હાલોલથી પાવાગઢ જતાં, ધાબાડુંગરી પછી થોડુક આગળ જતાં ડાબા હાથે એક મિનારકી મસ્જીદ આવે છે. આ મસ્જીદને એક જ મિનારો છે. આ મસ્જીદ બહાદુર શાહે (૧૫૨૬-૩૬) બાંધી હતી. હજુ આગળ જતાં, હેલીકલ વાવ આવે છે. અહીં વાવમાં ઉતરવાનાં પગથિયાંથી બનતો આકાર સ્ક્રુ જેવો હોવાથી, તેને હેલીકલ વાવ કહે છે. આ વાવ ૧૬મી સદીમાં બનેલી છે. હેલીકલ વાવ પછી તરત જ, ચાંપાનેરમાં પેસવાના ગેટ આવે છે, આ ગેટ આગળ જ જમણી બાજુ સક્કરખાનની દરગાહ છે. આ દરગાહ આગળથી જંગલમાં પેસવાનો એક કાચો રસ્તો પડે છે. આ રસ્તે જતાં વચ્ચે એક તળાવ આવે છે, તે પાતાળ તળાવ તરીકે ઓળખાય છે. અંદર આગળ જતાં શંકર ભગવાનનું એક મંદિર આવે છે, તે ખૂણીયા મહાદેવ તરીકે જાણીતું છે. મંદિર સુધી પહોંચવાના રસ્તામાં નાની નદી પણ આવે છે. મંદિરમાં દર્શન કરવા ઘણા લોકો આવે છે. મંદિરની પાછળ એક નાનો અને એક મોટો બે ધોધ છે. મંદિરની નજીકથી ધોધ તરફ જવાનો રસ્તો પડે છે. ખડકોમાં થઈને ધોધ તરફ જવાનું અઘરું છે. અમે હાલોલથી પાવાગઢના રસ્તે પસાર થયા છીએ, પણ આ જગાઓએ ગયા નથી.
અહીં મૂકેલી તસ્વીરો (૧) એક મિનાર કી મસ્જીદ (૨) (૩) અને (૪) હેલીકલ વાવ (૫) અને (૬) સક્કરખાનની દરગાહ (૭) દરગાહ આગળથી અંદર જવાનો રસ્તો (૮) અને (૯) અંદરનો કાચો રસ્તો (૧૦) પાતાળ તળાવ (૧૧) ખૂણીયા મહાદેવ (૧૨) ધોધ તરફ જવાનો રસ્તો (૧૩) પાવાગઢ ધોધ
હાલોલથી પાવાગઢના રસ્તે
19 જૂન 2020 Leave a comment
વિરાસત વન
10 જૂન 2020 Leave a comment
હાલોલથી પાવાગઢના ૭ કી.મી. રસ્તા પર ધાબાડુંગરીથી ૩ કી.મી. દૂર જેપુરા ગામ આગળ, વિરાસત વન નામની જગા છે. એના ફોટા અહીં મૂકું છું. ગુજરાત સરકારે આ વન ઉભું કર્યું છે. વનનું પ્રવેશદ્વાર આકર્ષક છે, બહારનો દેખાવ બહુ જ સરસ છે. પાર્કીંગ માટે પૂરતી જગા છે. બેત્રણ દુકાનો પણ લાગેલી છે. આ વનનું ૨૦૧૧માં શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયેલું છે. ગેટમાં દાખલ થયા પછી, અંદર સહેજ આગળ, વિરાસત વનનો નકશો મૂકેલો છે. વિરાસત એટલે વારસો. આપણી જૂની સંસ્કૃતિ અને ઔષધિઓ વગેરેનાં વૃક્ષો અને છોડ અહીં ઉગાડ્યા છે. એમાં સાંસ્કૃતિક વન, આજીવિકા વન, આનંદ વન, આરોગ્ય વન, આરાધના વન, નિસર્ગ વન, અને જૈવિક વન જેવા વિભાગો છે. અંદરના રસ્તાઓ પર ફરીને આ બધા વિભાગો જોઈ શકાય છે. દરેક વિભાગમાં તેને લગતાં વૃક્ષો ઉગાડેલાં છે. અંદર કાફેટેરિયા, વનકુટિર અને ટોઇલેટ બ્લોક છે. એક તળાવ અને તેના પર પૂલ બનાવેલા છે. અમે અહીં ૨૦૧૬માં ગયા હતા.
ધાબાડુંગરી
03 જૂન 2020 Leave a comment
ધાબાડુંગરી
પંચમહાલ જીલ્લામાં હાલોલથી પાવાગઢ માત્ર ૭ કી.મી. દૂર છે, પણ આટલા ટૂંકા અંતરમાં જોવા જેવી જગાઓ અનેક છે. (૧) ધાબા ડુંગરી (૨) વિરાસત વન (૩) એક મિનાર કી મસ્જીદ (૪) હેલીકલ વાવ (૫) સક્કર ખાનનો મકબરો (૬) ખૂણીયા મહાદેવ. અને પછી ચાંપાનેર અને પાવાગઢ તો ખરાં જ.
આ બધામાંથી આજે ફક્ત ધાબા ડુંગરીના ફોટા અહીં મૂકું છું. અહીં એક ટેકરી પર હોસ્પિટલ, મંદિરો અને એક સુંદર મજાનું પીકનીક સ્થળ ઉભું કર્યું છે. ૬૭ પગથિયાં ચડીને ટેકરી પર પહોંચો, એટલે પહેલાં તો હોસ્પિટલ દેખાય. હોસ્પિટલમાં પગથિયાં આગળ સિમેન્ટ કોન્ક્રીટની એક મોટી આંખ બનાવેલી છે, એ તરત જ આપણું ધ્યાન ખેંચે છે. હોસ્પિટલ આગળ માતાજીનું મંદિર છે, બાગબગીચા છે, બાજુમાં એક સાધુમહારાજની સમાધિ છે. પાછળના ભાગમાં બદરીનાથની ગુફા છે, એની બાજુમાં સહેજ નીચે દુર્ગામાતાનું મંદિર છે. હોસ્પિટલની બાજુમાં ટ્રસ્ટની ઓફિસ અને વિશાળ ખુલ્લી જગા છે. ટેકરી પરથી આખું હાલોલ ગામ દેખાય છે. આખો પાવાગઢ પર્વત પણ અહીંથી દેખાય છે. પાવાગઢનું આવું સુંદરતમ દર્શન તો અહીંથી જ થઇ શકે. અહીં રસોડાની વ્યવસ્થા છે. અગાઉથી નક્કી કરીને આવો તો જમવાની સગવડ થઇ શકે. અમે અહીં ૨૦૦૮માં ગયા હતા.