આપણા ભણતરમાં શું શું ઉમેરવું જોઈએ?
એક વાર મારો એક વિદ્યાર્થી ગૌતમ મારી પાસે આવ્યો, અને મને પૂછ્યું, ‘સર, અમે દિલ્હી ફરવા જઈએ છીએ, પણ અમારી ટ્રેન કેટલા વાગે દિલ્હી પહોંચશે, તે મારે જાણવું છે.’
મેં કહ્યું, ‘આ તો બહુ જ સહેલું છે. રેલ્વેના ટાઈમટેબલમાં જોઈ લે.’
એ બોલ્યો, ‘સર, ટાઈમ ટેબલ તો મારી પાસે છે, પણ એમાં શોધવાનું કઈ રીતે? મને એ નથી આવડતું.’
મેં કહ્યું, ‘જો, ટાઈમટેબલમાં અમદાવાદ-દિલ્હીના રૂટવાળું પાનું ખોલ. દરેક ટ્રેનને નામ અને નંબર આપેલા હોય છે. તારી ટ્રેનના નંબરવાળા કોલમમાં જો. એમાં દિલ્હીના નામ આગળ ત્યાં પહોંચવાનો ટાઈમ લખેલો હશે.’ એમ કહી, મેં એને ટાઈમટેબલમાં જોતાં શીખવાડ્યું અને એની ટ્રેનનો દિલ્હી પહોંચવાનો ટાઈમ બતાવ્યો. ગૌતમ ખુશ થઇ ગયો.
એક વાર એક છોકરી નામે શિવાની કુતૂહલવશ મને પૂછે કે ‘સર, મેં સાંભળ્યું છે કે ભારતમાં સાંજના સાડા પાંચ વાગ્યા હોય ત્યારે લંડનમાં બપોરના બાર જ વાગ્યા હોય. આવું કઈ રીતે બને? સૂરજ તો બધે સરખો જ પ્રકાશે ને? ભૂગોળમાં ક્યાંક ભણ્યા છીએ, પણ મને સમજાતું નથી.’ મેં એને પૃથ્વીના ફરવાની સાથે, પૂર્વ-પશ્ચિમમાં આવેલાં અલગ અલગ સ્થળોએ સમય કેમ જુદો જુદો હોય તે સમજાવ્યું.
અહીં વાત એ છે કે ગૌતમ અને શિવાની જેવા અનેક લોકોને આવી બધી ખબર નથી હોતી. ‘પનામા નહેર ક્યાં આવી?’ ‘બીજા કોઈ દેશના વિઝા કઈ રીતે કઢાવવા?’ ‘ઘઉંની ખેતી કઈ રીતે થાય?’ – આ અને આવા હજારો પ્રશ્નોની માહિતી વિદ્યાર્થીઓને નથી હોતી. ભણીને ડીગ્રીઓ મેળવી લીધા પછી પણ ઘણી વ્યવહારિક જાણકારી લોકો પાસે નથી હોતી. આ બધાનું કારણ શું? શું, આ બધું જાણવાની જરૂર નથી હોતી? અરે, બહુ જ જરૂર હોય છે. આ દુનિયામાં લોકો વચ્ચે રહેવું હોય તો આવી બધી ખબર હોવી જ જોઈએ.
આપણે બધા શું કરીએ છીએ કે આવી કોઈ માહિતીની જરૂર પડે ત્યારે કોઈકને પૂછીને જાણી લઈએ છીએ, અને આપણું ગાડું ગબડ્યા કરે છે. પણ એને બદલે આવી બધી જાણકારી સ્કુલ-કોલેજોમાં શીખવાડાય, એ વધુ સારું નહિ? આપણા શિક્ષણમાં આવી બધી બાબતો વિષે ક્યાંય ભણાવાતું નથી. આપણા અભ્યાસક્રમો એવા છે કે એમાં સીલેબસ નક્કી હોય, અને એમાંથી જ પરીક્ષામાં પૂછાય. વિદ્યાર્થીઓ પણ મનેકમને એ ભણી નાખે, પાસ થાય અને ડીગ્રી પણ મળી જાય. મોટા ભાગના વિદ્યાર્થીઓને આ રીતે ભણવાનો કંટાળો આવતો હોય છે, પણ ફરજીયાત ભણવું પડે છે, એટલે ભણે છે. આજનું ભણતર વ્યવહારુ જ્ઞાનવાળું, જીવનમાં ઉપયોગી થાય એવું, જીવનનાં મૂલ્યો શીખવાડે એવું, સારા પ્રામાણિક માણસ બનાવે એવું અને સુખી, આનંદમય જીંદગી જીવતાં શીખવાડે એવું છે ખરું? ના, નથી જ.
આજે વિજ્ઞાનની આટલી બધી શોધખોળો થયા પછી, દુનિયાના લોકો એકબીજાની નજીક આવી ગયા છે. સંદેશાવ્યવહાર અને વાહનવ્યવહાર ક્ષેત્રે અદભૂત ક્રાંતિ થઇ છે. કોમ્પ્યુટર, ઈન્ટરનેટ અને મોબાઈલ ફોને દુનિયાને ઘણી બધી બદલી નાખી છે. આ સંજોગોમાં ઘણી વ્યવહારલક્ષી બાબતો જાણવાનું બધાએ જરૂરી બની ગયું છે. જો સ્કુલ-કોલેજોમાં આવું શિક્ષણ અપાય તો વિદ્યાર્થીની પ્રતિભામાં ઘણો વધારો થાય.
