શ્રી પદ્મનાભસ્વામી મંદિર, ત્રિવેન્દ્રમ, કેરાલા
આ મંદિર કેરાલાના પાટનગર ત્રિવેન્દ્રમમાં આવેલું છે. આ મંદિર પદ્મનાભસ્વામી એટલે કે વિષ્ણુ ભગવાનનું છે. તેઓ શેષનાગની છાયામાં આડા પડીને સૂતેલી મુદ્રામાં છે. બાજુમાં લક્ષ્મીદેવી છે. વિષ્ણુનો જમણો હાથ શિવલિંગ પર મૂકેલો છે. તેમની નાભિમાંથી કમળ ખીલેલું છે, એના પર બ્રહ્માજીનો વાસ છે. મુખ્ય મૂર્તિ ૧૨,૫૦૦ શાલીગ્રામનો ઉપયોગ કરીને બનાવેલી છે. આ શાલીગ્રામ નેપાળમાંથી ગંડકી નદીમાંથી લાવવામાં આવ્યા હતા. આ મંદિર ૮મી સદી જેટલું જુનું છે. હાલનું મંદિર ત્રાવણકોરના રાજા માર્તંડ વર્મા (Marthanda)એ ઈ.સ. ૧૭૩૧માં બંધાવ્યું છે. (તેનું રાજ ૧૭૨૯ થી ૧૭૫૮). મંદિરનું બાંધકામ દ્રવિડિયન શૈલીનું છે. મંદિરનું ગોપુરમ ૭ સ્તરમાં અને ૩૦ મીટર ઊંચું છે. મંદિરની બાજુમાં તળાવ છે, તેનું નામ પદ્મ તીર્થ છે. મંદિરની પરસાળોમાં ૩૬૫ થાંભલાઓ છે, તેઓના પર કોતરણી કરેલી છે. અહીં નવરાત્રિ તહેવાર ધામધુમથી ઉજવાય છે. લક્ષ દીપમ એ અહીનો મોટો ઉત્સવ છે. તે દર છ વર્ષે ઉજવાય છે, તે વખતે અહીં એક લાખ દીપ પ્રગટાવવામાં આવે છે. છેલ્લે આ ઉત્સવ જાન્યુઆરી ૨૦૨૦માં ઉજવાયો હતો.
મંદિરના ગર્ભગૃહની નીચે છ ભંડારો (Vaults) છે, તેમને A થી F નામ આપેલાં છે. આ ભંડારોમાંથી પાંચ ભંડારો છેલ્લાં થોડાં વર્ષોમાં ખોલવામાં આવ્યા છે. એમાં ઘણું બધું સોનું, ઝવેરાત, હીરા, મૂર્તિઓ, સિક્કા, વાસણો વગેરે જોવા મળ્યું છે. વોલ્ટ B ખોલવાનો હજુ બાકી છે. આ વોલ્ટ ખોલવાથી ખૂબ અશુભ થવાની શંકા છે. કહે છે કે હજુ ખોલ્યા વગરના બીજા બે વધુ વોલ્ટ G અને H પણ છે.
આ મંદિરમાં લેંઘો, પેન્ટ, ચડ્ડી કે જીન્સ પહેરીને જવાની છૂટ નથી. પુરુષોએ ધોતી અને સ્ત્રીઓએ સાડી, ઓઢણી, સલવાર કમીજ, સ્કર્ટ બ્લાઉઝ કે ગાઉન પહેરીને જવાનું હોય છે. તમે દર્શને ગયા હો અને આવાં કપડાં જો તમારી પાસે ન હોય તો ત્યાં કાઉન્ટર પર ભાડે મળે છે, એ ભાડે લઇ ત્યાં જ બદલી લેવાનાં, તમારાં પેન્ટ વિગેરે સાચવવાની ત્યાં વ્યવસ્થા છે. મંદિરમાં મોબાઈલ કે બીજી કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ લઇ જવાની છૂટ નથી. ફોટો પાડવાની મનાઈ છે.
સ્થાન: ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનથી મંદિર માત્ર ૬૦૦ મીટર દૂર છે.
ફોન: +91 47124 64606
દર્શન સમય: સવારે ૩-૧૫ થી ૧૨, સાંજે ૫ થી ૭-૨૦
જોવા માટેનો સમય: ૧ થી ૨ કલાક