મુશ્કેલીઓને હળવી બનાવો

મુશ્કેલીઓને હળવી બનાવો

આપણા જીવનમાં ક્યારેક નાનીમોટી મુશ્કેલીઓ તો આવતી હોય છે, કોઈનું ય જીવન સંપૂર્ણ સરળ તો નથી જ હોતું. તમારી પાસે ગમે તેટલા પૈસા હોય, તો પણ ક્યારેક તકલીફ તો આવે જ. તો આવી તકલીફ વખતે શું કરવું? તકલીફ વખતે શું કરવું કે જેથી જીંદગીનો આનંદ જતો ના રહે. તમે મુશ્કેલીને હળવી બનાવી શકો. મુશ્કેલીને હળવાશથી લો, અને તેને સુલઝાવવાનો રસ્તો શોધો. કોઈ રસ્તો ના મળે તો તેનો સ્વીકાર કરો. ભગવાન પર શ્રદ્ધા રાખો. ભગવાન આપણી મુશ્કેલીઓ જરૂર હળવી બનાવી દે છે.  

શ્રી યદુનાથજી મહોદયશ્રીએ આ અંગે બહુ જ સરસ વાત કરી છે. તેમણે કહેલો એક પ્રસંગ તમને કહું. એક રાજા હતો, તેના મહેલની આગળ એક બહુ મોટો બગીચો હતો. બગીચામાં જાતજાતના ફૂલછોડ અને ફળોનાં ઝાડ હતાં. રાજાએ એ બધાની સંભાળ માટે માળી રાખ્યો હતો. માળી છોડોને પાણી પાય, અને ઝાડ પર જે ફળો થાય તે ટોપલામાં ભરીને રોજ સાંજે રાજાને પહોંચાડે. રાજા પણ ફળો ખાઈને ખુશ થાય, અને માળીને અવારનવાર પૈસા અને ભેટસોગાદો આપે. એક દિવસ માળીએ રાજા માટે ફળ તોડ્યાં. તેણે થોડાં નાળીયેર તોડ્યાં, થોડાં સફરજન, થોડાં જામફળ અને થોડી દ્રાક્ષ પણ તોડી. પછી વિચાર કરવા બેઠો કે રાજા પાસે આજે કયાં ફળ લઈને જાઉં કે જેથી રાજા ખુશ થાય. પહેલાં એણે નાળીયેર લઇ જવાનું વિચાર્યું, પછી વિચાર બદલીને સફરજન, એ વિચાર પણ બદલીને જામફળ, પણ એ ય ઠીક ન લાગતાં છેવટે દ્રાક્ષ લઇ જવાનું નક્કી કર્યું. માળી દ્રાક્ષની ટોપલી લઈને રાજા પાસે પહોંચ્યો.  

રાજા સામે તેણે દ્રાક્ષની ટોપલી ધરી. આજે રાજા કોઈક કારણસર ગુસ્સામાં હતો. તેણે ટોપલામાંથી એક દ્રાક્ષ ખાધી, અને બીજી એક દ્રાક્ષ ઉપાડીને માળીને માથામાં મારી. માળી બોલ્યો, ‘ભગવાન, આપની કૃપા.’ રાજાએ બીજી દ્રાક્ષ ખાધી, અને ટોપલીમાંથી એક દ્રાક્ષ લઈને માળીને ફરીથી માથામાં મારી. આ વખતે પણ માળી બોલ્યો, ‘ભગવાન, આપની કૃપા.’ આમ દર વખતે રાજા એક દ્રાક્ષ ખાતો જાય અને એક દ્રાક્ષ માળીને માથામાં મારતો જાય, માળી પણ દર વખતે ‘ભગવાનની કૃપા’ એમ બોલતો જાય. આમ વારંવાર થયા પછી, અને ‘ભગવાનની કૃપા’ એવું સાંભળ્યા પછી, રાજાનો ગુસ્સો ઉતરી ગયો, ત્યારે રાજાએ માળીને પૂછ્યું, ‘મેં તને આટલી બધી વખત દ્રાક્ષ માથામાં મારી, તો પણ તેં એને ભગવાનની કૃપા જ કેમ માની?’

માળી કહે, ‘રાજન, આજે મેં દ્રાક્ષ ઉપરાંત નાળીયેર, સફરજન અને જામફળ પણ તોડ્યાં હતાં, છતાં, ભગવાને જ મને આપની સમક્ષ દ્રાક્ષ લઇ આવવાનું સુઝાડ્યું. જો હું નાળીયેર, સફરજન કે જામફળ લાવ્યો હોત, અને તમે મને તે માથામાં માર્યાં હોત, તો મારું માથું ફૂટી જાત, અને હું મરી જાત. પણ ભગવાને જ મને સારું સુઝાડ્યું અને હું દ્રાક્ષ લઈને આવ્યો, અને હું બચી ગયો, મારી મુશ્કેલી હળવી થઇ ગઈ, એને ભગવાનની કૃપા જ કહેવાય ને?’ આપણે પણ ભગવાન પર ભરોસો રાખીએ અને દરેક ઘટનામાં ભગવાનની કૃપા માનીએ, તો ભગવાન આપણને સારું જ સૂઝાડે છે, જો આપણો ઈરાદો શુદ્ધ હોય તો ભગવાન જે કરે તે સારા માટે જ હોય છે. ભગવાન આપણી મુશ્કેલીને હળવી બનાવી દે છે, અને આપણે તે મુશ્કેલીમાંથી બહાર આવી જઈએ છીએ.’

માળીની આ વાત આપણા જીવનમાં બનતી બધી ઘટનાઓ માટે લાગુ પડે છે. ભગવાન આપણું ક્યારેય અહિત કરતા નથી. ભગવાન પર શ્રદ્ધા રાખીએ તો તે આપણી મુશ્કેલી આસાન કરી દે છે. તમારા જીવનમાં બનતી ઘટનાઓમાં આ બાબતનો અનુભવ કરજો.

એક વાર અમે નારેશ્વર ગયા હતા. ત્યાંથી પાછા વળીને ભરૂચ જવાનું હતું. નારેશ્વરથી ભરૂચ ૩૮ કી.મી. દૂર છે. નારેશ્વરમાં જ રાત પડી ગઈ. આ રસ્તે પહેલી વખત જ જતા હતા. થોડાક કી.મી. ગયા પછી, રસ્તાના બે ફાંટા પડ્યા, હવે? કયા ફાંટામાં જવું એ ખબર નહિ. ક્યાંય બોર્ડ મારેલું ન હતું. કોઈ માણસ પણ ત્યાં હતો નહિ કે જેને પૂછી શકાય. બધે જ અંધારું હતું. છેવટે ભગવાનનું સ્મરણ કરી એક ફાંટામાં ગાડી આગળ લીધી. ચારેક કી.મી. પછી એક ધાબા જેવું કંઇક આવ્યું, ત્યાં ઉભેલા માણસોને ભરૂચનો રસ્તો પૂછ્યો, તો કહે કે ‘આ રસ્તો બરાબર છે.’ છેવટે અમે આસાનીથી ભરૂચ પહોંચી ગયા. ભગવાન આપણને સાચું જ સુઝાડે છે, અને આપણી મુશ્કેલી હળવી બની જાય છે. તમારા અનુભવો જણાવજો.