નામ દઈને બોલાવવું

                                             નામ દઈને બોલાવવું

થોડાં વર્ષો પહેલાંની વાત છે. કોલેજમાં એડમીશનની સીઝન હતી. અમારી કોલેજમાં એક વિદ્યાર્થીની સરલા એડમીશન માટે આવી. સાથે તેના પિતા પણ આવ્યા હતા. તેમણે ફોર્મ ભરવાની, એડમીશન ટેસ્ટ વગેરે વિધિઓ પતાવી દીધી હતી. હું એડમીશન વિભાગમાં કામ કરતો હતો. એ હિસાબે સરલા અને તેના પિતા ખાલી એમ જ, મારી રૂમમાં મળવા માટે આવ્યા. હું તેઓને ઓળખતો ન હતો. મેં તેમને આવકાર્યા, સરલાના પિતાએ પૂછ્યું, ‘સરલાને એડમીશન મળી જશે કે નહિ?’

મેં કહ્યું, ‘ચાર દિવસ પછી એડમીશનનું લીસ્ટ મૂકાશે, તમે ચાર દિવસ પછી તપાસ કરો.’

પછી મેં તેમનું નામ પૂછ્યું. તેમણે નામ કહ્યું, ‘જયંતિભાઈ’.

તેમના ચહેરા પર ‘સાહેબે મારું નામ શું કામ પૂછ્યું હશે?’ એ અંગેની મૂંઝવણ જણાતી હતી. એમને કદાચ એવું હશે કે “મેં મારું નામ તો કહ્યું, પણ આવડી મોટી કોલેજમાં આટલા બધા વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યાં કોઈ પ્રોફેસર કોઈ વિદ્યાર્થીના પિતાનું નામ જાણવાની દરકાર શું કામ કરે? એ તો ખાલી પૂછવા ખાતર પૂછે.’

ચાર દિવસ પછી, હું કોલેજની લોબીમાંથી પસાર થતો હતો, ત્યાં મેં સરલાને ઉભેલી જોઈ. તેની સાથે તેના પિતા પણ ઉભેલા હતા. તેઓ એક વાર મને મળેલા હતા, એટલે હું તેમને ઓળખી ગયો. સ્વાભાવિક છે કે તેઓ એડમીશન મળ્યું કે નહિ, તેની તપાસમાં જ આવ્યા હોય.

મેં જ સામેથી સહેજ સ્માઈલ સાથે કહ્યું, ‘કેમ છો જયંતિભાઈ?’

તેમને તો ખૂબ જ નવાઈ લાગી. કોઈ પ્રોફેસર એમનું નામ યાદ રાખી લે, અને આ રીતે સામેથી નામ દઈને બોલાવે, એવી તો તેમણે આશા રાખી જ ન હોય. તેઓ તો બહુ જ ખુશ થયા. સરલાને એડમીશન મળી ગયું હતું, તેની ખુશી તો ખરી જ.

પછી તો ભણવાના કલાસીસ શરુ થયા. સરલાની પ્રગતિ સંતોષકારક હતી. જયંતિભાઈ અવારનવાર કોલેજમાં આવતા હતા. હું પણ તેમને તેમની વાતોનો સંતોષકારક ખુલાસો આપતો હતો.ભણવાને લગતી તેઓની મુઝવણના બધા ખુલાસા તેમને મળી જતા હતા. આથી સરલાને અને તેના પિતાને આ કોલેજ ઘણી જ ગમી ગઈ હતી. કોલેજ સાથે આત્મીયતા બંધાઈ ગઈ હતી. એમને એક અપનાપન મહેસુસ થતું હતું. આમાં મારે શું કરવાનું હતું? જયંતિભાઈ જેવાં વાલી માટે માત્ર થોડો સમય ફાળવવાનો હતો.

તમને પણ આવા અનુભવ થતા જ હશે. કોઈ વ્યક્તિને નામ દઈને બોલાવીએ એટલે એની સાથે એક પોતાપણાનો સંબંધ બંધાઈ જાય છે. (અહીં બોસ કે કોઈ મોટી પોસ્ટ પર બિરાજતા વ્યક્તિને નામ દઈને બોલાવવાની વાત નથી. પણ સામાન્ય સંબંધો ધરાવતા વ્યક્તિઓ માટેની વાત છે.)

અમેરીકા અને બીજા ઘણા દેશોમાં, કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ તેમના બોસને નામ દઈને બોલાવતા હોય છે. ‘Hi John’ કે ‘Hi Ruby’ જેવી સ્ટાઈલથી બોલાવવાની પ્રથા હોય છે. આવી રીતે બોલાવવાથી એક મિત્ર જેવી લાગણી ઉભી થાય છે. વ્યક્તિ ડર વગર નિશ્ચિંતતાથી કામ કરી શકે છે. એક પોઝીટીવ વાતાવરણ ઉભું થાય છે. અને કામ સારું થાય છે.

મારા જે વિદ્યાર્થીઓ સાથે મારે પરિચયમાં આવવાનું થતું, તેઓને હું નામથી બોલાવતો, અને એક પોતાપણાનો સેતુ રચાઈ જતો. મેં અનુભવ્યું છે કે એવા વિદ્યાર્થીઓ એમની અંગત મુંઝવણો કે તેમના ઘરની અંગત મુશ્કેલીની વાત પણ કરી શકતા. હું એવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતો કે મુશ્કેલીના નિવારણ માટે મદદ પણ કરી શકતો.

આ મારા અંગત વિચારો છે. બધે આવું બની શકે નહિ. તમને ઠીક લાગે તો તમે પણ આ પ્રયોગ કરી જોજો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: