૭૮ વર્ષની ઉંમરના જો બાયડન અમેરીકાના પ્રમુખ તરીકે ચૂંટાયા, તેઓ હવે ચાર વર્ષ સુધી અમેરીકાના પ્રમુખ તરીકે કામ કરશે. ૭૮ વર્ષની ઉંમરે પણ અમેરિકા જેવા દેશની સત્તા તેઓ સંભાળી શકે છે. અમિતાભ બચ્ચન પણ ૭૮ વર્ષના છે, આ ઉંમરે તેઓ ‘કૌન બનેગા કરોડપતિ’ જેવો ટીવી શો ખૂબ ઉત્સાહથી ચલાવી રહ્યા છે. લોકોને એમનો શો જોવાની આતુરતા રહે છે. શેરબજારના માંધાતા વોરેન બફેટનું નામ સાંભળ્યું હશે. હાલ તેઓ ૯૦ વર્ષની ઉંમરે પણ ખૂબ જ કાર્યરત છે. આ બધાં ઉદાહરણો બતાવે છે કે માણસની કામ કરવાની ધગશને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. ઉંમર તો માત્ર એક આંકડો જ છે.
આપણે બધા સામાન્ય રીતે એવું જોતા આવ્યા છીએ કે માણસ ૬૦ વર્ષ જેવી ઉંમરનો થાય એટલે પોતાના ધંધામાંથી ધીરે ધીરે નિવૃત્તિ તરફ ઢળવા માંડે છે. કામકાજ ઓછું કરી નાખે છે. જાહેર નોકરીઓમાં તો ૫૮ કે ૬૦ વર્ષે ફરજીયાત નિવૃત્તિની પ્રથા છે જ. પછી લોકો શું કરે છે તે જુઓ. છાપાં વાંચે, ટીવી જુએ, પૌત્રોપૌત્રીઓ જોડે થોડું રમે, બપોરે પણ ઊંઘે, સાંજ પડે હમઉમ્ર લોકો જોડે ગપ્પાં મારે અને એમ કરીને દિવસો પસાર કરે. કંઈ કામ કરવાનું આવે તો કહે, ‘હવે તો મારી ઉંમર થઇ, મારાથી કંઈ નહિ થાય.’ મોટા ભાગના લોકો આ પ્રકારના છે.
આમાં થોડો સુધારો કરવાની જરૂર જણાય છે. ૬૦ વર્ષ જેવી ઉંમરે તમે ધંધોનોકરી અને પૈસા કમાવાનું ભલે છોડી દો, પણ એ સિવાય બીજું ઘણું કરી શકાય એમ છે. તમને જે જાતના શોખ હોય, અને યુવાનીમાં ભાગદોડમાં એ શોખ પૂરા ના કરી શક્યા હો, તો હવે એ માટે તમને સમય મળ્યો છે, શોખનાં કામ કરવા માંડો. જેવા કે ફરવા જાવ, પેઇન્ટિંગ કરો, લખવાનો શોખ હોય તો એ કામ કરો, બીજાને મદદ કરવાની કોઈ યોજના ઘડી કાઢો અને એમાં પ્રવૃત્ત થઇ જાવ. તમે થોડું વિચારશો તો તમને ગમતાં કામ જડી જ આવશે.
બીજી એક સાયકોલોજીકલ વાત કહું. સામાન્ય રીતે સાઈઠ સિત્તેર વર્ષની ઉંમર થાય પછી મનમાં એક વિચાર આવે છે કે હવે મારે જીવવાનાં કેટલાં ઓછાં વર્ષ બાકી રહ્યાં ? આમાં હું શું કરી શકું? મનમાં પેલો ઉંમરનો આંકડો અને બાકી રહેલાં થોડાં વર્ષ દેખાયા કરે. પણ જો મનમાં એવું જ વિચાર્યું હોય કે હું ૧૦૦ વર્ષ જીવવાનો છું. તો જીવનમાં હજુ ઘણાં વર્ષ બાકી રહેલાં દેખાશે. એટલે એવું થશે કે ‘ઓ હો, હું તો હજુ ઘણું જીવવાનો છું.’ આ એક વિચારથી જ કામ કરવાનો ઉત્સાહ આવશે. મનમાં તાજગી આવશે. દોડવાનું મન થઇ જશે. તમે આવું વિચારી જુઓ, અને પછી જુઓ, તમારા જીવનની કમાલ ! તમે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘૧૦૨ નોટ આઉટ’ જોઈ હશે. એ આ જ વાત કહેવા માગે છે.
હું મોટીવેશનના એક સેમીનારમાં ગયો હતો. એમાં શૈલેશભાઈ નામના એક વિદ્વાનના પ્રવચનના શબ્દો હજુ યાદ છે. તેમણે કહ્યું હતું કે ‘હું જીવું ત્યાં સુધી આ કામ કરતો રહેવાનો છું. મારું મૃત્યુ જયારે આવે ત્યારે, પણ આ જ રીતે પ્રવચન કરતાં કરતાં જ આવે, એવી મારી ઈચ્છા છે.’ ગુજરાતી લેખક અને પત્રકાર સૌરભ શાહને તો જાણતા જ હશો. તેઓએ અવારનવાર લખ્યું છે, ‘હું ૧૦૦ જીવવાનો છું, અને ૯૮ વર્ષ સુધી આ રીતે લખતો રહેવાનો છું, છેલ્લાં બે વર્ષો આરામ કરવાનો છું.’
હમણાં જ મેં એક ચોપડી વાંચી. તેનું નામ છે ‘I have decided to live 120 years’ લેખક ILCHI LEE છે. ૧૨૦ વર્ષ કેવી રીતે જીવવું, એની એમણે વાત કરી છે. તેમણે કહું છે કે ’૬૦ -૭૦ વર્ષ પછી તમે જીવનમાં કંઇક કરવા માટેનું એક ધ્યેય નક્કી કરો, અને આ ધ્યેય તમને કામે લગાડી દેશે. તમે ઉંમર ભૂલી જશો.’
ઘણા કહે છે કે ‘Life begins at 65.’ ‘જીવનનું ૬૫મુ વર્ષ એ તો જીવનની શરૂઆત છે.’ આવું માનવાવાળા લાંબુ, સારું અને તંદુરસ્ત જીવી શકે છે. હિમાની માઈન્ડ ટ્રેઈનરને તમે ક્યારેક સાંભળી હશે. તે કહે છે, ‘જીવો, લાંબુ જીવો, બિન્ધાસ્ત જીવો, જીવનનો આનંદ માણો, અને બીજાને પણ એ આનંદ માણતા કરી દો.’
સામાન્ય રીતે તમે જેવું વિચારતા હો, એવું થતું હોય છે. લાંબુ અને તંદુરસ્ત જીવવાનું વિચારો, તો એવું જ થશે. તો આજથી “હવે મારી ઉંમર થઇ” એવું વિચારવાનું છોડી દો. તમારી ડીક્ષનરીમાંથી “થાક” અને “કંટાળો” નામના બે શબ્દ કાઢી નાખો. ઉત્સાહથી નીતરતા એક યુવાન જેવું જીવો, પછી જુઓ જીવનની મજા !