લોન્ગેવાલા બોર્ડર અને તનોટ મંદિર
તમે રાજસ્થાનમાં જેસલમેર ગયા છો? જેસલમેરની નજીક ખાસ જોવા અને જાણવા જેવી બે જગાઓ છે, એક છે લોન્ગેવાલા બોર્ડર અને બીજી છે તનોટ મંદિર. આ બંને જગાઓ ભારત-પાકિસ્તાનની બોર્ડરની સાવ નજીક છે. ઘણા ટુરીસ્ટો આ જગાઓ જોવા આવે છે.
તનોટ મંદિરમાં બિરાજમાન માતા તે હિંગળાજ માતા છે. આ મંદિરની ખાસ અગત્યની વાત એ છે કે ભારત-પાક વચ્ચે ૧૯૬૫ અને ૧૯૭૧નાં યુદ્ધ થયાં ત્યારે પાકિસ્તાની લશ્કરે તનોટ મંદિર પર ટેન્કો વડે ૩૦૦૦ જેટલા બોમ્બ ગોળા છોડ્યા હતા, તમે માનો કે ના માનો, પણ જે બોમ્બ મંદિરની નજીક કે મંદિરની ઉપર પડ્યા, તેમાંથી એક પણ બોમ્બ ફૂટ્યો ન હતો, અને મંદિરની એક કાંકરી પણ ખરી ન હતી. આપણા લશ્કરના સૈનિકો આ ઘટનાને તનોટ માતાની કૃપા માને છે. ત્યાર પછી, આ મંદિરનો વહીવટ BSFએ સાંભળી લીધો. મંદિરનું પણ સરસ રીનોવેશન કરાયું છે. મંદિરની જોડે મ્યુઝીયમ બનાવ્યું છે, તેમાં પેલા બધા ન ફૂટેલા બોમ્બ પ્રદર્શનમાં મૂક્યા છે. અહીં વોર મેમોરીયલ રૂપે વિજય સ્તંભ પણ બનાવ્યો છે. મંદિરમાં રોજ સાંજે ૬-૩૦ વાગે આરતી થાય છે, આ આરતી કરવા જેવી ખરી.
૧૯૭૧ના લોન્ગેવાલા આગળના યુદ્ધમાં ૨૦૦૦ પાકિસ્તાની સૈનિકોની સામે આપણા માત્ર ૧૨૦ સૈનિકો હતા. છતાં આપણે આ યુદ્ધ જીતી ગયા. આપણા લશ્કરના વડા મેજર કુલદીપ સીંઘ ચાંદપુરી હતા. કહે છે કે તનોટ માતા દરેક સૈનિકના સ્વપ્નમાં આવતાં હતાં અને તેમનું રક્ષણ કરવાની ખાતરી આપતાં હતાં. કુલદીપ સીંઘને મહાવીર ચક્ર એનાયત થયો. પાકિસ્તાન ઘણી બધી ટેન્કો છોડીને જતું રહ્યું. આ બધી પાકિસ્તાની ટેન્કો અને ગન, લોન્ગેવાલામાં મૂકેલી છે. ત્યાં આ બધું જોવા મળી શકે છે.
એક ખાસ વાત લખું. ૧૯૭૧નું યુદ્ધ પત્યા પછી, એક પાકિસ્તાની જનરલે તનોટ માતાની તાકાતની આ વાત સાંભળી, અને તેણે ભારતીય જનરલને વિનંતી કરી કે મને તમારા માતાજીનાં દર્શન કરવાની ઈચ્છા છે, ભારતીય લશ્કરે તેમને પરવાનગી આપી, અને એ પાકિસ્તાની જનરલ અહીં આવીને માતાજીના પગે પડી ગયા !
માતાજીની કૃપાથી બોમ્બ ફૂટે નહિ, અને ૨૦૦૦ સૈનિકોની સામે ૧૨૦ સૈનિકો જીતી જાય, એવી વિરલ ઘટના એક મેગેઝીનમાં વાંચ્યા પછી, આ વિષયમાં વધુ માહિતી શોધીને આ વાત અહીં લખી છે. તમને ગમી આ વાર્તા?
હિન્દી ફિલ્મ “બોર્ડર” તો તમને યાદ હશે જ. આ ફિલ્મ ૧૯૭૧ના યુદ્ધ પર આધારિત છે. સની દેઓલ મેજર કુલદીપ સીંઘનું પાત્ર ભજવે છે. આ ફિલ્મમાં તનોટનું મંદિર બતાવ્યું છે. બોર્ડર ફિલ્મ બન્યા પછી આ બંને જગાઓ વધુ જાણીતી થઇ છે.
જેસલમેરથી લોન્ગેવાલા ઉત્તર-પશ્ચિમમાં ૧૨૪ કી.મી. દૂર છે. જેસલમેરથી તનોટ મંદિર પણ ઉત્તર-પશ્ચિમમાં લગભગ એટલું જ દૂર છે. ટુરીસ્ટ આ બંને સ્થળ સુધી જઈ શકે છે, છેક બોર્ડર સુધી જવું હોય તો જેસલમેરથી મંજૂરી લઈને જવું પડે. તનોટથી પણ કદાચ પરમીશન મળી જાય. આઈડી કાર્ડ સાથે રાખવું.
જેસલમેરથી તનોટનો રસ્તો રણ જ છે. આ રસ્તે અને તનોટ વિસ્તારમાં ઘણી પવનચક્કીઓ ગોઠવેલી છે. તનોટ અને લોન્ગેવાલા જવા માટે અનુકૂળ સમય નવેમ્બરથી જાન્યુઆરી છે. ઉનાળામાં તાપમાન ૪૯ અંશ સેલ્સિયસ જેવું થઇ જાય છે. તનોટ મંદિરમાં રાત રહેવાની વ્યવસ્થા છે.
મેં જેસલમેર જોયું છે, પણ લોન્ગેવાલા અને તનોટ જોયાં નથી. અમદાવાદથી જોધપુર થઈને જેસલમેર આશરે ૭૦૦ કી.મી. દૂર છે.