મકાઈ ખાવાની મોજ
પંચમહાલ જીલ્લામાં ગોધરાથી ૧૬ કી.મી. દૂર ઘૂસર ગામમાં, ડુંગરો વચ્ચે ગોમા નદીને કિનારે ગુપ્તેશ્વર મહાદેવ આવેલું છે. અહીં એક ડુંગર પર પત્થરોની ગુફામાં ગુપ્તેશ્વર મહાદેવ બિરાજમાન છે.
અમે એક વાર બપોર પછી અહીં ગયા હતા. મહાદેવનાં દર્શન કર્યા બાદ નદી બાજુ ફરવા નીકળ્યા. નદી કિનારે, એક ખેતર જોયું, એમાં મકાઈનો પાક લહેરાતો હતો. છોડ પર મકાઈનાં ડોડા લાગેલા હતા. આવી સરસ કુણી મકાઈ ક્યાં ખાવા મળે? મોઢામાં પાણી આવી ગયું. પણ આ મકાઈ લેવી કઈ રીતે? ખેતરને વાડ કરેલી હતી, એટલે જાતે તો મકાઈ લેવાય એવું હતું જ નહિ.
એટલામાં ખેતરમાં એક ખેડૂત નજરે પડ્યો. મેં કહ્યું, ‘એ ભાઈ, અમને થોડી મકાઈ આપશો?’
તેણે ના પાડી, કહે, ‘હું તો ભાઈ, ચોકીદાર છું. આ ખેતર મારું નથી. મારાથી મકાઈ ના અપાય.’
મેં કહ્યું, ‘એ જે હોય તે. તને થોડા રૂપિયા આપી દઈશું. એ રૂપિયા તું તારા શેઠને આપી દેજે. પણ મકાઈ તો અમારે ખાવી છે.’
થોડી હા-ના પછી એ મકાઈ આપવા તૈયાર થયો. અમે સાત જણ હતા, એટલે એણે સાત મકાઈ તોડી આપી. અમે ૨૦ રૂપિયા આપી દીધા. ખેડૂત ખુશ અને અમે પણ ખુશ. હવે આ મકાઈને શેકવી કેવી રીતે? એમાં એ ખેડૂત મદદે આવ્યો. એ ખેતરમાંથી બહાર આવ્યો. એણે આજુબાજુથી ડાળખીઓ-લાકડાં ભેગાં કર્યા. એની પાસે બીડી સળગાવવા માટેની દીવાસળી તો હતી જ. એણે લાકડાં સળગાવ્યાં, અને અમે બધાએ થઈને મકાઈ શેકી.
વાહ, પછી તો ખાવાની શું મજા આવી ગઈ !! આવી તાજી મકાઈ ખાઈને ખૂબ સંતોષ થયો. પછી તો નદીમાં જઈને બેઠા. નદીમાં હાથથી વહેરો (ખાડો) ખોદી પાણી કાઢ્યું, પાણી પીધું.
હવે અંધારું થવા આવ્યું હતું. આજુબાજુ કોઈ દેખાતું ન હતું. અમે ગાડી ઉપાડી, અને આઠ વાગે બાજુના વેજલપુર ગામે એક સંબંધીને ત્યાં પહોંચ્યા. અમે તેમને મકાઈ ખાધાનો અને નદીમાં પાણી પીધાનો અનુભવ કહ્યો. એ સંબંધી બોલ્યા, ‘તમે બચી ગયા. અંધારું થયા પછી, ત્યાં એ નદીમાં વાઘ પાણી પીવા આવે છે.’
બાપ રે, તે દિવસે જો વાઘ આવ્યો હોય, તો અમને બધાને ખાઈ ગયો હોત !!