ઉપરનાં બેચાર ઉદાહરણો ઉપરાંત, હું અહીં બીજાં થોડાં નમૂનારૂપ ઉદાહરણો આપું કે જેના વિષે વિદ્યાર્થીઓએ જાણવું જોઈએ. જેમ કે વરસાદપડે ત્યારે નદીઓમાં વહી જતા પાણીને કઈ રીતે સાચવી શકાય? વીજળીનો વેડફાટ કઈ રીતે અટકાવાય? વધુ વૃક્ષો ઉગાડવા શું આયોજન કરવું? પેટ્રોલ ક્યાંથી અને કેવી રીતે મળે છે? શહેરમાં ટ્રાફીક કઈ રીતે ઘટાડી શકાય? રોડ પર જતા હોઈએ, અને રસ્તામાં કોઈને એકસીડન્ટ થાય, ત્યારે શું કરવું? બીજા વિદ્યાર્થીઓ સાથે હળીમળીને કેવી રીતે રહેવું? જાહેર જગાઓ અને રસ્તાઓ પર ગંદકી ના થાય એ માટે શું કરવું? લોકજાગૃતિ કઈ રીતે લાવવી? પ્રામાણિકતાથી જીવન જીવવા શું કરવું? કુરિવાજો કઈ રીતે દૂર કરવા?
આ ઉપરાંત, વોલંટીયરનું કામ કરવું, જેવું કે કોઈ વિસ્તારમાં સફાઈ, કોઈ હોસ્પિટલમાં અમુક કલાક કામ કરવા જવું, બાળકોના જન્મ દિવસની ઉજવણીમાં ગરીબોને મદદ કરવી, સ્કુલમાં પિગી બેંકમાં નાખેલા પૈસા ગરીબ બાળકો માટે વાપરવા, દેશભક્તિ અને પોઝીટીવ થીંકીંગ વિષે શીખવાડવું, આપણો વારસો અને સંસ્કૃતિ, મહાભારત અને પ્રાચીન ગ્રંથો વિષે જાણકારી, ગીતાનું અધ્યયન, આધ્યાત્મિક ટુર તથા આશ્રમ અને મંદિરોની મુલાકાતો ગોઠવવી, અપશુકનોનું લીસ્ટ બનાવવું, તેની ખોટી માન્યતાઓ સમજાવવી, બાળકોના અંગત પ્રશ્નોની ચર્ચા કરી તેમને સુધારવા, વાલીઓના પ્રોબ્લેમ શું છે તે જાણવું વગેરે.
આવા તો અનેક પ્રશ્નો શોધી શકાય. આવું બધું વ્યવહારુ જ્ઞાન મેળવવા માટે શિક્ષણ સંસ્થાઓમાં એક વધારાનો વિષય રાખવો જોઈએ. શિક્ષકે ખૂબ જ ધ્યાનપૂર્વક વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઇ આ બધું ભણાવવું જોઈએ. ખાસ તો એ જરૂરી છે કે વિદ્યાર્થીઓમાં આ બધું શીખવાનો રસ પેદા થાય. આજના મોટા ભાગના વિદ્યાર્થીઓને ક્લાસમાં બેસીને ભણવાનું ગમતું નથી. એટલે આ વ્યવહારુ જ્ઞાનવાળો વિષય પણ તેને બીજા વિષયો જેવો નીરસ જ લાગશે. આમ છતાં, વિદ્યાર્થીને આ વિષય ગમે, એને રસ પડે, એને મજા આવે, એને આ બધું જાણવાનું આકર્ષણ થાય એવું વાતાવરણ ઉભું કરવું જોઈએ. વિદ્યાર્થીને આ બધું જાણવાની જિજ્ઞાસા પેદા થાય એવો માહોલ પેદા કરવો પડે. વળી, આ શિક્ષણનો વહેવારમાં જ્યાં ઉપયોગ થતો હોય, ત્યાં વિદ્યાર્થીને લઇ જઇ, તેનું જ્ઞાન પ્રત્યક્ષ કરાવવું પડે. કદાચ ભણવામાં આવો વિષય ભલે ના રાખીએ તો પણ દરેક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને, પોતાના રેગ્યુલર વિષયની સાથે પાંચેક મિનીટ આવી વ્યવહારુ વાતો કરે તો પણ ઘણું છે. વિદ્યાર્થીને પ્રેમથી શીખવાડીશું તો તેને ભણવાનું જરૂર ગમશે.
વિદ્યાર્થીઓ વ્યવહારની આવી બધી વાતો શીખશે તો આપણો સમાજ ઘણો આગળ આવશે, આપણો વિદ્યાર્થી ક્યાંય પાછો નહિ પડે, દેશમાં ભ્રષ્ટાચાર ઓછો થશે, ચોખ્ખાઈ જળવાશે, કુદરતી સ્ત્રોતોનો વેડફાટ થવાને બદલે તેનો મહત્તમ ઉપયોગ થશે, અને આપણે દુનિયાના આગળ પડતા દેશોની હરોળમાં આવી શકીશું.
આવો સમાજ કોને ન ગમે? ચાલો, આપણે આ દિશામાં આજથી જ શરૂઆત કરીએ. આપણે ભણવાની પદ્ધતિમાં ફેરફાર કરીએ.