દિવાળી

                                               દિવાળી 

શહેરની એક જાણીતી કોલેજની આ વાત છે. કોલેજમાં પંદર દિવસથી એક પ્રોજેક્ટ ચાલતો હતો. દિવાળીના તહેવારોને હજુ બીજા પંદર દિવસની વાર હતી. આ વર્ષે પ્રોફેસર વિવેક શાહ અને વિદ્યાર્થીઓએ મળીને વિચાર્યું કે ‘આપણે બધા દિવાળી બહુ ધામધૂમથી ઉજવીએ છીએ, સારું સારું ખાઈએ છીએ, સારાં કપડાં પહેરીએ છીએ, દારૂખાનું ફોડીએ છીએ અને જલસા કરીએ છીએ. પણ આ દેશમાં કેટલાય એવા ગરીબ લોકો છે, જેમને દિવાળી પર સારું ખાવાનું, કપડાં કે દારૂખાનું મળતું નથી. એ લોકોને દિવાળી ઉજવવાનું મન નહિ થતું હોય?’

બસ આ એક વિચાર પરથી વિવેક શાહે ગરીબોને મદદ કરવાનો એક આખો પ્રોજેક્ટ ઘડી કાઢ્યો. કોલેજમાં જાહેરાત કરવામાં આવી કે ‘આપણે આ દિવાળી પર આ શહેરના ગરીબ લોકો પણ દિવાળી સારી રીતે ઉજવી શકે એવી એક યોજના કરવા માંગીએ છીએ. એ માટે આપણે પૈસાનું ભંડોળ ભેગું નથી કરવું. પણ ગરીબોને આપવા માટે ચીજવસ્તુઓ એકઠી કરવી છે, અને એ પણ આપણી પોતાની પાસેથી જ. દિવાળી પર ખાસ કરીને લોકોને મુખ્યત્વે કપડાં, મીઠાઈ, ફરસાણ દારૂખાનું વગેરે ચીજો ગમતી હોય છે. આપણે આપણી પાસેથી જ આ વસ્તુઓ એકઠી કરીને ગરીબોને પહોંચાડીએ તો ઘણું જ સારું કામ થશે. ગરીબોનાં મુખ પર ફેલાયેલો આનંદ જોઇને આપણી ખુશી પણ બેવડાઈ જશે. તો મિત્રો, આ માટે આપણે પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને અન્ય સ્ટાફને વિનંતી કરીએ છીએ કે તેઓ પાસે વધારાનાં સારાં કપડાં હોય, ઘરમાં જે કંઈ મીઠાઈ અને ફરસાણ બનતાં હોય તથા પોતે લાવેલા દારૂખાનામાંથી થોડુક દારૂખાનું, આવી બધી ચીજો કોલેજમાં લાવે. અને અહીં ભેગી થયેલી એ ચીજો આપણે ગરીબોને પહોંચાડીશું.’

બસ, પછી તો પૂછવું જ શું? બધાને આ આઈડીયા બહુ જ ગમી ગયો. દરેજ જણ કામે લાગી ગયા. બધાએ પોતપોતાને ઘેર જોયું તો એમની પાસે એવાં કપડાં હતાં કે તે સારાં હોવા છતાં પોતે પહેરતા ન હતા. સામાન્ય અને પૈસાદાર કુટુંબોમાં આવું બધે જ જોવા મળે છે. તમારે ઘેર પણ એવાં બેત્રણ શર્ટ કે પેન્ટ નીકળે કે જે તમને ન ગમતાં હોય અને તમે તે ના પહેરતા હો. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પાસેથી આવાં ઘણાં કપડાં કોલેજમાં એકઠાં થવા માંડ્યાં. દિવાળી પર ઘેર બનાવેલ મીઠાઈઓ અને ફરસાણમાંથી તેઓ થોડું થોડું કોલેજમાં લાવવા લાગ્યા. દારૂખાનાનું પણ એમ જ થયું. અરે, ઘણા વિદ્યાર્થીઓને તો એથી આગળ નવા તુક્કા સૂઝવા લાગ્યા. કોઈને ત્યાં રમકડાં વધનાં પડ્યાં હોય તો તે લાવ્યા. ઘણા વિદ્યાર્થીઓ જૂતિયાં લાવ્યા. તો કોઈ વળી, ઘરમાં પડેલી બાળકો માટેની બુક્સ લઇ આવ્યા. આમ જાતજાતની સામગ્રી ભેગી થઇ ગઈ.

પ્રોફેસર શાહે આ પ્રોજેક્ટ વ્યવસ્થિત થાય એ માટે ઉત્સાહિત વિદ્યાર્થીઓને ભેગા કર્યા. એમાંથી એમણે જુદી જુદી ટીમો બનાવી. એક ટીમ ભેગા થયેલા સામાનનું વર્ગીકરણ કરી તેને ગોઠવવાના કામમાં લાગી ગઈ. બીજી એક ટીમને પેકીંગનું કામ સોંપ્યું. બીજી થોડી ટીમો શહેરના અલગ અલગ વિસ્તારમાં જવા અને ત્યાં આ સામાન વહેંચવા માટે નક્કી કરવામાં આવી. દરેક ટીમ સાથે એક પ્રોફેસર પણ ખરા જ.

આ બધા પર દેખરેખ માટે પ્રોફેસર વિવેક શાહ અને વિદ્યાર્થી નેતા મનીષ કામગીરી સંભાળતા હતા. પંદર દિવસમાં તો બધું તૈયાર થઇ ગયું. સારો એવો સામાન ભેગો થયો હતો. શહેરના ગરીબ વિસ્તારો, ઝુપડપટ્ટીઓ, રોડ પર પડી રહેતાં કુટુંબો વગેરેનો પણ સર્વે થઇ ગયો હતો. એટલે ક્યાં ક્યાં જવાનું છે, અને દરેક એરીયામાં કેટલું આપવાનું છે, એ પ્રમાણે બધી તૈયારીઓ થઇ ગઈ હતી.

નક્કી કરેલા દિવસે, બધી ટીમો પોતપોતાનો સામાન લઈને નીકળી પડી. અને પોતાને સોંપાયેલા વિસ્તારમાં જઈ, જે લોકોને જે વહેંચવાનું હતું, એ બધું સવારથી સાંજ સુધીમાં વહેંચી આવી. ગરીબ લોકો અને તેમનાં બાળકો ખુશ ખુશ થઇ ગયાં. દિવાળીને હજુ અઠવાડિયાની વાર હતી. બધાને યોગ્ય સમયે કપડાં, જૂતિયાં, મીઠાઈ વગેરે મળ્યું હતું. આ લોકોની ખુશીનો પાર ન હતો. એ ખુશી તો તમે રૂબરૂમાં એમના ચહેરા પર જુઓ તો જ ખ્યાલ આવે.

દરેક જણ પોતાને ત્યાંથી ફક્ત વધારાની હોય એવી થોડી થોડી ચીજો જ લાવ્યા હતા. પણ આટલી જ ચીજોએ જે આનંદ અને ખુશીની લહેર ફેલાવી તે અદ્ભુત હતી. આવો પ્રયોગ બધે થાય તો તેનું કેવું અદ્ભુત પરિણામ આવે !

આવો, આપણે પણ આવી ખુશીઓ બધે વહેંચીએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: