જ્ઞાતિઓ, ધર્મ અને ભગવાન
દુનિયામાં અનેક ધર્મો છે, જેવા કે હિંદુ, મુસ્લિમ (એમાં શિયા અને સુન્ની), ખ્રિસ્તી (એમાં કેથોલિક અને પ્રોટેસ્ટંટ), જરથોસ્તી, પારસી વગેરે.
હિંદુઓમાં પણ અનેક પેટા ધર્મો છે, જેવા કે શિવમાર્ગી, વૈષ્ણવ, સ્વામીનારાયણ, જૈન (એમાં શ્વેતાંબર અને દિગંબર), બૌદ્ધ (એમાં મહાયાન અને હીનયાન), શીખ, વગેરે.
હિંદુ ધર્મમાં દેવી દેવતાઓ, માતાજીઓ એમ અનેક ભગવાન છે, અને દરેક ભગવાનનાં મંદિર હોય છે, જેમ કે શિવજી, પાર્વતીજી, કૃષ્ણ, રાધાકૃષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ, રામલક્ષ્મણજાનકી, શ્રીનાથજી, હનુમાનજી, ગણેશજી, સત્યનારાયણ, લક્ષ્મીજી, ગોગા મહારાજ, બળિયાદેવ, અંબા માતા, બહુચર માતા, કાલિકા માતા, ખોડીયાર માતા, દુર્ગા માતા, ચામુંડા માતા વગેરે.
શ્રી નાથજીમાં પણ અનેક સ્વરૂપ. શ્રી ગોવર્ધનનાથજી, ગોકુલનાથજી, વૈષ્ણવ ધર્મમાં શ્રી યમુનાજી વગેરે.
જૈનોમાં અનેક તીર્થંકરો, આદિનાથ, મહાવીરસ્વામી વગેરે.
આપણે ત્યાં હિંદુઓમાં જ્ઞાતિઓ પણ કેટલી બધી ! બ્રાહ્મણ, વાણીયા, પટેલ, સુથાર, લુહાર, દરજી, વાળંદ, કડિયા, હરીજન વગેરે. વળી, વ્યક્તિના નામ સાથે, તેની ઓળખ માટે અટક લખાતી હોય છે. અટકો પણ કેટલી બધી ! મોટે ભાગે જ્ઞાતિ પ્રમાણે અટક હોય. મોટે ભાગે જ્ઞાતિ પ્રમાણે ધંધો હોય. જો કે હાલ એવું નથી રહ્યું.
જ્ઞાતિ, ધર્મ અને ભગવાન – આ ત્રણ વસ્તુ કેવી રીતે એકબીજા જોડે જોડાયેલી છે? મોટે ભાગે તો જ્ઞાતિ પ્રમાણે ધર્મ હોય છે, અને ધર્મ પ્રમાણે ભગવાન હોય છે. આમ છતાં, ગમે તે જ્ઞાતિવાળો ગમે તે ધર્મ પાળે અને ગમે તે ભગવાનને પૂજે, એવું પણ છે.
આ બધું કેટલું બધું ગૂંચવાડાવાળું અને કોમ્પ્લીકેટેડ છે ! તો માણસે શું કરવું?
મને તો એવું લાગે છે કે બધા ભગવાન અંતે તો એક જ છે. બધા ધર્મોનો સાર પણ એક જ છે. માણસો ભલે જ્ઞાતિઓમાં વહેંચાયેલા હોય, અંતે તો બધા માણસો એકસરખા જ છે. અને ભગવાનનું અસ્તિત્વ તો છે જ. ભગવાન સિવાય આવી દુનિયા અને આવા માણસોનું સર્જન કોણ કરી શકે? એટલે તમે કોઈ પણ ભગવાનમાં માનો, બધું સરખું જ છે.
હા, દરેક ધર્મમાં જે ભૌતિક વિધિઓ ઉભી થઇ છે, જેવી કે “અમુક મંદિરે દંડવત પ્રણામ કરતા કરતા જવાથી કે માથે પૂજાનો સામાન ઉંચકીને જવાથી વધુ પૂણ્ય મળે” એ બધું બરાબર નથી લગતું. તમે પૂજા કરતા પહેલાં સ્નાન કરો, ચપ્પલ પહેરીને મંદિરમાં ન જાવ, એવું બધું ચોખ્ખાઈની દ્રષ્ટિએ બરાબર છે. પૂજા વિધિ કરો, ભજન ગાઓ, એવું બધું ભગવાન પ્રત્યે શ્રધ્ધાનો માહોલ ઉભો કરવા માટે પણ બરાબર લાગે છે.
પણ આ ઉપરાંત, ધર્મમાં બીજું ઘણું ઉમેરવા જેવું છે. જેમ કે દરેક ધર્મ પ્રત્યે માન અને શ્રધ્ધાથી જુઓ. દરેક ધર્મના મનુષ્ય સામાન છે. દરેક મનુષ્યનું ભલું ઈચ્છો. દરેકને મદદ કરવાની ભાવના રાખો.
મંદિરોમાં પણ ઘણું ઉમેરવા જેવું છે. મંદિરમાં બિરાજતા ધર્મગુરુઓએ આ પ્રકારનું જ્ઞાન લોકોને આપવું જોઈએ જેમ કે દરેક મનુષ્ય નીતિ અને પ્રામાણિકતાથી જીવવાનું શીખે, બીજા લોકો પ્રત્યે સારી ભાવના રાખે, અરસપરસ મદદ કરવાનું શીખે વગેરે. જો આવું બધું થશે તો દુનિયામાંથી વેરઝેર ઓછાં થશે અને પૃથ્વી સ્વર્ગ જેવી બની જશે. તમે શું માનો છો?