લાંબુ જીવન અને આરોગ્ય
તમારે સો વર્ષ કે તેનાથી યે વધુ જીવવું છે ને? એ માટે ત્રણ બાબતો જરૂરી છે. (૧) ધારો કે તમે અત્યારે ૭૦ વર્ષના છો. તમે પોતે મનમાં નક્કી કરો કે મારે સો વર્ષ તો જીવવું જ છે. તો એનાથી મનમાં એવું લાગવા માંડશે કે ‘ઓ હો હો, હજુ મારી પાસે કેટલાં બધાં વર્ષ બાકી રહ્યાં છે !! મારી પાસે કામ કરવા માટે અને સારી પ્રવૃત્તિઓ કરવા માટે હજુ કેટલો બધો સમય છે !’ એનાથી જીવનમાં એક ઉત્સાહ આવી જશે, તમે તમારી જાતને જુવાન લાગવા માંડશો. અને ઉત્સાહથી કામ કરવામાં લાગી જશો. અને આમ થવાથી તમે ખરેખર વધુ જીવી શકશો. (૨) બીજી બાબત એ કે લાંબા જીવનમાં તમે શું કરવા માગો છો, એનું એક ધ્યેય નક્કી કરો. અને એ ધ્યેય પૂર્ણ કરવા એની પાછળ કામ કરવા લાગી જાઓ. એક ધ્યેય પૂર્ણ થાય તો બીજું ધ્યેય શરુ કરી, તે કામ કરવા માંડો. આમ, તમારું ધ્યેય તમને નવરા નહિ પડવા દે અને તમારું જીવન લાંબા સમય સુધી ચાલ્યા જ કરશે. (૩) ત્રીજી બાબત એ કે તમારે લાંબુ જીવવા માટે અને કામ કરતા રહેવા માટે તમારું આરોગ્ય ખૂબ સરસ હોવું જોઈએ.
આ આરોગ્યવાળી ત્રીજી બાબત જરા વિગતે જોઈએ. આરોગ્ય સારું હોય તો જ લાંબુ જીવવાનો અર્થ છે. જો માંદગી આવ્યા કરે, એક ખૂણે ખાટલામાં પડી રહેવાનું હોય, ઘરના બીજા લોકો ય તમારી માંદગીથી કંટાળ્યા હોય તો લાંબુ જીવવાનો અર્થ નથી. એટલે લાંબુ જીવવા માટે તમારું આરોગ્ય સારું રહે, તે ખૂબ આવશ્યક છે.
બાળકનો જયારે જન્મ થાય ત્યારે શરીરમાં કોઈ રોગ હોતો નથી. જન્મ વખતે ભગવાન દરેકને એકદમ સાજુનરવું શરીર આપે છે. તો પછી શરીરમાં રોગો કેમ ઉમેરાય છે? એનું કારણ એ કે આપણે શરીરની કાળજી કરતા નથી. જો યોગ્ય કાળજી કરવામાં આવે તો રોગો આવે જ નહિ.
બીજું કે આપણું શરીર પોતે જ રોગો નાબૂદ કરવાની શક્તિ ધરાવે છે. શરીર પર જો ઘા પડ્યો હોય, અને જો કશું જ ન કરીએ તો પણ ધીરે ધીરે એ ઘા રુઝાઈ જાય છે. બીજી ઘણી બાબતમાં પણ આવું બને છે.
ત્રીજું, તમે એવું માનવા માંડો કે ‘મને કશું જ થયું નથી. મને કોઈ રોગ છે જ નહિ.’ તો આવી માન્યતા ધરાવવાથી પણ શરીરમાં કોઈ રોગ હોય તો તે દૂર થવા લાગે છે. ડો. નિમિત્ત ઓઝાએ લખેલા લેખો વાંચજો.
રોગ હોય તો પણ એવું માનવા માંડો કે, ‘મારો રોગ ધીરે ધીરે દૂર થઇ રહ્યો છે, હું સાજો થઇ રહ્યો છું’ આવી ધારણા કરવાથી પણ રોગ દૂર થાય છે. ડો. જીતેન્દ્ર અઢિયાનું પુસ્તક ‘પ્રેરણાનું ઝરણું’ વાંચી જજો.
બને ત્યાં સુધી તો તમે એવું સરસ જીવો કે કોઈ રોગ જ ના થાય.
