સ્મૃતિને કાયમ સાચવી રાખી હોત. જો કે મેં કાગળ પર તેમની સહી (ઓટોગ્રાફ) લીધી હતી, અને તે સાચવી રાખી છે. અહીં હું તેમની અસલી સહીનો ફોટો આ સાથે મૂકું છું. હિલેરીના ગુગલ પરથી લીધેલા થોડા ફોટા પણ મૂકું છું.
હિલેરી સરે કેટલી મહેનત કરીને એવરેસ્ટ સર કર્યું છે ! એમનામાંથી ખાસ શીખવાનું એ છે કે જીંદગીમાં કોઈ મોટું ધ્યેય પાર પાડવું હોય તો સખત મહેનત અને ધ્યેયને વળગી રહેવું ખૂબ જરૂરી છે.
નોંધ: એડમંડ હિલેરીએ એવરેસ્ટ પર ચડતા પહેલાં, ન્યુઝીલેન્ડમાં જેમ્સ કૂક નામના બર્ફીલા પર્વત પર ચડવાની પ્રેક્ટીસ કરી હતી. એની વાત આવતા અઠવાડિયે કરીશું.