પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ

                                                પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ

આપણે અવારનવાર વાંચીએ છીએ કે આપણે ત્યાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થઇ રહ્યું છે. આ બાબતની  આપણે જરા વિગતે વાત કરીએ.

ઇંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની, અમેરીકા વગેરે દેશો, આપણા ભારતથી પશ્ચિમ દિશામાં આવેલા છે. આ દેશો વધુ વિકાસ પામેલા છે, આપણા દેશના લોકો, એ પશ્ચિમી દેશોની ફેશન, પહેરવેશ, ખાણીપીણી વગેરેનું અનુકરણ કરી રહ્યા છે. અમુક બાબતોમાં આ અનુકરણ ખોટું છે. થોડાંક ઉદાહરણો સાથે વાત કરીએ.

ઇંગ્લેન્ડ જેવા પશ્ચિમી દેશોમાં ઠંડી પુષ્કળ પડે છે. એટલે ઠંડીથી રક્ષણ માટે એ લોકો કોટ, પેન્ટ અને ટાઈ પહેરે એ બરાબર છે. પણ  ભારત જેવા ગરમ દેશ માટે લેંઘો અને ઝભ્ભો એકદમ અનુકૂળ પોષાક છે. આમ છતાં, આપણા લોકો કોટ, પેન્ટ અને ટાઈ પહેરીને પોતાને આધુનિક અને આગળ વધેલા ગણાવે એ બિલકુલ ખોટું છે.

આપણે જો આધ્યાત્મિક રીતે આગળ હોઈએ, દેશના બધા લોકોને સમૃદ્ધ બનાવી શક્યા હોઈએ, વિકસેલા દેશો જેવી આધુનિક સગવડો ભોગવવા શક્તિમાન બન્યા હોઈએ, એ દેશો જેવી ચોખ્ખાઈ રાખી શક્યા હોઈએ અને દુનિયામાં પાવરફુલ દેશ તરીકેનું સ્થાન શોભાવતા હોઈએ તો જ આપણને આગળ વધેલા હોવાનો દેખાવ કરવાનો અધિકાર છે. બાકી તો એવો શો કરવાનો કોઈ અર્થ નથી. એ તો ફક્ત આંધળું અનુકરણ જ છે. એવું અનુકરણ આપણને નુકશાન જ કરે છે.

આપણી શાકાહારી ખાણીપીણી દાળભાત, રોટલી, શાક, રોટલો, ખીચડી, ભાખરી એ જ આપણો અનુકૂળ ખોરાક છે. અવારનવાર થેપલાં, ઢોકળાં જેવાં અનેક વ્યંજનો આપણે ખાઈએ છીએ. આ બધું જ બરાબર છે. પણ અત્યારે આજના યુવાનો પશ્ચિમી વાનગીઓ જેવી કે પાસ્તા, પીઝા, મેગી, નુડલ્સ, બર્ગર, સબ, બ્રેડ, ચીઝ, કસાડિયા, ઇટાલીયન, ચાઇનીઝ એવું બધું ખાતા થયા છે. આ વાનગીઓ બિલકુલ પોષક નથી, બલ્કે નુકશાન કરનારી છે. છતાં, આજની યુવા પેઢી આવું બધું ખાઈને પોતાને આધુનિક ગણાવે છે, અને દેશી વસ્તુઓ ખાનારાને જૂનવાણી ગણી તેમની ઠેકડી ઉડાવે છે. આ અધોગતિ ક્યાં જઈને અટકશે?

આજના યુવાનોને આપણી દિવાળી ઉજવવી ગમતી નથી. એમને નાતાલ અને વેલેન્ટાઇન ઉજવવાની વધુ ગમે છે. દિવાળી ઉજવો, આનંદ માણો, એકબીજાને મળો, એકબીજાની નજીક આવો, એકબીજાને સમજો – આ બધાથી આનંદ અને સ્નેહમાં વધારો થાય છે. નાતાલ અને વેલેન્ટાઇનને નાચગાન સાથે ઉજવવામાં કોઈ પ્રગતિ નથી. આપણા પરંપરાગત ઉત્સવો ઉજવવાનું આપણા યુવાનોને નથી ગમતું. ‘ગુડ મોર્નીંગ’ને બદલે ‘જય શ્રીરામ’ બોલવામાં યુવાનોને નાનમ લાગે છે. માતાપિતાનો અને ગુરુનો આદર કરવાની ટેવ ભૂલાતી ચાલી છે.