મોટા ભાગના લોકો શું કરે છે કે સહેજ પણ તકલીફ લાગે, શરદી થાય, ખાંસીનો એકાદ ઠમકો આવે કે તરત જ ડોક્ટર પાસે દોડી જાય છે. (કોરોના કાળની વાત જુદી છે.) અને ગોળીઓ ખાવાનું શરુ કરી દે છે. ઘણાને તો ગોળીઓ ખાવાનો શોખ હોય છે. ક્યારેક જરૂર કરતાંય વધુ દવાઓ લીધે રાખે છે. આખો દિવસ ગણ્યા કરે કે ‘સવારે આ દવા લેવાની છે, સાંજે ફલાણી દવા લેવાની છે’ વગેરે. તેઓ દવામાંથી જ ઊંચા નથી આવતા. તમે તેમને મળો તો પણ તેઓ માંદગી અને દવાની જ વાતો કર્યે રાખે છે. આવા લોકોને ઘણી વાર દવાઓની સાઈડ ઈફેક્ટ પણ થાય, અને શરીર વધુ બગડે છે. ઈશ્વરે આપણને શું દવાઓ ખાવા માટે આ ધરતી પર મોકલ્યા છે? એવું જીવો કે દવા બને એટલી ઓછી લેવી પડે. દવા લેવી પડે તો પણ તમારું ધ્યાન દવાને બદલે બીજી પોઝીટીવ બાબતોમાં રાખો.
આપણે ત્યાં દવાખાનાંની સંખ્યા વધતી જાય છે. દવાખાનાંની કે ડોકટરોની સંખ્યા વધવાથી ખુશ થવા જેવું નથી. રોગ ન થાય, એમાં ખુશ થવા જેવું છે.
જો તમે તંદુરસ્ત અને નીરોગી રહેવા માગતા હો અને કોઈ રોગ ન થાય એવું ઈચ્છતા હો તો, ખાવાપીવા અને કસરતની બાબતમાં અમુક નિયમો પાળવા ખૂબ જરૂરી છે. આ માટે થોડી સામાન્ય બાબતો જોઈએ. રોજ થોડી હળવી કસરતો કરવી. રોજ ઓછામાં ઓછું અડધો કલાક ચાલવા જવું. રોજ પંદરેક મિનીટ પ્રાણાયામ કરવા. તાજો અને સમતોલ આહાર લેવો. નિયમિત આપણું કામકાજ કરતા રહેવું. હમેશાં પ્રસન્ન અને આનંદમાં રહેવું, નિવૃત્ત થયા પછી પણ ગમતી પ્રવૃત્તિ કરતા રહેવું. આરોગ્યને લગતાં તો અઢળક પુસ્તકો બજારમાં મળે છે. એમાંથી આપણને અનુકુળ લાગે તેવો સાર કાઢીને તે પ્રમાણે અનુસરવું.
તમારા રોજીંદા આહારમાં લીલાં શાકભાજી, સલાડ (ટામેટા, કાકડી, ગાજર વિગેરે), આદુ, લસણ, કોથમીર, લીલી હળદર, આંબામોર, આમળાં (શિયાળામાં), દહીં, છાશ, લીંબુ, ગોળ, સૂકો મેવો, અનાજમાં બાજરી, મકાઈ, મુખવાસમાં તલ, ફળો, શેકેલા ચણા, સીંગ, કઠોળ વગેરે ઉમેરો. તળેલી વાનગીઓ અને મીઠાઈઓ ઓછી ખાવ અથવા ક્યારેક જ ખાવ. અમુક વસ્તુઓ જેવી કે ચોકલેટ, કેક, બિસ્કીટ, બરફનો ગોળો, આઈસક્રીમ, પીણાં, પેક્ડ ફૂડ, જંક ફૂડ, ફળોના પેક્ડ રસ વગેરે ન ખાવ. મેંદાની વાનગીઓ ન ખાવ અથવા સાવ ઓછી ખાવ. આહારને વિષે પણ કેટલાંય પુસ્તકો ઉપલબ્ધ છે. તેમાંથી આપણને યોગ્ય લાગે તેવો સાર કાઢી લેવો.
જો તમે આરોગ્ય અને ખાવામાં આવી કાળજી લેશો તો રોગો નહિ આવે. અને તમને લાંબુ જીવવામાં મજા આવશે.