આપણી જૂની અને બિનખર્ચાળ રમતો જેવી કે ખો ખો, હુતુતુ, ગીલ્લી ડંડા વગેરે રમવાનું કોઈને નથી ગમતું, પણ ક્રિકેટ જેવી ખર્ચાળ રમત લોકોને વધુ ગમે છે.

રાત્રે મોડા સુધી જાગવું, જાગીને ય કોઈ અર્થ વગરની સીરીયલો, ક્રાઈમ સીરીયલો અને શોર્ટ ફિલ્મો જોવી, સવારે મોડા ઉઠવું, આ બધું આપણા યુવાનો પશ્ચિમના દેશોમાંથી જ શીખ્યા છે. સિગારેટ, દારૂ પીવાની ફેશન, ડ્રગનો નશો કરવાની આદત વગેરે પણ એ દેશોમાંથી જ આપણે ત્યાં આવ્યું છે. આપણા લોકોને શરબત અને છાશ પીવાને બદલે ડ્રીન્કસમાં વધુ મજા આવે છે.

આ બધું જ સમજણ વગરનું આંધળું અનુકરણ છે. આજના યુવાનોને આ બધામાંથી છૂટીને આપણી સારી બાબતો અપનાવવાનું શીખવાડવું જરૂરી બની ગયું છે. આ શિખવાડવાનું કામ ત્રણ જગાએ થઇ શકે. એક તો માબાપો નાનપણથી છોકરાંને સારી બાબતો શીખવાડે, બીજું, સ્કુલ અને કોલેજોમાં પણ આ બાબતનું શિક્ષણ અપાય અને ત્રીજું મંદિર અને ગુરુઓ દ્વારા પણ આ બાબતો શીખવાડી શકાય.

કચ્છની ઝુપડી

૨૦૦૮ના ડિસેમ્બરમાં, અમે કચ્છમાં કાળો ડુંગર જોવા ગયા હતા. ભુજથી તે ૯૦ કી.મી. દૂર છે. વચ્ચે ખાવડા, ધ્રોબાણા વગેરે ગામો આવે છે. ધ્રોબાણાની નજીકના ગામમાં અમે નળાકાર ઝુપડીઓમાં રહેતા લોકો જોયા. આવી ઝુપડીને ભૂંગા કહે છે. આવી એક ઝુપડી જોવા અમે ગાડી ઉભી રાખી. ઝુપડીવાળા ભાઈને મળ્યા, તેમણે અમને પ્રેમથી આવકાર્યા અને ઝુપડી બતાવવા તેઓ અમને ઝુપડીની અંદર લઇ ગયા. અંદર પાળી બનાવેલી હતી, તેના પર અમે બેઠા.સામાન બહુ જ વ્યવસ્થિત રીતે ગોઠવેલો હતો, અંદર તો એસી જેવી ઠંડક હતી. તેમણે અમને ચા પીવા માટે આગ્રહ કર્યો, પણ અમે નમ્રતાપૂર્વક ના પાડી. ગામડાના લોકોની મહેમાનગતિ કેટલી લાગણી સભર હોય છે, તે અમે પ્રત્યક્ષ જોયું. પછી અમે ઝુપડીની બહાર આવ્યા. આજુબાજુની નાનકડી છોકરીઓ માથે હેલ મુકીને નજીકના તળાવે પાણી ભરવા જતી હતી, તેઓ અહીં ઉભી રહી. અમારી સાથેની સ્ત્રીઓએ, તેમની પાસેથી ઘડો અને દેગડો લઈને, માથે અને કાખમાં મૂકી ફોટા પડાવ્યા. ત્યાં ભેગાં થયેલાં છોકરાંને અમે ચોકલેટો વહેંચી. આવી સ્મૃતિઓ કાયમ મન પર અંકિત થઇ જતી હોય છે. અહીં તેના થોડા ફોટા મૂક્યા છે.

1

2

3

102702664_10221205992232801_3442860256341006936_o

5